Kalakar - 30 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | કલાકાર - 30 ( અંતિમ ભાગ)

કલાકાર - 30 ( અંતિમ ભાગ)

કલાકાર ભાગ – 30 ( અંતિમ ભાગ)

લેખક – મેર મેહુલ

સાંજના છ થયાં હતાં. બે દિવસ પછી ચૂંટણી હતી એટલે આવતી કાલથી આચારસંહિતા અમલમાં આવી જવાની હતી. ગજેન્દ્રસિંહ અને નરસિંહ વર્મા ચિંતામાં બેઠાં બેઠાં વ્યાકુળ મને નખ ચાવતાં હતાં. તેઓએ ફોન કરીને છેલ્લાં દિવસના બધાં પ્રોગ્રામ અને રેલીઓ કેન્સલ કરાવી દીધી હતી. આ કારણે ઓપોઝિશન પાર્ટી તેઓનાં ઘણાં એવા મતો ખેંચી જવાની હતી. બંને સુધીરનાં ફોનની રાહ પણ જોતાં હતાં. જો સુધીર સારાં સમાચાર આપે તો અહીંથી નીકળીને ઘણાબધાં કામો કરવાનાં હતાં જે અક્ષયનાં ડરને કારણે અટકી પડ્યા હતાં.

ગજેન્દ્રસિંહનો એક માણસ દરવાજો ચીરીને અંદર આવ્યો. તેનાં હાથમાં એક ખાખી રંગનું કવર હતું.

“કોણે આપ્યું ?” ગજેન્દ્રસિંહે પુછ્યું.

“એક હેલ્મેટ પહેરો માણસ બાઇક પર સવાર થઈને આવ્યો અને આ કવર ફેંકીને નાસી ગયો”

“તમે લોકો શું મચ્છર મારતાં હતા ?” ગજેન્દ્રસિંહ ઊકળ્યો.

“આ ઘટનાં સેકન્ડની ગણતરીમાં થઇ ગઈ સર, અમે લોકો એક્શનમાં આવીએ એ પહેલાં એ બાઇક સવાર દૂર નીકળી ગયો હતો”

“ઠીક છે, હવે ધ્યાન રાખજો અને સચેત રહેજો” ગજેન્દ્રસિંહ ઠંડો પડતાં બોલ્યો. તેણે ખાખીનું કવર ખોલ્યું. તેની અંદર ત્રણ ફોટા હતાં. જે જોઈને તેનાં હોશ ઉડી ગયાં.

“હે ભગવતી !!!, આ કેવી રીતે શક્ય બને ?” ગજેન્દ્રસિંહને લગભગ ચક્કર આવી ગયાં હતાં, તેણે સોફા પર પકડ મજુબત કરી જેથી એ ઢળી ના પડે.

“શું છે ફોટામાં ?” નરસિંહ વર્માએ ફોટા હાથમાં લેતાં પૂછ્યું. ફોટા જોઈને તેની આંખો પણ ફાટી ગઈ.

“આ કેવી રીતે શક્ય બને ?” નરસિંહ વર્માની હાલત પણ ગજેન્દ્રસિંહ જેવી થઈ ગઈ, “આને માર્યાને તો બે વર્ષ થઈ ગયા છે તો આ ફોટા કોણે પાડી લીધાં હશે ?”

અંદર જે ફોટા હતાં તેમાં નરસિંહ વર્મા, ગજેન્દ્રસિંહ ઝાલા અને વિરલ ચુડાસમા ત્રણેય મળીને એક વ્યક્તિનાં પેટમાં છરી ભોંકતા હોય એવાં ચિત્રો હતાં.

આ ફોટા કોણે મોકલ્યાં એનાં વિચારમાં બંને ગુમ હતાં એ દરમિયાન ફરી એ જ માણસ દરવાજો ચીરીને હાંફતો હાંફતો અંદર દોડી આવ્યો.

