Engineering Girl - 11 - 1 in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | એન્જિનિયરિંગ ગર્લ - 11 - 1

એન્જિનિયરિંગ ગર્લ - 11 - 1

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૧૧ – ભાગ - ૧

રોમેન્ટિક એક્ઝામ્સ

આદત, હું વિવાનની આદતી બની ચુકી હતી. અમારો રિલેશન શરીરથી ક્યાંય આગળ વધી ચુક્યો હતો. એ વિવાન જ હતો જે મારી ધકડનો વધારી શકતો. એને કૉલ કરતા પહેલાં મારી ધડકનો પહેલાં દિવસની જેમ જ બે વર્ષ પછી પણ વધી જ જતી. એની પાસે કોઈક એવી વસ્તુ તો દર વખતે હોતી જ, કે જે મને સરપ્રાઇઝ કરતી. એટલે જ એને કૉલ કરતા પહેલાં કે કૉલ રીસિવ કરતા પહેલાં અંદર તેજ ધડકનોના વંટોળો ઊભા થતા. એ વિવુ જ હતો જે મારાં માટે બન્યો હતો. એનો ચહેરો મને હંમેશા સુકૂન આપતો, એની પ્રેઝન્સમાં હું સેફ ફીલ કરતી. પહેલાં જ દિવસથી એણે મને એક્સાઇટમેન્ટની અનુભૂતિઓ કરાવી હતી. વિવુએ મને હિંમત અપાવી હતી. એણે જ મને જીવતા શીખવાડ્યુ હતું. એણે જ મને હસતા શીખવાડ્યુ હતું. એણે જ મને પ્રેમ કરતા શીખવાડ્યું હતું. ક્યારેક હું વિચાર કરતી કે વિવાન ના હોત તો મારી લાઈફ કેવી સુકી ભટ્ટ અને વેરાન હોત.

મને ચારે તરફ સંગીત સંભળાતુ. ક્યારેક હું નિશાને બાહોમાં લઈને નાચતી. જાણે હું પાગલ હોવ. ક્યારેક હું ગાતી જાણે મારું ખસકી ગયું હોય. હું સપનાઓ જોતી, મને ઠંડી હવાઓ વિવાનની યાદ અપાવતી. મને કાળો તડકો પણ વિવાનની યાદ અપાવતો. વરસાદ વિવાનના ગરમ શ્વાસોની યાદ અપાવતો. મારાં બદનમાં ઝણઝણાટી ઉપડી જતી. મને આ જિંદગી સૂરમય લાગતી. વિવાનની પાછળ બેસીને કરેલી લોંગ રાઇડ્સ મારી જિંદગીના હસીન પળોની સ્મૃતિ છે. એની માંસલ બાહોં, એનો શિલ્પી ચહેરો, એની સ્ટડ સ્ટાઇલ, એની મારી સામે જોઈને સ્માઈલ કરવાની નઝાકત, એની મારાં માટે કોઈ પણ સાથે લડી લેવાની હિંમત, મારો હાથ પકડેલો એનો હાથ, મારાં ખોળામાં એનો ચહેરો, એના હોઠનો મારાં કાન પાસેનો સ્પર્શ, મારી ગરદન પાસેના એના ગરમ શ્વાસો, એની સાથેથી છૂટી પડતી વખતે અચાનક લેવાઇ જતી પપ્પી, એના હોઠોનું મારાં હોઠોમાં ડૂબી જવુ, એની પ્રેમ ભરી અને કૅરિંગ મારાં કપાળ પરની કિસ, કિસ કર્યા પછી એનું મારી આંખોમાં જોવુ, મારું એની ઉંડી આંખોમાં જોવુ, મારી અને એની આંખો અને સ્મિતની ભાષા. મિનિટો સુધી અમારું બંનેનું એકબીજાની આંખોમાં જોઈ રહેવુ. આ બધી મેમોરેબલ મોમેન્ટ્સ એ મારી લાઈફની સમરી છે. આ મારી લાઈફની બેસ્ટ મોમેન્ટ્સ છે. જેમાં માત્ર હું હતી અને વિવુ હતું. મારો વિવુ…! માય ડિયર વિવુ…!

એક્ઝામ્સ ચાલી રહી હતી. પહેલી વાર એક્ઝામ્સ પહેલાં જ વાઇવા લેવાઇ ગયા હતાં. સબમિશનમાં મેં વિવાનના ઘણા અસાઇનમેન્ટ્સ લખ્યા હતાં. જેના કારણે નિશાએ મને ચીડવી ચીડવીને હેરાન કરી નાખી હતી. ચાર પેપરમાંથી બે પેપર પુરા થઈ ચુક્યા હતાં. બે પેપર બાકી હતાં. હવે પછીના પેપર વચ્ચે બે દિવસની રજા હતી. બધાં જ વાંચવામાં ડૂબી ગયા હતાં. મ્યૂઝિક ક્લાસમાં મેં ઘણા દિવસથી જવાનું પણ બંધ કરી દીધું હતું. ઇનરઆર્ટમાંથી ધર્મેશ સરનો આજે જ મૅસેજ આવ્યો હતો. પૂછતાં હતાં કે, ‘કેમ નથી આવતી.’ મેં જવાબ આપ્યો હતો કે, ‘એક્ઝામ ચાલે છે.’, થોડી ટિપિકલ વાતો કરીને અમે લોકોએ કૉલ કટ કર્યો. ધર્મેશ સર ક્યારેક મારી સાથે ફ્લર્ટ પણ કરતા. બટ હું એને વધારે ઇમ્પોર્ટન્સ ના આપતી. હું આ વાતને નેચરલ ગણતી અને કન્ઝીડર જ ના કરતી. પહેલાં બે પેપર તો ઓસમ જ ગયા હતાં. વિવાન પણ કહી રહ્યો હતો કે એ પાસ તો થઈ જ જશે. રૂમમાં એક્ઝામ્સનો માહોલ પૂરેપૂરો જામ્યો હતો. પૂરેપૂરો એટલે પૂરેપૂરો.

***

વો રાતે, હાઉ કેન આઈ ફરગેટ. વો સબમિશન કે દિન. ધોઝ આર ક્રેઝી મેમરીઝ. હું જ્યારે પણ એ દિવસો યાદ કરૂં છું, ત્યારે વિચારૂ છું, અમે કેવા પાગલ હતાં. હું કેવી પાગલ હતી.

