Jokar - 27 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - સ્ટૉરી એક લુઝરની - 27

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 27

જૉકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 27
લેખક – મેર મેહુલ
નિધિ સાથે વાત કરી હું માફી માંગવા ઇચ્છતો હતો.મેં જે કર્યું એ માફ કરવા લાયક તો નહોતું જ છતાં મારે પ્રાશ્ચિત કરવું હતું.હું કોલેજમાંથી રેસ્ટીકેટ કરવામાં આવ્યો છું એટલે તેણી મને પ્રોફેસર બી.સી.પટેલની ઑફિસમાં લઇ ગઈ અને કહ્યું, “તમારા વિરુદ્ધ ફરિયાદ છે.જૈનીત વતી.તમે તેની સાથે જે અન્યાય કર્યો છે તેના માટે?”
“શું બકવાસ કરે છે તું?,તને ખબર છે એણે શું કર્યું છે?”પ્રોફેસર ખુરશી પરથી ઉભા થઈ ગયા.
“બકવાસ કોણ કરે છે એ તમને પણ ખબર છે અને મને પણ ખબર છે.તમે જે રીતે તમારા ગુંડાઓને સાચવો છો એ પુરી કૉલેજને ખબર છે અને જે પુરી કૉલેજને નથી ખબર એ મને ખબર છે.જો તમે એવું વિચારતાં હોવ કે એક છોકરીનું મોં બંધ કરાવી અને એક છોકરાને કોલેજમાંથી કાઢી તમે હકીકત છુપાવી દેશો તો તમારી એ ભૂલ છે.તમે એવા ફસાશો અને એટલો માર ખાશો કે પાણી પણ નહીં માંગો.હવે તમે જ નક્કી કરી લો જેલમાં જવું છે કે જૈનીતને કોલેજમાં રાખવાનો ઈરાદો છે”
મને કંઈ સમજાયું નહીં પણ પ્રોફેસરનો બદલાતો ચહેરો જોતાં હું એટલું તો કળી જ ગયો હતો કે નક્કી તેઓના કંઈક કાંડ નિધિ સામે આવી ગયા છે.
પ્રોફેસરે ગજવામાંથી રૂમાલ કાઢ્યો અને કપાળે ફેરવતાં કહ્યું,“તમે બંને બહાર રાહ જાઓ,હું થોડીવારમાં બોલાવું છું”
“સર ચાલાકી કરશો તો પરિણામ માટે તૈયાર રહેજો”ધમકી આપતાં નિધિ મને બહાર ખેંચી ગઈ.
‘શું છે આ બધું?,તું કેમ પ્રોફેસર સાથે આવી રીતે વાતો કરે છે?’મેં પ્રશ્નસૂચક નજરે માત્ર નેણ ઊંચા કરી ઇશારામાં પૂછ્યું.
તેણે પણ નજરો સાથે સહેજ ગરદન નીચે ઝુકાવી મને આશ્વાસન આપ્યું કે બધું ઠીક થઈ જશે.તેણે કોઈનો નંબર ડાયલ કર્યો અને પ્રોફેસરની કેબિન પાસે આવવા કહ્યું.
લગભગ એક મિનીટ પછી પ્રોફેસરે અમને અંદર બોલાવ્યા.તેનો ચહેરો જોવા જેવો હતો.બે દિવસ પહેલના મુર્જાયેલા ફૂલ જેવો.સાવ નિમાણો.
“જૈનીતને ક્યાંય જવાની જરૂર નથી”પ્રોફેસરે કહ્યું, “એ કૉલેજમાં રહી શકે છે.હું પ્રિન્સીપાલ સાથે વાત કરી લઈશ”
“તો હવે એ વીડિયો તમે ડીલીટ કરાવશો કે હું બીજો વીડિયો વાયરલ કરું?”નિધિ અત્યારે કંઈક ઔર જ મૂડમાં હતી.
