two short story books and stories free download online pdf in Gujarati

બે લઘુકથાઓ

(1) જીવનનો સ્વાદ.

ડાયાબિટીસને કારણે અંધ બનેલા અને પેરેલીસીસનો ભોગ બનેલા છગનલાલ લોકડાઉન પહેલા સોસાયટીના ગેટની બહાર સુધી સાવર સાંજ બેસવા જતા.અને 135નો મસાલો ખાતા.
એમનો પુત્ર જીગો એમને માટે મસાલાની સામગ્રી ઘેર લઈ આવ્યો હતો.જ્યારે ઈચ્છા થાય ત્યારે એમને મસાલો બનાવીને એ આપતો.એ મસાલાથી,એમના મોંમાં અનેરો સ્વાદ અને મનમાં અનેરો ઉન્માદ છવાઈ જતો.
લોકડાઉનમાં બહાર જવાનું તો બંધ થઈ ગયું.એટલે એમના પત્નીએ કહ્યું કે હવે બેઠા બેઠા શું આખો દિવસ માવો ચાવ્યા કરો છો..બંધ કરી દો..
છગનલાલને પણ લાગ્યું કે લાવને હવે આ છેલ્લા શોખને પણ જતો કરી જ દઉં.આમેય હવે જીવવામાં શું સ્વાદ રહ્યો છે..
બીજા દિવસથી એમને કશું કામ ન રહ્યું. મન ક્ષણે ક્ષણ મસાલા વગર ઝુરવા લાગ્યું.આંખોમાં હવે કાયમ માટે છવાઈ ગયેલા અંધકારના ચિત્રપટમાં, ભૂતકાળમાં જીવેલી ક્ષણોની ફિલ્મ ચાલવા લાગી. રોશનીવિહીન આંખોમાં છવાયેલી માયુસી ચહેરા પર પણ ઉતરી આવી. શૂન્ય બની ગયેલા જીવનની વેદના આંખોમાંથી આંસુ બનીને વહેવા લાગી...
એમને રડતાં જોઈ એમના પત્નીએ પૂછ્યું..
"ખબર તો છે કે હવે આમ જ જીવવાનું છે તો શું કામ રડો છો..?"
"જીવનમાં કોઈ સ્વાદ જ રહ્યો નહીં.." કહી છગનલાલ ફરી રડી પડ્યા..
એ જોઈ જીગાએ માવો બનાવીને છગનલાલને આપ્યો..
"લ્યો બાપુજી, તમારા જીવનનો સ્વાદ..!"
છગનલાલની સૂકી ધરતી જેવા ચહેરા પર જાણે વરસાદ વરસી પડ્યો હોય એવી આનંદની વાછટ એમણે અનુભવી.
માવો ખાતા ખાતા એ મોજમાં આવી ગયા..
"ખરેખર જીવવા માટે કંઈક સ્વાદ તો હોવો જ જોઈએ" એમ વિચારીને એમણે તમાકુ અને સોપારીના રસનો જીવનરસ ગળા નીચે ઉતર્યો...!!

(2) શું, આવું થશે ?



એક હોડી દરિયા કિનારેથી થોડે દૂર એક ખડકના પોલાણમાં આવી ચડી હતી.
એક દિવસ પવનને ફૂંકાતો જોઈ એ ખુશ થઈ ગઈ. પોતાના સઢને ખોલીને એ પવન તરફ આગળ વધી. પવન પણ આ સઢ ખોલીને દરિયાની સપાટી પર વિહરવા થનગની રહેલી હોડીની આસપાસ વીંટળાઈ વળ્યો. હોડીએ સઢને પૂરેપૂરો ખોલી નાંખ્યો.
પવન, એને પોતાની બાંહોમાં ઉઠાવીને દૂર દૂર દરિયાના ઉછળતાં મોજાંઓની મોજ માણવા લઈ ગયો.
છેક સાંજે પવન, આ હોડીને એને ઘરે, પેલા પર્વતના પોલાણમાં મૂકી જતો.
સવારે હોડી સજીધજીને પવનની રાહ જોતી...સઢને ફફડાવીને પવનને જલદી આવવાના સંદેશા મોકલતી.
પવન પણ હજાર કામ પડતા મૂકીને પર્વતના પોલાણ પાસે આવીને સુસવાટા કરતો..હોડી એને જોઈને દોટ મૂકતી... ક્યારેક ઉતાવળમાં નીકળી ગયેલી ભૂખી હોડીને પવન એના ખોળામાં બેસાડીને ખવડાવતો.
બંને દૂર દૂર ફેલાયેલા અનંત દરિયામાં વિહરતા...
ડૂબવાની જરાક જેટલીય બીક આ હોડીને લાગતી નહીં.
પવન પણ નજાકતથી એને પોતાની આંખના પોપચાં પર રાખતો પણ સમય હમેશાં એક સરખો રહેતો નથી.
એક દિવસ એક નાવિકે પર્વતના પોલાણમાં પડેલી આ હોડીને જોઈ..એ એને કિનારે ખેંચી લાવ્યો.એના પાટિયાનું રંગરોગાન કરીને નવી જ બનાવી દીધી.એનો સઢ કાઢીને એમાં પોતાનું મશીન ફિટ કર્યું...એને લંગર વડે કિનારે બાંધી દીધી.
પવન, આ બધું જોઈ રહ્યો હતો. હોડી પણ નાવિક સાથે જવા જાણે મજબૂર હતી..હવે એ નાવિક સાથે એના મશીનના જોરે દરિયામાં ફરતી હતી. પવન એને હળવેથી પોતાની બાંહોમાં લેવા હાથ ફેલાવતો...પણ હોડીનું સુકાન હવે નાવિકના હાથમાં હતું.
કિનારે લાંગરેલી એ હોડીને મળવા પવન જઈ ચડતો ત્યારે ત્યાં પડેલા અનેક હોડકાઓ હસીમજાક કરતા.
કાના ફુસી કરતા. હોડીના પ્રેમમાં પડેલા પવનની મજાક કરતા.
હોડી શરૂઆતમાં આવકાર આપતી.પવનને જોઈને હસતી. સઢવાળા દિવસો યાદ કરતી.. પવનના ખોળામાં ઘડીક બેસી પણ લેતી.
પેલા નાવિકે સામાન ભરીને હોડીને ખાલી રહેવા દીધી નથી. હોડી પણ હવે પવનને ભૂલીને મશીનના જોરે દરિયામાં ફરે છે.
પવન, દૂર રહીને મંદ મંદ ફિક્કું હસીને પોતાના હૈયાના તૂટી ગયેલા ટુકડાઓને વીતી ગયેલા સમયના સોયદોરાથી સાંધવાની કોશિશ કરે છે...!!
એને હજીય આશા છે કે એની પ્રિય હોડીમાંથી ક્યારેક બધો સામાન કિનારે ઠલવાઈ જશે.પેલો નાવિક એને બાંધી રાખવાનું બંધ કરશે...એ ક્ષણે ફરી એકવાર એ હોડી સઢને સજાવશે...અને દોડીને એના પ્રિય પવનની બાંહોમાં સમાઈ જશે...!!
શું, આવું થશે ?
ભરત ચકલાસિયા.
23 જુલાઈ 2020.