Kalakar - 22 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 22

કલાકાર ભાગ – 22
લેખક - મેર મેહુલ

કોઈ ઝાડની ડાળી તૂટી જાય અને એ જગ્યાએ જેમ નિશાન રહી જાય તેમ અક્ષયને ટીમમાંથી કાઢીને મેહુલની ટીમમાં નિશાન પડી ગયું હતું. મેહુલ ચિંતામાં મગ્ન સોફા પર બેસીને નખ ચાવતાં હતાં. તેનાં ચાલીશ વર્ષનાં આ કરિયરમાં આ પહેલીવાર બન્યું હતું. ડિફેન્સ મિનિસ્ટરે સીધો મેહુલને ફોન કર્યો હતો અને અક્ષયને CID માંથી કાઢવા હુકમ કર્યો હતો. જ્યારે મેહુલે સામે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે જવાબમાં અક્ષય બેફામ રીતે હત્યા કરે છે અને કાયદાનો ભંગ કરે છે એવું જણાવવામાં આવ્યું હતું.
અક્ષય આવું જ કરતો હતો. મેહુલે જ તેને છૂટ આપી હતી અને આ વાત જગજાહેર હતી પણ હવે જ આ સવાલ કેમ ઉઠાવવામાં આવ્યો એ મેહુલને સમજાતું નહોતું.
એક કાર મેહુલનાં બંગલાની બહાર આવીને ઝટકા સાથે બંધ થઈ. એક વ્યક્તિ બ્લેક સ્યુટમાં, હાથમાં ફાઇલ લઈ મેહુલનાં બંગલામાં પ્રવેશ્યું.
“આ ફાઈલમાં બધી જ માહિતી છે” એ વ્યક્તિ સોફા પર બેઠક લેતાં કહ્યું.
“થેંક્યું, ફાઇલ આપવા માટે હું હંમેશા તારો આભારી રહીશ” મેહુલે આભાર વ્યક્ત કરતાં કહ્યું.
“દોસ્ત સમજે છે ને મને ?”
મેહુલ હળવું હસ્યાં.
“કૉફી ?” મેહુલે પુછ્યું.
“પછી ક્યારેક આજે ઉતાવળ છે” એ વ્યક્તિએ કહ્યું, “બે દિવસમાં હજી એક ફાઇલ હું મોકલીશ અને અક્ષયની ચિંતા ના કરતો, થોડાં દિવસમાં એ ફરી ટીમમાં આવી જશે”
“મને એની ચિંતા નથી અને હાલ પૂરતો તેને આ કેસથી દૂર જ રાખવો છે, મારાં મગજમાં એક પ્લાન છે. જો એ કારગર સાબિત થયો તો એને એક્સપોઝ કરવામાં કોઈ માનો લાલ વચ્ચે નહિ આવી શકે”
“તે વિચાર્યું છે તો નક્કી એની શામત આવી ગઈ છે” ઉં વ્યક્તિ હસ્યો, “ હું રજા લઉં હવે, મારે એક મિટિંગ છે”
મેહુલ ઉભા થઈ તેને દરવાજા સુધી છોડી આવ્યાં. અંદર આવી ફાઇલ તપાસતાં મેહુલનાં ચહેરા પર મોટું સ્મિત આવી ગયું.
થોડીવાર પહેલાં જે વ્યક્તિ ફાઇલ આપીને ગયું હતું એ બીજું કોઈ નહિ પણ અમદાવાદનાં DGP, શુભમ મજમુદાર હતાં. તેણે જે ફાઇલ આપી હતી એમાં ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નરસિંહ વર્માની માહિતી હતી. મેહુલે જ્યારે અંગત રીતે તાપસ કરી ત્યારે તેને અક્ષયને હટાવવા કોણે ડિફેન્સ મિનિસ્ટરને દબાણ કર્યું હતું એ વાત જાણવા મળી હતી. નરસિંહ વર્માનાં આદેશથી ડિફેન્સ મિનિસ્ટરે જ આ હુકમ જાહેર કર્યો હતો. વધુ જાણકારીમાં, નરસિંહ વર્મા અને ગજેન્દ્રસિંહ ઝાલા વચ્ચે સારા એવા સંબંધ હતાં, ગજેન્દ્રસિંહ વર્માએ કાજલ દ્વારા વિરલ ચુડાસમાને હટાવવા અક્ષયને ફસાવ્યો હતો એ માહિતી મેહુલ સુધી પહોંચી ગઈ હતી એટલે મેહુલે બધી કડીઓ જોડીને જે દ્રશ્ય રચ્યું હતું તેમાં બે વ્યક્તિનાં મનસૂબા શું હતા એ સામે આવી ગયું હતું.
