a lal rang books and stories free download online pdf in Gujarati

એ લાલ રંગ

*એ લાલ રંગ*. ટૂંકીવાર્તા.. ૨૩-૫-૨૦૨૦

એક અઠવાડિયાથી અંજલિ બહેન જોતાં હતાં કે નવી પરણેલી વહું સ્વાતિ મુરઝાતી જાય છે અને એનાં મોં પર અને હાથ પગ પર મારવા નાં નિશાન દેખાય છે...
એમની અનુભવી આંખો બધું સમજી ગઈ હતી...
એક પુરુષ ની તાનાશાહી નો આરંભ થયો છે...
આજે એ સવારમાં બેઠકરૂમમાં બેઠાં હતાં અને સ્વાતિ ઉપર થી ઉતરીને આવતી હતી પણ એનાં મોં પર નૂર નહોતું અને હાથે ડામ દિધેલા હતાં એમણે આજે સ્વાતિ ને ઉભી રાખી અને કહ્યું કે બેટા હું પણ તારી મા છું જે પણ વાત હોય એ મને સત્ય કહે ડરીશ નહીં.. ભલે તારું પિયર દૂર રહ્યું પણ હું છું તારી મા બોલ બેટા...
અને પછી સ્વાતિ રડી પડી.. અને બધીજ વાત કરી...
અંજલિ બહેન સ્વાતિ ને હ્રદયસરસી ચાંપી લીધી અને માથે હાથ ફેરવ્યો અને બોલ્યા મારી જ પરવરિશ માં ખોટ હશે જે તારાં જેવી ખાનદાની અને સંસ્કારી દિકરીને સહન કરવાનો વારો આવ્યો...
એમણે નીચે થી જ બૂમો પાડી ચિરાગ નીચે આવ...
ચિરાગ મા ની બૂમો સાંભળી ને આંખો ચોળતો નીચે આવ્યો...
અંજલિ બહેન સ્વાતિ તરફ આંગળી કરીને કહે આ શું છે બધું???
ચિરાગ આંખો કાઢી ને સ્વાતિ સામે દાઝ થી જોયું...
સ્વાતિ એ નજર નીચી કરી એટલે અંજલિ બહેન બોલ્યા...
કપાતર પાક્યો છે તું પણ તારા બાપની જેમ...
જે સ્ત્રી ને એક રમકડું જ સમજે છે.. કાન ખોલીને સાંભળી લે ...
તારી જ પસંદ છે ને ??? પ્રેમ લગ્ન કર્યા હતા ને તે??
બધા પ્રેમી પતિ નથી બની શકતા અને બધાં પતિ પ્રેમી નથી થઈ શકતાં... એ પુરુષની હેવાનિયત છે અને એ મર્દ હોવાનો ફાંકો છે...
રાત્રે માર ખાય છે બિચારી સ્ત્રી અને સિગાર ના ડામ સહે છે બિચારી સ્ત્રી... એના શરીર પર દેખાતા ડામ અને ઉજરડા પરથી લાગે છે
શું એનો પતિ એક પ્રેમી છે???
જવાબ આપ...???
સમાજમાં પણ લોકો દહેજ ની લાલચ માં સળગાવી ને મારી નાંખે છે બિચારી સ્ત્રીને.. અને મારી નાખનારો પતિ જ હોય છે...
શું એના પ્રેમી એ સળગાવી છે ??? જવાબ આપ...???
પત્નિ ને અબળા અને કમજોર કહેનારા આખી રાત ચુંથનારા નથી હોતા પ્રેમી.....
બે ટાઈમ જમવા નું આપવું અને બે જોડ કપડાં તન ઢાંકવા આપવા એ પ્રેમ છે..????
આખો દિવસ ઘરનું કામ કરે એનું મહેનતાણું એ છે કે રાત્રે માર ખાય છે??? એ શું પુરુષ ની શૂરવીરતા છે ????
જેમ દરેક શબ્દ નો મતલબ એક નથી હોતો એમ એક સ્ત્રી ના માથા ના સિંદુર નો મતલબ પ્રેમ કે સ્ત્રી ખુશ છે એવો નથી હોતો
કોઇ દિવસ સમજવાની કોશીશ કરી છે કે સિંદુર નો રંગ કેમ લાલ છે ???
સિંદુર નો રંગ લાલ એટલા માટે છે
કેમ કે એક સ્ત્રી ના સપનાનું કફન ( અંત ) છે...
સ્ત્રી ના જીવનનો" આરંભ અને અંત " માટે એનો પતિ જ જવાબદાર હોય છે...
આટલું બધું એક શ્વાસે બોલી ને...
જો આજ પછી સ્વાતિ ને હાથ પણ લગાવ્યો તો આ હવેલીમાં થી તને હું બેદખલ કરી દઈશ અને આ હવેલી અને મિલ્કત ની વારસદાર સ્વાતિ બનશે...