એ દિવસે એડવાન્સ કોમ્યુટર નેટવર્કનું સબમિશન હતું. આ કોમ્યુટર અને આઈ.ટીનો કોમન સબજેક્ટ હતો. આઈ.ટી કમ્પ્યૂટરના ડિપાર્ટમેન્ટ બાજુ બાજુમાં જ હતાં એટલે હું, નિશા, સોનુ અને કૃપા સાથે જ બેસેલા હતાં. મેં મારાં અસાઇનમેન્ટ્સ લખી નાખ્યા હતાં. નિશા, સોનુ અને કૃપા તો એમ પણ બધું છેલ્લે જ કરતા. લખવાનું છેલ્લે, વાંચવાનું પણ એક્ઝામ ટાઈમ પર જ એટલે એ લોકોને ઘણા અસાઇનમેન્ટ્સ લખવાના હતાં. એટલે એ લોકો કોપી કરી રહ્યા હતાં. હું પણ વિવાન માટે કોપી કરી હતી. એનો ટર્ન લાસ્ટમાં જ આવતો એટલે એ એની પ્રેક્ટિસને કારણે લેઇટ આવવાનો હતો. બટ સબમિશન વખતે તો એન્જીનીયર્સ કોપી કરવા જ લાગેલા હોય છે. આખુ સેમેસ્ટર ખાલી પડેલા ક્લાસ સબમિશન વખતે ભરાઇ જતા હોય છે. પેરેગ્રાફના પેરેગ્રાફ ગપચાવીને ૫૦ પેજનું અસાઇનમેન્ટ ૧૫ પેજમાં જ પૂરું કરી નાખતા. કદાચ પંદર પણ વધી ગયા. એમાં પણ કેટલાક ભણેશ્રી અને ભણેશ્રીઓ હોય ને, પેલા હું પણ એમાંની એક જ હતી. બટ વિવાને બગાડી દીધી., કદાચ સુધારી દીધી. અમારાં ક્લાસમાં પણ એવા આડા ફાટવા કેટલાક સ્ટુડન્ટ્સ હતાં જ. છોકરીઓમાં દીક્ષા. એનરોલમેન્ટ નંબરમાં પણ નં ૧, સાત સેમેસ્ટર સુધી રેંકમાં પણ નં ૧, બટ મિડસેમમાં એને રૅડિયો સરના પેપરમાં બ્લોક આવ્યો હતો. એટલે જ એ મિડસેમ પછી હાર્ડવર્ક કરી રહી હતી. મિડસેમ પછી મેં એને ગપ્પા મારતા જોઈ નહોતી. ઓન્લી રીડિંગ. અનિલ, એ પણ ભણેશ્રી. ક્યારેક ક્યારેક તો મને એમ લાગતું કે આ બંનેએ મેરેજ કરી લેવા જોઈએ. એ બંને એકબીજા માટે જ બન્યા હતાં.

આખો ક્લાસ બંનેને સાયન્ટિસ્ટ કપલ તરીકે ઓળખવા લાગ્યો હતો. એ લોકોનું એક અસાઇનમેન્ટ્સ ૭૦ પેજીસથી નાનું ન હોય. ક્લાસમાં અસાઇનમેન્ટ્સ પહેલું લખવા વાળા લોકોમાં એ બંને જ હતાં. પછી શરૂ થાય કોપી ફ્લો. એમાં પણ જો એક ભૂલ થાય તો એ ભૂલ આખા ક્લાસના અસાઇનમેન્ટમાં હોય. એ ભૂલ સિવાયની બીજી પોતાની ભુલો તો અલગ. એને જ તો કહેવાય “નો બ્રેઇન” કોપી. મન ક્યાંય સપના અને ગપ્પાઓમાં ડૂબ્યું હોય બટ પેન સટાસટ કાગળ પર ચાલતી હોય. આંખો એનું કામ એ રીતે કરતી હોય જાણે એની પાસે મલ્ટી ટાસ્કીંગનું વરદાન હોય. ફ્રૅન્ડ્સ સાથે વાતો કરતી જાય, આજુ બાજુ જોતી જાય, બીજાના અસાઇનમેન્ટ્સમાં લખેલું જોતી જાય અને હાથને આદેશ પણ આપતી જાય કે શબ્દોના વળાંકો કેવા લેવા છે.

મનોજ પટેલ એટલે A.D.C.N ના સર. પચાસેક વર્ષની ઉંમર, માથા પર ટાલ, ધોળી દાઢી, બ્રાઉન ચહેરો, હંમેશા ફોર્મલ કપડા, ખડુસ સ્વભાવ, સ્ટ્રીક્ટ અબાઉટ ડીસીપ્લીન, સ્ટ્રીક્ટ અબાઉટ સબજેક્ટ અને છેલ્લે ડિપાર્ટમેન્ટ H.O.D. એ દિવસે આઈ.ટીના H.O.D. કોઈ કારણના લીધે એબસન્ટ હતાં. એટલે બંને ડિપાર્ટમેન્ટનું સબમિશન આજે રૅડિયો સર લેવાના હતાં. મનોજ સરનું નામ અમારાં ક્લાસે રૅડિયો સર પાડ્યું હતું, કારણ કે કોમ્યુનિકેશનના લેક્ચર એ રીતે ડિલિવર કરતા જાણે રૅડિયો. એવો રૅડિયો કે જે એકવાર શરૂ થાય એટલે એક કલાક સુધી બંધ જ ના થાય. ક્યારેક કોમ્યુનિકેશનના ગીતો એક કલાક કરતા વધુ પણ ચાલી જતા. સ્ટુડન્ટ્સ માટે તો એ હાલરડા જેવા હતાં. લેક્ચર શરૂ થાય અને સ્ટુડન્ટ્સ ગહન નીંદ્રામાં પોઢી જાય. પરંતુ બે લોકો તો જાગતા જ હોય, અનિલ અને દીક્ષા. મિસ્ટર સાયન્ટિસ્ટ અને મિસ સાયન્ટિસ્ટ.

એ દિવસે એ સરના સબ્જેક્ટનું સબમિશન હતું. બધાં જ સ્ટુડન્ટ્સ લખવાની સાથે ગપ્પાઓમાં મશગુલ થઈ ગયા હતાં. અમુક યાદો સાચવવા માટે ફોટોગ્રાફી કરતા હતાં, કારણ કે આ અમારી છેલ્લી એક્ઝામ હતી. તો અમારી જેવા વાતોના વડા બનાવીને મોજ લઈ રહ્યા હતાં.

રૅડિયો સર ક્લાસમાં આવ્યાં અને કહ્યું કે “૧ થી ૪ નંબર સબમિશન માટે આવી જાય. અને આઈ.ટીના પણ.” આઈ.ટીના સ્ટુડન્ટ નંબર ૧ અને ૨ તો ઠીક, બટ નંબર ૨ અને નંબર ૩ ની હાલત તો જોવા જેવી હોય. દીક્ષા અને અનિલની ફાઇલ મહાભારતના બે ગ્રંથ ભેગા કરો એટલી જાડી હોય, ૨ અને ૩ નંબર કેદાર અને અંકુરની ફાઇલ ૫૦ પેજની બુક જેટલી પાતળી હોય. બધાં સરો ચલાવી પણ લેતા, માત્ર રૅડિયો સર સિવાય. એ છતાં આ વખતે પણ એમની ફાઇલ મસ્ત પાતળી પરમાર જેવી હતી. એ ચારેય લોકો સરની પાછળ તરત જ બહાર નીકળીને લેબ તરફ ગયા. લેબનો દરવાજો બંધ થયો. ક્લાસમાં બધાં જ લોકો પોતપોતાના ટર્નની તૈયારીમાં લાગી ગયા. બધાંને ખબર હતી કે એ લોકો બહાર નીકળશે એટલે આખો ક્લાસ એમનું ઇન્ટરવ્યું લેવા ચારેતરફ ઘેરી વળશે. સવાલ એક જ હશે. “શું પૂછ્યું…? શું પૂછ્યું….?”

