Jivansathi - 17 books and stories free download online pdf in Gujarati

જીવનસાથી... - 17

ભાગ ..17

આપણે આગળ જોયું એ મુજબ ચારે સખીઓ આજ ફરી એકબીજા સાથે સમય વીતાવે છે અને ફરી એકબીજાને સાંભળે છે.આ મુલાકાતમાં માધવ પણ બધા સાથે હોય છે. બધાએ પોતપોતાની વાત કરી લીધી હવે આગળ....


સુહાનીએ બધાને બોલાવી પોતાના સમયનો સદુપયોગ કર્યો. એણે બધાને બેસાડીને ફટાફટ દહીંવડાની ડીશ તૈયાર કરી. બધાએ સાથે જ નાસ્તાની મોજ માણવાની ચાલું કરી. સુહાનીએ માધવને પણ સફરજન અને બિસ્કીટ આપ્યાં.નાનો માધવ પણ બધા સાથે રમતા રમતા જ વાતો કરવા લાગ્યો. એની કાલી કાલી ભાષા સુહાનીને બહુ આકર્ષણ જગાવતી હતી. સુહાનીએ જોયું કે નાનો માધવ રેખાના દરેક શબ્દોનું પાલન કરતો હતો. રેખાના હર એક શબ્દ પર એની નજર રહેતી. એણે વિચાર્યું કે 'એકલી સ્ત્રી હોવા છતા પણ રેખાએ માધવનું ઘડતર સારી રીતે જ કર્યું છે.'

સીમાએ સુહાનીના દહીંવડાના વખાણ કર્યા અને કહ્યું કે... "સુહાની, તારી રસોઈ પણ સરસ જ બને છે. પતિદેવ ડોકટર છે એટલે તારે હેલ્થી ફૂડ પર જ વધુ ધ્યાન આપવું પડતું હશે ને !"

સુહાની : "હાં, પણ સાગરનું એવું વિચારવું છે કે એ બધી નિયમો મારે એકને જ પાળવાના છે. એ બધી રીતે આઝાદ પંછી છે. મને કોઈ પાર્ટીનો મોહ જ નથી. એ એની રીતે બહાર હરે ફરે અને ચરે પણ ખરા...."( બધી સખીઓ સાથે હસે છે.)
એ ડોકટરની લાઈફસ્ટાઈલ મુજબ સલાહસૂચન વધુ આપે અને પોતે નિયમ ઓછા પાળે. મારે આ ઘરની ચાર દિવાલોને જ મેઈન્ટેઈન કરવાની. એ બધી જ સુવિધાઓ પૂરી પાડે.

સીમા : "કેટલું સારું કહેવાય! મારે તો તમામ જવાબદારીઓ એકલી એ જ નિભાવવાની. શાળા, ઘર, વહેવાર અને લેણ-દેણ કોઈ જ કામમાં રાજનો ક્યાંય સાથ જ નહિ.
શાળાની મિટિંગ હોય કે કોઈની સગાઈ, શાકભાજી હોય કે હોસ્પિટલ, બાળકોની બર્થડે પાર્ટી હોય કે કોઈની મૈયત......."
હું હમેંશા એકલી જ દોડું. ; અરે, એમના કૌટુંબિક કામકાજોમાં પણ હું એકલી જ હોઉં..બહુ ગુસ્સો આવે યાર..."

સુહાની : " મને પણ જવાબદારી નિભાવતા ફાવે જ છે પરંતુ, સાગર મને કોઈ જ તકલીફ ન પડે એના માટે થઈને એ મને કોઈ જ કામ ન સોંપે. મારા કપડાંથી માંડીને હર કોઈ ખરીદીમાં એનો જ સિકકો ચાલે. મને આ વાતનો જ ગુસ્સો આવે." "અરે...પાયલ , હું ખુદ મિડલ ક્લાસ પરિવારની દીકરી છું. પણ, આ પહેલી નજરના પ્રેમથી હું અતૂટ પ્રેમની નજરમાં ફસાણી. મારે પણ મા-બાપ અને ભાઈ છે. એ લોકોએ તો કયારેય આવો બંગલો સપનામાં પણ નહોતો જોયો. એ લોકો પણ મને જ ગુસ્સે થાય કે સાગર જેટલી કોઈ સંભાળ ન રાખી શકે પણ મને બીજું જ કંઈક ખૂંચે છે મનમાં."

