Ant Pratiti - 13 books and stories free download online pdf in Gujarati

અંત પ્રતીતિ - 13

અંત પ્રતીતિ

નીતા કોટેચા

(૧૩)

મનનાં વલોપાત

અરમાનો અંતરમાં, જવાબદારી જિંદગીમાં, બંને બાજુ ઝોલાં ખાતો માનવ,

જિંદગી એક, સપનાં સાકાર કરવામાં, વિચારોનાં વમળમાં અટવાતો માનવ.

બધી જવાબદારી સુપેરે નિભાવવા વાળા બે સમજદાર વ્યક્તિ, થોડીક ખુશી એકમેકનાં સંગાથમાં મેળવતાં હતાં. આવી જ વાત અનુભવીને સમીર અને ધ્વનિ બહાર જવા નીકળ્યાં. એકમેકનો હુંફ ભર્યો હાથ પકડીને ચાલતાં હતાં. આજે પહેલી વાર આમ ધ્યાન બહાર રહી ગયું, કે તેઓ જાહેર સ્થળે આમ ચાલી રહ્યાં હતાં. સમીર આંખની ભાષામાં જ બોલ્યો, “હવે ન જાણે ક્યારે મળીશું? દિલ ખૂબ ઉદાસ બન્યું છે.” એમ આંખોના ઇશારાથી વાતો કરતાં કરતાં તેઓ હોટેલના હોલમાં આવ્યાં. બંને પોતાની વાતોમાં મશગૂલ હતાં. બંને એ વાતથી બેખબર હતા કે સામે જ મનસુખરાય તેમના મિત્રોને મળવા હોટેલમાં આવ્યા હતા. બધા સાથે વાતો કરતા હતા, ત્યાં મનસુખરાયની નજર ધ્વનિ અને સમીર પર પડી. તેમણે જોયું તો બંને હાથમાં હાથ પરોવીને હસતાં હસતાં સામેથી આવતાં હતાં. પહેલાં તો તેમને વિશ્વાસ જ ન આવ્યો, પણ પછી યાદ આવ્યું કે આજે આ હોટેલમાં ધ્વનિને બિઝનેસ મિટિંગ હતી તેથી તે અહીં હતી. પણ સમીર અહીં ક્યાંથી? અને બંને જણ હાથમાં હાથ પરોવીને... અને તે આગળ વિચારી જ ન શક્યા. અને એક નજરે તેમને તાકતાં જ રહી ગયાં. સારું હતું બધા મિત્રોની પીઠ તેમના તરફ હતી, તેથી કોઈએ ધ્વનિને જોઈ ન હતી. નહીં તો આજે? એ વિચારતાં જ મનસુખરાય અસ્વસ્થ થઈ ગયા. વાતમાં તેઓ ધ્યાન પણ આપી શકતા ન હતા.

અચાનક જ હસતાં હસતાં ધ્વનિની નજર મનસુખરાય પર પડી અને તે પણ એકદમ અવાચક થઈ ગઈ. ચાલતાં ચાલતાં તે અટકી ગઈ. તેના ચહેરા પરનું હાસ્ય પણ વિલીન થઈ ગયું અને આંખમાં એક ભય છવાઈ ગયો. હૃદયમાં ભયનું લખલખું પસાર થઈ ગયું. “ધ્વનિ, શું થયું? અચાનક કેમ આવું વર્તન?” એમ બોલીને સમીરે તેની તરફ જોયું તો તેની આંખમાં ભય જોતાં, ધ્વનિ જે દિશામાં જોતી હતી, ત્યાં નજર કરી...તો તેનો હાથ પણ ધ્વનિના હાથમાંથી સરી પડયો... તેના પણ પગ નીચેથી ધરતી સરકી ગઈ. જાણે અચાનક સાપ સૂંઘી ગયો હોય તેમ તેનું બોલવાનું બંધ થઈ ગયું. મનસુખરાયે બંને તરફ એક નજર નાખીને નજર ફેરવી લીધી. જાણે કશું જ બન્યું નથી એમ વર્તન કરવા લાગ્યા. પણ મનમાં હજારો સવાલોના પેદા થઈ ગયા હતાં. તે વહેલી તકે ઘરે જ વા માંગતા હતા, પણ મિત્રો તેમને જવા દેવા માંગતા ન હતાં, તેથી ન છૂટકે તેઓ તેમની વાતોમાં જોડાયા.