૧ થી ૪ નંબર પછીના ૪ સ્ટુડન્ટ તૈયાર થઈ ગયા. મારો 25મો નંબર હતો, નિશાનો ૩૧મો હતો. સોનુ અને કૃપાનું સબમિશન પણ આગળ પાછળ હતું. ૧ થી ૪ નંબર અંદર ગયા એટલે તરત જ મેં વિવાનને મૅસેજ કર્યો કે, ‘સબમિશન શરૂ થઈ ગયું છે.’

બે મિનિટ પણ નહીં થઈ હોય ત્યાં તો દીક્ષા ક્લાસ તરફ આવતી દેખાણી. ક્લાસના કેટલાક સ્ટુડન્ટ્સ એની તરફ ગયા. એ ઘણી સિરિયસ અને ટેન્સ્ડ હતી, એના ચહેરા પરથી લાગી રહ્યું હતું કે એ કંઈક ભૂલી ગઈ હતી. એ ક્લાસમાં આવી અને બોર્ડ પાસે બધાંની વચ્ચે ઊભી રહી અને હાથ ઊંચા કરીને શાંત રહેવાનો ઇશારો કર્યો અને પછી કહ્યું, ‘સરે બધાં કમ્પ્યૂટર સ્ટુડન્ટ્સને લેબમાં બોલાવ્યા છે.’ મારાં મોબાઈલમાં વિવાનનો મૅસેજ આવ્યો, ‘રૅડિયો સર ઠીક તો છે ને? દુખાવો શરૂ થયો કે નહીં?’ બધાં દીક્ષાને પુછવા લાગ્યા ‘કેમ..? કેમ?’ બટ દીક્ષા કંઈ બોલી નહીં. એ તરત જ લેબમાં ચાલતી થઈ ગઈ. એના ચહેરા પરથી લાગી રહ્યું હતું કે કંઈક સિરિયસ બન્યું હતું અને વિવાનના મૅસેજ પરથી લાગી રહ્યું હતું કે આ હરકતમાં વિવાન પણ શામેલ હતો. એટલે કે આખી B4 બેચ શામેલ હતી. દીક્ષા ગઈ કે તરત જ રૅડિયો સર અંદર આવ્યાં. એમનો એક હાથ એમના બમ્પ પર હતો, એ એમના બમ્પ પર માલિશ કરી રહ્યા હતાં. એ સીધા એ તરફ ગયા જે તરફ B4 ના છોકરાઓ બેઠા હતાં. B4 ગેંગના મેઇન એવા વિશ્વરાજ અને પ્રદિપ તરફ રૅડિયો સર ગયા અને કંઈજ બોલ્યા વિના બંનેના કપડા ખેંચીને ઢસડવા લાગ્યા.

આખો ક્લાસ શોકમાં હતો. શું થઈ રહ્યું હતું..? સરને આટલા ગુસ્સામાં કોઈએ ક્યારેય નહોતા જોયા. સરે બંનેને બેંચ પરથી ખેંચીને લાતો મારવાનું શરૂ કર્યુ હતું. સરનું શક્તિ પ્રદર્શન જોરદાર હતું. વિશ્વરાજ અને પ્રદિપ બંને સરને માર ખાતા ખાતા જ પૂછી રહ્યા હતાં કે ‘સર અમે શું કર્યુ? અમને શામાટે મારો છો? મારી વાત સાંભળો.’ બટ સરનો ગુસ્સો એમ શાંત થાય એમ નહોતો. સરનો એક જમણો હાથ એમના જમણા બમ્પ પર હતો. એકતરફ અમે લોકો ખૂબ સિરિયસ અને શોક્ડ હતાં અને બીજી તરફ અમને સરનો બમ્પ પરનો હાથ જોઈને હસવુ આવી રહ્યું હતું. સરે હાથ હટાવ્યો એટલે બમ્પની જગ્યાએ ક્રીમ પેન્ટ પર નાના બ્લડના ધબ્બા દેખાણા.

નક્કી કોઈએ એવા પરાક્રમ કર્યા હતાં, જે આજ સુધી કોઈએ નહોતા કર્યા. આખા ક્લાસમાં સન્નાટો છવાઇ ગયો હતો. સરે બંનેને ઊભા કરીને બે બે તમાચા માર્યા. સર હાંફળા ફાંફળા અને પાગલ જેવા થઈ ગયા હતાં. ફરી વાર સર જ્યારે વિશ્વરાજ પર હાથ ઉપાડવા ગયા ત્યારે વિશ્વરાજે સરનો હાથ રોકી લીધો. ક્લાસમાં સન્નાટો. પ્રદિપની આંખોમાં આંસુ અને વિશ્વરાજની આંખોમાં ક્રોધ, સહન ન કરી લેવાની ભાવના અને હિંમત.

‘સર હવે તમારો હાથ મને ટચ પણ થયો’તો આજે જ તમારાં હાથમાં તમારો સસ્પેન્શન લેટર હશે.’, વિશ્વરાજ ગુસ્સામાં બોલ્યો. આખો ક્લાસ જસ્ટ હક્કા બક્કા થઈને સાંભળી રહ્યો હતો. સરે પ્રદિપની બોચી પકડી અને ફરી એક તમાચો ચોડી દીધો. વિશ્વરાજ જોઈ રહ્યો.

‘મારે દસ મિનિટમાં એ દરેક છોકરાના નામ જોઈએ, જેણે આ કર્યુ છે. નહીંતર આખો ક્લાસ ડીટેઇન થશે.’, સરે વિશ્વરાજ સામે જોઈને કહ્યું. મને પેટમાં ફાળ પડી. કદાચ વિવાન પણ આ કરતુતમાં સામેલ હતો. આખા ક્લાસમાં સન્નાટો. સર એ જ મોમેન્ટ ગુસ્સામાં ક્લાસની બહાર નીકળી ગયા. એમનો જમણો હાથ એમના બમ્પને હજુ મસાજ આપી રહ્યો હતો. એમનું પેન્ટ પાછળથી લોહીના ધબ્બાવાળું થઈ ગયું હતું.

