Jokar in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર – સ્ટૉરી એક લુઝરની – 52

જોકર – સ્ટૉરી એક લુઝરની – 52

જોકર – સ્ટૉરી એક લુઝરની

ભાગ – 52

લેખક – મેર મેહુલ

“તમને પ્રૉબ્લેમ ના હોય તો હું એને મળવા ઈચ્છું છું” વિકકીએ કહ્યું, “અંકલ વિશે મને સમાચાર મળ્યાં, જે થયું એ નહોતું થવાનું પણ નસીબને કોણ બદલી શકે છે? અને તમે જાણો જ છો,અંકલને પણ આ સંબંધમાં કોઈ પ્રોબ્લેમ નહોતી”

“મને વાંધો નથી,પણ હાલ એ બહાર ગઈ છે તમે સાંજે આવશો તો એ મળશે” લાલજી પટેલના પત્ની રસિલાબેને કહ્યું.

બન્યું એવું હતું,આકસ્મિક ઘટનામાં વિક્રમ દેસાઈ નિધીને જોઈ ગયેલો.પહેલી નજરમાં જ એ તેનાં દિલમાં વસી ગઈ હતી.નિધિની જાણકારી મેળવતાં માલુમ પડ્યું કે એ તો લાલજી પટેલની દીકરી છે.

વિક્રમ દેસાઈ વિક્કી બની લાલજી પટેલને મળ્યો.પોતાનાં કરતાં અનેકગણી સંપત્તિઓના માલિક સામે લાલજી પટેલ શું કરવાનો હતો? અને આમપણ નિધિ અને જૈનીતની વાત ખબર પડી પછી લાલજી પટેલ નિધિ માટે છોકરો શોધતાં જ હતા.તેને તો જોઈતું હતું એવું મળી ગયું હતું.

લાલજી પટેલે નિધીને પૂછ્યા વિના સંબંધ માટે હા કહી દીધી,સાથે નિધિ અને જૈનીતના સંબંધ વિશે પણ કહ્યું. વિક્કી માટે જૈનીતને હટાવવો ડાબા હાથનું કામ હતું એટલે જ તેણે તેનાં ડાબા હાથ એવા રેંગાને આ કામ સોંપ્યું.રેંગાએ પ્રોફેસરને કહી જૈનીતને નિધિથી દૂર કરવા કહ્યું.

પ્રોફેસરે પોતાનો લાભ ઉઠાવવા શેફાલીને બ્લેકમેલ કરી અને તેનાં મારફતે જૈનીતને બદનામ કરી કોલેજમાંથી હટાવવાની કોશિશ કરી પણ બન્યું તેનાથી જુદું અને જૈનીતના હાથમાં મહત્વની માહિતી આવી ગઈ અને આ સિલસિલો શરૂ થઈ ગયો.

“સારું હું સાંજે કૉલ કરીને આવીશ”કહી વિક્કીએ રજા લીધી.

સ્ત્રીની સુંદરતા પુરુષો માટે હંમેશા એક કમજોરી રહી છે.ભોળાનાથની ભક્તિમાં લિન રહેતા રાવણે પણ જ્યારે સીતા માતાને પહેલીવાર જોયાં ત્યારે એ મોહી ગયો હતો અને પોતાની મર્યાદા ભૂલી ગયો હતો.જ્યારે કોઈ પુરુષ સ્ત્રી પર મોહી જાય છે ત્યારે તે સાન-ભાન બધું જ ભૂલી જાય છે અને ન કરવાનું કરી બેસે છે.

વિક્કી પણ એ જ કરી રહ્યો હતો.નિધિ કોની સાથે ખુશ છે એ જાણ્યા વિના જ માત્ર નિધિની સુંદરતાથી મોહીને તેને પામવાની ઘેલછામાં પોતાની જ બરબાદીને આમંત્રણ આપી રહ્યો હતો.તેની ગેરહાજરીમાં તેનાં ધંધાનું શું થવાનું એનાથી એ બેખબર નિધિને પામવાની કોશિશ કરતો હતો.

***

લાઈફમાં એક એવો તબક્કો આવે છે જ્યાં આપણે નિર્ણય કરવાનો હોય છે,જ્યાંથી બે રસ્તા ફંટાય છે.બંનેની મંજિલ જુદી હોય છે,પરિણામો જુદાં હોય છે.આપણે જ્યારે નિર્ણય નથી કરી શકતાં ત્યારે તટસ્થ રહી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો હોય છે.