“સર, પેલો વિરલ ચુડાસમા આવ્યો છે.!!!”

“વિરલ ?” નરસિંહ ચોંક્યો, “એ શા માટે અહીં આવ્યો હશે ?”

“મોકલ અંદર એને” ગજેન્દ્રસિંહે કહ્યું અને નરસિંહ વર્મા તરફ ફરીને વાત આગળ વધારી, “આપણી જેમ એને પણ આ ફોટા મળ્યા હશે”

“બનવાજોગ છે…એ પણ આપણી સાથે શામેલ હતો એટલે તેને પણ આ ફોટા મળ્યા હોય એવું બની શકે”

સત્યાવિશેક વર્ષનો વિરલ ચુડાસમા, આંખો પર ગોળ ચશ્મા પહેરેલાં, વાળ તાલ સાથે ચોંટેલા અને કપાળ પર લાંબો તિલક લગાવેલો સફેદ વસ્ત્રોમાં ઘરમાં પ્રવેશ્યો. તેનાં કપાળ પર પણ એક ઘાવનું નિશાન હતું.

‘તું અહીં શા માટે આવ્યો છે ?’ ગજેન્દ્રસિંહે મરચાની જેમ તીખી નજરે ઇશારામાં પુછ્યું.

“હું જાણું છું, મને જોઈને તમને આશ્ચર્ય થતું હશે પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એ હરામીનાં હાથમાં આપણાં કાંડનો પુરાવો આવી ગયો છે”

“કોણ છે એ હરામી ?” નરસિંહે પુછ્યું.

“બીજું કોણ હોય ?” વિરલ કહ્યું, “એક જ વ્યક્તિ છે જે આપણને બરબાદ કરવા પર ઉતરી આવ્યો છે”

“A.K. ?”

વિરલ કોઈ જવાબ આપે એ પહેલાં બહારથી ફાયરીંગનો અવાજ આવ્યો અને એક ધમાકો થયો. તેની સાથે આગની લપેટો આકાશ સુધી પહોંચી તેનો પ્રકાશ દરવાજો ચીરીને અંદર આવી ગયો.

દરવાજાની વચ્ચે એક માનવ આકૃતિ ઉભી હતી જેનો પડછાયો સામેની દીવાલ સુધી ખેંચાતો હતો. તેણે લાંબો બ્લૅક કોટ પહેર્યો હતો, માથાં પર ગોળ હેટ હતી. એ અક્ષય ઉર્ફે A.K. હતો.

સુધીર દ્વારા ગજેન્દ્રસિંહ ક્યાં છુપાયો છે તેની જાણકારી અક્ષયે મેળવી લીધી હતી. આમ તો અક્ષય એકમાં હજાર હતો પણ તકેદારી માટે પલ્લવી અને ઇન. પ્રતાપને સાથે લઈ એ જંગલનાં રસ્તે રવાના થઈ ગયો હતો. જેમ તેણે પાલિતાણામાં દિપક સુધી પહોંચવા પ્લાન બનાવ્યો હતો એમ જ તેણે અહીં બંગલામાં ઘુસવા માટે એક વેનમાં પેટ્રોલનાં ડ્રમ રાખીને વેન બંગલાનાં પરસાળમાં ઘુસાડી દીધી હતી. આવું કરવા પાછળ તેની પાસે ઘણાં બધા કારણો હતાં. જંગલમાં બંગલો હોવાને કારણે ગજેન્દ્રસિંહે આગ લાગવાની ઘટનાને ટાળવા માટે તેનાં બંગલાથી સો મીટરનાં અંતર સુધી જમીન સાફ કરાવેલી હતી. જેથી બંગલામાં આગ લાગે તો જંગલમાં ન પ્રસરે.

