Jokar - 45 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર – સ્ટૉરી એક લુઝરની – 45 

જૉકર – સ્ટૉરી એક લુઝરની – 45 

જૉકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 45
લેખક – મેર મેહુલ
સુરત છોડી હું માઉન્ટ આબુ આવી ગયો તેને એક મહિનો થઈ ગયો હતો.મારી જિંદગી બદલાય ગઈ હતી.હું મારાં પોતાના કહી શકાય એવા વ્યક્તિઓમાં બકુલ સિવાય કોઈના સંપર્કમાં નહોતો.નિધિ સાથે પણ મેં છેલ્લે સુરત હતો ત્યારે જ વાત કરી હતી.
મારી દાઢી અને વાળ પણ વધી ગયાં હતાં.હું પોતાની આદત મુજબ સનસેટ પોઇન્ટ પર બેઠો હતો.મને એની યાદ સતાવતી હતી એટલે હું રડતો હતો.એટલામાં કોઈએ પાછળ આવીને મને કહ્યું, “રોને સે અગર સબ કુછ ઠીક હો જાતા તો મેં ચોબીસો ઘંટે રોતી રહતી”
હું પાછળ ઘૂમ્યો.મારી પાછળ કોઈ અજાણ્યી છોકરી ઉભી હતી.સહેજ ઊંચી,ગોરી અને કદકાઠીએ વ્યવસ્થિત લાગતી એ છોકરી મારે સામે સ્મિત સાથે જોઈ રહી હતી.
“इश्क का मामला है या काफ़िर बन गए हो?”તેણે મારી પાસે આવી પથ્થર પર બેસીને પૂછ્યું.મારી નજર ડૂબતા સૂરજ પર હતી.આછાં ભૂરા રંગનો સૂરજ લાલ થવા જઈ રહ્યો હતો.
“ये इश्क का जुआ ही तो खेला था हमने,रानी हाथ नहीं आई और हम जोकर बन गए।”મેં બનાવટી સ્મિત કરતાં કહ્યું.
“वाहह,क्या बात कही तुमने,रुको में डायरी में लिख लेती हुँ” કહેતાં તેણે બેગમાંથી ડાયરી કાઢી.
***
“એક મિનિટ”ક્રિશાએ ખુશાલને અટકાવ્યો, “તને આ બધી વાત કેમ ખબર છે?”
“કારણ કે તું જે વ્યક્તિને મળી હતી હું એની જ વાત કરું છું”ખુશાલે કહ્યું.
“તો તું જૈનીત નથી?”ક્રિશાની આંખો પહોળી થઈ ગઈ.
“હા,હું જૈનીત નથી.મેં તને પહેલાં જ કહ્યું હતું,જોકર મારો દોસ્ત છે અને આ એ જ દોસ્ત છે જેને તું માઉન્ટ આબુમાં મળી હતી.મારું નામ ખુશાલ પ્રજાપતિ છે અને હું જૈનીતની ડાયરીમાં લખેલી વાતો તને કહું છું”
“તે તારી ઓળખાણ કેમ છુપાવી?”ક્રિશા થોડી ગુસ્સે થઈ, “મારી સાથે કેમ આવું કર્યું તે?”
“એ બધું તને ખબર પડી જશે”ખુશાલે કહ્યું,“આપણે વાત આગળ ધપાવીએ?”
ક્રિશાએ અનિચ્છાએ હકારમાં માથું ધુણાવ્યું.
“આપણે અહીંયા બેઠાં બેઠાં ચાર કૉફી પી ગયા છીએ”ખુશાલે કહ્યું, “વાતાવરણ તંગ થાય એ પહેલાં બહાર નીકળી જઈએ.બીજી જગ્યા પર વાત કરવાની વધુ મજા આવશે”
“ક્યાં જઈશું?”ક્રિશાએ પૂછ્યું.
“મારાં બંગલે જ જઈએ”ખુશાલે કહ્યું, “જમીને વાત આગળ ધપાવીએ?”
***
ક્રિશા અને ખુશાલ જમવાનું પતાવીને બગીચામાં બેઠાં હતાં.ખુશાલે ત્યાંથી વાત આગળ ધપાવી.
“જૈનીત સાથે ઘણું બધું ન બનાવનું બની ગયું હતું…..”
“તું જૈનીતના લહેકામાં કહેતો હતો એવી જ રીતે શરૂ રાખ..”ક્રિશાએ ખુશાલને અટકાવી કહ્યું.
