Kalakar -13 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 13

કલાકાર ભાગ – 13

લેખક – મેર મેહુલ

“આવ અક્ષય ઉર્ફ A.K., તારી જ રાહ જોતી હતી” કાજલે હસીને કહ્યું. કાજલે વ્યવસ્થિત મેન્ટેન કરેલા શરીર પર મખમલ જેવું મુલાયમ ગાઉન પહેર્યું હતું. અક્ષયને આકર્ષવા માટે વાળને કર્લી કરી ખુલ્લા કરી દીધાં હતાં.

“ચા કે કૉફી ?” કાજલે પુછ્યું.

“અમે અહીં મહેમાન નવાજી કરવા નથી આવ્યા” પલ્લવીએ કડક શબ્દોમાં કહ્યું, “કામ શું છે એ બોલ”

“ઓહહ.. પલ્લવી, મેહુલસરની અંગત સલાહકાર” કાજલે હસીને કહ્યું, “કામની વાતો તો પછી પણ થશે, ઘણાં સમય પછી અક્ષયને મળવાનું થયું છે. આજે મન ભરીને વાતો કરવી છે”

“આપણે એ વાતો પછી ક્યારેક કરીશું” અક્ષયે કમરેથી પિસ્તોલ કાઢીને સામે ટેબલ પર રાખતાં કહ્યું, “અત્યારે કામની વાત”

“જેવી તારી ઈચ્છા” કાજલે ખભા ઉછાળ્યા, “કામ અઘરું નથી પણ તારાં સિવાય કોઈ કરી શકે એમ નથી એટલે તને બોલાવ્યો છે”

“ધ્યાનથી સાંભળ, બે મહિના પછી લોકસભાની ચૂંટણી છે. વિરલ ચુડાસમાને તો તું ઓળખતો જ હશે. નાની ઉંમરમાં સમાજ સેવા કરવાનું તેને જુનૂન ચડ્યું છે. જેને કારણે અત્યારે એ લોકોનાં દિલ પર છવાયેલો છે અને અમારાં રસ્તાનો કાંટો બનેલો છે. ગજેન્દ્રસિંહ ઝાલા તરફથી તેને રસ્તામાંથી હટાવવાનો હુકમ મળ્યો છે”

“એનાં માટે હું જ કેમ ?, બીજા કોઈ પાસે આ કામ કરાવી લો” અક્ષયે કહ્યું.

“અજાણ્યો ના બન, વિરલ કોણ છે. એ તારી પ્રિયતમા, મારી બેન આરાધનાને તારાથી છીનવી ગયો છે. બદલો લેવાનો આનાથી સારો મોકો તને નહિ મળે” કાજલે કહ્યું.

“હું એ વાત ભુલાવી ચુક્યો છું, હવે વિરલ સાથે મારે કોઈ દુશ્મની નથી. તો ગજેન્દ્ર ઝાલા માટે હું એક નિર્દોષ વ્યક્તિને મારવાની ભૂલ નહિ કરું”

“તું બધી રીતે કલાકાર છે પણ વિચારવામાં થોડો કમજોર છે. મેં તારાં સુધી પહોંચવા આટલાં ખેલ કર્યા તો તને શું લાગે, મેં કંઈ વિચાર્યું જ નહીં હોય” કાજલે હસીને કહ્યું, “મારી બેન હજી જીવતી છે અને ચૂંટણી પછી વિરલ સાથે લગ્ન કરવાની છે”

“તું ખોટું બોલે છે” અક્ષયનો અવાજ બદલાય ગયો, તેનાં અવાજમાં ખરાશ આવી ગઈ હતી.

“મને ખબર જ હતી તું વિશ્વાસ નહિ કરે” કાજલે કહ્યું, “જો આ ફોટો” કહેતાં તેણે મોબાઈલ અક્ષયનાં હાથમાં આપ્યો. અક્ષયે ફોટો જોયો. ફોટો જોઈ તેનું માથું ભમવા લાગ્યું. ચક્કર ન આવી જાય એનાં ડરથી તેણે સોફાને ટેકો આપી દીધો અને બંને હાથમાં જોર હતું એટલું બળ કરીને હાથ સોફા સાથે દબાવી દીધા.

પલ્લવીએ અક્ષયના હાથમાંથી ફોન લઈને ફોટો જોયો. એક છોકરી કોઈનાં ગળામાં હાથ રાખીને ઉભી હતી.