ધ્વનિ અને સમીર ઝડપથી ત્યાંથી વારાફરતી બહાર નીકળી ગયાં. ધ્વનિ પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. જલ્દીથી તે પોતાની કાર તરફ દોડી. સમીર દોડતો આવ્યો અને ધ્વનિને સાંત્વના આપતાં બોલ્યો, “ધ્વનિ, પ્લીઝ ડર નહીં. તારી આમાં કોઈ જ વાંક નથી. જે કંઈ વાંક છે તે મારો છે. હું અંકલ સાથે બધી જ સ્પષ્ટ વાત કરી દઈશ. પ્લીઝ, તું સ્વસ્થ થા.” ધ્વનિ બોલી, “સમીર, તમે શું કહેશો પપ્પાને કે આપણી વચ્ચે શું? તમે એ ઘટનાનું વર્ણન કરી શકશો? સમજતાં કેમ નથી? કોઈ પણ મા-બાપ પોતાની પુત્રવધૂનું આ કામ સહન ન કરી શકે. પ્લીઝ, તમને મેં પહેલાં પણ કહ્યું હતું કે વર્ષાને કહી દેજો. હવે વર્ષાને જાણ થશે તો તેના દિલ પર શું વીતશે? મને તો એ વિચારથી જ ગભરામણ થવા લાગી છે.” સમીરે તેને શાંત રાખતાં કહ્યું, “પ્લીઝ, ધ્વનિ... પોતાની જાતને સંભાળ. મને ભરોસો છે કે તું વિચારે છે એમાંનું કશું જ નહીં થાય. બધા તારી સ્થિતિ અને હાલત જાણે છે.”

“તો શું થયું? દુનિયામાં કેટલીયે વિધવા થાય છે... તો શું બધા આમ જ? ના, ના, સમીર મેં ખૂબ જ ખોટું કામ કર્યું છે. દિલની વાત માનીને....” એમ કહીને ધ્વનિ આંખોમાં પાણી આવી ગયાં. સમીર અસહાય નજરે ધ્વનિને દુઃખમાં તડપથી જોઈ...આ જાહેર સ્થળ હતું તેથી તે કશું કરી શકે તેમ ન હતો. એણે કહ્યું, “તારી જાતને સંભાળ, પ્લીઝ.” અચાનક ધ્વનિ સમીરને બાય કહીને ઝડપથી કારમાં બેઠી અને કારને ત્યાંથી હંકારી ગઈ.

સમીર ક્યાંય સુધી અપલક નજરે તેને જોઈ રહ્યો પછી તે પણ પોતાની કાર લઈને આગળ વધ્યો. મનમાં તેના પણ હજારો સવાલ હતા કે ધ્વનિ ઘરે ગયા પછી કેવું વાતાવરણ હશે... ધ્વનિ ત્યાંથી નીકળીને ઓફિસ પહોંચી. કોઈ પણ કામમાં તેનું મન લાગતું ન હતું. મનમાં ખૂબ જ ઉચાટ હતો. તે સાંજે કેવી રીતે પપ્પાની નજરનો સામનો કરશે? તેને સમજ પડતી ન હતી. ખૂબ મથામણના અંતે આખરે થાકીને ખુરશીમાં આંખો મીંચીને પડી રહી.

મનસુખરાય ઘરે પહોંચ્યા. ખૂબ જ ચિંતામાં હતા. દિવાનખંડમાં જ ઉષાબહેન હતા, એમણે પૂછ્યું પણ તેમને પણ કોઈ જવાબ ન આપ્યો. તેમના રૂમમાં જતાં રહ્યાં. તેમનું આ વર્તન જોઈને ઉષાબહેનને ચિંતા થઈ, આવું તો કોઈ દિવસ બન્યું નથી... આજે ચોક્કસ કાંઈક બન્યું છે, જેથી તે ખૂબ ચિંતિત થઈ ગયા છે. તે પૂછવા માંગતા હતાં રૂમમાં જઈને... એ પણ જાણતા હતા કે હમણાં કશું નહીં કહે... પછી સામેથી જ બધું કહેશે. તેથી ઉષાબહેન પણ મનમાં વિચારવા લાગ્યા કે શું વાત હશે?