“થઈ જશે ડીલીટ અને તું પણ એ વીડિયો ડીલીટ કરી દેજે”
“ચોક્કસ,આ વીડિયો ડીલીટ થાય અને પછી આવા કોઈ વીડિયો નહિ બને તેની શરતે”નિધીએ કહ્યું.
“તમે લોકો હવે જઈ શકો છો”પ્રિન્સિપાલે બારણાં તરફ ઈશારો કરતાં કહ્યું, “હવે એવું નહિ થાય”
“એક મિનિટ”નિધિએ કહ્યું અને બારણાં તરફ ફરીને મોટેથી કોઇને સાદ કર્યો.એક છોકરી ડરતી ડરતી અંદર આવી.
“શેફાલી,આ એ જ વ્યક્તિ છે જેણે તને બદનામ કરી છે.તેનાથી ડરવાની જરૂર નથી.મેં તને જે કામ સોંપ્યું છે એ કરી આપ”
શેફાલી પ્રોફેસર તરફ આગળ વધી.તેની સામે જોઇને દાંત ભીસ્યાં અને જોરથી એક થપાટ લગાવી દીધી.પ્રોફેસરને થપાટ?,મારા માન્યામાં નહોતું આવતું.એ તો ગાલ પર હાથ રાખી નીચું જોઈને ઉભા હતા.
***
“શું હતું એ બધું?,ક્યાં વીડિયોની તું વાત કરે છે?,શેફાલીએ કેમ તેને થપાટ ચોડી દીધી?,તું માંડીને વાત કરીશ?”છેલ્લી દસ મિનીટથી હું નિધિને એકના એક સવાલ પૂછતો હતો.અમે બંને કૉલેજ પુરી કરીને ડુમ્મસ તરફ જઈ રહ્યા હતા.નિધિએ મને કસ્સીને ઝકડી રાખ્યો હતો.ઘણા દિવસ પછી આજે અમે એકાંતનો સમય માણવાના હતા.
મારું મન પણ અત્યારે શાંત હતું.છેલ્લા એક અઠવાડિયામાં જે કંઈ સળગ્યું હતું એ બધું ઠરી ગયું હતુ. હું ખુશ હતો કે મારી જાણ બહાર પણ બધું થાળે પડી ગયું હતું. મને પ્રોફેસરની વાત જાણવાની તાલાવેલી હતી એટલે મેં બાજુમાં ચહેરો ઘુમાવી ધીમેથી નિધિને પૂછ્યું, “નિધુ,આજે સવારે જે થયું એ બધું શું હતું?”
“આપણી કૉલેજમાં ‘વીડિયો વાયરલ’ કરવાનો ટ્રેન્ડ ચાલે છે એવું નથી લાગતું તને?”નિધિએ પુછ્યું.
“એ તો બકુલ અને તેના ફ્રેન્ડ્સ લોકો મજા લે છે ને??”
“તેઓ તો માત્ર એક કટપુતળી છે,જે કેટલાક પ્રોફેસરોના ઈશારા પર નાચે છે.હકીકતમાં ઝાડના મૂળમાં જ સડો પેસી ગયેલો છે.”
“તું પહેલી ના બુજાવ, શું થયું એ વિગતવાર કહે મને”
“તે દિવસે શેફાલી રાત્રે મારાં ઘરે આવી હતી, એણે તને કિસ કરી એ વાત કરી અને તેણે એવું શા માટે કર્યું એ પણ”
“શા માટે કર્યું?”
“વીડિયો!!,હોસ્ટેલમાં નહાતી હતી તેનો વીડિયો પ્રોફેસરે તેને મોકલ્યો હતો અને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.તારી સાથે આવું કરવા પણ તેઓએ જ કહ્યું હતું”
મને આશ્ચર્ય થયું.કોઈ બ્લેકમેઇલ કરે તો પોતાના સ્વાર્થ માટે કરે.શેફાલીને મારી સાથે આવું કરવાનું કહીને તેઓને શું મળવાનું હશે?