વેન પર ગજેન્દ્રસિંહનાં માણસો દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું, જેને કારણે વેનમાં રહેલા પેટ્રોલનાં પ્લાસ્ટિકનાં ડ્રમ સળગ્યા અને ધમાકા સાથે વેન દસ ફૂટ જેટલી હવામાં ઉછળી. એ સાથે જ અક્ષય, પલ્લવી અને પ્રતાપ ગજેન્દ્રસિંહનાં માણસો પર તૂટી પડ્યા અને થોડીવારમાં જ તેઓ ધૂળ ચાંટતાં થઈ ગયાં.

આગનાં પ્રકાશમાં દ્રશ્યમાન થતો અક્ષય ધીમે ધીમે આગળ વધ્યો અને પેલાં ત્રણેય લોકો પાસે આવીને ઉભો રહ્યો. તેણે માથાં પરથી બ્લેક હેટ ઉતારીને સોફા પર ફેંકી.

“A.K. !!!” ત્રણેય એક સાથે બોલ્યા. ડરને કારણે ત્રણેયનાં પગ ધ્રુજવા લાગ્યા હતાં. શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. મગજ સુન્ન પડી ગયું હતું અને સામે યમરાજ ઉભો છે તેવો આભાસ થતો હતો.

“હા, A.K. !!!, મને અહીં જોઈને આશ્ચર્ય તો નથી થતુંને ??” અક્ષયે હસીને પુછ્યું.

“આશ્ચર્ય ?” નરસિંહ વર્માએ હિંમત કરીને કહ્યું, “બે દિવસમાં તે અમને ક્યાંથી ક્યાં લાવી દીધાં, એ હિસાબે તો આશ્ચર્ય થવા જેવું કશું નથી”

“તને તો મારી ખબર જ છે વર્મા, હું જેને મારો નિશાનો બનાવું છું તેને જડમૂળમાંથી ઉખેડ્યા વિના જંપતો નથી”

“અમે જ કેમ ?” આ વખતે વિરલ બોલ્યો, “અને ચૂંટણીનાં સમયે જ શા માટે ?”

“યાદ કરો એ દિવસ સુંવરો” અક્ષયે ટેબલ પર હાથ પછાડીને કહ્યું, “ જ્યારે તમે એક નિર્દોષ વ્યક્તિની હત્યા કરી હતી, એક માસૂમ છોકરીની ઈજ્જત લૂંટી હતી અને હજારો અનાથ બાળકોને ફરી અનાથ કરી દીધાં હતાં”

“તો…તો…આ ફોટા તે મોકલ્યાં હતાં ?” ગજેન્દ્રસિંહ થોઠવાતાં અવાજે બોલ્યો.

“હા, એ ફોટા પણ મેં મોકલ્યાં હતા અને વિરલને ફોન કરીને અહીં બોલાવવાવાળો પણ હું જ છું” અક્ષયે કહ્યું, “ તમે ત્રણેય લોકો, તમારી પર છેલ્લાં બે વર્ષથી હું નજર રાખીને બેઠો હતો. ઘણીવાર મન થયું કે તમને નર્કમાં મોકલી દઉં પણ કોઈને કોઈ હિસાબે તમે બચી જતાં હતાં”

“ અમે લોકોએ તારું શું બગાડ્યું છે અને રાજકારણમાં તો એવું ચાલતું જ રહે છે. તારે પર્સનલી લેવાની શું જરૂર છે ?” નરસિંહ વર્માએ કહ્યું.

“જરૂર છે વર્મા !, જરૂર છે. જે અનાથ આશ્રમને પચાવવા તમે લોકો હત્યાનો ખેલ રમ્યા હતાં તેમાં હું ઘણાં વર્ષો રહી ચુક્યો છું. એ જ મારું ઘર છે. જે છોકરીની સાથે દુષ્કર્મ કરીને તમે લોકોએ એક્સીડેન્ટ સાબિત કરી દીધું હતું એ મારી પ્રિયતમા હતી. તમારાં બધાંનાં ચહેરા પર આ નિશાન છે એ, એ વાતની સાબિતી આપે છે કે તમે તેનાં પર કેટલો અત્યાચાર કર્યો હશે. બોલ હવે પર્સનલી ના લઉં તો શું કરું”

“અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દે” નરસિંહ વર્મા બોલ્યો.