સાંજ પડતાં જ ધ્વનિએ ઘરે આવી જોયું તો મમ્મી ટીવી જોતાં હતાં, પપ્પા ન હતા, તેથી તે વધારે ચિંતિત બની અને પૂછ્યું, “મમ્મી, પપ્પા નથી આવ્યા ઘરે?” ઉષાબહેન બોલ્યાં, “ના બેટા, પપ્પા તો ક્યારના આવી ગયા છે પણ રૂમમાં આરામ કરે છે. તારે કામ છે તેમનું?” “ના, મમ્મી મારે કોઈ કામ નથી.” એમ કહી ધ્વનિ પોતાની રૂમ તરફ જવા લાગી.

થોડી વારમાં તે ફ્રેશ થઈને નીચે આવી. ઉષાબહેન સાથે ટીવી જોવા લાગી. પણ મનમાં હજારો બીજા વિચારો ચાલતાં હતાં. પપ્પા મમ્મી સામે પૂછશે તો શું જવાબ આપીશ? થોડી જ વારમાં તેમનો જમવાનો સમય થતાં બધા જમવા બેઠા. મહેક અને યશની મસ્તી મજાક... અને બધા હસતાં હસતાં જમતાં હતાં. ધ્વનિને મનમાં રાહત થઈ કે પપ્પા હજી સુધી કોઈ વાત બોલ્યા નથી. પછી મનમાં પ્રશ્ન થયો કે શું તેમણે જોયા ન હતા? ના, તેમણે અમને જોયા તો હતા જ... પણ મોં ફેરવી દીધું હતું. આ ઉચાટમાં ધ્વનિ સરખું જમી પણ શકતી ન હતી. મનસુખરાયનું ધ્યાન જતાં જ ધ્વનિને ટોકીને બોલ્યા, “ધ્વનિ બેટા, ધ્યાન ક્યાં છે? ખાવાનું તો સરખું ખા... બેટા, નહીં તો તારી તબિયત બગડશે.” ધ્વનિએ કહ્યું, “જી પપ્પા.” અને ચૂપચાપ જમવા લાગી. જમીને ઉષાબહેન, મનસુખરાય, મહેક અને યશ ગાર્ડનમાં બહાર આંટા મારવા લાગ્યાં. આ તે બધાનો રોજનો નિયમ હતો અને આખા દિવસમાં શું થયું તે એકબીજાને કહેતાં હતાં. ધ્વનિ આજે તે પણ ન કરી શકી. મનસુખરાય તો જાણે કશું બન્યું નથી. એમ જ વર્તન કરતા હતા. થોડીવાર બાળકો તેમની સાથે બેસીને પોતાના રૂમમાં ગયા.

ઉષાબહેન ક્યારના મનસુખરાયના ચહેરાનો ધ્યાનથી અભ્યાસ કરતાં હતાં. શું થયું હશે તે જાણવાની કોશિશ કરતાં હતાં. તે માટે સફળ થતા ન હતાં. મનસુખરાય તો જલ્દીથી જ પોતાના રૂમમાં પાછા આવ્યા. ઉષાબહેન ટીવી જોવા બેઠાં. બાળકો રૂમમાં ગયા અને ધ્વનિને કોઈ કામ યાદ આવતાં તે નીચે આવીને ઉષાબહેન તરફ જવા લાગી. રૂમમાં જોયું તો મનસુખરાય એકલા હતા. એ પાછી વળતી હતી ત્યાં એને મનસુખરાયને કંઇક બોલતા સાંભળ્યા. એટલે એ પાછી વળી... ને જોયું તો મનસુખરાય મનોજના ફોટા પર હાથ ફેરવતા હતા અને બોલતા હતા, “મનોજ, ધ્વનિ પર જરા પણ ગુસ્સો કરતો નહીં. બેટા, એને માફ કરી દેજે. એની જગ્યાએ જો તું હોત, તો તેં કદાચ બીજા લગ્ન પણ કરી લીધા હોત. બેટા, હું તો ખુશ છું કે ધ્વનિને સમીરનો સહારો મળી ગયો.” આ સાંભળીને ધ્વનિના પગ નીચેથી ધરતી સરકી ગઈ. તેની તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. તે એકદમ દિગ્મૂઢ થઈને ત્યાં જ ઉભી રહી ગઈ તેના પગમાં અને શરીરમાં તાકાત જ ન હતી કે ત્યાંથી ખસી શકે. આજે તેની જિંદગી ખૂબ જ વસમી લાગી. મનમાં ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. અરે, હું જ ગુનેગાર છું બધાની. બધા સાથે દગો કર્યો છે... વર્ષા સાથે પણ દગો કર્યો છે... અરે, આ મેં શું કર્યું છે?

