Ek bhool - 16 books and stories free download online pdf in Gujarati

એક ભૂલ - 16

અમિત સુધી પહોંચવાનો ઉપાય શોધવા પાંચેય ભેગાં થાય છે.

" હમમ.. પણ તો તું ક્યાં રહીશ? " મીરાએ પૂછ્યું.

" અરે અહીં મારો મિત્ર રહે જ છે ને. ત્યાં જ રોકાઈ જઈશ. એમાં શું... " આરવ બોલ્યો.

" ના ના.. આરવ, તું મારી સાથે આવતો રે. એમ પણ મારાં પપ્પા ઘરે છે નહીં અને મારાં ઘરે સિક્યોરિટી પણ છે. તું ત્યાં સેફ રહીશ અને મને પણ થોડી મદદ થઈ જશે. " મીતે કહ્યું.

" હા આરવ, એ વધું સારું રહેશે. " મિહિર બોલ્યો.

આરવ પ્રશ્નાર્થ નજરે આશી તરફ જોઈ રહ્યો હતો. તેને જોઈને આશી હસવાં લાગી અને પછી આરવને કહ્યું,

" ડોન્ટ વરી આરવ, અમારો કોઈ પ્લાન નથી. તું મીતની ઘરે જ રોકાય જા. અને જ્યાં સુધી રાધિકા મળે નહીં ત્યાં સુધી તું ત્યાં જ રોકાઈ જજે. "

" હા, બે જાસૂસો ભેગાં થઈને અમિત વિશે રજેરજની માહિતી ભેગી કરી લેશે. સાચી વાતને આરવ..." મીતે આરવને તાળી મારતાં કહ્યું.

" હા હો, એકદમ સાચી વાત.. " આરવ બોલ્યો.

" ઓકે તો ફ્રેન્ડ્સ, કાલે હું, આરવ અને આશી 8 વાગ્યે મારી કાર લઈને અહીં જ આવી જશું. તમે તૈયાર જ રહેજો. અને પછી આપણે જશું મંઝિલનાં પહેલાં પડાવ પર. " મીત બોલ્યો.

" ડન. " મિહિર અને મીરા બોલ્યાં.

પછી આરવ, મીત અને આશી ત્રણેય ઘરે જવાં નીકળી ગયાં. તેમનાં ગયાં પછી મિહિરે દરવાજો બંધ કર્યો અને મીરા પાસે આવીને બેઠો.

" મીરા, હવે ટેન્શન લેતી નહીં. આપણો પ્લાન જરૂર સક્સેસ જશે. અમિત વિશે થોડી ઘણી પણ ખબર પડી જાય પછી તો રાધિકા સુધી પહોંચી જશું. " મિહિર જાણી ગયો હતો કે મીરા હજું પણ ચિંતામાં છે માટે તેણે ટેન્શન ઓછું કરવાં કહ્યું.

" અમિત રાધિકા સુધી પહોંચ્યો કઈ રીતે? અને રાધિ તેની સાથે... કઈ રીતે શક્ય છે? અને આટલું બધું થઈ ગયું ત્યાં સુધી મને ખબર પણ ન પડવા દીધી. જ્યારે ઘરે આ બધી ખબર પડશે ત્યારે શું થશે? " ઘણા સમયથી મનને સતત ખાઈ જતી વાત મીરા બોલી.

" જો મીરા, હવે જે થઈ ગયું છે તેને બદલી નહીં શકાય. હવે આગળ શું કરવું.. તે આપણાં હાથમાં છે. અને હજી આપણને પાક્કી ખાતરી તો છે નહીં કે તે રાધિકા જ હોઈ. હકીકત શું છે તે આપણને રાધિને મળશું પછી જ ખબર પડશે. જો કદાચ આરવે કહ્યું તે સાચું પણ નીકળે તો આપણે સાથે મળીને તારાં મમ્મી-પપ્પાને સમજાવશું. તે જરૂર માની જશે. એકવાર અમિત હાથમાં આવી જાય પછી તે વિડિયો પણ ડિલીટ કરી નાખશું કે જેથી આગળ જતાં રાધિને કોઈ મુસીબત ન આવે. અત્યારે સહુથી વધુ જરૂરી ફક્ત એક જ વાત છે.. રાધિને સહિસલામત શોધવી. " મિહિર મીરાને સમજાવી રહ્યો હતો.

" હમમ, સાચી વાત છે તારી.. " મીરા બોલી.

" હા બસ તો પછી, હવે ડાચું સરખું કર. " મિહિર બોલ્યો.

" સરખું જ છે હવે.. " મીરાએ ચહેરા પર થોડી સ્માઈલ સાથે કહ્યું.

" હા બસ. ને હું શું કવ.. એમ પણ તને આજે ઊંઘ આવવાની નથી અને મને પણ નહીં જ આવે તો એનાં કરતાં ચાલને આપણે ચોપાટીએ જઈએ. થોડીવાર ત્યાં રહેશું તો મગજ પણ ફ્રેશ થઈ જશે. જો તારે આવવું હોય તો. " મિહિરે કહ્યું.