આખા ક્લાસમાં ‘શું પૂછ્યું? એ સવાલને બદલે શું થયું?’ પૂછાવા લાગ્યો. આખો ક્લાસ વિશ્વરાજ અને પ્રદિપ તરફ જોવા લાગ્યો. બધાંની નજરમાં તો એવું લાગી રહ્યું હતું કે બધાં વિશ્વરાજ અને પ્રદિપને ગંભીર ગુનેગાર તરિકે જોવા લાગ્યા હતાં. બટ B4 બેચ વિશ્વરાજ અને પ્રદિપની સાથે હતી. B4ના છોકરાઓ ઊભા થયા, એ લોકો વિશ્વરાજ અને પ્રદિપને સાંત્વના આપવા લાગ્યા.

‘F**K you M****R FU**ER, Son of a Bitch.’, પ્રદિપ આખા ક્લાસની સામે બોલ્યો. એનો ગુસ્સો ટોચ પર હતો.

‘હવે જો એની શું હાલત થાય છે. ઇનોસન્ટને મારે છે. આજે એને સસ્પેન્ડ ના કરાવુ તો હું પણ ગોહિલવાડનો દરબાર નહીં.’, વિશ્વરાજ એના ઊંચા અવાજમાં બોલ્યો.

વાતાવરણ ખૂબ જ સિરિયસ થઈ ગયું હતું. વિશ્વરાજ જે કોન્ફીડન્સથી બોલ્યો હતો એના પરથી એવું લાગી રહ્યું હતું કે આજે ખરેખર રૅડિયો સરનો રૅડિયો બંધ થઈ જવાનો હતો. બટ મને જે ડર હતો તે એ હતો કે વિવાન તો આ બધાંમાં નહીં સંડોવાયો હોય ને…?

આખા ક્લાસનો એક જ ક્વેશ્ચન હતો. ‘શું થયું હતું?’

વિશ્વરાજ ફોન પર કોઈ સાથે વાતો કરવા લાગ્યો. પ્રદિપ બેંચ પર બેસીને B4 વાળા છોકરાઓ સાથે કંઈક ચર્ચામાં ઉતરી ગયો. ક્લાસના છોકરા છોકરીઓ પ્રદિપને ઘેરી વળ્યા હતાં. મેં નિશા, સોનુ અને કૃપાને વિવાનના મૅસેજ વિશે કહ્યું. એ લોકોને પણ આશ્ચર્ય થયું. નિશાએ મને વિવાનને કૉલ કરવાનું કહ્યું. મેં વિવાનને કૉલ કર્યો બટ એણે રીસિવ ના કર્યો. હું ઘણી ટેન્સમાં હતી. મેં વિવાનને જે બન્યું એનો વોટ્સેપ પર શોર્ટ મૅસેજ છોડી દીધો.

ત્યાંજ અંકુર અને કેદાર બંને અંદર આવ્યાં. એની પાછળ જ દીક્ષા અને અનિલ પણ આવ્યાં. આખો ક્લાસ એમને ઘેરી વળ્યો. ‘શું થયું? શું થયું?’, બધાંનો એક જ સવાલ હતો.

‘કોઈએ સરની ચેઇરમાં ટાંચણીઓ મુકી હતી. સર જેવા બેઠા એવા જ ઊભા થઈ ગયા. સીટની નીચે જોયું તો અંદર ટાંચણીઓ હતી.’, અંકુર બોલ્યો. અમે લોકો પણ બધું જાણવા એની આસપાસ ઊભા હતાં.

‘એવું પણ બની શકે કે ટાચણીઓ ભૂલથી ચેઇર પર પડી ગઈ હોય.’, કોઈ બોલ્યુ.

‘સરે એ જ સમયે ચેઇરને કાતરથી ફાડીને જોઈ. ટાંચણીઓ ૯૦ અંશના ખુણે હતી. એટલે ભૂલથી પડી ગઈ હશે એ ભૂલી જ જાવ. એ વિચારો કે સરનો ગુસ્સો હવે શું કરશે?’ બધાંએ B4 ની બેચ સામે જોયું. B4 ના બધાં જ છોકરાઓ ગુસ્સે થયા હોય એવી રીતે આખા ક્લાસ સામે જોવા લાગ્યા.

‘તમારાં લીધે આખો ક્લાસ ડીટેઇન થશે.’, અનિલ બોલ્યો.

‘ઓય્ય… તારે માર નથી ખાવો ને? તને કોણે કહ્યું કે અમે લોકોએ જ આ કામ કર્યુ છે. બે લાફા પડશે તો બોલતાંય નય આવડે.’, વિશ્વરાજ એના કાઠિયાવાડી લહેકામાં બોલ્યો.

‘અમને ખબર છે, આ B4 સિવાય કોઈ ના કરી શકે.’, દીક્ષા બોલી.

‘B4 સિવાય કોઈ ના કરી શકે એમ? તું તારી જાતને સમજે છે શું?’, પ્રદિપ આક્રમક થતા બોલ્યો. બીજા છોકરાવે એને રોકી લીધો.

‘હું મારી જાતને કંઈ નથી સમજતી. સાલા લફંગાઓ.’, દીક્ષા ધીમેથી બોલી.

‘હવે એક શબ્દ પણ ના બોલતી.’, વિશ્વરાજ બોલ્યો.

‘અને બધાં જ આપણુ ફેસબુક ગ્રૂપ ઑપન કરો. હવે આના સિવાય કોઈ ઇલાજ જ નથી.’, વિશ્વરાજે એનો મોબાઈલ કાઢતા કહ્યું. લોકોને કંઈ સમજ ના પડી. ઑલમોસ્ટ બધાં સ્ટુડન્ટ્સે પોતાના મોબાઈલમાં ફેસબુક ઑપન કર્યુ.

બે મિનિટ પછી કૉલેજના ફેસબુક ગ્રૂપમાં જે પોસ્ટ થયું એનાથી આખા ક્લાસના મોં પહોળા થઈ ગયા. જે વિડીયો પોસ્ટ થયો હતો એ શોકિંગ હતો. આખો ક્લાસ વિડીયો જોવામાં મશગુલ થઈ ગયો હતો.

‘ફેટ એસ, આસ હોલ ઊભી રહે.’, હજુ તો અમે અડધો વિડીયો પણ નહોતો જોયો ત્યાં તો વિશ્વરાજનો અવાજ પાછળથી આવ્યો. દીક્ષા એનું બૅગ લઈને ક્લાસની બહાર ભાગતી થઈ ગઈ હતી.

આખા ક્લાસે વિડીયોમાં ક્લીઅર જોયું હતું, કઈ રીતે દીક્ષાએ ચેઇરનું કવર ફાડ્યું હતું, અંદર ટાચણીઓ રાખી હતી અને ફરીથી એને સોંય દોરાથી સીવી લીધું હતું. આ વિડીયો જેણે પણ કેપ્ચર કર્યો હતો, એણે ખૂબ જ સારું કામ કર્યુ હતું. હવે મને મારાં વિવાન પર ગર્વ થઈ રહ્યો હતો કે તે આમાં કોઈને કોઈ રીતે શામેલ હતો. જો આજે આ વિડીયો ના હોત તો આખા ક્લાસે ડીટેઇન થવાનો વારો આવત અને વાંક B4 બેચના દરેક છોકરાઓ પર આવત.

