Jokar - 57 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર – સ્ટૉરી એક લુઝરની – 57

જોકર – સ્ટૉરી એક લુઝરની – 57

જોકર – સ્ટૉરી એક લુઝરની

ભાગ – 57

લેખક – મેર મેહુલ

વિક્રમ દેસાઈએ એડીચોટીનું જોર લગાવ્યું હતું પણ જોકર કોણ છે એ તે જાણી શક્યો નહોતો.તેના મતે જૈનીતને માત્ર મોહરો બનાવવામાં આવ્યો હતો.તેની નજર સામે જૈનીતને લગભગ મારી જ નાખવામાં આવ્યો હતો અને જો જૈનીત જીવતો હોય તો પણ એ તરત રિએક્શન આપે એ હાલતમાં નહોતો એ વિક્રમ દેસાઈ જાણતો હતો.

એ જ વિક્રમ દેસાઈની મોટી ભૂલ હતી.તેનું ધ્યાન જૈનીત પરથી હટી ગયું હતું.એ કોઈ નવા દુશ્મનની આશા રાખીને બેઠો હતો.બે દિવસથી રેંગો પણ ગાયબ હતો એટલે તેનો શક વધુ મજબૂત થયો હતો.તેણે રાતોરાત પોતાની સિક્યુરિટી બે ગણી વધારી દીધી હતી.પોતાનાં માણસોની મિટિંગ બોલાવી બધાને જૉકરની પાછળ લગાવી દીધા હતા.

આ બધી વાત વચ્ચે તેને એક વાતનું આશ્ચર્ય થયું હતું.છેલ્લાં ત્રણ દિવસથી એક પણ એવી ઘટના નહોતી બની જેમાં જોકર શામેલ હોય.નહીંતર છેલ્લાં પંદર દિવસમાં રોજ તેનાં એક વ્યક્તિનાં મૃત્યુના સમાચાર મળતાં,જેમાં જોકરનું નામ શામેલ રહેતું જ.તો પછી ત્રણ દિવસથી જોકર કેમ શાંત હતો?

વિક્રમ દેસાઈ પાસે હવે એક માત્ર રસ્તો બચ્યો હતો અને એ એમ.એન.મહેતાના રૂપમાં હતો.મહેતાં વિક્રમ દેસાઈનો હરીફ હતો.વિક્રમ દેસાઈ પછી મોટું કહી શકાય એવું કોઈનું સામ્રાજ્ય હતું તો એ મહેતાનું જ હતું.ત્રણ વર્ષ પહેલાં વિક્રમ દેસાઈ અને મહેતા વચ્ચે કરાર થયો હતો.જેમાં બંને એકબીજાના કામમાં દખલગીરી નહિ કરે એવું નક્કી થયું હતું.આજે વિક્રમ દેસાઈને તેની જરૂર હતી એટલે તેનાં તરફથી કોઈ મદદ મળી રહેશે એ આશાએ વિક્રમ દેસાઈએ તેની સાથે તાત્કાલીક મિટિંગ ગોઠવી કાઢી.

સાંજના પાંચ થયા હતા.વિક્રમ દેસાઈ મહેતાં સામે બેઠો હતો.મહેતાં પચાસ વર્ષ વટાવી ચુકેલો અને પૂરેપૂરો મંજાયેલો ખેલાડી હતો.તે હંમેશા સફેદ કુર્તુ જ પહેરતો પણ કામો કાળા કરતો હતો.તેણે પોતાનાં ખુરફાતી દિમાગથી મોટાં મોટાં માથાને ધૂળ ચાટતા કરી દીધાં હતાં.તેની પાસે એવા એવા પ્યાદા હતા જે વજીર અને રાજાને પણ માત આપી શકતાં હતા.

“સીધી વાત કરું મહેતા સાહેબ”વિક્રમ દેસાઈએ કહ્યું, “એક છોકરો મારું સામ્રાજ્ય ખતમ કરવા પર ઉતરી આવ્યો છે, મેં લાખ કોશિશ કરી પણ એ હાથમાં નથી આવતો.તમે એને શોધવામાં મારી મદદ કરશો એવી આશાએ તમારી પાસે આવ્યો છું”

“પેલો જૉકર જ ને?”મહેતાએ કહ્યું, “તારાં હાથમાં આવ્યો હતો પણ તું એને મારી ના શક્યો”

“એ મેટર બીજી છે મહેતા સાહેબ,એ તો મરી જ ગયો છે અને જો જીવતો હશે તો પણ સારવાર લઈ રહ્યો હશે.હું બીજાં વ્યક્તિની વાત કરું છું,જે કોણ છે અને શા માટે આવું કરી રહ્યો છે એ ખબર નથી પડતી”