" પણ આપણે બહાર જશું તો કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? " મીરા અમિત અને તેનાં માણસો વિશે વિચારતા બોલી.

" ના રે ના, બહું ડરી ડરીને ન જીવાય. એમ પણ રાત્રે ક્યાં તે દરિયે આપણને શોધવા આવવાનાં છે. " મિહિરે કહ્યું.

" હા, એ પણ છે. જે થશે તે જોયું જશે. ચાલ તો રાત્રે જશું. માણસો પણ ઓછાં હશે એટલે વધું મજા આવશે. " મીરાએ કહ્યું.

***

" સબૂત સબૂત સબૂત, ક્યાં હશે તે પેનડ્રાઈવ. "

રાધિકા અમિતના રૂમમાં તે વિડિયોવાળી પેનડ્રાઈવ શોધી રહી હતી. જેટલાં ખાના હતાં બધાં ખોલીને જોઈ લીધાં પણ પેનડ્રાઈવ ક્યાંય મળી નહીં. તે બધે નજર ફેરવી રહી હતી અને વિચારી રહી હતી કે હવે એવી કઈ જગ્યા છે જ્યાં તે છુપાવી શકે. તેની નજર દિવાલ પર લગાવેલ ફોટો પર પડી. ઘણાં બધાં ફોટો લટકાવેલ હતાં. તેમાં અમિતનાં અમુક બાળપણનાંં ફોટો હતાં. અમુક તેનાં મમ્મી-પપ્પા સાથેનાં હતાં જેમાં અમિત સાવ નાનો હતો. રાધિકાએ ધ્યાનથી જોયું તો તેમાં ક્યાંય પણ વિહાન હતો નહીં. ત્યાં તેની નજર બધાની વચ્ચે રહેલ ફ્રેમ પર પડી. તેમાં એક નાના પતંગિયાનું પેઇન્ટિંગ હતું. રાધિકાને થોડું અજીબ લાગ્યું. તે પાસે ગઈ અને હાથ લગાડવા ગઈ ત્યાં કોઈએ તેનો હાથ ખેંચ્યો અને ઝટકાથી રાધિકાને ખેંચી. એક સેકન્ડ માટે તો રાધિકા ડરી ગઈ. તેને થયું કે અમિત આવી ગયો. તેણે જોયું તો વિહાન હતો. તેને થોડો હાશકારો થયો.

વિહાન તેનો હાથ પકડીને રાધિકાનાં રૂમમાં લઈ ગયો.

" શું થયું વિહાન? કેમ મને અહીં લઈ આવ્યો. " રાધિકાને ગુસ્સો આવ્યો.

" તું ત્યાં શું કરતી હતી? ને ત્યાં તે ફોટો પાસે શું કરતી હતી તું? " વિહાને પૂછ્યું.

" હું ત્યાં પેનડ્રાઈવ શોધી રહી હતી. એમાં મારું ધ્યાન દિવાલ પર ગયું. તેનાં ફેમિલીનાં ફોટોઝ વચ્ચે તે પતંગિયાનાં પેઇન્ટિંગ પર પડયું. એટલે તે જોતી તી હું. " રાધિકાએ જવાબ આપ્યો.

" કઈ પેનડ્રાઈવ? ને ત્યાં અમિત આવી જાત તો ખબર છે તારું શું થાત.." વિહાને કહ્યું.

" ના એ આજે મોડો આવવાનો છે. તે કોઈ સાથે કૉલ પર વાત કરતો હતો તો મેં સાંભળી લીધું હતું. " રાધિકાએ કહ્યું.

" હા તો તે પેઇન્ટિંગ પાસે જવાની શું જરૂર હતી તારે.. " વિહાન ટેન્શનમાં લાગી રહ્યો હતો.

" કેમ? શું થયું? એમ પણ મને તે અજીબ લાગ્યું હતું. " રાધિકાએ પૂછ્યું.

" અમમ.. મને કાંઇ ખાસ ખબર તો નથી પણ તે કંઈ નોર્મલ પેઇન્ટિંગ નથી. તેને સહેજ ત્રાસું કરતાં તેમાંથી એક ચાવી નીકળે. તે ચાવી શેનાં માટે છે તેની ખબર તો આજ સુધી મને પણ નથી પડી. અને તે ચાવી પણ જો અમિત સિવાય બીજું કોઈ ટચ કરે તો તરત જ તેની જાણ અમિતને થઈ જાય. બધી સિસ્ટમ તેની કંટ્રોલમાં છે. "

વિહાન તેને સમજાવી રહ્યો હતો. રાધિકાને આ બધું સમજમાં નહોતું આવી રહ્યું. આજ સુધી મૂવીમાં જોયેલ હતું તેવું આજે વિહાન કહી રહ્યો હતો.

" એટલે સાચે એવું છે? " રાધિકાએ પૂછ્યું.

" હા. મને પણ પૂરી ખબર નથી પડવા દીધી. તેની પર્સનલ વસ્તુની ખબર તે કોઈને પડવા દેતો નથી. " વિહાને કહ્યું.

" હમમ.. " રાધિકાએ ટૂંકમાં જ કહ્યું.

