Pranaybhang - 16 PDF free in Love Stories in Gujarati

પ્રણયભંગ ભાગ – 16

પ્રણયભંગ ભાગ – 16


લેખક - મેર મેહુલ

નિયતી પોતાનાં રૂમમાં આમતેમ ચક્કર લગાવી રહી હતી. અખિલને કૉલ કરીને ક્યાંથી વાત શરૂ કરવી એ તેને નહોતું સમજાતું. છેલ્લે તેણે હિંમત એકઠી કરીને અખિલને કૉલ લગાવ્યો પણ અખિલે કૉલ રિસીવ ના કર્યો. થોડીવાર પછી અખિલનો સામેથી કૉલ આવ્યો.

“પહોંચી ગયો ઘરે ?” નિયતીએ પુછ્યું.

“સોસાયટીનાં ગેટ બહાર છું, ચા પીને જઈશ” અખિલે કહ્યું, “બોલ શું હેલ્પ જોઈતી હતી ?”

“એમાં એવું છે ને….” નિયતી ફરી ગુંચવાય.

“બોલ કેવું છે ?”

“આપણી બેન્ક સામે સ્ટેશનરીની દુકાનમાં જે છોકરો બેસે છે ને એ મને હેરાન કરે છે” નિયતીએ ખચકાટ સાથે કહ્યું.

“કોણ પેલો પાર્થ ?”અખિલે પુછ્યું.

“હા, થોડાં દિવસ પહેલાં તેણે મને પ્રપોઝ કર્યો હતો. મેં એને ઘસીને ના પાડી દીધી હતી. હવે એ મને મૅસેજ કરીને વાત કરવાની ધમકી આપે છે”

“તું આ વાત મને પહેલાં નહોતી કહી શકતી ?” અખિલ ખિજાયો.

“મને લાગ્યું એ થોડાં દિવસ મૅસેજ કરશે, હું કોઈ રીપ્લાય નહિ આપું એટલે આપોઆપ મૅસેજ કરતો બંધ થઈ જશે પણ….”

“તું એનો નંબર મને સેન્ડ કર, હું એની ખબર લઉં છું” અખિલે કહ્યું.

“સારું, હું નંબર આપું છું” કહેતાં નિયતીએ ફોન કટ કરી દીધો.

નિયતીએ નંબર સેન્ડ કર્યો એટલે અખિલે પાર્થને કૉલ કર્યો.

“હેલ્લો કોણ ?” ફોન રિસીવ થતાં અવાજ આવ્યો.

“છોકરીઓને મૅસેજ કરવામાં મજા આવે છે તને ?” અખિલે મોટાં અવાજે કહ્યું.

“કોણ બોલો છો તમે ?” પેલાંનો અવાજ દબાય ગયો.

“એ જાણવાની તારે જરૂર નથી. હવે જો તે નિયતીને મૅસેજ કે કૉલ કર્યો છે ને તો તારાં પપ્પા સામે તને મારીશ અને જેલ ભેગો કરી દઈશ” અખિલનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો, “છોકરીની છેડતી કરવાની શું સજા મળે છે એ તો ખબર છે ને તને?”

સામેથી જવાબ આપ્યાં વિના કૉલ કટ થઈ ગયો.

“સાલા પ્રેમમાં પડતાં પહેલાં પરિણામ વિશે નથી વિચારતાંને દોડે જાય છે” અખિલ ગુસ્સામાં બબડ્યો. એ નહોતો જાણતો એક સમયે એનાં જ શબ્દો ફરીને તેની પાસે જ આવવાનાં છે. સિગરેટનું પેકેટ લઈને અખિલ ઘર તરફ અગ્રેસર થયો.

ઘરે જઈ અખિલ ફ્રેશ થયો એટલામાં સિયાનો કૉલ આવ્યો.

અખિલે કૉલ રિસીવ કર્યો એટલે સિયાએ કહ્યું, “આવી ગયો તું?”

“હા, હાથ-મોં ધોઈને ફ્રેશ થયો હજી” અખિલે કહ્યું.

“ઘરે આવી જા, તારું કામ છે થોડું” સિયાએ કહ્યું.

અખિલે ઢીલા અવાજે કહ્યું, “આવવું પડશે ?”

“મારો કૉલેજ ફ્રેન્ડ આવ્યો છે” સિયાએ કહ્યું, “રહેવા માટે મકાન શોધે છે, તું કંઈ મદદ કરી શકતો હોય તો…” કહેતાં સિયાએ કૉલ કટ કરી દીધો.

અખિલે ફોન બાજુમાં રાખ્યો એટલામાં સિયાનો મૅસેજ આવ્યો, ‘જલ્દી આવ નહીંતર એને મારાં ઘરે રહેવા ઑફર આપી દઈશ”’

અખિલ કાચ સામે આવ્યો, વાળ વ્યવસ્થિત કર્યા, ટી-શર્ટ બદલીને નવું ટી-શર્ટ પહેરી અખિલ સિયાનાં ઘરનાં દરવાજે જઈ દરવાજો નૉક કર્યો.