“એક ભૂલ હોય તો સમજ્યા, પણ તમે લોકોએ તો ભૂલ કરવામાં માસ્ટરી મેળવેલી છે”

“તો તું અમારી સાથે શું કરીશ ?” નરસિંહ વર્માએ શૈતાન જેવી સ્માઈલ કરીને પૂછ્યું, “ અમને મારી નાંખીશ ?”

“જો એવું વિચારતો હોય તો એકવાર પાછળ નજર કરીને જોઈ લે” ગજેન્દ્રસિંહ પણ હસ્યો.

અક્ષય પાછળ ઘૂમ્યો. દરવાજા પર પલ્લવી ઉભી હતી, તેની પાછળ પલ્લવીનાં લમણે રિવોલ્વર રાખીને પ્રતાપ ઉભો હતો.

“કહાનીમાં ટ્વિસ્ટ છે A.K., તું જેને પ્રતાપ સમજતો હતો એ અમારો જ માણસ છે”

પ્રતાપે પલ્લવીને રૂમમાં ધકેલી.

“મેં જે કહાની કહી હતી એ અડધી જ સાચી જ હતી પલ્લવી, મારાં માતા-પિતાને આ લોકોએ નહોતાં માર્યા, મેં જ મારાં હાથે તેઓનાં હૃદયની આરપાર ગોળી કરી દીધી હતી. શું કરતો હું !!, મારાં કાંડ વિશે તેઓને ખબર પડી ગઈ હતી અને મારી જ ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશને જતાં હતાં” પ્રતાપે કહ્યું.

“તું આવો નિકળીશ એ નહોતું ધાર્યું મેં” પલ્લવીએ નફટાઈથી પ્રતાપ સામે જોઇને કહ્યું.

“મને માફ કરજે પલ્લવી પણ હું આવો જ છું” પ્રતાપે હસીને કહ્યું.

“વાતનો સિલસિલો પત્યો હોય તો આ બંનેને ખતમ કરવાનો પ્રોગ્રામ શરૂ કરીએ હવે” વિરલ ચુડાસમાએ કહ્યું, “શરીફનો નકાબ પહેર્યો પછી લોહીવાળા હાથ કર્યા જ નથી મેં”

“થોડી રાહ જો વિરલ, આપણે નાનાસુના વ્યક્તિને નથી ફસાવ્યો. બે એજેન્ટને ફસાવ્યા છે જે CIDનું મગજ છે” નરસિંહ વર્મામાં બોલ્યો.

“ તે અમને નથી ફસાવ્યા, અમે તમને ફસાવ્યા છે” કહેતાં અક્ષયે નિશાનો લગાવ્યા વિના જ એક પેન્સિલ પ્રતાપ તરફ ફેંકી. પેન્સિલ સીધી પ્રતાપનાં હાથમાં ખૂંચી ગઈ અને રિવોલ્વર નીચે પડી ગઈ. પલ્લવીએ એ રિવોલ્વર ઉઠાવીને બધી ગોળી પ્રતાપનાં શરીરમાં ઠાલવી દીધી.

“કેવી રીતે.!!!” નરસિંહ વર્મા આભો બની ગયો, “તે પાછળ નજર પણ નથી કરી અને આટલો સચોટ નિશાનો !??”

“તમારી જેવા ગુંડાઓ સાથે રોજ આ ખેલ હું રમું છું, જો તમે લોકો આવી રીતે અમને હરાવી દો તો એજન્ટ બનાવનો શૉ લાભ છે ?” અક્ષયે સોફા પરથી બ્લેક હેટ લેતા કહ્યું.