‘અમે લોકો આવારા હોઈ શકીએ, તોફાની હોઈ શકીએ, બટ ગુંડાઓ નથી. અમારે કે.ટી.ઓ આવે એનો મતલબ એ નથી કે અમે સરને હેટ કરીએ છીએ. નો ડાઉટ સરના લેક્ચરમાં અમે પણ ઉંઘીએ છીએ બટ એનો મીનિંગ એ નથી કે અમે આવા બધાં કામો કરીએ.’, વિશ્વરાજે બધાં સામે મોટા અવાજે કહ્યું.

બધાં જ શોકમાં હતાં. એ સાથે જ બધાં આ ઇનસિડેન્ટને કારણે સરની હાલત જોઈને હસતા હતાં. અમુક હદ સુધી બધાં જ વિચારતા હતાં કે રૅડિયો સર આ ડિઝર્વ કરતા હતાં. બટ કદાચ થોડું વધી ગયું હતું? થોડી જ વારમાં કોમ્યુટર ડિપાર્ટમેન્ટ સરો અને મેડમોથી ઉભરાઇ ગયો. થોડી જ વારમાં પ્રિન્સિપાલ પણ આવી ગયા. કોમ્યુટરના બધાં જ છોકરાઓને લેબમાં બોલાવવામાં આવ્યાં. લેબમાં પાંચ ડિપાર્ટમેન્ટના H.O.D હતાં અને પ્રિન્સિપાલ હતાં.

સર કંઈ પૂછે એ પહેલાં જ B4નો દરેક બોય્ઝ અને ક્લાસના બીજા અમુક બોય્ઝ નક્કી કર્યા એ પ્રમાણે મોબાઈલ લઈને સરની સામે ઊભા રહી ગયા. વિશ્વરાજે રૅડિયો સરને મોબાઈલ આપ્યો. રૅડિયો સર નમીને ઊભા હતાં. દુખતું તો હોય જ ને. પાંચ પાંચ ટાંચણીઓ બમ્પમાં ખુંચેડી દીધી હતી. એમનું પેન્ટ ચૅન્જ થઈ ગયું હતું. કદાચ જમણા બમ્પ પર પટ્ટી લાગી ગઈ હતી.

બધાં જ સરે ખૂબ જ ધ્યાનથી વિડીયો જોયો. પછી ક્લાસમાં નજર નાખી.

‘ક્યાં છે દીક્ષા?’, સરે ત્રાડ પાડી.

‘સર એ ભાગી ગઈ.’, ક્લાસમાંથી કોઈ બોલ્યુ.

‘સૉરી વિશ્વરાજ.’, રૅડિયો સર બોલ્યા. ફરી એમનો હાથ એમના બમ્પ પાસે ચાલ્યો ગયો.

‘સાહેબ બિસ્તરાં પોટલાં બાંધી લ્યો.’, વિશ્વરાજે કહ્યું અને એ બધાં છોકરા તરફ પાછો આવી ગયો.

પ્રિન્સિપાલ વિચારમાં પડી ગયા કે ‘આ છોકરો શું બોલી ગયો?’ પ્રિન્સિપાલે સરને પૂછ્યું. સર પ્રિન્સિપાલને સાઇડમાં લઈ ગયા અને કંઈક વાત કરી. સરને ખબર હતી આખો ક્લાસ વિશ્વરાજની ફેવરમાં હતો. સરે જે રીતે પ્રદિપ અને વિશ્વરાજને માર્યા હતાં એ બધાંએ જોયું હતું. સર અને પ્રિન્સિપાલ પાસે એક જ રસ્તો હતો બંનેને મનાવવાનો.

એ દિવસે સબમિશન બંધ રહ્યું. સાંજે સમાચાર મળ્યા કે દીક્ષાને ત્રણ વર્ષ માટે કૉલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. દીક્ષાએ જે જવાબ આપ્યો એ એક્ઝામ્સને રિલેટેડ હતો. એણે કારણ આપ્યુ કે, ‘મિડસેમમાં એના બધાં જ સવાલો સાચા હોવા છતાં, એને બ્લોક આપવામાં આવ્યો હતો’ રૅડિયો સરે દીક્ષા પર પોલીસ કેસ કર્યો. વિશ્વરાજ અને પ્રદિપે પણ રૅડિયો સર પર પોલીસ કેસ કર્યો. રૅડિયો સરે બંનેની ખૂબ માફી માંગી બટ એ લોકો ન માન્યા એટલે ન જ માન્યા. બહુ મનાવ્યા પછી બંનેએ પોલીસ કેસ પાછો ખેંચી લીધો. બટ રૅડિયો સરને પણ એક વર્ષ માટે સસપેન્ડ કરવામાં આવ્યાં. એમનું ટ્રાન્સફર થઈ ગયું. બીજા દિવસના બધાં રિજનલ ન્યૂઝ પેપરની હેડલાઇન L.D કૉલેજ હતી. બીજે દિવસે મને વિવાને આખી સ્ટોરી કહી.

એ દિવસે B4 નો વિશ્વરાજ અને એની ગર્લફ્રૅન્ડ બંને લેબમાં બેઠા હતાં. બંને પાર્ટ વચ્ચે પાર્ટીશન હતું એટલે બેઠા બેઠા કોઈ બીજા પાર્ટમાં ના જોઈ શકતુ. વહેલી સવાર હતી એટલે લેબમાં કોઈ નહોતું. બટ દીક્ષાને ખબર નહોતી કે બીજી બાજુ વિશ્વરાજ અને એની ગર્લફ્રૅન્ડ લેબમાં અસાઇનમેન્ટ લખી રહ્યા હતાં. વિશ્વરાજ ઊભો થયો અને દીક્ષાને ચેઇરની સાથે ચેડા કરતા જોઈ ગયો. તરત જ એણે એના નોકીયાના ૪૧ મેગા પિક્સલ વાળા ફોનમાં બધું જ રેકોર્ડ કરી લીધું. બધું જ ક્રીસ્ટલ ક્લિઅર હતું. વિશ્વરાજે B4ના અમુક છોકરાઓને જ આ વિડીયો સેન્ડ કર્યો હતો. એમાનો એક ફ્રૅન્ડ વિવાન પણ હતો. એ લોકોએ સરને કહ્યું નહોતું કારણ કે એ લોકો પણ સરની હાલત જોવા ઇચ્છતા હતાં. સાથે દીક્ષાનું અભિમાન તોડવા પણ ઇચ્છતા હતાં.