તે લથડિયાં ખાતી, ધીરે-ધીરે પોતાના રૂમ તરફ જવા લાગી. પોતાના શરીરને જોરથી પલંગ પર નાખીને તે ખૂબ રડી. આજે તો તેને સાંત્વના આપનાર પણ કોઈ ન હતું. પોતે કેમ ભૂલી ગઈ કે આ ઘરની ઈજ્જત છે... સન્માન છે... પોતે કેવી રીતે ભૂલી ગઈ કે બાળકોની મા છે... શું પોતાની અતૃપ્ત ઝંખના એટલી બધી વધી ગઈ છે કે તે એક સંબંધો નિભાવવા જતાં જ બધા સંબંધોને જોખમમાં મૂકી દીધાં. તેને શું હક છે આ બધાના સપનાંને તોડવાનો? પછી પોતાની ખૂબ જ અસહાય અનુભવી આજે. રડતાં રડતાં એ મનોજના ફોટા સામે જોઈને બોલી, “જોયું ને? કેટલી મોટી ભૂલ કરી નાખી? હું તો મિત્ર ધર્મ પણ ચૂકી ગઈ... જે સખીએ મને મારા દુઃખના દિવસોમાં પોતાનો સહારો આપ્યો, તેના જીવનનો સહારો મારાથી છીનવાઈ ગયો... મનોજ, હું ખરેખર ખૂબ જ ખરાબ છું. હું તમારી ગુનેગાર છું. પણ, સાથે સાથે આ બધાની ગુનેગાર પણ બની ગઈ છું. મેં તે એક વખત અનુભવ્યું, પણ પાછા વળવાની જગ્યાએ આગળ કદમ વધાર્યા... ખૂબ જ મોટી ભૂલ કરી છે જિંદગીમાં. મનોજ, પ્લીઝ મને માફ કરી દો. તમે કેમ મારો સાથ છોડીને ચાલ્યા ગયા? જુઓ, તમારી ધ્વનિ આજે ક્યાં જઈને ઉભી છે? જિંદગીની રાહ પર જ એવા ત્રિભેટે આવીને ઉભી છું, જ્યાંથી જો નીચે જાઉં, તો મારું પતન નિશ્ચિત થઈ ગયું છે. પણ હવે તો મૃત્યુ પણ મોઢું ફેરવી લે એવી દશા છે, મારી... મનોજ, પ્લીઝ મને બચાવો. દિલમાં કેટલી વેદના થતી હશે? ધ્વનિ ક્યાંય સુધી મનોજ સાથે મનથી વાતો કરતી રહી... આખરે થાકીને તે ક્યારે સૂઈ ગઈ તેને પણ ખબર ના પડી.

રૂમમાં ઉષાબહેન આવ્યા તો મનસુખરાયને હજુ પણ મનોજના ફોટાને હાથ ફેરવતા જોઈને ઊંડા વિચારમાં પડેલા જોયા... અને કહ્યું, “ક્યારના તમે આવ્યા છે ત્યારથી ચૂપચાપ છો. શું થયું છે આજે? મનોજની તસ્વીર કેમ હાથમાં લઈને બેઠા છો?” મનસુખરાયે ઉદાસ સ્વરે કહ્યું, “નહીં ઉષા, કોઈ વાત નથી. આજે ન જાણે કેમ મનોજની ખૂબ યાદ આવી ગઈ.” ઉષાબહેને કહ્યું, “એટલે? જુઓ, તમે ખોટું બોલો છો. સાચું કહો શું થયું છે આજે? તમને મનોજના સોગન છે.” “ઉષા, સોગન કોનાં આપ્યાં? મનોજના?” તડપીને, એમ બોલીને મનસુખરાય ગળગળા થઈ ગયા. ઉષાબહેન તેમની પાસે ગયા, તેમની પાસે બેસીને, તેમનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું, “કહો, હવે શું થયું છે આજે? તમે કેમ આટલા ચિંતીત છો?” પછી ધીરે ધીરે મનસુખરાયે આજે જે હોટેલમાં જોયું તે બધું જ ઉષાબહેનને કહ્યું. ઉષાબહેન શાંતિથી બધી વાત સાંભળી રહ્યા પછી બોલ્યાં, “અરે, તેમાં તમે શું આટલી બધી ચિંતા કરવા લાગ્યા? જુઓ, ધ્વનિ આપણી દીકરી છે. સમીર પણ આપણો દીકરો છે ને? મનોજના ગયા પછી તેણે બાળકો પ્રત્યે, આપણા પ્રત્યે, ધ્વનિ પ્રત્યે, જે ફરજ બજાવી છે તે ઓછી થઈ છે? અને આ ફરજ બજાવતાં બજાવતાં, ધ્વનિ અને સમીર નજીક આવી ગયાં છે, તો ખોટું પણ શું છે? આપણે તો ધ્વનિને કહ્યું હતું કે બેટા, તને જિંદગીમાં જ્યારે પણ કોઇ પાત્ર કે સહારાની જરૂર હોય તો અમને જણાવી દેજે. અમે તને યોગ્ય પાત્ર શોધીને આપીશું. કેમ ભૂલી ગયા તમે?” મનસુખરાયે કહ્યું, “ના, ઉષા... નથી ભૂલ્યો. યાદ છે મને. પણ આજે અચાનક તેમને સાથે જોયા...” “પણ તમે જ કહેતા હતા ને કે ધ્વનિને તો આજે હોટલમાં મિટિંગ હતી, તો બની શકે સમીર પણ ત્યાં મીટીંગ માટે જ આવ્યો હોય અને સાથે મળ્યાં હોય... ને રહી હાથમાં હાથ રાખીને ચાલવાની વાત... તો તમે ભૂલી ગયા સમીર અને ધ્વનિ તો કોલેજકાળથી મિત્ર છે, તો શું એક મિત્ર તેના મિત્રનો હાથ પકડીને ચાલી ન શકે?”