“હવે કોઈ નવો ટ્વિસ્ટ હોય તો જણાવી દો, નહીંતર રમત અહીં પુરી કરીએ છીએ” અક્ષયે સર્વિસ રિવોલ્વર હાથમાં લઈ તેનાં પર હાથ ફેરવતાં કહ્યું.

“A.K. અમારાં પર રહેમ કર, અમે આ બધું છોડી દઈશું અને કારાવાસ ભોગવશું. ભગવાન ખાતર અમને બક્ષી દે” ગજેન્દ્રસિંહ ધ્રુજતા ધ્રુજતા બોલ્યો.

“એ બધું પહેલાં વિચારવાનું હતું, હવે મોડું થઈ ગયું છે” કહેતાં અક્ષયે નરસિંહ વર્મા તરફ નિશાનો લીધો. ત્રણેય લોકોએ ભાગવાની કોશિશ કરી પણ એ ભાગવામાં સફળ થાય એ પહેલાં ગજેન્દ્રસિંહ અને નરસિંહની કોપરીમાં ગોળીઓ ઠલવાઇ ગઈ હતી. વિરલ ચુડાસમાને પગ પર લાત મારી પલ્લવીએ તેને ફર્શ પર ઢાળી દીધો.

“તું નેકદિલ જણાય છે” અક્ષયે વિરલને ઉભો કરતાં કહ્યું, “બહાર કાજલ તારી રાહ જુએ છે, બંને મારી નજરથી દૂર ચાલ્યાં જાઓ. કોઈ દિવસ આ તરફ આંખ ઉઠાવીને પણ જોતાં નહિ”

વિરલે બે હાથ જોડ્યા અને નાસી ગયો.

“સર, એને જવા કેમ દીધો ?” પલ્લવીએ ગુંચવણયુક્ત સ્વરે પૂછ્યું.

“થોડીવારમાં સમજાય જશે, કારમાં ડ્રમ છે એ લઈ આવ ત્યાં સુધીમાં હું આ લોકોને ઠેકાણે લગાવું” અક્ષયે કહ્યું. પલ્લવી બહાર દોડી ગઈ. અક્ષયે નરસિંહ વર્મા અને ગજેન્દ્રસિંહ ઝાલાને ઉઠાવીને બેડ પર સુવરાવી દીધાં. પલ્લવીએ અને અક્ષયે મળીને પૂરાં બંગલાને પેટ્રોલ છાંટી દીધું.

બહાર આવી અક્ષયે બંગલાને આગ લગાવી દીધી અને બંને ત્યાંથી નીકળી ગયાં.

*

વિરલ અને કાજલ કારમાં બેસીને નાસી ગયાં હતાં. જંગલ બહાર નીકળી એ લોકો હિંમતનગરનાં રસ્તે ચડ્યા. હજી તેઓ એક કિલોમીટર પણ આગળ નહોતાં વધ્યા ત્યાં એલ ટ્રક પાછળથી પુરવેગે આવ્યો અને કારને અડફેડે લઈને પસાર થઈ ગયો.

બંને મૃત્યુ જ પામ્યા છે તેની ખાતરી કરીને ટ્રક ડ્રાઇવરે અક્ષયને ફોન કરીને જાણ કરી દીધી.

ફોન કટ કરીને અક્ષય બોલ્યો, “હવે મિશન પૂરું થયું”

“મને એક વાત નથી સમજાતી સર, તમે આ લોકોને જુદી જુદી જગ્યાએ પણ મારી શક્યા હોત, તો એક સાથે મારવાનો શો મતલબ હતો ?” પલ્લવીએ પુછ્યું.

