Pranaybhang - 20 books and stories free download online pdf in Gujarati

પ્રણયભંગ ભાગ – 20

પ્રણયભંગ ભાગ – 20


લેખક - મેર મેહુલ

માણસ જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે એ શું બોલે છે એનું તેને ભાન નથી રહેતું, ઘણીવાર ગુસ્સામાં બોલાયેલાં શબ્દો થોડી ક્ષણો બાદ યાદ પણ નથી રહેતાં.જે સિયા બે કલાક પહેલાં રડતી રડતી આગ ઉગળતી હતી એ જ સિયા અત્યારે એકદમ સ્થિર અને શાંત હતી, જાણે બે કલાક પહેલાં કંઈ બન્યું જ ના હોય.

બંને રાત્રી ભોજન કર્યા પછી ગોવાના રસ્તા પર ટહેલવા નીકળ્યાં હતાં. અખિલે બોક્સર અને ટી-શર્ટ પહેર્યું હતું અને સિયાએ શોટ્સ પર ટોપ પહેર્યું હતું. બંને બિન્દાસ, કોઈની પરવાહ કર્યા વિના એકબીજાના હાથમાં હાથ પરોવી ચાલતાં હતાં.

“તે વિચાર્યું હતું આપણે આટલાં આગળ વધી જશું ?” અખિલે વાત છેડી.

“ના, આટલાં આગળ વધી જશું એ તો નહોતું જ વિચાર્યું” સિયાએ કહ્યું.

“આપણે આગળ વધ્યા ત્યારે તને વિચાર નહોતો આવ્યો ?” અખિલે પુછ્યું, “હું પણ બીજા પુરુષની જેમ બેડમાંથી ઉભા થઇ તને તારાં રસ્તે જવાનું કહી શકેત”

“તને શું લાગે, હું વિચાર્યા વિના જ આગળ વધી ગઈ છું?, તારી એક એક હરકત પર મારું ધ્યાન હતું. તને યાદ છે મેં તારી સામે ફ્રેન્ડ્સ વિથ બેનિફિટનો પ્રસ્તાવ મુક્યો હતો.એ તારાં માટે ઑફર નહોતી, હું તારી કસોટી લઈ રહી હતી. જો તે એ દિવસે હા કહી દીધી હોત એ જ સેકેન્ડે હું તારી સાથે સંબંધ તોડી નાખેત.તારું એ દિવસનું વર્તન જોઈ હું ખુશ હતી.તે જેવી રીતે મને જન્મદિવસ પર ટ્રીટ કરી હતી એ જોઈ હું તારી સાથે આગળ વધવા માટે તૈયાર થઈ હતી”

“તું આ બધી વાતો કરે જ છો તો હું કશુંક કન્ફેસ કરવા ઈચ્છું છું” અખિલે કહ્યું, “તને પહેલીવાર જોઈ ત્યારે જ હું તારાં પ્રેમમાં પડી ગયો હતો પણ જ્યારે તે મને ફ્રેન્ડ્સ વિથ બેનિફિટવાળી ઑફર આપી ત્યારે મેં તારાં વિશે ન વિચારવાનું વિચારી લીધું હતું અને સાચું કહું તો ચિરાગનાં આગમન પછી મને એ જ વાતનો ડર હતો પણ તે આજે જે વાત કહી પછી તારાં વિશેનાં મારાં વિચારો સાવ બદલાઈ ગયાં છે”

“તું એવું વિચારતો હતો કે હું બધા પુરુષોને બેડ પર આવવા આમંત્રણ આપું છું” સિયાએ નાક ફુલાવ્યું.

“અરે તું ગલત સમજે છે, તે એવું કહ્યું પછી મને એવો વિચાર આવેલો. મેં પહેલેથી જ એવું નહોતું વિચારી લીધું”અખિલનાં મનમાં અનિષ્ટતાંનાં ખ્યાલથી ભયભીત થઈ ગયો. અખિલને ડરેલો જોઈ સિયા રીતસરની હસી પડી.

“તું તો ડરી ગયો બકા, મેં જ પોતાની એવી છબી ઉપસાવી હતી તો તું શું કોઈપણને આવો વિચાર આવે” સિયાએ હસતાં હસતાં કહ્યું.

“તે તો મને ડરાવી જ દીધો હતો” અખિલે છાતી પર હાથ રાખી હાશકારો અનુભવ્યો.