“સર, કાજલ તમને ભરમાવે છે” પલ્લવીએ કહ્યું, “તેની વાતોમાં ના આવશો”

“હું ખોટું નથી બોલતી, મને પણ થોડાં મહિના પહેલા જ ખબર પડી. આરાધના મારી બેન છે, અક્ષય તેને કેટલો પ્રેમ કરતો એ હું જાણું છું” મસાલો ભેળવવા થોડીવાર અટકી, “સૉરી, કેટલો પ્રેમ કરે છે એ હું જાણું છું, મારાં લાભ માટે હું મારી બેનનો ઉપયોગ ન કરી શકું”

“ચૂપ થા તું” પલ્લવીએ ટેબલ પર રહેલી પિસ્તોલ હાથમાં લીધી અને કાજલ તરફ તાંકી, “આગળ એક શબ્દ બોલી તો ભેજો ઉડાવી દઈશ”

“હેય.. હેય.. કામ ડાઉન” નિકુંજે પાછળથી પલ્લવીનાં માથે પિસ્તોલ રાખીને કહ્યું, “છોકરીઓનાં હાથમાં આવી વસ્તુ ના શોભે”

“બરાબર ટાઈમ પર આવ્યો તું નિકુંજ” કાજલે અટહાસ્ય કર્યું, “નહિ તો પલ્લવીબેન મારું માથું વીંધી નાંખેત”

“પાર્ટ ઑફ જોક્સ, બોલ અક્ષય શું કરીશ તું ?, તારી આરાધનાને તારાથી છીનવી લેનાર વ્યક્તિને તું આમને આમ જ જવા દઈશ. એકવાર તો આ ભૂલ કરી હતી, બીજીવાર પણ એ જ ભૂલ કરીશ ?”

“અમે તારું કોઈ કામ નથી કરવાના અને તે અમને અહીં બોલાવીને ભૂલ કરી છે. તારી બધી વાતો મેહુલસર સાંભળે છે અને થોડીવારમાં જ તમારો આ ખેલ દુનિયા સામે આવી જશે”

નિકુંજ અને કાજલ જોરજોરથી હસવા લાગ્યાં. નિકુંજ , અક્ષય પાસે આવ્યો અને શર્ટના બટનમાંથી માઇક્રોચીપ કાઢીને બોલ્યો, “માન્યું કે તમને અહીં બોલાવીને મૂર્ખામીભર્યું કામ કર્યું છે પણ તમે જેટલાં ધારો એટલા અમે બેવકૂફ નથી. સાતસો મીટર સુધીની રેન્જમાં સિંગલ જામ કરી દીધાં છે. તમે કોઈને કૉલ પણ નથી કરી શકવાના અને આપણી વાતો પણ કોઈને નથી સંભળાતી”

“કાજલનું તો સમજ્યા, તું તો CID ઑફિસર છો. તારી પાસે પરિવારની સંપત્તિ છે પણ છે તો તારે ગદ્દારી કરવાની શું જરૂર પડી” પલ્લવીએ નિકુંજ સામે નફ્ફટાઈ જોઈને પુછ્યું.

“અહમ…અહમ માણસ પાસે કંઈ પણ કરાવી શકે છે. દસ વર્ષથી મારો અહમ ઘવાય છે. તને ખબર છે ?, CID જોઈન કરવા માટે મારાં પપ્પાએ વિસ લાખ રૂપિયાની રીશ્વત આપી હતી. મારું સપનું હતું, હું મેહુલસરનો ખાસ માણસ બનવા ઇચ્છતો હતો અને એક દિવસ તેઓની જગ્યા લેવાં ઇચ્છતો હતો. પણ અક્ષયને કારણે મારો પૂરો પ્લાન ચોપટ થઈ ગયો. મારી ગણના મામૂલી ઑફિસરોમાં થવા લાગી. એટલે જ મેં કાજલને સાથ આપી અક્ષયને શોધવા પ્લાન બનાવ્યો અને જેટલાં ઓફિસરો અક્ષયને સપોર્ટ કરતાં હતાં તેઓને મૌતને ઘાટ ઉતારી દીધાં. મને ખબર હતી, મેહુલસર ડરીને એનાં ચહિતા-લાડલા ઓફિસરને ગમે ત્યાંથી શોધી કાઢશે અને થયું પણ એવું જ. જો આજે તું મારી સામે છે. મારાં અહમને સંતોષ બસ એક ટ્રિગર દબાવવાની રાહ છે”

નિકુંજે અક્ષય તરફ નાળચુ ઘુમાવ્યું. અક્ષયે બંને હાથ ઊંચા કરી દીધા. અક્ષય હજી સદમામાં જ જાણતો હતો. નિકુંજની વાતથી તેને કોઈ ફર્ક જ નહોતો પડ્યો.