“મેં તને આરાધનાનાં એક્સીડેન્ટની વાત કહી, એ દિવસે એ મને રેકોર્ડિંગ મોકલતી હતી તેમાં છેલ્લાં રેકોર્ડિંગમાં મને આ લોકો વિશે વાત કરી હતી. હું મિશન પર હતો એટલે આરાધના જ આશ્રમનું ધ્યાન રાખતી. આ લોકો આશ્રમની જમીન પડાવવા ઇચ્છતાં હતાં પણ આરાધનાએ તેને ઘસીને ના પાડી દીધી એટલે આ લોકોએ તેને અને કાકાને બેરહેમીથી મૌતને ઘાટ ઉતારી દીધાં. હું આ વાત જાણતો હતો પણ આ લોકોની પહોંચને કારણે હું સીધી રીતે તેનાં સુધી પહોંચી શકું એમ નહોતો. માટે મેં એજન્સીમાંથી છુટા થઈને બે વર્ષ સુધી આ લોકો પર નજર રાખી હતી”

“અને પેલી કાજલની વાત, આરાધના અને વિરલ ચુડાસમાની ?”

“એ માત્ર નાટક હતું, કાજલને મારાં વિશે કશું ખબર નહોતી. હું જેમ ઇચ્છતો હતો તેમ એ મને કરવા માટે કહેતી હતી એટલે હું નાટક કરતો હતો”

“મોરલ ઓફ સ્ટૉરી” પલ્લવીએ કહ્યું, “ કેસ પણ સોલ્વ થઈ ગયો અને તમારો બદલો પણ” પલ્લવીએ હસીને કહ્યું.

અક્ષય પણ મુસ્કુરાયો. કાર ગાંધીનગર તરફ આગળ વધતી રહી. બંનેએ પહેલું મિશન સાથે પૂરું કર્યું એટલે બેઉ ખુશ હતાં. ખાસ કરીને પલ્લવી.

*

ગજેન્દ્રસિંહનો કેસ સોલ્વ થયાને એક મહિનો થઈ ગયો હતો. પલ્લવી અને અક્ષયને કેસ સોલ્વ કાર્યનાં વળતર રૂપે પંદર દિવસની રજા આપવામાં આવી હતી. આ સમયમાં અક્ષયે હસ્તગીરી જવાનું પસંદ કર્યું હતું અને પલ્લવી પોતાનાં માતા-પિતાને મળી આવી હતી.

મેહુલ પોતાની ઓફિસમાં વિચારમગ્ન અવસ્થામાં બેઠાં હતાં. પલ્લવી અને અક્ષય બંને દરવાજો ખોલી અંદર આવ્યાં.

“સર તમે બોલાવ્યાં” અક્ષયે કહ્યું.

“હા, એક નવો કેસ આવ્યો છે” મેહુલે ઊભાં થઈને સ્યુટ વ્યવસ્થિત કર્યો, “છેલ્લાં આઠ દિવસમાં રોજ એક પોલીસ ઇન્સ્પેક્ટરનું મર્ડર થાય છે, પોલીસ સ્ટેશનમાંથી જરૂરી ફાઈલો ચોરાય છે અને કોઈ A.K. નામનો લોગો રાખીને આપણને ચેલેન્જ આપે છે”

“ મારાં નામનો લોગો ?” અક્ષયે પૂછ્યું.

“હા, તારાં જ નામનો લોગો” મેહુલે કહ્યું, “તમે લોકો તૈયાર છો ને એ બદમાશને દબોચવા”

અક્ષયે અને પલ્લવીએ એકબીજા સામે જોયું. પછી મેહુલ તરફ જોઈને બંને એક સાથે બોલ્યાં, “યસ, સર !!!”

(સમાપ્ત)

સ્ટૉરી કેવી લાગી તેનાં મંતવ્યો અચૂક આપજો. પહેલીવાર લવ સ્ટોરીથી કંઈ જુદું લખાવની કોશિશ કરી હતી. ભૂલચૂક થઈ હોય તો ક્ષમાયાચના.

- મેર મેહુલ

Contact info : - 9624755226

Rate & Review

yogesh

yogesh 1 month ago

Chetna Bhatt

Chetna Bhatt 1 month ago

Priti Patel

Priti Patel 2 months ago

Vaishu

Vaishu 1 year ago

sandip dudani

sandip dudani 2 years ago