Pranaybhang - 21 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | પ્રણયભંગ ભાગ – 21

પ્રણયભંગ ભાગ – 21

પ્રણયભંગ ભાગ – 21


લેખક - મેર મેહુલ

“આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?” અખિલે સેન્ડવીચનું બાઈટ લઈને કહ્યું.

“રીસ મેગોસ ફોર્ટ” સિયાએ માત્ર કૉફી મંગાવી હતી, “નોર્થ ગોવામાં દરિયાની પેલે પાર છે”

“મજા આવશે” અખિલે કહ્યું.

રીસ મેગોસ ફોર્ટનો ઉદ્દભવ ઇ.સ.1493 માં બીજપુરની આદિલ શાહની સશસ્ત્ર ચોકી તરીકે થયો હતો. ઇ.સ.1541 માં બર્દેઝવાએ પોર્ટુગીઝો દ્વારા વિજય મેળવ્યો ત્યારે આ કિલ્લો ચર્ચ સાથે બનાવવામાં આવ્યો હતો.ઇ.સ.1900 થી, તેણે તેની રક્ષણાત્મક ભૂમિકા ગુમાવી દીધી હતી અને જેલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, છેવટે 1993 માં તેનો ત્યાગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ ફોર્ટ ખંડેર બની ગયો હતો.આ કિલ્લા પર પુન:સ્થાપનનું કામ યુકે સ્થિત હેલેન હેમલિન ટ્રસ્ટ, ઇન્ટેક - સ્મારકોની પુન:સ્થાપના, અને ગોવા સરકાર સાથે કામ કરતી એક બિન-સરકારી સંસ્થા દ્વારા પૂરા પાડવામાં આવતા ભંડોળથી 2008 માં શરૂ થયું હતું.કિલ્લો પુન:સ્થાપિત કરવા માટે જાણીતા આર્કિટેક્ટ જેરાર્ડ દા કુન્હાને રાખવામાં આવ્યા હતા.આ કિલ્લો હવે એક સાંસ્કૃતિક કેન્દ્રમાં પરિવર્તિત થયો છે, ઉપરાંત તેનો ઉપયોગ પ્રવાસીઓના આકર્ષણ માટે કરવામાં આવે છે.

આ કિલ્લાની પૂર્વ તરફ સુંદર ઝરણું વહે છે, પાયા પરથી સુંદર સીડી ચડતાં રીસ મેગોસ ચર્ચની શરૂઆત થાય છે.આધુનિક શૈલીથી સમારકામ થયેલાં કિલ્લાનાં મકાનો પિરામિડ શેપમાં, લાલ રંગના નળિયાંઓથી બનાવવામાં આવેલાં છે.કિલ્લાની ફરતે અમુક અંતરે તોપો ગોઠવવામાં આવી છે, કિલ્લામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ગેલેરી ટાઈપના અર્ધગોળ દરવાજામાંથી પસાર થવું પડે છે.જે પ્રવાસીઓ માટે ફોટો શૂટિંગનું ઉત્તમ સ્થળ બને છે.અહીં ડેસ્ટિનેશન વેડિંગ અને ફોટો શૂટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

અખિલ અને સિયા સીડીઓ ચડીને કિલ્લામાં પ્રવેશ્યાં.પથ્થરોથી બનાવેલાં રસ્તા પરથી પસાર થઈને બંને એક પાળી પાસે આવીને ઊભા રહ્યાં.ત્યાંથી સિટી તરફ નજર ફેરવતાં પહેલાં, વૃક્ષોનો સમુહ, ત્યારબાદ દરિયો અને અંતે સિટીની બિલ્ડીંગો દેખાય.અખિલે કેમેરો કાઢી થોડાં ફોટા ક્લિક કર્યા.

“ફરવાની મજા આવે નહિ” અખિલે પાળીને ટેકો આપી ઊભાં રહી પુછ્યું.

“વર્ષમાં એક બે વાર ફરવા જવું જ જોઈએ” સિયાએ કહ્યું, “નવા લોકોને મળીએ તો નવી નવી વાતો, સ્થળો વિશે, તેનો ઇતિહાસ વિશે જાણવા મળે. એકને એક જગ્યાએ માણસ કેટલો સમય ટકી શકે છે?, ક્યારેક તો કંટાળવાનો છે ને?, જુદાં જુદાં સ્થળોની મુલાકાત લેવાથી તાજગીનો અનુભવ થાય છે.કામ કરવામાં મન પરોવાય છે”

“હું તારી વાતથી સહમત છું, છેલ્લાં એક વર્ષથી જોબને કારણે બહાર નહોતો નીકળી શક્યો, લાઈફ ક્યાં રસ્તે લઈ જવી એ વિચારવાનો પણ સમય નહોતો મળતો. થોડો સમય બ્રેક મળી ગયો એટલે હવે વાંચવામાં પણ ધ્યાન આપી શકીશ” અખિલે કહ્યું.