આ ઇન્સિડેન્ટ હું જ્યારે પણ યાદ કરું છું મારું હસવાનું રોકી શકતી નથી. ખાસ કરીને જ્યારે રૅડિયો સરનો બમ્પ પર મુકેલો હાથ યાદ આવે છે. એ પછી જ્યાં સુધી અમે ચાર રૂમ પાર્ટનરો સાથે હતાં, ત્યાં સુધી કોઈ દિવસ એવો નહોતો કે આ ઇનસીડન્ટ અમે યાદ ના કર્યો હોય. ઇટ ઇઝ અ લાફીંગ ઇનસેન મેમરી…!

***

બટ ધોઝ નાઇટ્સ, એક્ઝામ નાઇટ્સ આર મેમોરેબલ. એ બધાંનું કસકસાવીને ચોપડી પકડી લેવી. એ કોઈક ને કોઈક બહાનું કાઢીને વાતો કરવી. ચોપડી મૂકવાનું કોઈકને કોઈક બહાનું શોધવુ. પહેલાં તો હું અગાઉથી જ વાંચવાનું શરૂ કરી દેતી અને એક્ઝામ ટાઈમ પર જસ્ટ રીવીઝન કરતી. બટ હવે, હું નિશાની ટોળીમાં સામેલ થઈ ગઈ હતી. એક્ઝામ ટાઈમ પર રીડિંગ એટલે એક્ઝામ ટાઈમ પર જ. એમ પણ આ વખતે પેપરો વચ્ચે મીનીમમ બે દિવસની રજા આવતી હતી.

પરંતુ એ યાદોને કઈ રીતે ભૂલી શકાય જે યાદો સહજ બની ગઈ હતી. ત્રીજુ પેપર એટલે ADCN નું પેપર. રૅડિયો સરનું પેપર. જે દિવસે બીજુ પેપર પૂરું થયું એ દિવસે અમે સાંજ સુધી ફુલ્લી આરામ કર્યો હતો. પેપર આપીને આવ્યાં એટલે બધાંએ જમીને ઊંઘવાનું જ નક્કી કર્યુ હતું. નિશાએ તો મને વોર્નિંગ આપી દીધી હતી કે, ‘જ્યાં સુધી મારી ઊંઘ ના ઉડે ત્યાં સુધી કોઈ મને ઊઠાડતું નહીં.’, બટ હું અને સોનુ તો પાંચ વાગે જ જાગી ગયા હતાં. વાંચવાનું તો કોને મન થાય? બટ એક્ઝામ્સ ચાલતી હતી એટલે વાંચવું પડતું હતું. મેં અને સોનુએ ચ્હા બનાવી. બટ અમે લોકો વાંચીએ અને નિશા અને કૃપા ઉંઘે? પૉસિબલ જ નથી ને? મેં સોનુને કહ્યું, ‘તું કૃપાને જગાડ અને હું નિશાને’

નિશા ચાદર ખેંચીને સૂતી હતી. હું ધીરેથી એની ચાદરમાં ઘૂસી ગઈ. મેં એને કમરમાં ગલીપચી કરવાની શરૂ કરી. એ કણસી.

‘અંકુ ઊંઘવા દેને…!’, ઉંકારા કરતા જ એ બોલી.

‘ચાલ રાતના દસ વાગી ગયા છે.’, મેં જુઠ્ઠુ કહ્યું.

‘કાલે રજા જ છે, સૂવા દે.’, એના ચહેરા પર ઓશીકું ઢાકતા બોલી. મેં એને ફરી ગલીપચી કરવાનું શરૂ કર્યુ. કાનમાં સાવરણીની સળી લઈને હલાવવા લાગી. એને ઊંઘમાંથી જગાડવાના પૂરેપૂરા પ્રયત્નો મેં કર્યા. બસ આ જ મજા હતી એ દિવસોની. ખુશીઓ આપણી અંદર જ છે, બસ એ આપણે ભૂલી ગયા છીએ. પરંતુ ક્યારેક આપણે એ ખુશીઓ ઢાંકી દેવા ઇચ્છતા હોઈએ છીએ. મેં ખૂબજ ગલીપચી કર્યા પછી નિશાના ચહેરા પર ઊંઘમાં જ સ્માઈલ આવી ગઈ. મેં ચાદર ખેંચી લીધી. મેં એને સુતા સુતા જ બાહોંમાં જકડતા કહ્યું, ‘ચાલ ઊઠ હવે.’

‘વિવાન સાથે પણ આમ જ કરતી હોઈશ ને.’, એણે મને ચીડવતા કહ્યું.

‘ચાલ ઊભી થા, મારે તારો બકવાસ નથી સાંભળવો.’, મેં હસતા હસતા કહ્યું અને હું ઊભી થઈ.

‘બોલ બોલ હવે, શું થયું?’,

‘ચાલને હવે લવારી કરતી.’, એ ઊભી થઈ. હું એને ખેંચીને કીચનમાં મોં ધોવરાવવા લઈ ગઈ.

‘જવાબ તો આપ.’, એણે ફરી હસતા હસતા કહ્યું.

‘વાંચવાનું બહુ બાકી છે, આ જવાબ આપીશ તો તું કાલે પેપરમાં જવાબ નહીં લખી શકે.’, મેં કહ્યું. સોનુ પણ કૃપાને જગાડીને લઈ આવી. અમે ચેવડો અને ચાનો નાસ્તો કર્યો.

‘પાછળના ચેપ્ટર્સ થોડા ટફ છે.’, સોનુ બોલી.

‘અઘરૂ કંઈ નથી. બસ આપણને લાગે છે.’, નિશા હસતા હસતા બોલી.

‘બસ બસ હો મેડમ. બહુ ફિલોસોફી જાડવાની જરૂર નથી.’, હું નિશાની બોચી પકડીને બોલી.

‘મુક દુખે છે.’, એણે ચીસ પાડી.

‘નાટક બાજ.’, કૃપા બબડી.

‘તર્પણ જેટલી તો નથી જ.’, નિશા બોલી અને અમે હસ્યા.

‘એનું તો નામ જ ના લે, એટલો ગુસ્સો આવે છે ને.’, કૃપા હસતા હસતા બોલી.

‘બસ બસ ખમ્મા માડી, ખમ્મા.’, મેં કૃપાની પીઠ થપથપાવતા કહ્યું.

‘એને હેરાન કરવો છે?’, નિશા બોલી.

‘કઈ રીતે?’, કૃપાએ આશ્ચર્યથી પૂછ્યું,

‘તુ ખાલી બોલ. હેરાન કરવો છે એને?’, નિશાએ ખૂબ કોન્ફીડન્સથી પૂછ્યું.

‘હાસ્તો, એ તો આપડો ધંધો છે.’,કૃપા બોલી અને અમે બધાં હસ્યા.

‘એને મૅસેજ કર. આઈ વોન્ટ મીટ યુ. કમ એટ કૉલેજ.’, નિશાએ કૃપાને કહ્યું.