મારે નિધિ અને મારાં મિશનમાંથી એકને પસંદ કરવાનું હતું.મેં એક સેકેન્ડ પણ વિચાર્યા વિના મિશન પસંદ કર્યું હતું.એક વ્યક્તિ અને હજાર વ્યક્તિની સરખામણી કોઈ દિવસ થઈ શકતી નથી.હું નિધીને પસંદ કરું તો એમાં મારો સ્વાર્થ ગણાય.નિધિ મારા માટે પહેલેથી જ સર્વસ્વ રહી હતી.બીજા કોઈ પાત્ર વિશે મેં કલ્પના પણ નહોતી કરી.તો પણ મેં નિધીને પોતાના દૂર કરી હતી. હું જાણતો નહોતો આગળ શું થશે પણ હું મારાં તરફથી પૂરો પ્રયાસ કરવા ઇચ્છતો હતો.

હું સુલોચના પાસે ગયો હતો.મારાં માટે તો એ એક ખબરી જ બની ગઈ હતી.જો દૂશ્મનની બધી જ ચાલ અગાઉથી મને ખબર પડી જતી તો એ સુલોચનાને આભારી જ હતું.

તેણે મને માહિતી આપી હતી.રેંગાના કહેવા મુજબ વિક્રમ દેસાઈ થોડા દિવસ બહાર જવાની વાત કરતો હતો,બીજી બાજુ રેંગાએ મને શોધવા હસમુખ પટેલને કહ્યું હતું.આ નામ મેં ક્યાંક સાંભળ્યું હતું પણ મને યાદ નહોતું આવતું.તેણે પી.આઈ. ઝાલાને મારી પાછળ લગાવ્યો હતો એ પણ મને ખબર હતી.મારે હવે વધુ સચેત રહેવાનું હતું.

મને વિચાર આવ્યો,વિક્રમ દેસાઈ આ શહેરમાં નથી તો કેમ તેનો ફાયદો ના ઉઠાવાય?,આમ પણ છેલ્લાં દોઢ મહિનાથી હું માત્ર તેને ધમકીઓ જ આપતો હવે કંઈક કરી બતાવવાનો સમય હતો.

મેં રેંગાને જ ઉઠાવવાનું કાવતરું ઘડ્યું.તેની પાસેથી બધી માહિતી મેળવી હવે થડમાં જ લૂણો લગાવવાનો સમય આવી ગયો હતો.

***

હસમુખ પટેલે રેંગાને ફોન લગાવ્યો.વિક્રમ દેસાઈ ખુશ થઈ જાય એવી માહિતી તેના હાથમાં આવી હતી.

“પેલાં હરામીનો પત્તો મળી ગયો છે રેંગા”હસમુખે ઉત્સાહ ભર્યા અવાજે કહ્યું.

“કોણ છે,ક્યાંનો છે,અત્યારે ક્યાં છે જલ્દી બોલ”રેંગાએ જોશમાં આવીને પૂછ્યું.

“એ ખબર નથી,ઝાલાએ નામ નથી આપ્યું.”હસમુખે કહ્યું, “પેલી સો છોકરીઓને બચાવવાવાળા કરમવીરની સંસ્થાના લોકો હતા અને ઝાલાનો ખબરી કરમવીરની સંસ્થામાં છે. તેનાં કહેવા મુજબ તેઓને જોકરના નામે એક મેઈલ આવ્યો હતો”

“જોકર?”રેંગાને આશ્ચર્ય થયું.

“હા જોકર”હસમુખ પટેલે કહ્યું, “અને આ જેવો તેવો માણસ નથી લાગતો,યાદ છે દોઢ વર્ષ પહેલાં વિજય પેલેસ હોટેલમાં એક કસ્ટમરનું મર્ડર થયું હતું અને તેણે પણ ચહેરા પર જોકરનો જ માસ્ક પહેરેલો હતો,મને ડાઉટ છે આ એ જ વ્યક્તિ હોવો જોઈએ.ત્યારે એ ઝડપાઇ ગયો હતો,હવે બદલો લેવાના ફિરાકમાં જણાય છે”

“એની માહિતી ઝાલા પાસે કઢાવી લે ને”રેંગાએ કહ્યું.

“મારું કામ કાંટે જ હોય”હસમુખે કહ્યું, “જૈનીત જોશી નામ છે એનું,જેલમાંથી ભાગી ગયો હતો અને બાતમી એવી પણ મળી છે કે ચોકીના ઇસ્પેક્ટરે જ એને ભગાવ્યો છે”

“હાલ ક્યાં છે એનાં કોઈ સમાચાર?”રેંગાએ પૂછ્યું.