“નિકુંજ, આ શું કરે છે તું ?, આપણી શું ડિલ થઈ હતી યાદ છે ને ?, તું અક્ષયને કંઈ નહીં કરે” કાજલ ઉભી થઇ ગઇ.

“ત્યાં જ ઉભી રેજે” નિકુંજે કહ્યું, “તારું કામ હું કરી આપીશ, અક્ષય અત્યારે હથિયાર વિના મારી સામે છે અને આ મોકો હું ગુમાવવા નથી માંગતો, જો તને મંજુર હોય તો બોલ નહીંતર તને પણ આ બંને સાથે ઉપર મોકલી આપું”

પલ્લવીએ ચાલાકીથી કામ લીધું. તેનાં સ્યુટનાં પોકેટમાં મેહુલે આપેલું પેન્સિલનું બોક્સ હતું. તેણે સિફતથી બે પેન્સિલ કાઢી અને અક્ષયની બાજુમાં રાખી દીધી. કાજલ અને નિકુંજ તકરાર થતી હતી તેનો લાભ ઉઠાવવા પલ્લવીએ અક્ષયને પગ મારીને ઈશારો કર્યો. અક્ષયે કોઈ પ્રતિભાવ ન આપ્યો એટલે પલ્લવી સમજી ગઈ હતી. જે કરવાનું હતું એ તેને એકલા હાથે કરવાનું હતું. બીજી જ સેકેન્ડમાં તેણે નિર્ણય કર્યો અને ત્રીજી સેકેન્ડમાં બંને પેન્સિલ ઉઠાવીને નિકુંજનાં ગળામાં પરોવી દીધી. નિકુંજ કંઈ સમજી શક્યો નહોતો. તેણે પોતાનો બચાવ કરવા ટ્રિગર દબાવી દીધી પણ ગોળી હવામાં છૂટી હતી. નિકુંજ મૃત્યુ પામ્યો હતો.

“સારું થયું મરી ગયો, આમ પણ એ કંઈ કામનો નહોતો” કાજલે હસીને કહ્યું. પલ્લવી ઉભી થઇ, કાજલ પાસે આવીને અને જોરદાર તમાચો લગાવી દીધો.

“ચુપચાપ ચાલ અમારી સાથે” પલ્લવીએ કાજલનાં વાળ પકડીને ઢસેડી.

“છોડ એને પલ્લવી” એકાએક અક્ષય બોલ્યો.

“પણ સર” પલ્લવી ભોંઠી પડી.

“મેં કહ્યું છોડ એને” અક્ષયે સખ્તાઈથી કહ્યું. પલ્લવીએ કાજલને ધક્કો મારીને દૂર કરી.

“આ તમાચો તને મોંઘો પડશે પલ્લવી” કાજલે ગાલ ચોળતાં કહ્યું.

“તું એને કંઈ નહીં કરે અને તારું કામ થઈ જશે, ચુપચાપ પડી રહેજે” અક્ષયે તોછડી ભાષામાં કહ્યું.

“ગુડ, મારે બસ એ જ જોઈએ છે” કાજલે કહ્યું.

“ચાલ પલ્લવી” અક્ષયે પલ્લવી તરફ જોઈને કહ્યું. પલ્લવી ગુસ્સામાં પગ પછાડતી બહાર તરફ ચાલવા લાગી.

“શું હતું આ બધું ?” પલ્લવીનો ગુસ્સો સાતમા આસમાને હતો, “એને કેમ છોડી દીધી ?”

“તું પહેલાં શાંત થા, પછી વાત કરું” અક્ષય નરમાઈથી કહ્યું.

“તમે એ A.K. નથી રહ્યા હવે સર, તમારાં વિશે મેં ઘણુંબધું સાંભળ્યું હતું પણ આજે બધું જ ખોટું પડ્યું” પલ્લવી પોતાનાં શબ્દો પર કંટ્રોલ ગુમાવવા લાગી.

“અધૂરી જાણકારી કરતાં સાવ અજાણ રહેવું હિતમાં હોય છે. તે મારાં વિશે શું સાંભળ્યું એ મને નથી ખબર પણ અત્યારે મેં જે કર્યું છે એ મેહુલસરનો હુકમ હતો અને હું તેનું પાલન કરતો હતો. કાજલ મહોરો છે, આપણાં સાચા દુશ્મન કોણ છે એ જાણવા માટે કાજલને આપણે મહોરો બનાવીશું”

“આપણાં આઠ ઓફિસરોને એણે માર્યા છે” પલ્લવીએ કહ્યું.