“તે મામલતદાર બનવાનું સપનું જોયું છે ને ?” સિયાએ પુછ્યું.

“એ તો હું કોઈપણ સંજોગોમાં બનીને રહીશ” અખિલે મક્કમ અવાજે કહ્યું.

“તું રાત દિવસ વાંચીશ તો મામલતદાર બની જઈશ ?”

“રટ્ટો મારવાથી એક્ઝામ ક્લિયર નથી થતી” અખિલે કહ્યું.

“એ જ ને” સિયાએ મુદ્દો પકડ્યો, “એનાં માટે સ્માર્ટવર્ક જોઈએ, ગોલને નાના નાના હિસ્સામાં વહેંચવો પડે, હવે તું વિચાર જો તું આ કિલ્લામાં ન આવ્યો હોત અને એક્ઝામમાં આ કિલ્લાનો કોઈ સવાલ પુછાયો હોત તો તું જવાબ આપી શકેત ?”

“તું સાચી જ છે અલી” અખિલ હસ્યો.

“એક લેક્ચર પૂરો થયો, હવે આગળ જઈએ” સિયાએ પણ હસીને કહ્યું.

બંને પરસાળમાં થઈને કિલ્લામાં પ્રવેશ્યાં.કિલ્લાની ભવ્યતા, ભભકો, સૌંદર્ય જોઈને બંને મંત્રમુગ્ધ થઈ ગયાં હતાં. થોડીવાર કિલ્લામાં વિહાર્યા પછી બંને એક તોપ પાસે આવીને ઊભા રહ્યાં.

તેઓની સામે એક મોટી ઇમારત હતી, જે ભૂતકાળમાં હાઉસિંગ સૈનિકો અને દારૂગોળો સિવાય દરિયાઇ માર્ગ પર વેપાર કરતા માલના સ્ટોરહાઉસ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી.કિલ્લાની પૂર્વ દિશામાં એક અસ્પષ્ટ, વ્હાઇટવોશેડ ચર્ચ હતું જે અગ્રભાગની મધ્યમાં શસ્ત્રોનો કોટ ધરાવતું હતું. એક પુસ્તક પ્રમાણે સૈનિકોનાં વિશ્વાસને પોષવા માટે ચેપલ્સ અથવા ચર્ચો કિલ્લાઓની નિયમિત સુવિધા હતી.

“હવે ક્યાં મુદ્દા પર ફિલોસોફી આપીશ તું ?” અખિલે પુછ્યું.

“તને મારી ફિલોસોફી એટલી બધી પસંદ આવે છે ?” સિયાએ હળવું હસીને કહ્યું.

“તું વ્યવહારુ વાત કરે છે, મને એમાંથી શીખવા મળે છે અને એ બહાને મને તારાં વિચારો પણ જાણવા મળે છે” અખિલે કહ્યું.

“તું જ બોલને તને ક્યાં વિષય પર મારું લેક્ચર સાંભળવું ગમશે ?”

“ભૂતકાળમાં ડૂબકી મારવાની ઈચ્છા થાય છે ?” અખિલે પુછ્યું, “કોઈ ભૂતકાળનો પ્રસંગ યાદ આવે તો કહે”

“હા કેમ નહી” સિયાએ કહ્યું, “શેખરે મને તેનો એક કિસ્સો કહ્યો હતો,જે કદાચ તારાં માટે ઉપયોગી બનશે”

“શેખર જ્યારે અઢાર વર્ષનો નહોતો થયો ત્યારથી જ તેણે આર્મીમાં જવાનું નક્કી કરી લીધું હતું. તેનાં ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી એટલે તેણે આર્મીની તૈયારી સાથે એક પેઢીમાં નામું લખવાનું શરૂ કર્યું હતું. તેણે સતત બે વાર આર્મીની ટ્રાયલ આપી અને બંને વાર એ રનિંગમાં પાસ થઈ ગયો પણ મેડિકલ ચેકઅપમાં નીકળી ગયો.

તેણે હિંમત ન હારી. ત્રીજીવાર તેણે પહેલાં ડૉક્ટર પાસે ઈલાજ કરાવ્યો અને ત્રીજીવાર ટ્રાયલ આપી. જો એ ત્રીજી ટ્રાયલમાં પણ નીકળી જાય તો આર્મીમાં જવાનું તેનું સપનું, સપનું જ રહી જવાનું હતું.સદનસીબે ત્રીજી ટ્રાયલમાં એ પાસ થઈ ગયો અને આર્મીમાં સર્વિસ કરવા લાગ્યો.

મારો કહેવાનો અર્થ એટલો જ છે કે લાઈફમાં પહેલી એટમ્પમાં સફળ થનાર લોકોની સંખ્યા જૂજ હોય છે. ઘણાં લોકો ફેઈલ થાય પછી નાસીપાસ થઈ જાય છે.પોતે લક્ષ સિદ્ધ કરવા સક્ષમ નથી એવું વિચારી લે છે.હકીકતમાં એવું નથી હોતું, શરૂઆત કરવી જ અઘરી હોય છે.એકવાર જો મનમાં ગાંઠ બાંધી દીધી કે આ લક્ષ હાંસલ કરવું છે તો તેને કોઈ રોકી શકતું નથી.જરૂર છે તો બસ ટકી રહેવાની.

