Jokar - 61 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર – સ્ટૉરી એક લુઝરની – 61

જોકર – સ્ટૉરી એક લુઝરની – 61

જોકર – સ્ટૉરી એક લુઝરની

ભાગ – 61

લેખક – મેર મેહુલ

(7 માર્ચ,11;59pm,ઉધના)

“બધાં પોઝિશન પર છે?”સુનિતાબેને શેટ્ટીને પૂછ્યું.

“હા મેડમ બધાં પોતાની જગ્યાએ પહોંચી ગયા છે”શેટ્ટીએ કહ્યું, “તમારાં આદેશની રાહ જોવાય છે”

સુનિતાબેને કમરમાં રહેલી પિસ્તોલ હાથમાં લીધી.ડાબા હાથ પર નજર કરી.બરોબર બારના ટકોરે તેણે ઈશારો કર્યો.સુનિતાબેનના ઈશારા સાથે જ બંગલાની બધી લાઈટો બંધ થઈ ગઈ.50 લોકોની 5 ટુકડી બંગલામાં જુદાં જુદાં રસ્તેથી એક સાથે પ્રવેશી.બંગલામાં રહેલાં લોકો કશું સમજે એ પહેલાં ચિલ ઝડપથી સુનિતાબેન અને તેની સાથે રહેલાં લોકોએ સૌને ઘેરી લીધાં.

થોડીવાર પછી લાઈટ શરૂ થઈ ત્યારે એક ઔરતની ફરતે દસ લોકો જોકરના લિબાસમાં પિસ્તોલ તાંકીને ઉભા હતા.

“શું જોઈએ છે તમારે?”એ ઔરતે કહ્યું.તેનાં મોઢામાં પાન ભર્યું હતું.

“આઝાદી”સુનિતાબેને એ ઔરતને લાફો માર્યો, “જાઓ બધાં હું આને સંભાળી લઈશ.તમે બધાં રૂમ ખાલી કરી સૌને બહાર લઈ આવો”

સુનિતાબેન મંજાયેલા ખેલાડી હતાં.તેણે એ ઔરતના પગમાં એક ગોળી ચલાવી જેથી એ ભાગી ના શકે.સૌ ઝડપથી ફેલાય ગયાં.થોડીવાર પછીનો નજારો કંઈક આવો હતો.

કોઈ પુરૂષ શર્ટના બટન ભીડતો ભીડતો ભાગતો હતો તો કોઈ પેન્ટની ઝીપને ઉપર ચડાવવાની કોશિશ કરતો કરતો ભાગતો હતો.કોઈ રૂમમાં છુપાવાની જગ્યા શોધતાં હતાં તો કોઈ લોબીમાં દોડતાં દોડતાં લથડીયા ખાતાં હતાં.

તેઓને મતે અહીં રેડ પડી હતી અને જો પોતાનો ચહેરો કાલના ન્યૂઝ પેપરમાં આવી ગયો તો ઘરવાળી છોડીને જતી રહેશે એવા ડરથી દોડાદોડી થતી હતી.

ધીમે ધીમે બધાં પુરુષો બહાર નીકળી ગયા.બંગલા માત્ર 50.માણસો સાથે સુનિતાબેન,પેલી ઔરત અને રૂમમાંથી બહાર આવેલી યુવતીઓ હતી.અહીં શું થઈ રહ્યું છે એ તેઓને પણ ખબર નહોતી.

“જે યુવતીઓ આ જગ્યાએથી નીકળવા માંગે છે એ મારી તરફ આવી જાઓ”સુનિતાબેને કહ્યું.તેઓ આવું કહ્યું તેની પાછળ એક કારણ હતું.ઘણીવાર કોઈ યુવતીને આ જગ્યા માફક આવી ગઈ હોય અને વિના મહેનતે રુપિયા કમાવવાની વૃત્તિ ધરાવતી હોય તો એ આ જગ્યા છોડવા સહમત ના થાય માટે સુનિતાબેન તેઓને આવું પૂછતાં.

ધીમે ધીમે કરતાં બધી યુવતીઓ સુનિતાબેન તરફ આવી ગઈ તેનો મતલબ એમ હતો કે કોઈ પોતાની મરજીથી અહીં રહેતું નહિ.સુનિતાબેને પેલી ઔરતને સાથે લેવા કહ્યું અને સૌ ત્યાંથી નીકળી ગયાં.

જૉકર મિશનના આખરી તબક્કાનું પહેલું ચરણ આસાનીથી પૂરું થયું હતું.સુનિતાબેન આવા કામો કરવાથી ટેવાયેલાં હતા એટલે ક્યાં કેવી રીતે કાર્ય કરવું એ તેઓ જાણતાં હતા.

*

(11;59pm,રાંદેર)

જુવાનસિંહે સુનિતાબેનના કહ્યા મુજબ એક કોન્સ્ટેબલને મેઈન સ્વીચ પાસે ઉભો રાખી દીધો હતો.બાકીના કોન્સ્ટેબલને ટુકડીઓમાં વિભાજીત કરી દીધાં હતાં.તેમાંથી એક ટુકડીને દરવાજા પાસે ઉભી રાખી બાકીની ટુકડી આગળ જવા તૈયાર હતી.અહીં પણ બારના ટકોરે પૂરાં બંગલામાં લાઈટ ઓફ થઈ ગઈ.