થોડીવાર પછી ફરી રાધિકા બોલી, " અમિત તારો સગો ભાઈ નથી ને? "

રાધિકાની વાત સાંભળીને વિહાને તરત તેની સામું જોયું. અને પછી કંઈ પણ બોલ્યાં વગર ચૂપચાપ નીચે નજર રાખીને બેઠો રહ્યો.

" મેં સાચું કહ્યું ને? " રાધિકાએ ફરીથી પૂછ્યું.

***

દિવસભરનાં સૂર્યનાં ઘોર તાપને શાંત પાડવા ચન્દ્ર પોતાની શીતળતા વિખેરી રહ્યો હતો. દરિયો પણ જાણે આખો દિવસ ઉછળી ઉછળીને શાંત ન થયો એમ તેમાં મોટાં મોટાં મોજા ઉછાળી રહ્યો હતો. ઉછળતાં મોજાં જ્યારે નીચે પાણીમાં પડે અને જે ત્યારે થતો અવાજ શાંતિને ભંગ કરતો હતો. પણ તે અવાજમાં પણ એક અજીબ પ્રકારની શાંતિ અનુભવાઈ રહી હતી.

મીરા અને મિહિર પણ તે શાંતિનો અનુભવ કરી રહ્યાં હતાં. ચિંતા અને તણાવ ભર્યા દિવસો પછી આજે અહીં આવીને મન એકદમ શાંત થઈ ગયું હતું. આજુબાજુ બહું માણસો પણ હતાં નહીં અમુક કપલ હતાં જે હાથમાં હાથ નાખીને બેસેલા હતાં. તો તેનાથી વિરુધ્ધ કોઈ વડી સાવ એકલું રહેવા અહીં આવેલ હતું. પણ એ બધાંથી દુર મીરા અને મિહિર બેઠાં હતાં અને ઉછળતાં મોજાને જોઈને પોતાનાં મનમાં ઉછળી રહેલ વિચારોનું તોફાન શાંત પાડવાની કોશિશમાં લાગેલાં હતાં.

" અહીં આવીને મજા આવીને..? " મિહિરે મીરાનાં ચહેરા તરફ જોઈને કહ્યું.

" હા. આજે ઘણાં સમય પછી પ્રકૃતિને નિહાળવાનો મોકો મળ્યો. " મીરાએ કહ્યું.

થોડીવાર સુધી બંને ચૂપ જ રહ્યાં. મીરાનાં મનમાં એક વાત આવતાં તેણે મિહિર ને કહ્યું,

" મિહિર, તને ખબર છે હું ઘરેથી તો જતી રહી હતી પણ દહેરાદૂનમાં રહીને પણ પોતાની જાતને સાવ એકલી મહેસૂસ કરી રહી હતી. મારી પાસે એવું કોઈ જ નહોતું કે જેની સાથે હું મારાં મનની વાત શેર કરી શકું. બધું એકલાં ને એકલાં સહન કરતી રહી અને તેમાં જ મેં ખુદને ખોઈ દીધી. પણ જ્યારથી તું આવ્યો ત્યારથી મને કોઈ પોતાનું મળી ગયું હોય તેવું લાગે છે. તું મારી બધી વાતને વગર કહ્યે સમજી જાય છે. તું ન હોત તો કદાચ હું આજે મારી બહેનની આટલી નજીક ન પહોંચી શકી હોત. હર એક મુસીબતમાં તું મારી સાથે રહે છે. અને મને પણ તારી સાથે રહેવું, તારી સાથે સમય પસાર કરવો ગમે છે. ખબર નહીં કેમ પણ બસ તારાં આવ્યાં પછી દિલની એક ખાલી જગ્યા જાણે ભરાઈ ગઈ હોય તેવું લાગે છે. "

" તું મારી સહુથી ક્લોઝ ફ્રેન્ડ છે. અને આપણે તો નાના હતાં ત્યારથી એકબીજાને ઓળખીએ છીએ. હું હંમેશા તારી સાથે જ છું. મને પણ તારી સાથે સમય પસાર કરવો ગમે છે. તું જ્યારે કહ્યાં વીના જતી રહી હતી એ પછીનાં દિવસો મેં કેમ કાઢ્યાં એ કદાચ તું વિચારી પણ ન શકે. પણ હવે તો તું મારી સાથે છો. મારી પાસે છો. હવે ફરીથી તને ક્યાંય જવા નહીં દઉં. "

મિહિરે મીરાનાં હાથ પર પોતાનો હાથ રાખ્યો અને મીરા તરફ જોયું. તેની આંખો ઘણું બધું કહી રહી હતી જે કદાચ તે કહી નહોતી શકતી. મિહિર તેને મહેસૂસ કરી રહ્યો હતો.

" મિહિર.. " મીરા અચાનક બોલી.

" હા બોલને.. શું થયું? " મિહિરે પૂછ્યું.

***

વધુ આવતાં ભાગમાં..

વાંચતા રહો અને આપના અમૂલ્ય પ્રતિભાવોની આશા સાથે જય શ્રી કૃષ્ણ..