ગજેન્દ્ર ઝાલા છેલ્લાં બે વર્ષથી લોકસભાની ચૂંટણીમાં સીટ મેળવવા પ્રયત્નો કરતો હતો પણ તેના કુકર્મો લોકો સામે આવી ગયા હતા એટલે સીટ હાથમાંથી જાય એ ડરથી વિરલ ચુડાસમા જે લોકોનાં હિત માટે કામ કરતો હતો તેને એ સિટમાંથી ચૂંટણી લડવા ઉભો રાખ્યો હતો. વિરલ ચુડાસમા મુખ્યમંત્રીનો અંગત હતો એટલે તેને આસાનીથી વિજય મળે એ વાત આવકાર્ય હતી.
નરસિંહ વર્મા અને ગજેન્દ્રસિંહ ઝાલા મળીને આ બે વ્યક્તિને હટાવી પાર્ટી પર કબ્જો મેળવવા ઇચ્છતાં હતા. નરસિંહ વર્મા મુખ્યમંત્રીનું પદ અને ગજેન્દ્રસિંહ ઝાલા નાયબ મુખ્યમંત્રીનું પદ ઇચ્છતાં હતાં. જેને કારણે આ સિલસિલો શરૂ થયો હતો.
મેહુલને એક વાત નહોતી સમજતી, જો અક્ષય પાસે જ આ કામ કરાવવું હતું તો આઠ ઓફિસરોની હત્યા કરવા પાછળ તેઓનો શું ઉદ્દેશ હશે ?
મેહુલ વિચારોમાં મગ્ન હતાં એ સમય દરમિયાન એક બુલેટ ગેટ બહાર આવીને હાફતું હાફતું બંધ થયું. ફરી એક વ્યક્તિ બ્લેક સ્યુટમાં બંગલામાં પ્રવેશ્યો. એ અક્ષય હતો. મેહુલે જ તેને મળવા બોલાવ્યો હતો.
“આ ફાઈલમાં નરસિંહ વર્માનાં કાળા કર્મોની બધી જ માહિતી છે, તેણે પોતાની પાર્ટીને બે હિસ્સામાં વહેંચી દીધી છે. જે લોકો પાર્ટી વિરુદ્ધ છે તેણે નરસિંહ વર્માને સાથ આપ્યો છે. તને આ કેસમાંથી હટાવવામાં નથી આવ્યો, બધા સામે તને હટાવવાનું નાટક કરવામાં આવ્યું છે. હવે તારે છુપી રીતે આ કેસને સોલ્વ કરવાનો છે. નરસિંહ વર્મા રાક્ષસ છે, તેનાં કારણે આપણું ભવિષ્ય પણ અંધારામાં જઈ શકે એમ છે માટે જેટલી જલ્દી આ કેસ સોલ્વ થાય એમાં જ આપણું હિત છે”
“તમે કહો તો એ કાલની સવાર નહિ જુએ” અક્ષય ગુસ્સામાં હતો. તેનાં હાથની મુઠ્ઠી બીડાયેલી હતી.
“અત્યારે જોશથી નહિ હોશથી કામ લેવાનું છે, મેં તને જે છૂટ આપેલી એ વાત ઉપર સુધી પહોંચી ગઈ છે માટે બધાની નજર તારા પર જ છે, જો અત્યારે જો આપણે કંઈ પણ કરીશું તો વાત વણસશે”
“મને એ બધી નથી ખબર, જ્યારે એ મારી નજર સામે આવશે ત્યારે તેઓનો છેલ્લો દિવસ હશે, આગળ તમે સંભાળી લેજો” અક્ષયની આંખમાંથી અંગાર વરસતાં હતાં.
“તારી પાસે આ જ સાંભળવું હતું મારે” મેહુલે અક્ષયનાં ખભા પર હાથ રાખ્યો, “ દસ દિવસમાં મારે કાને બે વ્યક્તિનાં મૌતનાં સમાચાર સાંભળવા છે”
“ગજેન્દ્ર ઝાલા અને નરસિંહ વર્મા” અક્ષયે કહ્યું.
“હા, એ જ બે વ્યક્તિ. તેઓની નજર વિરલ ચુડાસમા અને આપણાં મુખ્યમંત્રી પર છે. મુખ્યમંત્રી સુધી તો એ લોકો ક્યારેય નહીં પહોંચી શકે, વિરલ ચુડાસમાની જવાબદારી તારી છે. એ નૌજવાનનો વાળ વાંકો ન થાય એનું ધ્યાન ત્યારે રાખવાનું છે”
“એની જવાબદારી પણ હું લઉં છું, બસ મને એક પેન્સિલનું બોક્સ જોઈએ છે” અક્ષયે કહ્યું.