“હું મારાં વિચારો તારાં પર થોપવા તને દબાણ ના કરી શકું અખિલ, તું તારાં વિચારોથી સ્વતંત્ર છે.તારાં વિચારો મારાં વિચારોને અનુરૂપ જ હોય એવું જરૂરી નથી.મારાં મંતવ્યો મુજબ જે વાત કે વિચાર યોગ્ય હોય એ તારાં મંતવ્યો પ્રમાણે યોગ્ય ના પણ હોય શકે.તે પેલી અંગ્રેજી ‘6’ અને ‘9’ વાળી વાત તો સાંભળી જ હશે.તું તારી જગ્યા પર સાચો છે અને હું મારી જગ્યા પર.

મેં તારી પરીક્ષા લેવા માટે એ પ્રસ્તાવ રાખ્યો હતો અને તું એ વાતથી અજાણ હતો માટે તને એવાં વિચારો આવે એ સ્વાભાવિક છે” સિયાએ કહ્યું.

“તું કેટલી સુલજેલી વાતો કરે છે આજે”અખિલે સ્મિત કર્યું, “મને સારી ફિલોસોફર મળી ગઈ એવું લાગે છે”

“ફિલોસોફર તો ના કહી શકાય પણ તારી સામે ખુલ્લાં મને વાત કરી શકું એ પરિસ્થિતિમાં છું એટલે બધું બહાર આવે છે, નહીંતર બે વર્ષથી અંદર બધું સળગતું હતું છતાં કોઈ દિવસ કોઈની સમક્ષ એ રજુ નથી થયું”

“એ સાચી વાત કહી તે” અખિલે કહ્યું, “હું પણ આજદિન સુધી કોઈની સાથે આવી વાતો નહોતો કરી શક્યો, ઇન્ફેકટ હું તો વાતો કરવામાં જ શરમાતો.કહેવાય છે ને મન મળે ત્યાં મગજથી વિચારવું નથી પડતું”

“વાતો કરતાં કરતાં ઘણાં આગળ આવી ગયાં, હવે થોડી વાર બેસી જઈએ” સિયાએ કહ્યું.

“આમ પણ જમીને સિગરેટ નથી પીધી, ક્યારની ઈચ્છા થાય છે” અખિલે સિગરેટનું પેકેટ કાઢતાં કહ્યું.બંને એક દુકાનના ઓટલે આવીને બેઠાં. સિયાએ બે સિગરેટ સળગાવી.

“સિગરેટ વિશે શું કહેવું છે તારે ?” અખિલે એક કશ ખેંચીને પુછ્યું, “આનાં પર કોઈ ફિલોસોફી છે તારી પાસે ?”

“હોય જ ને” સિયાએ પણ એક કશ ખેંચ્યો, “સિગરેટ શરીરને નુકસાન પહોંચાડે છે પણ એકવાર લત લાગ્યાં પછી છોડવી મુશ્કેલ બની જાય છે. માણસ એવું વિચારીને બીજાની સલાહને અવગણે છે કે મારી લાઈફ છે, હું નાની ઉંમરે મૃત્યુ પામું કે વૃદ્ધ થઈને, બીજાને શું લેવાદેવા છે.જયારે અંત નજીક દેખાય છે પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.હું પણ ગોવાથી જઈશ પછી સિગરેટ બંધ કરી દઈશ”

“અરે મેં તો ખાલી ફિલોસોફી આપવા કહ્યું હતું”અખિલ હસ્યો, “તે તો એપ્લાય પણ કરી દીધી”

“જે વાતનો આપણે અમલ કરી શકીએ એની જ ફિલોસોફી કે ઉદાહરણ બીજાને આપવા જોઈએ.ઘણાં લોકો વાતો મોટી મોટી કરતાં હોય છે અને પોતાની લાઈફમાં એ વાતોમાંથી એક વાક્યનો પણ અમલ ના કરતાં હોય તો વાત કહેવાનો મતલબ નથીને ?”

“તો પણ, મેં તને ફિલોસોફી આપવા ના કહ્યું હોત તો તું સિગરેટ બંધ કરવા વિશે ના વિચારેતને ?”

“મેં પહેલાં જ નક્કી કરી લીધું હતું અને એની પાછળ કારણ છે”સિયા ગહન કરવા લાગી, “હું તને સલાહ આપીશ પણ તું બંધ જ કરી દે એવું નથી કહેતી”

“સારું હું વિચારીશ” અખિલે કહ્યું, “ત્યાં સુધી તો આણંદ માણી શકીએને ?”

“અરે એ પણ કંઈ પુછવા જેવી વાત છે?” સિયા હસી, “ચાલ બંને સાથે સુટ્ટો મારીએ”

બંનેએ એક સાથે કશ ખેંચ્યો. પછી ખુલ્લાં આકાશમાં ધુમાડો છોડ્યો. સિગરેટ પુરી થઈ એટલે અખિલ ઉભો થયો.