“તું ભૂલ કરે છે વિક્રમ”મહેતાએ કહ્યું, “તું જે વ્યક્તિને શોધે છે એ જૈનીત ઉર્ફે જોકર જ છે.મારાં માણસોની નજર તેનાં પર પહેલેથી જ છે.જે દીવસથી એણે આ કાંડ આદર્યા હતા એ દિવસથી હું તેની ગતિવિધીઓ પર નજર રાખું છું. એનાં કારણે મને નુકસાન નથી થતું એટલે હું ચૂપ બેઠો હતો અને તને ખબર જ છે.હું એવા ધંધા કરું છું જેમાં સમાજને નુકસાન નથી થતું એટલે હું તને ત્રણ વર્ષ પહેલાં આપેલી સલાહ ફરીવાર આપું છું. પોતાનાં જ દેશને બરબાદ કરવાનું છોડી દે અને બીજો ધંધો પકડી લે”

“મેં તમને ત્યારે પણ કહ્યું હતું અને અત્યારે પણ કહીશ,હું સમાજના નિયમો નથી માનતો.મારાં ખુદના નિયમો કાયમ કરું છું.તમે મને એ છોકરાં વિશે માહિતી આપી શકો તો મહેરબાની રહેશે”

“એ છોકરો દસ દિવસ સુધી કંઈ નથી કરી શકવાનો,એ કોઈ બિલમાં છુપાઈને બેઠો છે.તારામાં તાકાત હોય તો એને શોધીને ખતમ કરી દે.જો એ તારાં સુધી પહોંચી ગયો તો તું કંઈ નથી કરી શકવાનો એટલું યાદ રાખજે”

“એ ક્યાં છે એ તમને નથી ખબર?”વિક્રમે પૂછ્યું.

“ખબર છે પણ તને જણાવવું મારાં નિયમો વિરુદ્ધ છે.કાલે સવારે કોઈ તારાં વિશે પૂછતું આવે તો હું એને તારું સરનામું ના આપી શકું માટે મેં તને જેટલી માહિતી આપી છે એ સમજીને આગળ કદમ ઉઠાવજે”

“મારી મદદ કરવા માટે તમારો આભાર”કહેતાં વિક્રમ દેસાઈ ઉભો થયો,મહેતા સાથે હાથ મેળવ્યો અને બહાર નીકળી ગયો.મહેતા વિક્રમ દેસાઈને જતાં જોઈ હસી રહ્યો હતો.એ જાણતો હતો વિક્રમ દેસાઈ લાખ કોશિશ કરશે પણ જૈનીત સુધી પહોંચી શકવાનો નથી.કદાચ એ પહોંચી જાય તો પણ એ જૈનીતનો વાળ પણ વાંકો કરી શકવાનો નહોતો.મહેતાનાં આ વિશ્વાસ પાછળ એક આધારભૂત કારણ હતું.જેમાં મહેતા પોતાનો અને જૈનીતનો એમ બંનેનો લાભ જોઈ રહ્યો હતો.

મહેતાં લેડલાઈનનું રીસીવર ઉઠાવી તેનાં ખાસ માણસ મિશ્રાને બોલાવ્યો.થોડીવારમાં મિશ્રા અંદર આવ્યો.

“મિશ્રા આજે ઇન.જુવાનસિંહને કૉફી માટે બોલાવી લો,જે દિવસની આપણે રાહ જોઈ રહ્યા હતાં એ દિવસ આવી ગયો છે”મહેતાએ રહસ્યોથી ભરેલી ઘૂંટી પાડતાં કહ્યું.

“વિક્રમ દેસાઈ ગયો એટલે મેં જુવાનસિંહને કૉલ કરી દીધો હતો સાહેબ”મિશ્રાએ હસીને કહ્યું.

“શાબાશ,મારી સાથે રહીને તમે પણ બધું શીખી ગયા મિશ્રાજી”,મહેતાએ વખાણ કરતાં કહ્યું.

“તમારી મહેરબાની છે સાહેબ”મિશ્રાએ ગાલ ગુલાબી કર્યા.

“પેલાં પચાસ માણસોનું શું કરવાનું છે?,એનો ખર્ચો માથે પડે છે હવે સાહેબ”મિશ્રાએ પૂછ્યું.

“થોડા દિવસ સાચવો એને,આગળ જતાં તેઓને જૈનીતની મદદ માટે મોકલવાના છે”મહેતાએ કહ્યું.