‘પણ.’,

‘પણ ને બણ, હું કહું એટલું કરને. હવે આપણે લોકો બહુ દિવસ સાથે નથી રહેવાના. ખબર નહીં પોતપોતાની લાઈફ ક્યાં લઈ જાય?’, નિશાએ એક્સાઇટેડ થતા કહ્યું. કૃપાએ મૅસેજ કર્યો.

સામેથી મૅસેજ આવ્યો, ‘કેમ?’

‘લખ, એક વાત કહેવી છે.’, નિશાએ કૃપાને મૅસેજ ટાઇપ કરતા કહ્યું.

‘ઓકે, વીસ મિનિટમાં આવું છું.’ તર્પણનો મૅસેજ આવ્યો.

‘એણે તને હેરાન કરી છે, હવે એનો ટાઈમ પણ આપણે બગાડીએને.’, નિશા સ્માઈલ કરતા કરતા બોલી.

‘એનો ટાઈમ બગાડવામાં, આપણો ટાઈમ વેસ્ટ થશે. વાંચવાનું ઘણું બાકી છે હો.’, સોનુ બોલી. હું સોનુ સાથે એગ્રી હતી.

‘અરે આપણે આ ઘર બહાર એક પગલું પણ મુકવાનું નથી.’, નિશાએ ક્લીઅર કરતા કહ્યું.

‘તો?’, બધાંએ પૂછ્યું.

‘બસ એક મૅસેજ કરવાનો છે.’, નિશા બોલી.

‘શું?’, મેં પૂછ્યું.

‘એ તો એ કૉલેજ આવી જાય એટલે કહું.’, નિશાએ સસ્પેન્સ જાળવવા કહ્યું. અમે લોકો નાસ્તો કરીને ઊભા થયા. બધાંએ પોતપોતાની બુક પકડી. અમે લોકોએ વાંચવાનું શરૂ કર્યુ.

‘હું આવી ગયો છું, તું ક્યાં છો?’, વીસ મિનિટ પછી કૃપાને તર્પણનો મૅસેજ આવ્યો.

‘લખ, હું વીસ મિનિટમાં આવું છું. ’, નિશાએ કહ્યું. કૃપાએ મૅસેજ સેન્ડ કર્યો.

‘વહેલા આવજે, મારે ઘણું વાંચવાનું છે.’, તર્પણનો મૅસેજ આવ્યો. અમે ફરી રીડિંગ શરૂ કર્યુ. અડધો કલાક વીતી ચુક્યો હતો.

‘કેટલી વાર લાગશે?’, તર્પણનો મૅસેજ આવ્યો. કૃપાએ નિશાને મૅસેજ વંચાવ્યો.

‘લખ હવે, ફક યુ, મધર ફકર. ગો ટુ હેલ.’, નિશા બોલી.

‘ઓય્ય, આવી ગાળો લખવાની છે?’, કૃપા બોલી.

‘એણે તારું એક વર્ષ બગાડ્યુ. તને એનો એક કલાક બગાડવાનો હક તો છે જે. લાવ મોબાઈલ.’, નિશા હસતા હસતા બોલી. એણે કૃપાના હાથમાંથી મોબાઈલ લઈ લીધો અને પોતેજ ટાઇપ કરવા લાગી. મૅસેજ સેન્ડ કર્યો અને વૉટ્સએપ પર તર્પણને બ્લોક કરી દીધો અને મોબાઈલ સ્વીચઑફ કરી દીધો.

‘હવે જો એની હાલત થાય.’, નિશા બબડી. અમે ફરી વાંચવામાં લાગી ગયા. થોડી થોડી વારે કોઈને કોઈ વાતો કરવાનું બહાનું શોધી લેતુ. ખબર નહીં એક્ઝામ ટાઈમ પર રીડિંગ સમયે જ એટલી વાતો કેમ યાદ આવતી હશે. એટલા વિચારો આવે કે તમે બોલ્યા વિના રહી જ ના શકો. એક તરફ એવું થાય કે ઘણું વાંચવાનું બાકી છે, અને બીજી તરફ એમ થાય કે ચાલને થોડી વાતો કરી લઈએ.

રાત પડી એટલે અમે વાંચવાની જગ્યા બદલી લીધી હતી. હું અને કૃપા બહારના રૂમમાં વાંચતા હતાં અને સોનુ અને નિશા અંદરના રૂમમાં. હું અને નિશા રીડિંગ ટાઈમ પર અલગ હોઈએ એ જ બરાબર હતું કારણ કે, જો હું નિશાની બાજુમાં હોવ તો કોઈક ને કોઈક વાત તો મારાં મોંમાંથી નીકળી જ જાય. પછી ખબર નહીં અમે વાતો વાતોમાં ક્યાં નીકળી જઈએ. વાંચવાનું રહી જાય એક તરફ અને અમે ક્યાંક અલગ દુનિયામાં જ ચાલ્યા જઈએ. એટલે જ રીડિંગ ટાઇમે અમે અલગ જ ઠીક હતાં.

રાતનો એક વાગી ચુક્યો હતો. વાંચી વાંચીને હું બોર થઈ ગઈ હતી. ખબર નહીં ક્યા બોર, ‘ચણીયા બોર કે કાશીના બોર.’. પણ હું બોર થઈ ગઈ હતી. ફોરોઝનની થોથા જેવી બુક યાદ રાખવી બહુ ટફ હતી, નિશા અલગ અલગ બોય્ઝના ડિસ્ક્રીપ્શનને બુકના કોઈક ટોપિક સાથે એવી રીતે રિલેટ કરી દેતી કે યાદ ખૂબ સહેલાઈથી રહી જતુ. એટલે હું નિશા પાસે ગઈ. મને CSMA નો ટોપીક આવડતો હતો, બટ મારે તો ટાઈમ પાસ કરવો હતો. મેં કૃપાને કહ્યું, ‘ચાલ નિશા પાસે CSMA સમજવા જઈએ.’ નિશા એના ડીપ રીડિંગમાં ડૂબેલી હતી. મારે તો ઘણું રીડિંગ થઈ ચુક્યું હતું બટ એ હજુ ફીફ્થ ચેપ્ટર પર જ હતી. અમે લોકો નિશા પાસે જઈને બેઠાં.

‘નિશા જો ને CSMA, નથી સમજાતુ. સમજાવ ને.’, મેં નાટક કરતા કહ્યું. બટ બેસ્ટ ફ્રૅન્ડ તમારી ભીની આંખો પાછળના દર્દને પણ સમજી શકે અને એ જ ફ્રૅન્ડ ભીની આંખો પાછળની ખુશીને પણ સમજી શકે.

‘ઉલ્લુ કોને બનાવે છે? બોલને ટાઈમ પાસ કરવા આવી છો.’, નિશા સ્માઈલ કરીને બોલી. હું આંખ મારીને હસી. સોનુ પણ અમારી પાસે આવીને બેસી ગઈ.