“મારી સાથે જ કેમ પણ?,હું બદનામ થાઉં તેમાં પ્રોફેસરને શું ફાયદો છે?,મેં તેઓનું કંઈ નથી બગાડ્યું..!”
“એ જ હું વિચારું છું,તને કોલેજમાંથી રેસ્ટીકેટ કરીને તેઓને શું ફાયદો થવાનો હતો?”નિધીએ કહ્યું.
“એ તો ઠીક પણ શેફાલીય ગાંડી છે, તેણે મને એકવાર વાત કરી પણ નહીં.નહીંતર વાત આટલી બધી આગળ વધેત જ નહીં”
“શું કહેત એ તને?,બાથરૂમમાં નહાતી હતી એ વીડિયો છુપાવવા પ્રોફેસર નીચે સૂતી હતી એમ?,અને કદાચ તને કહ્યું હોત તો પણ તેનાં વીડિયો વાયરલ થઈ જાત.તેણે વિચાર્યું હશે એવા નગ્ન વીડિયો કરતાં, કિસ કરતાં હોય એવા વીડિયો વાયરલ થાય એ સારું”
“તું પ્રોફેસરને વીડિયો વિશે શું ધમકાવતી હતી?”મેં પૂછ્યું.
“અરે એ તો મેં તુક્કો માર્યો હતો,તેઓ આવા અશ્લીલ વીડિયો ઉતારે છે તો પોતાની હવસ છુપાવતાં જ હોયને.મેં હવામાં તીર ફેંક્યું અને નિશાન ઉપર લાગ્યું.”
“તેણે શેફાલી સાથે પણ આવી હરકત કરી હશેને?”મેં પૂછ્યું.
“શેફાલીએ એ વિશે મને નથી કહ્યું પણ આપણે પ્રોફેસરને એક્સપોઝ કરવા જોઈએ”તેણે કહ્યું.
મેં બાઇક ઉભી રાખી દીધી.અમે દરિયા કિનારે પહોંચી ગયા હતા.
“તું શું કહે છે એનું તને ભાન છે? તે કોઈ દિવસ વિચાર્યું છે એમ કરવાથી જે છોકરી સાથે તેણે હરકતો કરી છે એ સામે આવી જશે અને તેઓ બદનામ થશે”
“એક્સપોઝ નહિ કરીએ તો છોકરીઓની સંખ્યામાં વધારો થશે.”તેણે કહ્યું.
“હું તને એવું કશું કરવા નથી દેવાનો,આપણે સમાજ સુધારક બનવાની કોઈ જરૂર નથી.તેઓને પોતાની નથી પડી તો આપણે શા માટે ડાહ્યા થવું જોઈએ?”
“જૈનીત તું આવું કહે છે? કાલે સવારે મારી સાથે કોઈ આવી હરકતો કરશે તો?”
“તો હું લડી લઈશ પણ જે લોકો ચુપચાપ સહન કરવામાં માને છે તેઓને હું ક્યારેય સાથ નહિ આપું”
“જૈનીત પ્લીઝ તું સમજ”તેણે કહ્યું પણ તેની વાત મેં જરા ન ગણકારી.
નિધિ સાથે બહેસ કરવામાં મને કોઈ મર્મ ના જણાયો.મેં વાત ત્યાં જ પડતી મૂકી.અમે બંને દરિયા ગણેશના મંદિરની બાજુમાં રહેલા પથ્થરો પર આવીને બેઠાં.બપોરનો સમય હતો એટલે લોકોની અવરજવર નહિવત કહી શકાય એવી હતી.બંનેમાંથી કોઈને બોલવાની ઈચ્છા નહોતી.ચૂપકીદી ઘણું બધું કહી રહી હતી.મને નિધિની વાત ગળે નહોતી ઉતરતી.એવી તો શું મજબૂરી હોતી હશે જેમાં પોતાની ઈજ્જત પણ દાવ પર લગાવવી પડે.
થોડીવારની ચૂપકીદી પછી નિધિ મારી નજીક આવી અને મારા ખભા પર માથું ટેકવીને આલિંગન કરી લીધું.
“તને એમ લાગતું હશે હું સમાજને સુધારવા માટે આવું કરું છું”તેણે કહ્યું. તેના અવાજમાં ભીનાશ હતી.