“મને એક વાત નથી સમજાતી સાહેબ”મિશ્રાએ કહ્યું, “વિક્રમ દેસાઈને ખતમ કરવા આટલા બધા માણસોની શી જરૂર છે.એને તો કોઈ એક વ્યક્તિ પણ મારી શકે છે”

“તમે સમજ્યાં નહિ મિશ્રાજી”મહેતાએ હસીને કહ્યું, “વિક્રમ માટે તો જૈનીત જ કાફી છે,આ માણસોને તો બીજા કામ માટે બોલાવ્યા છે.જૈનીતે એકલા હાથે ઘણુંબધું કર્યું છે હવે તેને સાથ આપવાનો સમય આવી ગયો છે અને આમ પણ રૂપિયાની લાલચમાં આપણે ઘણાં પાપ કર્યા છે, થોડાં પાપને ગંગામાં વહાવી દેશું તો ભગવાન ઓછી સજા આપશે આપણને”

“તમારી આવી વાતો તમે જાણો અને તમારાં ભગવાન જાણે”મિશ્રાએ કહ્યું, “હું તો તમારો આભારી છું.મારી જેવા અદના માણસને આ હોદ્દા પર રાખી તમે મારું જીવન સફળ બનાવી દીધું છે”

“બસ કરો મિશ્રાજી,કેટલાં વખાણ કરશો”

“તમારી તક ઝડપવાની આ સમજણ માટે તો વખાણ કરું એટલા ઓછા છે સાહેબ”

“મિશ્રાજી તમે જાવ અહીંથી”મહેતાએ હસતાં હસતાં કહ્યું.

“સારું ધ્યાન રાખજો તમારું”પોતાની આદત મુજબ મિશ્રાએ છેલ્લું વાક્ય કહ્યું અને બહાર નીકળી ગયો.

વિક્રમ દેસાઈ અને મહેતાંમાં આ જ ફર્ક હતો.મહેતાં હંમેશા પોતાનાં માણસોને એક પરિવાર સમજી ટ્રીટ કરતો.તેઓને માન આપતો અને તેઓને કોઈ દિવસ અપશબ્દો ના કહેતો.જ્યારે વિક્રમ દેસાઈ તેનાથી ઉલટો કામથી જ મતલબ રાખતો,વાતવાતમાં પોતાનાં માણસોને ગાળો આપતો અને તુચ્છ માણસ સમજીને ટ્રીટ કરતો.

મહેતાએ વિક્રમ દેસાઈ સાથે ડબલ ગેમ રમી હતી.એક બાજુએ તેણે જ જૈનીત વિશે માહિતી આપી હતી અને બીજી બાજુ તેણે જ વિક્રમ દેસાઈને બરબાદ કરવા યુક્તિ ઘડી કાઢી હતી.જૈનીત મહેતા માટે એક પ્યાદો જ હતો જે મહેતાનાં મન મુજબ ચાલતો હતો.મહેતા એવી વ્યક્તિ હતો જે બહારથી પાપી નજરે ચડતો હતો પણ અંદર ખાને એ સમાજ સેવાનું કામ કરતો હતો જે થોડાં માણસો જ જાણતાં હતા.

મહેતા ઘણાં વર્ષોથી આ કામ કરી રહ્યો હતો એટલે ક્યાં સમયે કેવી રીતે ચાલ ચાલવી એ ભલીભાતી જાણતો હતો અને એટલે જ તેણે છેલ્લો દાવ ખેલ્યો હતો.જેમાં જૈનીત તેનો મુખ્ય મહોરો હતો.બે વર્ષ પહેલાં જૈનીતે જે સુરતમાંથી શરીર વ્યાપારની ગંદકી દૂર કરવાનું મિશન હાથ ધાર્યું હતું એ હવે સફળ થવાનું હતું.જૈનીતની મહેનત અને તપનું ફળ તેને એક સાથે મળવાનું હતું.તેણે જીવનમાં જેટલું ગુમાવ્યું હતું એ એક સાથે તેને મળવાનું હતું.ટૂંકમાં મહેતા જ એ તાળાની ચાવી હતો જેનાંથી જૈનીતના ભવિષ્યના દરવાજા ખુલવાના હતા.

સુરતમાં એક લહેર ઉઠાવની હતી,જેમાં એવા લોકો તણાઈ જવાના હતા જે સુરતને બદનામ કરી રહ્યા હતા.ગેરકાયદેસર કામો કરીને અઢળક રૂપિયાના માલિક બન્યા હતા.જેમાં નાનામાં માણસથી લઈને મોટો રૂઆબદાર માણસ પણ તણાઈ જવાનો હતો.

આખરે મહેતાએ એવા તો ક્યાં પાસા ફેંક્યા હતા?

(ક્રમશઃ)

શું ચાલતું હતું મહેતાનાં મગજમાં?,તેણે વિક્રમ દેસાઈને કેમ જૈનીતને શોધવા કહ્યું હતું?,મહેતાં હતો કોણ?,એ બધું જ જાણતો હતો તો કેમ આટલાં સમયથી ચૂપ બેઠો હતો.

કેવી રીતે એક મિશન પોતાના અંજામ સુધી પહોંચશે અને કોણ કોણ તેમાં મદદરૂપ થશે એ જાણવા વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.

-મેર મેહુલ

Contact - 9624755226