મારી સાથે ઘણુંબધું ન બનવાનું બની ગયું હતું.ઉપરથી એક છોકરી મારી પાસે આવી મારી સાથે વાત કરવા ઇચ્છતી હતી.
“मेरा नाम क्रिशा पटेल है”તેણે કહ્યું.
“ગુજરાતી છો?” મેં પૂછ્યું.
“હા,સુરતથી”તેણે કહ્યું.
“હું જૈનીત”મારાથી બોલાય ગયું,“ભાવનગરથી”
એક તો એ સુરતની હતી અને ઉપરથી મારું સાચું નામ તેને ખબર પડી ગઈ હતી.એ મને ઓળખી જાય તેનો મને ડર લાગતો હતો.
“ઓહ જૈનીત”તેણે કહ્યું, “આમ ઉદાસ બેસી રહીશ તો કેમ ચાલશે?,એક વ્યક્તિના જવાથી આપણી લાઈફ અટકી નથી જતી”
એને કોણ કહે,એ સાથે બધા વ્યક્તિઓને ગુમાવીને આવ્યો છું.આમ પણ લાઈફ એક વ્યક્તિના જવાથી પણ અટકી જાય છે.હું અહિંથી છટકવાના મૂડમાં હતો.મને કોઈ સલાહ આપે એ મને પસંદ નહોતું.જો કે મેં ઘણાં સમયથી કોઈ જોડે વાત નહોતી કરી એટલે મેં એવું ના કર્યું.
“તું શું જાણે છે મારાં વિશે?” મેં પૂછ્યું.
“એ વાત પણ સાચી છે”ક્રિશાએ કહ્યું, “તારાં વિશે મને કંઈ નથી ખબર,તું મને જણાવીશ?”
“હું અત્યારે એ પરિસ્થિતિમાં નથી ક્રિશા”મેં કહ્યું, “બીજી વાત કરીએ આપણે?”
“તું અહીં ફરવા આવ્યો છે?”ક્રિશાએ કહ્યું.
“હું અહીં જ રહું છું”મેં કહ્યું, “મને માઉન્ટ આબુ પસંદ છે”
“હા જગ્યા તો સારી છે”ક્રિશાએ મૂછમાં હસીને કહ્યું, “બસ કોઈની યાદમાં રડવા માટે નહીં”
સૂરજ લાલ થઈ ગયો હતો.લોકો અહીં માત્ર આ દસ મિનિટનો નજારો જોવા માટે જ આવે છે.સૂરજનું ક્ષિતિજ રેખા સાથેનું અદભુત મિલન અહીંથી જોઈ શકાતું.ઘણાબધાં ફોટોગ્રાફર આ નજારો કેમેરામાં કેદ કરવા મોટેથી બુમો પડતાં. તેનાં બદલામાં તેઓ તગડી રકમ પણ લેતાં.
“આ ડૂબતો સૂરજ શેની નિશાની છે તને ખબર?”મેં પૂછ્યું.
ગરદન ઊંચી કરીને માત્ર ઇશારાથી પૂછ્યું, “શેની?”
“એ પોતાની શરૂઆત કુણા કિરણોથી કરે છે, પરિશ્રમ કરી એ સખત ગરમ થાય છે અને ફરી સાંજે એ જ કુણા કિરણો.ફરી સવારે તેની નવી શરૂઆત થશે એ આશાએ તે પોતાની મુસાફરી રાત્રે અટકાવી દે છે અને નવા જુસ્સા સાથે સવારે નીકળી પડે છે.માણસનું માનસ પણ કંઈક આવું જ હોય છે ને.નાની અમથી ચિનગારીને જ્વાળા બનાવીને બધું ખાખ કરવાના ઈરાદાથી પરિશ્રમ કરે છે. કોઈ ઉપર પાણી છાંટે તો ઠંડો પડી જાય છે અને ફરી જ્વાળા બનવા તૈયાર થાય છે.”
ક્રિશા મારી વાતો એની ડાયરીમાં ટપકાવતી જતી હતી.
“સેલ્ફી લઈશ મારી સાથે?”તેણે પૂછ્યું, “મારે એક સાથે બે ડુબતા સૂરજને કેદ કરવા છે.”
“હા કેમ નહિ!!”મેં કહ્યું.મારા વધી ગયેલા વાળ અને દાઢીને કારણે હવે નિશ્ચિત થઈ ગયો હતો.તેણે ડુબતા સૂરજ સાથે અમારી સેલ્ફી લીધી.
“તું અહીં ક્યાં રહે છે?”તેણે પૂછ્યું, “કદાચ આપણી મુલાકાત બીજીવાર થાય”
“એ થવાની હશે તો આપોઆપ થઈ જશે”મેં કહ્યું, “હાલ ગાઈડ બધાને બહાર જવા કહે છે તારે જવું જોઈએ”