તું પણ એક દિવસ મામલતદાર બનીશ જ.બસ નાસીપાસ ના થતો”

“યાર તું જ્યારે આવી ફિલોસોફી આપે છે ને ત્યારે મારી પાસે જવાબમાં શબ્દો નથી હોતાં, તું સચોટ અને ધારદાર વ્યક્તવ્ય કેવી રીતે આપે છે ?”

“કારણ કે હું મારાં અનુભવો કહું છું, બીજાના કિસ્સા માત્ર ઉદાહરણ તરીકે લેવાય પણ અનુભવ તો મહેસુસ કરેલાં હોય છે, એ સમયને જીવ્યાં હોઈએ છીએ એટલે શબ્દો શોધવા નથી પડતાં” સિયાએ કહ્યું.

“તારી વાતો પરથી પ્રેરણા લઈને હું વડોદરા જઈને સતત એક મહિનો મહેનત કરવાનો છું, પછી કોઈ મને એક્ઝામ ક્લિયર કરતાં નહિ રોકી શકે”

“હજી ભૂલ કરે છે તું બકા” સિયાએ અખિલને અટકાવ્યો, “શ્રીમદ ભગવત ગીતામાં લખ્યું છે, સફળતા-નિષ્ફળતાં પરિણામનાં બે પહેલુ છે.તારે મહેનત કરવી જોઈએ, સફળતા-નિષ્ફળતાં વિશે વિચારીશું તો મહેનતમાં કચાશ રહી જશે”

“તું તો ગજબ છે યાર, બધી વાતોનું તને જ્ઞાન છે” અખિલ ચોંકી ગયો હતો.

“આજના લેક્ચર પૂરાં કરીએ અને બાકીનાં સ્થળોની મુલાકાત લઈએ નહીંતર એ બાકી રહી જશે” સિયાએ હસતાં કહ્યું.

બંને સીડી ઉતરી નીચે આવ્યાં.સિયાને એક કૉલ આવ્યો એટલે એ વાત કરવા અખિલથી થોડે દુર જતી રહી. એ દરમિયાન અખિલે સિગરેટ કાઢી સળગાવી. સિયા વાત કરીને આવી ત્યારે અખિલ સિગરેટનાં કશ ખેંચી રહ્યો હતો.

“શું કરે છે આ ?” સિયાએ ખિજાઈને અખિલનાં હાથમાંથી સિગરેટ લઈ ફેંકી દીધી.

“શું થયું?, સિગરેટ કેમ ફેંકી દીધી?” અખિલે આશ્ચર્ય વચ્ચે પુછ્યું.

“તું આજ પછી સિગરેટ નહિ પીવે” સિયાએ ચેતવણી આપી.

“કેમ પણ શું થયું ?”

“બસ કહ્યુંને, જો આજ પછી તે સિગરેટને હાથ લગાવ્યો છે તો મારાથી ખરાબ કોઈ નહિ થાય”

સિયા શા માટે અખિલને રોકતી હતી એ તેને નહોતું સમજાતું. તેણે સિયાનો ચહેરો જોયો.સિયાનાં ચહેરા પર ચિંતા અને ગુસ્સા મિશ્રિત ભાવ હતાં. અખિલે સ્મિત કર્યું.પોકેટમાંથી સિગરેટનું પેકેટ કાઢી દરિયા તરફ ફેંકી દીધું.

“ખુશ હવે ?” અખિલે હસીને કહ્યું.

સિયાએ પોતાનાં વાળ પકડ્યા.પોતાનાં ગુસ્સાને શાંત કરવા એણે ઊંડા શ્વાસ લીધાં.

“આઈ એમ સૉરી” સિયાએ કહ્યું, “મને તારી ચિંતા થતી હતી એટલે”

“ઇટ્સ ઑકે, હું સમજી શકું છું” અખિલે કહ્યું.

“આપણે હોટેલમાં જઈએ, મારી તબિયત લથડે છે” સિયાએ કપાળે હાથ રાખ્યો.

“તને શું થયું અચાનક ?” અખિલ ગભરાયો, “કોનો કૉલ હતો ?”

“અરે એવું કશું નથી” સિયાએ અખિલને સમજાવ્યો, “વિકનેસ ફિલ કરું છું”

“સારું ચાલ આપણે જઈએ” અખિલે સિયાને સહારો આપ્યો. બંને હોટેલ તરફ રવાના થયાં.

( ક્રમશઃ )

Rate & Review

nihi honey

nihi honey 2 years ago

nisha prajapati

nisha prajapati 2 years ago

Deboshree Majumdar
Neha

Neha 2 years ago

Rajiv

Rajiv 2 years ago