“એડ્રેસ મોકલું છું”

“તને આ બધી માહિતી ક્યાંથી મળે છે?”રેંગાએ પૂછ્યું.

“સમય આવશે ત્યારે ખબર પડી જશે”કહેતાં હસમુખે હસીને ફોન કટ કરી દીધો.

**

રેંગો એક્શનમાં આવ્યો હતો.બે વેનમાં તેનાં પંટરો ભરી પહેલાં એણે શંકરકાકાના ઘરે પૂછપરછ કરી અને પછી બકુલના ઘરે પહોંચી ગયો.બંને જગાએ તેનાં હાથમાં નિરાશા સિવાય કંઈ ના આવ્યું.શંકરભાઈએ તો તેને જે સાચું હતું એ કહી દીધું હતું પણ બકુલે, ‘જૈનીત થોડાં દિવસ પહેલાં આવ્યો હતો અને અમદાવાદ જાય છે એવું કહીને નીકળી ગયો’એમ કહી રેંગાને ગુમરાહ કર્યો હતો.

રેંગાના ગયાં પછી બકુલે મને કૉલ કર્યો હતો અને કોઈ મારી પૂછપરછ કરતું તેના ઘરે પહોંચી ગયું તેની જાણકારી આપી.હું સમજી ગયો હતો એ રેંગો અને તેના માણસો જ હશે.

બધું ઝડપી બની રહ્યું હતું.હું કોઈ પ્લાન બનાવું એ પહેલાં રેંગો લગભગ મારી સુધી પહોંચી જ ગયો હતો.ગનીમત એ રહી કે હું ત્યારે ઘરે નહોતો.મારા માટે હવે કોઈ પણ જગ્યા સુરક્ષિત નહોતી.આજે નહિ તો કાલે તેઓને મારાં વિશે ખબર પડી જ જવાની હતી.

હું પીછેહઠ કરવા નહોતો ઇચ્છતો.કોઈનાથી ડરી છુપાઈને રહેવું મારાં લોહીમાં નહોતું.પણ આ સમય બળથી નહિ કળથી કામ કરવાનો હતો.ઘણું વિચાર્યા પછી મને એક ખ્યાલ આવ્યો.એ બધી જગ્યાઓ ખુંદી નાખશે બસ પોતાની જગ્યાઓ છોડીને.જો હું તેનાં જ એરિયામાં રહ્યો તો એને શંકા પણ નહીં જાય.

મેં ફરી સુરુની મદદ લીધી.તેની બાજુમાં એક અવાવરું મોટો રૂમ હતો,જે લગભગ વર્ષોથી બંધ હતો.બે મહિના પહેલાં મહાનગરપાલિકા દ્વારા એની આગળ દીવાલ પણ ચણી લેવામાં આવી હતી.સુરુંની મદદથી મેં બાજુના રૂમમાં ગાબડું પાડ્યું.છુપાઈને રહેવા માટે મારી પાસે આનાથી સારી જગ્યા નહોતી.અહીંથી હું સુરુની ઓરડામાં જ નીકળતો અને સુરુએ એ ગાબડા આગળ કબાટ રાખી દીધો.આમ પણ સુરુની ઓરડીમાં કામથી મતલબ રાખવાવાળા લોકો જ આવતાં તેથી કોઈને શંકા જાય એવો કોઈ ડર નહોતો.

હું હવે રેંગાની રાહ જોઈ રહ્યો હતો.હવે એકવાર પણ એ મારી નજર સામે આવે એટલે તેને દબોચી હું વિક્રમ દેસાઈ સુધી પહોંચવા માંગતો હતો અને આ કહાની ખત્મ કરવા ઇચ્છતો હતો.

(ક્રમશઃ)

જૈનીત કેવી રીતે તેઓના જાળમાં ફસાયો હશે?,તેણે આટલી સિફતથી કામ કર્યું હતું તો વિક્રમ દેસાઈ અને રેંગાએ કેવી રીતે તેને શોધી કાઢ્યો હશે?,એવું તો શું થયું હતું જેથી કંઈ પણ વિચાર્યા વિના જૈનીત જંગમાં કૂદી પડ્યો હતો.

સ્ટૉરી અંતિમ ચરણોમાં પ્રવેશી રહી છે. આગળ શું થશે એ કોઈ જાણતું નથી.એ માટે આગળના ભાગની રાહ જોવી પડશે.

મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.

-મેર મેહુલ

Contact - 9624755226

Rate & Review

Dhaval  Patel

Dhaval Patel 2 years ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Krishna Thobhani

Krishna Thobhani 2 years ago

yogesh

yogesh 2 years ago