“આઠ નહીં સાત, આઠમાને તો તે માર્યોને” વાતાવરણ હળવું કરવા અક્ષય હળવું હસ્યો.

“તો શું તમને ગોળી મારે એની રાહ જોતી રહું ?, તમે તો કોઈ રિસ્પોન્સ આપ્યો નહોતો, પછી મારે જ કરવું પડ્યું”

“એ બહાને મને પણ જાણવા મળ્યુંને કે તું પણ પેન્સિલથી કોઈને મારી શકે છે” અક્ષય ફરી હસ્યો.

“તમને ખબર ના હોય તો કહી દઉં, આ અમને મેહુલસરે ટ્રેનિંગમાં શીખવ્યું હતું અને ચેલેન્જ આપેલી છે કે તમારાથી વધુ ઝડપે જો પેન્સિલનો વાર કોઈ ઑફિસર કરી બતાવે તો મેહુલસર તેને એક ગોલ્ડ મેડલ આપશે”

“તું મારાથી ઝડપી છે” અક્ષયે કહ્યું, “મેહુલસરને ચેલેન્જ યાદ અપાવજે, સાબિતીમાં હું તારી સાથે છું”

પલ્લવી હસી પડી, “0.7 સેકેન્ડનો તમારો રેકોર્ડ છે અને મારે 1.7 સેકેન્ડ લાગી”

અક્ષય પણ હસવા લાગ્યો.

“ઇફ યુ ડોન્ટ માઈન્ડ, તમને એક વાત પૂછું ?” પલ્લવીએ પુછ્યું.

“હા, બિન્દાસ..” અક્ષયે હકારમાં માથું ધુણાવ્યું.

“આરાધના અને તમારી વચ્ચે શું થયું હતું ?, કેમ તમે બંને એકબીજાને આટલો પ્રેમ કરતાં અને અત્યારે…?” પલ્લવીએ વાક્ય અધૂરું છોડી દીધું.

“તારે જાણવું જ છે ને ?” અક્ષયે કહ્યું.

“હા સર, તમે જ કહ્યું હતુંને, અધૂરી જાણકારી કામની નથી હોતી. તમને સમજવામાં માટે પહેલાં તમારો ભૂતકાળ સમજવો પડશે અને એ સમજવા માટે આનાથી યોગ્ય સમય મળશે એવું મને નથી લાગતું”

“કૉફી કે ચા ?” અક્ષયે પુછ્યું, “શું ચાલશે ?”

“ઑફકોર્સ કૉફી” પલ્લવીએ હસીને કહ્યું, “કૉફી વિથ A.K.”

અક્ષયે સ્માઈલ કરી, આગળ જતાં એક કેફે નજરે ચડ્યો એટલે અર્ટિગા સાઈડમાં પાર્ક કરીને બંને કેફમાં ગયા.

(Interval)

(ક્રમશઃ)

કલાકારનો એક હિસ્સો અહીં પૂરો થાય છે. આ ભાગમાં ઘણીબધી એવી વાતો છે જે કદાચ ન સમજાય પણ તેને સમજવા માટે અક્ષયનાં ભૂતકાળમાં ડૂબકી મારવી પડશે. તો તમે સમજી જ ગયાં હશો. હા, હવે પછીનો ભાગ અક્ષયના ભૂતકાળથી શરૂ થશે. ભૂતકાળમાં ઘણું બધું છે, પ્રેમ, નફરત, સાજીશ, દગો બધું જ. તો સંપર્કમાં રહેજો અને કલાકાર વાંચવાનું ભૂલતાં નહિ.

નવલકથા કેવી લાગે છે તેનાં મંતવ્યો અચૂક આપજો જેથી આગળ લખવાની પ્રેરણા મળી રહે. શેર કરવા યોગ્ય લાગે તો નવલકથાની લિંક શેર પણ કરજો. મારી અન્ય નવલકથા સફરમાં મળેલ હમસફર ભાગ – 1 – 2, વિકૃતિ, જૉકર, ભીંજાયેલો પ્રેમ વગેરે મારી પ્રોફાઇલમાં છે જ સમય મળે તો એ પણ વાંચજો. આભાર.

- મેર મેહુલ

Contact info.

Whatsapp No. – 9624755226

Instagram - mermehul2898