ઉષાબહેનની આ વાત સાંભળીને મનસુખરાયને ખૂબ જ આશ્ચર્ય થયું કે શું આ એક પુત્રની માતા બોલતી હતી? જે પુત્રને તે ગુમાવીને બેઠી હતી. તેની સમજશક્તિ પર આજે મનસુખરાયને ખૂબ જ ગર્વ થયો. તેઓ મનોમન બોલ્યા, “ઉષા, તારી સમજદારી આગળ આજે હું પણ હારી ગયો.” પછી હસીને કહ્યું, “હા, ઉષા, આ તારી વાત સાચી છે. હું જેવું ધારું છું, તેવું કદાચ ન પણ હોય... અને હોય તો પણ આપણને ખુશી થવી જોઈએ કે ધ્વનિએ જે પાત્ર પોતાના માટે શોધ્યું તે પણ આપણું એટલું જ પરિચિત છે. હા, પણ જ્યારે વર્ષા આ સંબંધો વિશે જશે ત્યારે?” ઉષાબહેને કહ્યું, “વર્ષા ખૂબ જ સમજદાર છે. તે ખૂબ જ સમજદારીથી આનો ઉકેલ કાઢશે. હવે તમે નાહક ચિંતા ના કરો. ને મનમાં વધારે વિચાર ના કરો. ચાલો, સૂઈ જઈએ.” “હા, તારી વાત સાચી છે, ઉષા.” એમ કહીને તે હળવા થયા. મન પરથી ભાર ઉતારી નાખ્યો અને શાંતિથી સૂઈ ગયા.

ઉષાબહેનને પણ મનમાં સવાલ થયો કે શું ધ્વનિ અને સમીર વચ્ચે? પછી પોતે જ જવાબ આપ્યો, ધ્વનિ પોતે જ કહેશે કેમકે તે પોતાને તેની મમ્મી માને છે. મમ્મી આગળ તો કશું છુપાવે નહીં. એમ વિચારીને તે પણ સૂઈ ગયા. બીજે દિવસે ધ્વનિ સવારે ઉઠી, ત્યારે તેણે મનોમન નક્કી કર્યું કે આ સંબંધનો અંત લાવવાની હિંમત કરીને, વર્ષાને વાત કરીને, તેની માફી માંગીશ. એવું નક્કી કરતા મન પરથી થોડો ભાગ ઓછો થયો હતો. સવારે ચૂપચાપ નાસ્તાના ટેબલ ઉપર નાસ્તો પતાવીને પોતાના રૂમમાં જતી રહી. પપ્પા મમ્મીનો સામનો કરી શકતી ન હતી. ઉષાબહેન ધ્વનિનું મનોમંથન જાણી ગયા હતાં. પણ તે જાણીજોઈને થોડો સમય આપવા માંગતા હતાં. જેથી ધ્વનિ પોતે તેમાંથી બહાર આવી શકે. તે જાણતા હતા પોતાની વહુ સોના જેવી છે. સોનાને કદી પણ કાટ લાગવાનો નથી. તેથી યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા.

***