“હમ્મ…”મેં માત્ર ડોકું ધુણાવ્યું.
“ત્યારે હું ચૌદ વર્ષની હતી”નિધિએ ભૂતકાળમાં ડૂબકી મારી,જો કે મને આશા હતી જ કે તેની સાથે એવું કંઈક બન્યું હશે.
“એ અરસામાં પપ્પાના દોસ્તનો છોકરો ઘરે વેકેશન કરવા આવ્યો હતો.એ ઓગણીસેક વર્ષનો હતો.મને તેની સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવતી.એ સુરતનો જ હતો.સુરતમાં રહેવાની કેવી મજા આવે તેના રોજ નવા કિસ્સા મને કહેતો.
એક દિવસ હું રૂમમાં એકલી હતી.એ મારા રૂમમાં આવ્યો.તેના હાથમાં એક સીડી હતી.તેણે મને આંખો બંધ કરી હાથ આગળ રાખવા કહ્યું.મેં આંખો બંધ કરી હાથ ધર્યા. તેણે એ સીડી મારા હાથમાં રાખી.એ પોર્નની સીડી હતી.તેના પર અશ્લીલ ચિત્રો હતા.
“ચાલ આપણે જોઈએ”તેણે કહ્યું.ત્યારે શું જવાબ આપવો એ મને ખબર નહોતી પણ હું દોડીને મમ્મી પાસે ચાલી ગઈ.એ દિવસ પછી રોજ એ મારી સામે જોઇને ખૂન્નસ ભર્યું સ્મિત કરતો.એ જેટલા દિવસ ઘરે રહ્યો હું એ ડરથી જીવી કે તે મારી સાથે કોઈ ખરાબ હરકત ના કરી લે.
ત્યારે જો મેં થોડી હિંમત કરીને મમ્મી-પપ્પાને વાત કરી દીધી હોત તો મારે મારા જ ઘરમાં એવી રીતે ના રહેવું પડયું હોત.એ દિવસથી મેં નક્કી કરી લીધું.કોઈપણ પ્રકારની વાત હોય.બેજીજક કહી દેવાની.જેટલી દબાવીને રાખશો એટલું પોતાને જ નુકસાન થશે.
“નિધિ હું તારી વાતથી સહમત છું પણ મને તારી ચિંતા છે.આ બધું કરવામાં તું એની આંખે ખૂંચી અને તું મુસીબતમાં ફસાઈશ તો હું સહન નહિ કરી શકું”મેં તેના રીબીન વડે આવરી લીધેલા વાળને મુક્ત કર્યા.
“તું મારી સાથે છે તો મને કોનો ડર છે?”તેણે મારી દાઢીના વાળ ખેંચીને કહ્યું.મને ખબર હતી એ મને ફોસલાવતી હતી પણ હું વાસ્તવિકતાથી વાકેફ હતો.એ નાનકડી એવી પણ મુસીબતમાં ફસાય એવું હું નહોતો ઇચ્છતો.
તેના વાળમાં આંગળીઓ પરોવી હું પસવારવા લાગ્યો.તેને મારી આ હરકત ગમતી.
“એક શરત પર હું તારો સાથ આપીશ”મેં કહ્યું.
(ક્રમશઃ)
જૈનીતનો વીડિયો શા માટે?,જૈનીત સાથે કોને દુશ્મની હશે?,શું જૈનીત વીડિયો ઉતારવા પાછળનું કારણ જાણી શકશે?,જૈનીત નિધિ સામે કંઈ શરત રાખવા જઈ રહ્યો છે?,જૈનીત પોતાનાં પગ પર જ કુલ્હાડી નથી મારવાનો ને?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Khyati Soni ladu

Khyati Soni ladu 2 years ago

Hina

Hina 2 years ago

Sonal

Sonal 2 years ago