“તું નહીં આવે?”તેણે પુછ્યું.
“આ જ તો મારું ઘર છે”મેં સસ્મિત કહ્યું.
“સાત દિવસ છું અહીં”તેણે પણ એક બનાવટી સ્મિત આપ્યું, “તારાં આ ઘરે આવી શકુને?”
મેં માત્ર ડોકું ધુણાવ્યું અને ચાલી ગઈ.
મારી સાથે આવું ઘણીવાર થતું,કોઈ અજાણ્યી વ્યક્તિ આવીને મારી સ્ટૉરી સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરતું.હું પણ સિફટથી વાતને ટાળી દેતો.
થોડીવાર બેસી હું પણ ત્યાંથી નીકળી ગયો.પછીના દિવસે પણ એ આવી.આ વખતે હું આવ્યો એ પહેલાં જ એ આવીને બેસી ગઈ હતી.
“આજે વહેલાં આવી ગઈ”મેં તેની પાસે બેસતાં કહ્યું.
“તારી સાથે વાત કરવાની મજા આવે”તેણે કહ્યું, “આમ પણ ડુબતા સૂરજ સાથે લોકો વાત કરવાનું વધુ પસંદ કરે છે”
“મારી પાસે તો વાત કરવા માટે કશું નથી”મેં કહ્યું, “તારી પાસે હોય તો બોલ”
“મારા વિશે કહું તો,હાલ કૉલેજના બીજાં વર્ષમાં છું.લેખક બનવા ઈચ્છું છું.મમ્મી-પપ્પા હું ચાર વર્ષની હતી ત્યારે કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા એટલે મારાં હસમુખ અંકલ સાથે રહું છું”ક્રિશાએ પોતાનો ટૂંકો પરિચય આપતાં કહ્યું.
“ઓહ. આઈ એમ સૉરી”મેં કહ્યું.મારાં માતા-પિતાને ગુમાવ્યા તેને દોઢ મહિનો થયો હતો જ્યારે એ તો વર્ષોથી માતા-પિતા વિના રહી હતી.હું તેની લાગણી મહેસુસ કરી શકતો હતો.
“સૉરી-વૉરી ના કહે”તેણે કહ્યું,”મને તો તેઓનો ચહેરો પણ યાદ નથી”
“તો પણ માતા-પિતા વિના જિંદગી કેવી થઈ જાય એ હું જાણું છું”મેં ભાવુક થતાં કહ્યું.
“મતલબ તારાં મમ્મી-પપ્પા પણ….”તેણે વાત અધૂરી છોડી દીધી.મેં હકારમાં ડોકું ધુણાવ્યું.
“ઓહહ,યો પછી આપણે બંને એકબીજાને સમજી શકીએ”તેણે પણ ભાવુક થઈ કહ્યું.મને તેનાં માટે દુઃખ થયું.મારાં કારણે અત્યારે એનો મૂડ ખરાબ થઈ રહ્યો હતો.
“કાલે મારી દુકાને આવજે”મેં કહ્યું, “તારાં માટે કંઈક છે મારી પાસે”
“શું છે?”તેણે પૂછ્યું.
“સરપ્રાઈઝ છે”મેં કહ્યું, “અચલગઢ આગળ એક કિલોમીટર પછી પગરખાની દુકાન છે.ત્યાં સવારે છ વાગ્યે પહોંચી જજે”
“આટલું બધું વહેલાં?”ક્રિશાએ મોં બગાડીને પૂછ્યું.
“ઈચ્છા હોય તો આવજે”મેં ઉભા થતાં કહ્યું, “હું તો છ વાગ્યે ત્યાં મળીશ”
(ક્રમશઃ)
શું….જૈનીત,જૈનીત નહોતો?,ખુશાલ જૈનીત બની ક્રિશા સાથે વાતો કરી રહ્યો હતો?,ખુશાલે કેમ આવું કર્યું હશે?,જૈનીત અને ક્રિશા વચ્ચે શું વાત થઈ હશે?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226

Rate & Review

Divyesh Patel

Divyesh Patel 2 years ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Asha Dave

Asha Dave 2 years ago

Shantilal Thakor

Shantilal Thakor 2 years ago

Minal Patel

Minal Patel 2 years ago