Jivansathi - 24 - last part books and stories free download online pdf in Gujarati

જીવનસાથી... - 24 - છેલ્લો ભાગ

ભાગ..24

આગળના ભાગમાં જોયું એ મુજબ પાયલ અને યોગેશ પોતાના સાંસારિક જીવનમાં ડગલા માંડવા આતુર છે. સીમાનો આજ જન્મદિવસ છે એના માટે આજથી જ એનો સોનેરી સંસાર રચાયો છે. સુહાની પણ એના પરિવાર સાથે ખુશ છે. સંતાન માટેની જે ફરિયાદ એને સાગરથી રહેતી હવે એ વિસરાઈ ગઈ છે. રેખા આજ પાયલ સાથે યોગેશના મિત્રને મળવા માટે જવાની છે. એ પણ માધવના સુરક્ષિત ભવિષ્ય માટે આ નિર્ણય લઈ લેવા સહમત છે. હવે આગળ...

રાજે આજ બપોરે સીમાના હાથની સ્વાદિષ્ટ રસોઈ જમ્યા પછી એના બે મોઢે વખાણ કરે છે. સીમા પણ ગુલાબી સલવાર સુટમાં ઉપવનમાં ખીલેલા ગુલાબ જેવી જ લાગે છે. જીંદગીની તમામ ખુશીઓ આજ એના પર વરસી પડી છે. બેય બાળકો શાળાએ ગયા છે. રાજ અને સીમા ૩ થી ૬ ના શોમાં મૂવી જોવા જવાના છે. રાત્રે બાળકો સાથે ડીનર અને પછી અનોખી સરપ્રાઈઝ....સીમા આ વાતથી હજુ અજાણ જ છે.

પાંચ વાગ્યા છે. પાયલે બરાબર છ વાગ્યા પછી રેખાને તૈયાર રહેવાનું કહ્યું છે. રેખા રોજની જેમ સાદી પણ મોહક સાડી પહેરી છે. કમરથી નીચેના વાળને આજ એણે બાંધ્યા નથી. આજ એને ખુલ્લું આકાશ મળ્યું છે એટલે એ વિહરવા તૈયાર જ છે. સાત વાગ્યે પાયલ આવે છે. પાયલની ગાડી જોઈ માધવ દોડતો આવે છે પાયલ પાસે. પાયલ માધવને તેડે છે અને ચૂમે છે. રેખા પણ આજ સુંદર ભારતીય નારી જ લાગે છે. પાયલ રેખાને આજ જે રીતે જુએ છે એ સાથે જ રેખા પણ જવાબ આપે છે....કે "આજ જેટલા સવાલ તારા મનમાં ઉદ્ભવે છે એનાથી બમણાં હું બહાર પગ મૂકીશ એટલે સમાજને પણ મગજમાં આવશે પરંતુ, માધવ માટે બધું જ મંજૂર... અને હા, પાયલ જો હું માધવને સાથે જ લઈશ કારણ કે હું ખુલ્લી કિતાબ છું. સામેવાળાની નજર પારખું હશે તો એ મને માધવ સાથે જ ભલે વાંચે. "

પાયલ અને રેખા ૭:૩૦એ નીકળે છે ઘરેથી. પાયલ બહુ જ વિચારમાં છે કે 'માધવ સાથે છે એ યોગેશ અને એના મિત્રને ગમશે કે કેમ?'

બેય સખી બરાબર આઠ વાગ્યે હોટલ 'શુભેચ્છા'માં પહોંચે છે. માધવ આજ પહેલીવાર હોટલનું પગથિયું ચડે છે. નવી રોશની, અનેરી ઠંડક અને શાંત સંગીત બધું એના માટે નવું નવું હતું. એ રેખાની આંગળી ખચકાવીને જ પકડે છે. આશ્વર્યભરી નજરે એ સઘળું જોયા જ કરે છે.

યોગેશ ત્યાં પહેલેથી જ હાજર હોય છે. એ રેખા અને માધવને મળે છે. રેખા સ્મિત આપે છે પણ માધવ તો રેખાને ગળે વળગી લપાઈ જાય છે. રેખા માધવનો ડર દૂર કરવા હોટલના ખુલ્લા પેસેજમાં માધવને લઈને જાય છે. ત્યાં સુધીમાં પાયલે યોગેશને રેખાની જીવનની કહાની ટુંકમાં જ કહી. છેલ્લે, એ પણ કહ્યું કે 'માધવ વગર એ કોઈ પ્રસ્તાવ સ્વીકારી શકશે નહીં...બાકી હવે તમારે સંભાળવાનું.'