‘ના યાર સચ્ચી, આ ટોપીકમાં કંઈ ટપ્પો જ નથી પડતો.’, કૃપા બોલી.

‘સાચુ બોલે છે કૃપા?’, નિશા બોલી.

‘હા યાર.’, કૃપાએ કહ્યું. મને ખબર પડી ગઈ હતી. નિશા કૃપાની ખેંચવાની હતી. નિશાએ એક્સપ્લેનેશન શરૂ કર્યુ.

‘જો CSMA એટલે કેરીઅર સેન્સ મલ્ટીપલ એક્સસેસ. બરાબર? જ્યારે મલ્ટીપલ નોડ એક ચૅનલને એકસાથે એક્સેસ કરે, તો ત્યારે કોલીઝન પૉસિબલ છે. એટલે કોલીઝન ડિટેક્શન અને અવોઇડન્સ માટે આ મેથડનો યુઝ થાય છે. Ex. તર્પણ એ કોમ્યુનિકેશન ચૅનલ છે. તું ઘણા બધાં નોડમાંની એક નોડ છો. હવે તર્પણનો યુઝ કરવા માટે એટલે કે કોમ્યુનિકેશન ચૅનલનો યુઝ કરવા માટે ઘણા બધાં નોડ પ્રયત્ત્ન કરતા હશે. તું તર્પણનો યુઝ કરવા માટે એની સાથે લાઇન મારીને રિક્વેસ્ટ મોકલતી હોઈશ. એ તારી સામે જોઈને પૉઝિટિવ કે નૅગેટિવ એકનોલેજમેન્ટ મોકલતો હશે. એટલે કે તું કેરીઅર પર સેન્સ કરતી હોઈશ કે કોમ્યુનિકેશન ચૅનલ ફ્રી છે કે ઓક્યુપાઇડ ? જો નૅગેટિવ એકનોલેજમેન્ટ મળે તો તારો તર્પણયો કોઈ બીજી ફૂલજડીઓ સાથે આતીશબાજી કરતો હોય. બટ ક્યારેક જેમ તારી સાથે થયું. ફૂલજડી પૂરી થઈ, એટલે તર્પણ નામની કોમ્યુનિકેશન ચૅનલ ફ્રી થઈ.’

‘તને તર્પણ સિવાય કોઈ બીજુ મળ્યું નહીં? મારે નથી સમજવુ.’, કૃપા ફરિયાદ કરતા બોલી.

‘ના હવે તો સમજવુ જ પડશે. કોમ્યુનિકેશન ચૅનલ ફ્રી થઈ એટલે તને પૉઝિટિવ એકનોલેજમેન્ટ મળ્યું. એટલે તારો ચાન્સ લાગી ગયો.’, અમે બધાં હસવા લાગ્યા. નિશા સતત હસી રહી હતી. નિશાની આ હટકે સ્ટાઇલથી અમને ટેકનીકલ ટર્મને યાદ રાખવામાં ખૂબ જ ઇઝી પડતું.

‘બટ પછી તારી સાથે થયું, એ હતું કોલીઝન. ક્યારેક એવું બને કે કોમ્યુનિકેશન ચૅનલ બીઝી હોય. જેમ તર્પણ તારી સાથે કોમ્યુનિકેશન કરવામાં બીઝી હતો, એ છતાં કોઈ બીજો નોડ, એટલે કે બીજી ફૂલજડી કોમ્યુનિકેશન માટે રિક્વેસ્ટ મોકલે. જ્યારે કોમ્યુનિકેશનની શરૂઆત થાય ત્યારે એની બીજા નોડને ખબર ના હોય, એ ખબર પડતા વાર લાગે એને કહેવાય પ્રોપોગેશન ડીલે. એ ડીલે દરમ્યાન બીજા નોડની કોમ્યુનિકેશન રિક્વેસ્ટ પણ એક્સેપ્ટ થઈ જાય. એવું જ તારી સાથે થયું. તર્પણ નામની કોમ્યુનિકેશન ચૅનલનો તું અને બીજી એક છોકરી એટલે કે બે નોડ એક સાથે એક જ ચૅનલનો ઉપયોગ કરી રહ્યા હતાં. કોમ્યુનિકેશન ચૅનલનું કામ તો કોમ્યુનિકેશન કરાવવાનુ…! એને તો મજા આવે…! તર્પણ મજા લઈ રહ્યો હતો. બટ જ્યાં સુધીમાં કોમ્યુનિકેશન પ્રોપોગેટ થાય ત્યાં સુધીમાં તો મોડુ થઈ ગયું હોય છે. એક સમય એવો આવે કે બંને કોમ્યુનિકેશન મિક્સ થઈ જાય અને કોલીઝન થાય. એટલે કોમ્યુનિકેશન ફેઇલ થઈ જાય. જેને કદાચ આપણે બ્રૅક અપ કહીએ. બસ તારી સાથે આવું જ બન્યું છે. તર્પણ નામની એક કોમ્યુનિકેશન ચેનલે બે કોમ્યુનિકેશન ચાલું રાખ્યા. જ્યારે તને ખબર પડી કે બીજુ કોમ્યુનિકેશન સાયમનટેનીઅસલી ચાલું છે ત્યારે મોડુ થઈ ચુક્યુ હતું, અડધો કોમ્યુનિકેશન તો થઈ ચુક્યો હતો. પછી થયું જોરદાર કોલીઝન. હાહાહા.’, નિશા જોરજોરથી હસવા લાગી. અમે બધાં પણ હસ્યા. કૃપાનો ચહેરો થોડો પડી ગયો.

‘તે જે કર્યુ તે બરાબર જ કર્યુ છે, તે એજ લાયક હતો.’, નિશાએ કૃપાના ખભા પર હાથ મુકીને કહ્યું.

‘યા, સન ઑફ અ બીચ.’, કૃપા બોલી.

‘મદર ફકર.’, નિશાએ ગાળ બોલીને કોમ્યુનિકેશનની બુક હવામાં ઊંચી કરી. હોલીવુડના મૂવી જોઈ જોઈને નિશા પણ ગાળો બોલતી થઈ ગઈ હતી. અમે બધાં જોરજોરથી હસ્યા. ચેવડા અને પુરીનો નાસ્તો કર્યો. થોડાક ગપ્પા માર્યા. બોરિંગ રીડિંગમાંથી બહાર નીકળવા અલક મલકની વાતો કરી અને ફ્રેશ થયા. ઑલમોસ્ટ રાતના બે વાગી ચુક્યા હતાં. ફરી અમે વાંચવા લાગ્યા. એ દિવસે હું તો બુક વાંચતા વાંચતા જ ઉંઘી ગઈ.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.

Rate & Review

Amit Paghadar

Amit Paghadar 4 weeks ago

V N

V N 2 years ago

Meru

Meru 2 years ago

Nirali Gamit

Nirali Gamit 2 years ago

Shefali

Shefali Matrubharti Verified 3 years ago