પાયલ : "એવું જ થાય દીદી, મા-બાપ તો એની દીકરી ખુશ છે એટલું જ જુએ. પરંતુ, મનથી ખુશ છે કે નહિ એ કયારેય નથી વિચારતા. એ લોકો પોતે જે તકલીફ વેઠી હોય એ તકલીફ આપણા સિરે ન આવે એ જોઈ રાજી રહેતા હોય. મેં બહુ વિચારીને જ સગાઈ કરી છે. યોગેશના જીવનમાં જેટલું માન સમ્માન એના માતા-પિતાનું એટલું જ મારા માતા-પિતાનું પણ હોવું જ જોઈએ. કોઈ એક માવતરને સુખી કરવા હું માવતરને દુઃખી ન કરી શકું. એના કરતા કુંવારી રહી જીંદગીભર એની સેવા પ્રેમથી કરું આવો વિચાર હતો મારો." આ તો યોગેશના નસીબ જોર કરતા હશે કે હું મળી એને !
(ફરી બધા એકબીજાને તાળી મારતા ખડખડાટ હસે છે.)

ત્યાં જ સુહાનીના ફોનની રીંગ વાગી....સુહાનીએ કહ્યું કે
" મારી મમ્મીનો ફોન છે. હમણા આવું વાત કરીને...સોરી.."

આ ત્રણે સખીઓ સાથે બેસી ગપસપ કરે છે. પાયલે માધવને બિસ્કીટ ખવડાવ્યું અને પૂછ્યું, " મારા ઘરે રમવા આવીશ તો હું તને સરસ 'ટેડી' લઈ આપીશ. આવીશ ને માધવ..!

માધવ : "હા, મને છે ને ડ્રોઈંગ બુક લેવી છે, કલર લેવા છે અને છે....ને એક પપ્પા....પણ-

ત્યાં જ રેખા માધવ સામે જોઈ ઈશારાથી ચૂપ થવા કહે છે. સીમા એ જોવે છે અને બોલે છે.." રેખા એ બાળક છે. તું શા માટે એને ગુસ્સે થાય છે. બોલવા દે. એને ભાન પડતી હોય તો થોડું એ આવું કંઈ બોલશે? નાહકની માધવને પરેશાન કરે છે." આ સાંભળી માધવ તો જલ્દી જલ્દી સીમાના ખોળામાં બેસી જાય છે અને બોલે છે કે, " તમે મને પપ્પા પાસે લઈ જશો ને !"

રેખા થોડી ઝંખવાઈ છે આ સવાલથી. ત્યાં જ સુહાની આવે છે અને એ માધવને એક ચોકલેટ આપે છે. માધવ સુહાનીને પણ ફરી એ જ સવાલ કરે છે. સુહાની હવે રેખાની મનોદશા સમજે છે. એ માધવને એના રૂમમાં લઈ જાય છે અને એક રિમોટવાળી કાર આપે છે. માધવ ફરી ખુશ થાય છે એ રમવા લાગે છે એકલો એકલો..

સુહાની અને સીમા બેય રેખાને બીજા લગ્ન કરવાનું સૂચન આપે છે. રેખા ચોખ્ખી ના પાડે છે‌. એ સમાજથી ડરે છે એટલે એ આ વાતને સપનામાં પણ નથી વિચારતી. સુહાની સમજાવે છે કે 'યોગ્ય પાત્ર હોય તો તને શું વાંધો હોય. તારી ઉંમર પણ નાની છે. માધવ પણ અણસમજુ છે.એના ભવિષ્યનું વિચાર.'

રેખા : "મોહને મને દગો કર્યો. અધ વચ્ચે આમ કોણ એકલી તરછોડે ?"

સીમા : " કુદરતની મરજી હતી એ. હવે તારે માધવનું જ વિચારવાનું. ક્યાં સુધી એકલી રહીશ. હજી માધવ બહુ નાનો છે. આ સમાજ કોઈનું ભલું ન ઈચ્છે. એ થોડા દિવસ જ બોલશે પછી તો બધા ભૂલી જશે."

રેખા : " મારા સસરાપક્ષના લોકો રાજી નથી થતા આ વાતથી. એ માધવને સાચવશે નહી કયારેય જો મેં માધવને છોડયો તો ! "

સુહાની : " માધવને છોડવાનો જ ન હોય ને! એવું પાત્ર પસંદ કરવાનું કે જ્યાં માધવને સાથે લઈ જવાની મંજૂરી હોય."

પાયલ : "હા, સાચી વાત છે."

હવે આગળ શું થશે? રેખાને યોગ્ય પાત્ર મળશે કે માધવને છોડવાનો થશે. જાણવા માટે વાંચતા રહો.
👣 જીવનસાથી 👣

------------------- ( ક્રમશઃ) -------------------

લેખક : Doli modi✍️
Shital malani✍️