હજુયે સમય છે સુધરી જા....
ચિરાગ તો આ સાંભળીને કાપો તો લોહી પણ ના નિકળે એવો થઈ ગયો...
એ અંજલિ બહેન ને સારી રીતે ઓળખતો હતો કે જો હવે એ ભૂલમાં પણ સ્વાતિ ને હાથ લગાડશે તો આ બધીજ સુખ-સમૃદ્ધિ અને મિલ્કત હાથમાં થી જશે એ કલ્પના માત્રથી એ થથરી ગયો...
એણે અંજલિ બહેન નાં પગ પકડી લીધા કહ્યું મમ્મી હવે ભૂલ નહીં થાય...
અંજલિ બહેન કહે મારી નહીં સ્વાતિની માંફી માંગ એ તને માફ કરે તો તું ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા આવજે...
નહીંતર .... આ ઘરમાં તારું મોં નાં દેખાડીશ...
કહીને એ ડાઇનિંગ ટેબલ વાળા રૂમમાં ગયા...
ચિરાગ સ્વાતિ નાં પગ પકડી ને માફી માંગી અને કહ્યું કે હું તને બહુ પ્રેમ કરું છું પણ નાનપણમાં જોયું હતું પિતાને આ રીતે મારતાં અને મારા મમ્મી રડતાં અને ડરતાં રેહતા એ જોઈ હું આ પુરુષો નો અધિકાર છે સ્ત્રીઓ પર અત્યાચાર કરવાનો એમ સમજી તને હું રંજાડતો રહ્યો..
મારાં અત્યાચાર નો આજથી અંત આવ્યો...
મને માફ કર સ્વાતિ.... હું હવે તને કોઈ તકલીફ નહીં આપું....
આપણાં પ્રેમ ની કસમ તને....
મને એક મોકો આપ....
સ્વાતિ ડુસકા ભરીને રડતી રહી..
અને વિચારી રહી કે માતા-પિતા તો એ નાની હતી ત્યારે જ એક અકસ્માતમાં ગુજરી ગયા હતાં અને કોલેજમાં થી પિકનીક ગયા હતા ત્યાં આ ચિરાગ પણ કોલેજમાં થી એ જ સ્થળે આવેલા હતાં અને એકબીજા નાં પ્રેમમાં પડી ગયા હતા...
અને ચિરાગે પછી મામા પાસે માગું નાખ્યું..
મામા મામી ખુશ થયા કે આવડાં મોટાં હવેલી ની રાણી બનશે દિકરી તો...
અમારાં સંતાનોને પણ લાભકારી થશે એવું સમજી ને હા પાડી અને લગ્ન ની પેહલી રાત થી જ ચિરાગ નાં ખરાબ પાસાં ની ખબર પડી પણ એ મામા ઘેર કેમ કરી પાછી જાય નહીંતર એમની આશા ટૂટી જાય એ બીકે આ બધું સહન કરતી રહી...
લગ્ન નાં દશ જ દિવસમાં તો દશ વર્ષ ની પીડા સહન કરી એ ફૂલો ની જેમ કચડાઈ રહી..
ચિરાગ હજુયે સ્વાતિ નાં પગ પકડી ને કંઈ ને કંઈ બોલી રહ્યો હતો....
સ્વાતિ વિચારો માં થી ઝબકી અને એણે એક પલ વિચાર કર્યો અને અંજલિ બહેન જેવી " મા "
માટે જ ચિરાગ ને એક તક આપવાનું નક્કી કર્યું....
અને એણે ચિરાગ ને આંખો નાં અશ્રું લૂછતાં કહ્યું કે હું તને એક તક આપું છું મમ્મી માટે....
માફ તો કેમ કરી શકું પણ હું ભૂલવા કોશિશ કરીશ આ ખરાબ દિવસોને....
ચિરાગ ખુશ થઈ ગયો અને સ્વાતિ ને કહે હું વચન આપું છું કે તને હું હવે કોઈ દુઃખ નહી આપું અને ફૂલો ની જેમ સાચવીશ..
આમ કહીને એ બન્ને ડાઇનિંગ ટેબલ વાળા રૂમમાં પ્રવેશ્યા....
અંજલિ બહેને જોયું એમને સ્વાતિની ખાનદાની માટે માન જાગ્યું એમણે ચિરાગ સામે વેધક નજરે જોયું અને સ્વાતિ સામે અમી નજરે જોયું...
આમ અંજલિ બહેન અને સ્વાતિએ આ હવેલી ને ચિરાગ વિહોણી થતાં બચાવી લીધી. અને પરિવારમાં ખુશીઓના ફૂલ ખિલ્યા અને આઝાદી નાં રંગબેરંગી પંતગિયા ઉડવા લાગ્યા...
ભાવના ભટ્ટ અમદાવાદ.....