જુવાનસિંહે દરવાજાને જોરથી લાત મારી.અહીં બધાના હાથમાં ટોર્ચ હતી.જુવાનસિંહ હોલમાં જઈને સીધાં મોટી ખુરશી પર બેસેલી ઔરત પાસે પહોંચી ગયા.આ બધું વ્યૂહરચના ઘડતી વેળાએ સુનિતાબેને સૌને કહ્યું હતું.

જુવાનસિંહે એ ખુરશીને જોરથી લાત મારી એટલે એ ઔરત પટકાઈને નીચે પડી.એ નીચે પડી એટલે બે કોન્સ્ટેબલે તેનાં હાથ પકડી,પાછળ મરોડીને હાથને બાંધી દીધાં.

જુવાનસિંહે આદેશ આપ્યો,“સાલાઓને પકડી પકડીને મારો.એક પણ બચવો ના જોઈએ”

જુવાનસિંહની ત્રાડ સાંભળી બધા કોન્સ્ટેબલો ખુંખાર શિકારીની માફક હાથમાં દંડો લઈને દોડ્યા.સૌ દરવાજો ખખડાવી દિવાલના ટેકે છુપાઈ જતાં હતાં.જેવો કોઈ પુરુષ બહાર આવે એટલે તેનાં પર એક સાથે બે-ત્રણ કોન્સ્ટેબલ તૂટી પડતાં.

દસ મીનિટમાં બંગલાનો ચહેરો બદલાઈ ગયો હતો. કોઈ પુરુષના હાથની આંગળીઓ મરડાઈ ગઈ હતી તો કોઈ પુરુષના કપાળમાંથી લોહી નીકળતું હતું.કોઈ પગ ઢસડતું બંગલા બહાર જવાની કોશિશ કરતું હતું કોઈ અંગ્રેજી આઠડો બનીને કણસતું હતું.એક કોન્સ્ટેબલે એ બધાં પુરુષોને ભેગા કરી બંગલા બહાર હરોળમાં ઉભા કરી દીધાં.

જ્યારે યુવતીઓને હોલમાં લાવવામાં આવી ત્યારે જુવાનસિંહે સુનિતાબેહેને કહેલી વાત દોહરાવી, “જે બહેનો આ જગ્યાએથી નીકળવા માંગે છે એ મારી તરફ આવી જાઓ”

અહીં પણ વારાફરતી બધી જ યુવતીઓ જુવાનસિંહ તરફ આવી ગઈ.જુવાનસિંહે પોતાનું કામ સફળતા સાથે પૂરું કર્યું તેનાં સમાચાર આપવા સુનિતાબેનને ફોન કર્યો.સામે સુનિતાબેને પણ એ જ સમાચાર સંભળાવ્યા એટલે સૌની ખુશી બેવડાઈ ગઈ.

*

(11;55pm,મજુરા ગેટ)

“અહીં તો ઘણા માણસો પહેરો આપી રહ્યા છે,આપણે અંદર કેવી રીતે જશું?”ખુશાલે મી.મહેતાને પૂછ્યું.

“સુરતનો આ સૌથી ખરાબ એરિયો છે.અહીં ધોળાદિવસે બધાં કાળા કામ થાય અને આ તો રાત છે,માણસોની અવરજવર તો રહેશે જ”

“તો આપણે અંદર કેવી રીતે જશું?”ખુશાલે પૂછ્યું.

“મારી પાસે એક આઈડિયા છે”ક્રિશાએ કહ્યું, “દરવાજા પાસે માત્ર બે વ્યક્તિ જ ઉભા છે.હું તેઓનું ધ્યાન ભટકાઉ ત્યાં સુધીમાં તમે લોકો અંદર ઘુસી જજો”

“ના,એમાં તું મુસીબતમાં.ફસાય જઈશ”ખુશાલે ક્રિશાને રોકતાં કહ્યું.

“બીજો રસ્તો પણ નથી આપણી પાસે અને જો એ બેમાંથી એકને પણ આપણાં પર શંકા ગઈ તો અંદર જવાનું ભૂલી જજે,એ પોતાનાં બીજા માણસોને બોલાવી લેશે”

“ક્રિશા ઠીક કહે છે”મહેતાએ કહ્યું, “આપણે ક્રિશા પર નજર રાખીશું,જો વાત બગડતી દેખાય તો આપણે હુમલો.કરીને ક્રિશાને બચાવી લેશું”

મહેતાનાં કહેવાથી ખુશાલે ક્રિશાને જવા મંજૂરી આપી.ક્રિશા,સુનિતાબેન અને નિધિ જોકરના લિબાસમાં નહોતાં.તેઓએ માત્ર ચહેરા પર જોકરનું માસ્ક જ લગાવેલું હતું.ક્રિશાએ એ માસ્ક હટાવી દીધું.વાળને ખુલ્લાં કરી દીધાં અને ઉરોજના ઊભાર સ્પષ્ટ દેખાય એ રીતે શર્ટના ઉપરનાં બે બટન ખોલી નાંખ્યા.