“આવ અખિલ” સિયાએ દરવાજો ખોલીને કહ્યું. સિયા અખિલથી બે ફુટ દૂર ઉભી હતી એ અખિલે નોટિસ કર્યું.

“મીટ માય ફ્રેન્ડ ચિરાગ” સામે સોફા પર બેસેલા વ્યક્તિ તરફ ઈશારો કરી સિયાએ કહ્યું, “ચિરાગ, આ અખિલ છે.મારો પાડોશી કમ ફ્રેન્ડ”

“હેય અખિલ” ચિરાગે અખિલ તરફ હાથ લંબાવ્યો.

“નાઇસ ટુ મીટ યુ ચિરાગ” અખિલે ચિરાગ સાથે હાથ મેળવ્યો, સાથે અખિલે એક નજરે ચિરાગને ચેક-આઉટ પણ કરી લીધો. ચિરાગ ક્લીન શૅવમાં એકદમ યંગ લાગી રહ્યો હતો. તેની બેસવાની શૈલી પણ અદભુત હતી. ચિરાગે બ્લેક જીન્સ પર આછા મરૂન કલરનું કૉલરવાળું ટી-શર્ટ પહેર્યું હતું.

“તે ચિરાગ વિશે કોઈ દિવસ કહ્યું નહિ સિયા ?” અખિલે ચિરાગ સામેના સોફા પર બેસતાં પુછ્યું.

“અરે કૉલેજ પુરી કરીને ચિરાગ દિલ્હી ચાલ્યો ગયો હતો” સિયાએ કહ્યું, “એ પછી આજે વાત થઈ અમારી”

“સિયાએ નંબર બદલી નાંખ્યો હતો” ચિરાગે સિયા સામે જોઈ ફરિયાદ કરી, “એ તો મારા નસીબ કે ફેસબુકમાં કોન્ટેકટ થયો”

“તને કહ્યુંને ચિરાગ, કૉલેજ પછી મારી લાઈફ બદલાઈ ગઈ છે”સિયાએ કહ્યું.

“તો કેવું ઘર જોઈએ છે તારે ચિરાગ ?” અખિલે પુછ્યું.

“ઘર ગમે તેવું હોય ચાલશે, બસ આજુબાજુના વિસ્તારમાં હોવું જોઈએ તમને લોકોને મળવામાં સરળતા રહે એ માટે” ચિરાગે કહ્યું.

“આ એરિયામાં તો ઘર મળવું મુશ્કેલ છે” અખિલે કહ્યું.

“જરાય મુશ્કેલ નથી” સિયાએ ટપકું મુક્યું, “આપણે એક કામ કરીએ તો,આપણે સવારે જ વાત કરતાં હતાં.તારે એક મહિના પછી એકઝામ છે એટલે તું જોબ પરથી લિવ લેવાનો છે. આ ઘર મોટું છે.તું અહીંયા રહેવા આવી જા અને ચિરાગને તારા વાળું ઘર આપીએ તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય”

“મેં તને સવારે પણ કહ્યું હતું સિયા, તું પાડોશી તરીકેની ફરજ બજાવે છે પણ હું આત્મનિર્ભર રહેવા માંગુ છું”

“અરે હું ક્યાં તારા પર અહેસાસ કરું છું, જ્યારે જોબ શરૂ થઈ જાય ત્યારે એ મહિનાનું ભાડું તું આપી દેજે”

અખિલે સિયા તરફ ત્રાંસી નજર કરી.

“પ્લીઝ…” સિયાએ ઈશારો કરીને ચિરાગને ન સંભળાય એટલા અવાજે કહ્યું.

“અખિલને પ્રોબ્લેમ હોય તો હું બીજી સોસાયટીમાં ઘર શોધી લઈશ” ચિરાગે કહ્યું.

“ના, અખિલને કોઈ પ્રૉબ્લેમ નથી” સિયાએ કહ્યું, “બોલ અખિલ”

“હા મને કોઈ પ્રોબ્લેમ નથી” અખિલે કહ્યું.

“ગ્રેટ તો આજે તું અખિલનાં ઘરે સુઈ જજે, કાલે તને એ ઘર ખાલી મળી જશે” સિયાએ કહ્યું.

“મને કકડીને ભૂખ લાગી છે” ચિરાગે પેટ પર હાથ ફેરવીને કહ્યું, “પહેલાં જમવાનું કરીએ”

સિયા હસી, “તમે લોકો વાતો કરો,હું રસોઈ તૈયાર કરું છું”

“ના, તમે લોકો બેસો હું રસોઈ તૈયાર કરું છું” ચિરાગે ઉભા થતા કહ્યું, “હું સ્વાદિષ્ટ રસોઈ બનાવું છું”

“ચાલો મને આરામ મળશે હવે” સિયાએ અખિલ સામે જોઈ ચિરાગના વખાણ કર્યા.

“હું આવું થોડીવારમાં” અખિલ ઉભો થયો.

“ક્યાં જાય છે તું ?” સિયાએ પુછ્યું.