મેહુલ હળવું હસ્યાં, ટેબલનાં ડ્રોવરમાંથી બોક્સ કાઢી અક્ષયનાં હાથમાં રાખ્યું.
“થેંક્યું સર” અક્ષયે કહ્યું. ફાઇલ હાથમાં લઈ અક્ષય નીકળી ગયો.
*
રાતનાં બે વાગ્યાં હતા. અક્ષયના રૂમમાં અંધારું હતું, પોતાનાં શ્વાસોશ્વાસનો અવાજ કાને પડે, રૂમમાં એટલી શાંતિ હતી, હૃદય ચીરી નાંખે એવો સન્નાટો હતો. દીવાલ પર લટકતી ઘડિયાળ તેમાં ટક.. ટકનાં અવાજ સાથે આ નિર્જીવ વાતાવરણમાં ખલેલ પહોંચાડતી હતી. અક્ષય બેડ પર સૂતો સૂતો વિચારમાં ખોવાયેલો હતો.
બે વર્ષથી એ સામાન્ય જીવન જીવતો હતો અને અચાનક જ તે ફરી પોતાની એ જિંદગીમાં પ્રવેશ્યો હતો જેનાથી એ દૂર ભાગતો હતો. તેનાં વિચારો પણ અત્યારે વારંવાર વળાંકો લઈ રહ્યા હતાં.
‘હું શા માટે આ બધું કરું છું ?, હું પણ બીજાં ઑફિસર જેમ એક ઑફિસર જ છું. શા માટે હું ખાસ છું એવું મહેસુસ કરું છું ?, કોણ છું ?, કોનાં માટે આ બધું કરું છું ?, આરાધના ?, ના, એ પણ તેની બહેન જેવી જ નીકળી, પહેલાં પણ તેણે એવું જ કર્યું હતું અને ફરીવાર…હું આરાધના વિશે હવે વિચારીશ જ નહીં…એનાં સિવાય કોણ છે મારું ?, બે વર્ષથી જેનાં એક વચન માટે મેં પોતાને બદલી નાંખ્યો હતો, આજે ખબર પડે છે કે મને બદલવામાં તેનો સ્વાર્થ હતો ત્યારે હું એ વાત સ્વીકારી નથી શકતો. બસ હવે વધારે નહિ વિચારું, આ કેસ સોલ્વ થાય એટલે ફરી એ જ દુનિયામાં જતો રહીશ જ્યાં મને સુકુન મળતું હતું”
માણસ જ્યારે એકલો હોય છે ત્યારે તે પોતાની જાત સાથે વાતો કરતો હોય છે, ઘણીવાર કોઈ દિવસ સ્વપ્ને પણ ના વિચાર્યું હોય એવા વિચારોની સેર મગજમાંથી પસાર થઈ જાય છે અને સેકેન્ડમાં વિચારોની હારમાળા રચાય છે. અક્ષય સાથે કંઈક આવું જ થયું હતું. પોતે કોણ છે એ ભૂલીને અક્ષય એવા નકારાત્મક ભવરમાં ફસાય ગયો હતો જેમાંથી પોતે બહાર નીકળી નહોતો શકવાનો. નકારાત્મક વિચારોએ તેનાં મગજમાં એવું કવચ બનાવી દીધું હતું જેને સકારાત્મક વિચારો ભેદી નહોતાં શકવાના.
વિચારોનાં યુદ્ધમાં અક્ષયની ક્યારે આંખો બંધ થઇ ગઇ એ તેને ખ્યાલ ના રહ્યો. આવતી કાલની સવાર તેના જીવનમાં એવાં વળાંકો લઈને આવવાની હતી જે તેનાં જીવનને બદલી નાંખવા સક્ષમ હતી.
(ક્રમશઃ)
નવલકથા કેવી લાગે છે તેનાં મંતવ્યો અચૂક આપજો જેથી આગળ લખવાની પ્રેરણા મળી રહે. શેર કરવા યોગ્ય લાગે તો નવલકથાની લિંક શેર પણ કરજો. મારી અન્ય નવલકથા સફરમાં મળેલ હમસફર ભાગ – 1 – 2, વિકૃતિ, જૉકર, ભીંજાયેલો પ્રેમ વગેરે મારી પ્રોફાઇલમાં છે જ સમય મળે તો એ પણ વાંચજો. આભાર.
મેર મેહુલ
Contact info.
Whatsapp No. – 9624755226
Instagram - mermehul2898