ત્યાં જ યોગેશનો મિત્ર પણ આવે છે. પાયલ સાથે પણ એની પહેલી મુલાકાત છે. બેય એકબીજાને મળે છે અને હાલચાલ પૂછે છે. યોગેશે પાયલને કહ્યું કે 'રેખાને બોલાવી લાવ.' પાયલ તરત જ જાય છે. એ દરમિયાન પાયલે કહેલી રેખાની જીવનકહાની યોગેશે એના મિત્રને કહી. એનો મિત્ર આ બધી વાત એના મોટાભાઈને ફોન કરી જણાવે છે. એના ભાઈએ જરૂર પડે તો ત્યાં આવવાની તૈયારી પણ દાખવી. થોડીવારમાં જ પાયલ આવે છે રેખાની સાથે...

યોગેશનો મિત્ર એક નજરે રેખાને આવતી જોઈ રહ્યો છે. ખુલ્લા પાલવની સાદી પણ મોહક સાડી, ખુલ્લા વાળ અને માધવ સાથે મસ્તી કરતી કરતી આવનારી એ સ્ત્રીએ એની જીંદગીમાં અને આંખમાં પગલાં પાડી જ દીધા. બધા એક ટેબલ પર ગોઠવાય છે. રેખા પણ હવે એ પુરૂષ સામે નજર માંડે છે. મોહનની જરા જેટલી ઝાંખી એને એમાં નથી વર્તાતી પરંતુ, એ વ્યક્તિની આંખોમાં એને નિખાલસતા જરૂર દેખાય છે. માધવ પણ જાતે જાતે પાયલની પાસે જાય છે અને બહાર લઈ જવા આંગળી ચીંધે છે. પાયલ અને યોગેશ બેયને વાતચીત માટે સરળતા રહે એ હેતુથી માધવને બહારની બાજુના બગીચા તરફ લઈ જાય છે.

રેખા : હું તમારા વિશે કંઈ જાણતી નથી પણ આપની આંખ પરથી એટલું કહીશ કે મારી જેમ સંબંધમાં છેતરાયા છો.મને તો ભગવાને જ છેતરી..આપની કહાની જરૂર અલગ હશે પણ ભૂતકાળમાં રહીને જીવવું એટલે જાતે જ બંધનમાં બંધાવું..

યોગેશનો મિત્ર : હા, હું પણ ભૂલવા જ માંગુ છું. તમારી કહાની મેં સાંભળી. મને તો મારી કહી શકાય એ જ વ્યક્તિએ દગો દીધો. મારે પણ ભૂતકાળ યાદ નથી કરવો. હું માંડ બહાર નીકળ્યો છું એમાંથી.

રેખા : હું ભણેલી ઓછી છું પરંતુ, જીંદગીનું ગણિત મને સમાજે શીખવ્યું છે. હું સાધારણ પરિવારમાં ઉછરી છું. મોજશોખ સમયને અનુરૂપ પસંદ કરું છું. પણ, મારી એક જ કમજોરી છે એ મારો માધવ... હું એને સાથે એટલે જ લાવી છું કે કંઈ છુપી વાત જ ન રહે.

યોગેશનો મિત્ર : મારો સંબંધ પણ એક નાની કિલકારીની માંગથી જ તૂટ્યો હતો. કદાચ એ સમજી શકી હોત તો આજ આમ-.......

રેખા નીચું જોઈ રહી છે. પુરુષે હળવેથી કહ્યું કે મને આ વાત મંજૂર છે પણ એકવાર ઘરે વાત કરી શકું જો આપની મંજુરી મળે તો ! રેખા ડોક હલાવી હા પાડે છે.....એક હામાં બે વાતની સહમતિ આપી રેખાએ..

યોગેશનો મિત્ર ઘરે ફોન લગાવી વાત કરે છે. દસેક મિનિટની વાતચીત પછી એ રેખાને કહે છે કે " આપને અહીં થોડીવાર રોકાવું પડશે. મારા મમ્મી તમને મળવા માંગે છે."‌ રેખા ફરી હા પાડે છે. એ પુરુષે યોગેશ અને પાયલને અંદર બોલાવી બધી વાત કરી. પાયલ પણ ખુશ થઈ ગઈ. એ રેખાનો હાથ પકડી પોતાની ખુશી વ્યક્ત કરી રહી હતી. યોગેશે પણ પોતાના મિત્રને ભેટી શુભેચ્છા આપી. માધવ હવે બધાને ઓળખતો હોય એવું વર્તન કરી પોતાની મસ્તીમાં જ હતો.