ક્રિશા એ બે વ્યક્તિ પાસે પહોંચી ગઈ હતી અને તેઓની સાથે વાત કરી રહી હતી.થોડીવારમાં ક્રિશા પરત ફરી ત્યારે તેનાં ચહેરા પર સ્મિત હતું.

“ચાલો અંદર”ક્રિશાએ હસીને કહ્યું, “એ લોકો હવે તમને નહિ રોકે”

“તે શું કહ્યું એ લોકોને?”ખુશાલે પૂછ્યું.

“એ જ કે આ લોકો પોતાની હવસ શમાવવા આવ્યા છે અને રેંગાના ખાસ છે.કોઈ ઓળખી ના જાય એટલે ચહેરા છુપાવેલા છે”

“વાહ”ખુશાલે કહ્યું, “ખરા સમય પર તારું દિમાગ વધુ તેજ ચાલે છે”

“બાર વાગવામાં હવે એક જ મિનિટની વાર છે.જલ્દી ચાલો અંદર”મહેતાએ કહ્યું.બધાં મોં નીચે લટકાવીને એ બંગલામાં ઘુસી ગયાં. અંદર પ્રવેશતાંની સાથે જ બધા પાંચ ટુકડીઓમાં ફેલાય ગયાં. અહીં પહેલી બે જેવી ઘટના નહોતી બની. બહાર બે માણસો પહેરો આપી રહ્યા હતા અને અંદર પેલી ઔરત હાજર નહોતી એટલે એક રૂમમાં એક વ્યક્તિ એવી રીતે બધા ફેલાઈ ગયાં.અહીં પ્લાન થોડો બદલાયો હતો.પેલી બે ઘટનામાં સુનિતાબેને અને જુવાનસિંહે જાહેરમાં બધી યુવતીઓને અહીંથી નીકળવા માટે પૂછ્યું હતું જ્યારે અહીં એક વ્યક્તિ એક યુવતીના રૂમમાં હતો એટલે બધાંને એ સવાલ કરવાના હતાં.

એ સવાલના બદલામાં જવાબ જો હામાં મળે તો લાઈટો બંધ થતાં બધી યુવતીઓને એક સાથે બંગલા બહાર નીકળીને બસમાં બેસી જવાનું હતું.દસ મિનિટ પછી ધીમે ધીમે જોકરના લિબાસવાળા માણસો બહાર આવવા લાગ્યાં.

પંદર મિનિટ થઈ ત્યાં સુધીમાં બધા જ લોકો બહાર આવી ગયાં હતાં.અહીં પણ ખુશીની વાત એ હતી કે કોઈ યુવતીએ સાથે આવવા ઇન્કાર નહોતો કર્યો.ખુશાલે બધા માણસોને બસમાં બેસવા કહ્યું,ત્રણ માણસોને લઈ તેણે પેલાં બે પહેરો આપતાં વ્યક્તિને બેહોશ કરી દીધાં અને પોતે મેઈન સ્વીચ તરફ ગયો.

12:20 થઈ ત્યારે ખુશાલે બંગલાની મેઈન સ્વીચ બંધ કરી દીધી.બંગલામાં અંધારું થયું એટલે એક સાથે બધા રૂમમાં દરવાજા ખુલવા લાગ્યા.ખુશાલ જઈને દરવાજા પાસે ઉભો રહી ગયો.ધીમે ધીમે બધી યુવતીઓ બહાર નીકળી ગઈ અને બસમાં બેસી ગઈ.બસ ત્યાંથી ઉપડી ગઈ.સુરતના સૌથી ખરાબ ગણાતાં મજુરા ગેટમાંથી લગભગ 70 યુવતીઓને સફળતાપૂર્વક બચાવવામાં આવી.

મિશન જોકરના આખરી તબક્કાના ત્રણ ચરણ આરામથી સફળ થઈ ગયાં હતાં.હવે માત્ર એક ચરણ બાકી હતું અને એ જૈનીતના હાથમાં હતું.ટૂંકમાં મિશન જોકરની સફળતા-નિષ્ફળતા જૈનીતના હાથમાં હતી.

શું કરશે આગળ જૈનીત?

(ક્રમશઃ)

ત્રણ એરિયામાં તો મિશન સફળતાપૂર્વક પાર પડ્યું હતું તો છેલ્લાં એરિયામાં શું થશે?,શું જૈનીત પણ આસાનીથી યુવતીઓને બચાવી શકશે?,આગળના ભાગમાં એવી ઘટના સામે આવવાની છે જે પૂરાં સમાજ સામે એક મોટો પ્રશ્નાર્થ રાખી દેશે.જૈનીત પોતાનું કામ કેવી રીતે પાર પાડશે એ જાણવા વાંચતા રહો,જોકર – સ્ટૉરી એક લુઝરની

-મેર મેહુલ

Contact - 9624755226