“કપડાં ઇસ્ત્રી માટે આપ્યા છે. દુકાન બંધ થઈ જશે તો કાલે સવારે કરચલીવાળા કપડાં પહેરવાં પડશે”

“સારું, જલ્દી આવજે” સિયાએ કહ્યું.માથું ધુણાવી અખિલ બહાર નીકળી ગયો. અખિલ અત્યારે ગુસ્સામાં હતો. પોતાનાં રૂમમાં જઈને સિગરેટ સળગાવી અખિલ વિચારમાં પડી ગયો. તેણે હવે એ ફ્રીડમ નહોતી મળવાની જે બે દિવસ પહેલાં જ મળી હતી.

હવે અખિલ સિયાને સરેઆમ હગ નહોતો કરી શકવાનો, વહાલથી તેની ગરદન પર આંગળીઓ નહોતી ફેરવી શકવાનો.સિયાને ટચ કરવા માટે પણ તેને પહેલાં આજુબાજુ નજર કરવી પડશે.

વિચારોમાંને વિચારોમાં અખિલ બે સિગરેટ ફૂંકી ગયો. હજી ત્રીજી સળગાવવા જતો હતો ત્યાં ઘરનો દરવાજો નૉક થયો. અખિલે દરવાજો ખોલ્યો, તેની સામે સિયા અદબવાળીને ઉભી હતી.

“સિગરેટ છે ?” સિયાએ પુછ્યું.અખિલે હાથમાં રહેલી સિગરેટ ઊંચી કરી એટલે સિયાએ અંદર આવીને દરવાજો બંધ કરી દીધો. અખિલે સિગરેટ સિયા તરફ ધરી.સિયાએ અખિલનાં હાથને અટકાવી, પોતે અખિલ તરફ ખેંચાઇ.

અખિલ કશું સમજ્યો નહિ પણ જ્યારે સિયાનાં હોઠ અખિલનાં હોઠને સ્પર્શ્યા ત્યારે અખિલને ખબર પડી કે સિયા ક્યાં નશાની વાત કરતી હતી. થોડીવાર માટે બંને એકબીજામાં ખોવાય ગયાં.

“શા માટે કરે છે આ બધું ?” અખિલે સિયાને દૂર કરતાં પુછ્યું.

અખિલ શું કહેવા માંગે છે એ વાતથી સિયા હજી અજાણ હતી, “હું શું કરું છું ?”

“તને ખબર છે, ચિરાગ અહીં રહેશે તો આપણે સ્વતંત્ર રીતે નહિ રહી શકીએ તો પણ તું એને અહીં રોકે છે”

“અખિલ” સિયા આશ્ચર્ય સાથે બોલી, “એક ફ્રેન્ડ મુસીબતમાં હોય ત્યારે તેને મદદ કરવાની આપણી જવાબદારી બને છે”

“મારો ફ્રેન્ડ નથી એ, હું શું સમજુ ?” અખિલ ચિડાયો, “અને તું બે વર્ષથી જે મુસીબતનો સામનો કરી રહી હતી ત્યારે ક્યાં ગયો હતો તારો આ ફ્રેન્ડ ?”

“એ બધું હું નથી વિચારતી અને આમ પણ આપણે એક ઘરમાં રહીએ છીએ તો એ કબાબમાં હડ્ડી નહિ બને” સિયાએ અખિલનાં ખભે હાથ રાખી, હાથને બાવડાં તરફ સરકાવતાં કહ્યું.

“વાત એ નથી સિયા” અખિલે કહ્યું, “વાત સ્વતંત્રતાની છે. હવે હું ઈચ્છું ત્યારે તને હગ નહિ કરી શકું, તારી સાથે હાથચાલાકી નહિ કરી શકું અને તે તો મને એક પાડોશી દોસ્ત તરીકે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો છે તો તને ટચ પણ નહીં કરી શકું”

“આપણે રિલેશનમાં આવ્યાં એને હજી બે દિવસ થયાં છે બકા” સિયાએ અખિલને સમજાવતાં કહ્યું, “આપણે એકબીજાને સરખી રીતે સમજી લઈએ પછી એને જાણ કરી દઈશું”

“ત્યાં સુધી મારે તારી સામે એક પાડોશી બનીને નાટક કરવાનું, તું નજર સામે હોય તો પણ તારાથી દૂર રહેવાનું”

“બોવ વિચારે છે તું” સિયાએ અખિલનાં હોઠે સ્મૂચ કરીને પોતાનું માથું અખિલનાં માથાં પર ટેકવ્યું, “હું તને વધુમાં વધુ એકાંત આપી શકું એવી કોશિશ કરીશ”

અખિલ પીઘળ્યો, તેણે સિયાની ગરદન પર હાથ રાખીને કહ્યું, “આ ખોટું થઈ રહ્યું છે યાર”

“કશું ખોટું નથી થઈ રહ્યું” સિયાએ કહ્યું.

અખિલે સિયાને વધુ જકડી. બંને એ જ પરિસ્થિતિમાં ઘણાં સમય સુધી ઉભા રહ્યા.

( ક્રમશઃ )

Share

NEW REALESED