થોડીવાર પછી એક સફેદ રંગની કાર આવે છે. એમાંથી એક પડછંદ શરીર ધરાવતો પુરુષ અને બે સ્ત્રીઓ ઉતરે છે. દૂરથી જ એમના કપડાં અને હાથમાં પર્સ અને ચાલવાની સ્ટાઇલથી કોઈ વી.આઈ.પી. મહેમાન જેવા જ એ આગંતુક લાગી રહ્યાં હતા. જેવો એ હોટલનો કાચનો દરવાજો ખુલે છે કે રેખા અને પાયલ તો જોતા જ રહી જાય છે. એ આવનાર મહેમાન બીજું કોઈ નહીં સુહાની, સાગર અને એના મમ્મી હતા. સુહાની પણ એ બેયને એના દિયર મયંક સાથે બેઠેલી જોઈ વિસ્મયતા પામે છે. મયંક એના મમ્મીને જોઈ ઊભો થાય છે અને રેખાની સામે આંગળી ચીંધી નજર દોરે છે.

સુહાની તો મયંકનો ગાલ ખેંચીને કહે છે કે "મારા મનની વાત જાણવામાં આટલા હોંશિયાર મારા દિયરજી, આ મારી સખીઓ જ છે". આમ કહી, એ બેય સખીને ભેટી પડે છે વારાફરતી. સુહાની પાયલને કહે છે "તું યોગેશના નામ પર ફાવી ગઈ. મેં તો આ પહેલા જ વિચાર્યું હતું." સુહાની એના સાસુને હસતા હસતા કહે છે.. અત્યારે જ સગાઈ થતી હોય તો કરો બાકી રેખા જેવી સ્ત્રી માટે બધા ચોઘડીયા શુભ જાતે જ થઈ જાય.

યોગેશ , સાગર અને મયંક બધા હસી પડે છે અને એકબીજાને અભિનંદન પાઠવે છે ત્યાં જ બહારના ગાર્ડનમાંથી 'હેપી બર્થ-ડે ડિયર સ્વીટહાર્ટ...' એવી ધૂન અને ફુગ્ગા ફોડવાના અવાજ સાથે માઈકમાં કોઈ બોલે છે.." હેપી બર્થડે સીમા.." પાયલના કાન ચમકે છે..એ દોડીને ત્યાં જાય છે અને ઈશારાથી રેખા, સુહાની અને યોગેશને બોલાવે છે. બધાની નજર ત્યાં ટેબલ પર જાય છે તો એ જગ્યાએ સ્પેશિયલ પાર્ટી હતી. આ બધા પણ ત્યાં અચાનક પહોંચી અને મોટેથી ગાવા માંડે છે...કે "બાર બાર દિન યે આયે, બાર બાર દિલ યે ગાયે.......તુમ જીઓ હજારો સાલ..."

હા, ત્યાં સીમા માટે ગોઠવેલી નાની પણ સ્પેશિયલ સરપ્રાઈઝ પાર્ટી હતી રાજ તરફથી. સીમા આ બધાને જોઈને ઉછળી પડે છે. એ રાજને બધા સાથે મુલાકાત કરાવે છે. જ્યારે રેખાનો પરિચય આપવા જાય છે કે સુહાની એને રોકે છે અને એ ઉત્સાહથી બોલે છે.. આ રેખા હવે આપણી સખી નહી પણ હવે મારી દેરાણી પણ છે ..'રેખા મયંક રાજદાર'
સીમા પણ સમજી ગઈ કારણ કે પાયલે વાત કરી હતી એને. પણ સુહાનીનો પરિવારની જ એ સદસ્યા બનશે એ વાત એ નહોતી જાણતી. સીમા માટે આજ સરપ્રાઈઝના ઢગલા જ હતાં.

સીમાનો જન્મ દિવસ ખરેખર યાદગાર રહ્યો.ચારે સખીઓ પોતાના જીવનસાથી સાથે એક ટેબલ પર જ ડીનર લઈ રહી હતી. સુહાનીના સાસુ માધવને લઈને બહાર રમાડી રહ્યા હતાં. એક સંબંધ જોડાયો અને બધાને મનગમતી ખુશી મળી. સુહાનીને તો સૌથી ઉતમ ખુશી મળી....સંતાનની...માધવના રૂપમાં..

જીવનસાથીના સાથીદાર બનજો. સમય આવ્યે સારથી પણ બનજો. ખરેખર જીવવાની મજા જેટલી પામવામાં છે એટલી જ જતું કરવામાં પણ છે... જીવનસાથી એ જ સંસારચક્રનો સાચો મિત્ર...એને ખુશ
રાખો..

******** 👉 સંપૂર્ણ 👈*******

લેખક : Doli Modi ✍️
Shital malani ✍️