“ચાલ હવે નીકળીએ?” અખિલે કહ્યું.

“શું ઉતાવળ છે બેસને” સિયાએ અખિલનું કાંડુ પકડીને કહ્યું.

“તું થાકી નથી ગઈ ?” અખિલે કમરે હાથ રાખ્યો, “મને તો પૂરાં શરીરમાં દર્દ થાય છે”

“આટલી જલ્દી થાકી જઈશ એમ કેમ ચાલશે ?” સિયાએ નીચેનો હોઠ ઉપરનાં દાંત નીચે દબાવીને આંખ મારી.

“અરે હું તો મજાક કરતો હતો” અખિલ હસ્યો, “હું ક્યાં થાક્યો છું”

અખિલની વાત સાંભળી સિયા હસી પડી.

“ચાલ નોટંકી, તારો થાક કેમ દૂર થશે એ મને ખબર છે” અખિલનું બાવડું પકડી સિયા ઉભી થઇ.

“મેં તો પહેલાં જ કહ્યું હતું, આ આપણું હનીમૂન છે” અખિલે સિયાનાં કાનમાં કહ્યું.

*

સિયાએ આંખો ખોલી ત્યારે અખિલ તેની બાજુમાં ઊંધો સૂતો હતો, અખિલનો એક હાથ સિયાની ગરદન પાસે હતો. સિયાએ મોબાઈલમાં સમય જોયો, 5:33 am થઈ હતી. સિયા અખિલનાં ચહેરાને એકીટશે જોઈ રહી.

સિયાએ અખિલને સરપ્રાઈઝ આપ્યું એટલે અખિલને વાળ-દાઢી સેટ કરવાનો સમય નહોતો મળ્યો, અખિલનાં ચહેરા પર દાઢીનો થોથો જામી ગયો હતો. સિયાએ ગઈ રાત્રે જ અખિલને ફરિયાદ કરતાં કહ્યું હતું, ‘તારાં હોઠોને કિસ કરું છું કે મૂછને એ જ નથી ખબર પડતી’

અખિલનાં વાળ પણ ખાસ્સા એવા વધી ગયાં હતાં. સિયાએ તેમાં પણ આંગળીઓ પરોવીને વાળ વિખી નાંખ્યા હતી. ગઈ રાતની ઘટનાં યાદ કરીને સિયા મલકાઈ. અખીલે પહેલાં આવી રીતે સિયાને તૃપ્ત નહોતી કરી. ગઈ રાતની વાત જ અલગ હતી.અખિલે સિયાને વિવશ કરી દીધી હતી.

સિયાએ અખિલનો હાથ પોતાની ગરદનેથી દુર કર્યો અને ધીમેથી ઉભી થઇ. અખિલ ઊંઘમાં પડખું ફરીને સુઈ ગયો. સિયા વોશરૂમ તરફ બે ડગલાં ચાલી ત્યાં તેનું પૂરું શરીર દર્દ કરવા લાગ્યું. સિયા ફરી મુસ્કુરાઈ, દીવાલનો સહારો લઈ એ વોશરૂમ તરફ આગળ વધી.

સિયા નાહીને બહાર આવી ત્યારે તાજગી મહેસુસ કરતી હતી. એ અખિલ પાસે ગઈ.

“ઉઠ અખિલ, સવાર પડી ગઈ” સિયાએ અખિલને ઢંઢોળીને કહ્યું.અખિલે આંખો ખોલી.તેની સામે સિયા સ્માઇલ સાથે ઉભી હતી.

“ગુડ મોર્નિંગ” અખિલે બેડમાં સૂતાં સૂતાં જ કહ્યું.

“વૅરી ગુડ મોર્નિંગ” સિયાએ બેડ પર બેસતાં કહ્યું, “જલ્દી તૈયાર થઈ જા, આપણે ફરવા જઈએ છીએ”

“જવું જ છે ?” અખિલે સિયાને પોતાનાં તરફ ખેંચી અને કપાળ પર ચુંબન કર્યું.

“હા, આપણે અહીં ફરવા માટે આવ્યા છીએ” સિયાએ અખિલનું નાક ખેંચ્યું.અખિલ બેડ પરથી કુદ્યો,

“પાંચ મિનિટ આપ, હું આવ્યો”

અખિલને જતાં જોઈ સિયા હસી પડી, “પાગલ છે સાવ”

( ક્રમશઃ )