Ek Chutki Sindur ki kimmat - 16 in Gujarati Novel Episodes by Vijay Raval books and stories PDF | એક ચુટકી સિંદૂર કી કિંમત - 16

એક ચુટકી સિંદૂર કી કિંમત - 16

પ્રકરણ-સોળમું/૧૬

કડવી પણ નગ્નસત્ય, દીવા જેવી સ્પષ્ટ અને પત્થરની લકીર જેવી કેશવની વાતને મિલિન્દે મનોમન સમર્થન આપ્યાં પછી બન્ને છુટા પડ્યા.

ઘરે પહોંચતા પહેલાં જશવંત અંકલ સાથે પણ વિસ્તારથી વાત શેર કરી પણ, તેના સંદર્ભમાં જશવંતલાલે આશ્વાસન આપતાં એક જ વાત કહી,
‘જો ભાઈ, આ તો હાથીની સુંઢમાંથી શેરડીનો સાંઠો ઝૂંટવવાની વાત છે એટલે...જો બીત ગઈ સો બાત ગઈ એમ સમજીને દિમાગને બીજી દિશા તરફ લઇ જા.’
મિલિન્દને થયું કે જો અનુભવી જશવંત અંકલે હાથ ઊંચાં કરી દીધા તેનો મતલબ હવે આ પળોજણ પર પૂર્ણવિરામ મૂક્યાં સિવાય કોઈ આરો નથી.

બીજા દિવસે મિલિન્દનો બર્થ ડે હતો. પણ આ બનાવથી સૌના મનમાં રંજના ગજનું વ્યાપ અને વજન એટલું ભારેખમ હતું કે, રાજીપાનું સ્થાન ઔપચારિકતા એ લઈ લીધું હતું. વૃંદાને પણ મિલિન્દ સાથેના વાર્તાલાપમાં ઉમળકા અને લાગણીની ઉણપ વર્તાઈ. વૃંદાએ ગંભીરતાથી નોંધ લીધી પણ તેનો ઉલ્લેખ ન કર્યો. અંત:ખેદ થયો પણ પછી વિચાર્યું કે, આવનારા દિવસોમાં મિલિન્દ માટે મનોમન નિશ્ચિત કરેલી સરપ્રાઈઝ આપવાના અવસરના ખ્યાલોમાં ખોવાઇને મન મનાવી લીધું.


એ પછીના સંઘર્ષ જેવા દિવસોમાં મિલિન્દએ પાટા પરથી ઉતરી ગયેલી ગાડીને ફરી
નવા ટ્રેક પર ધીમી ગતિએ કાર્યરત કરવાની દિશામાં દોડધામ શરુ કરી દીધી. એ દરમિયાન આઠથી દસ દિવસના સમયગાળામાં જયારે પણ વૃંદા અને મિલિન્દ વચ્ચે થતી ટેલીફોનીક વાર્તાલાપમાં પણ વૃંદાને મિલિન્દના સ્વરમાં ઘોર નિરાસા સાથે ઔપચારિકતાનો અંશ સંભળાતો. વૃંદા અકળાઈ જતી, પ્રત્યુતરમાં મિલિન્દ પણ ચુપકીદી સાધી લેતો. મિલિન્દને એક સ્થિર અને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઇ જવા માટે જશવંતલાલ, કેશવ અને વૃંદા આ ત્રણ મહત્વના આધારસ્તંભ જ પર્યાપ્ત હતાં, પણ મિલિન્દને ખટકતું અને આડે આવતું હતું તેનું ચોવીસ કેરેટ સુવર્ણ જેવું સ્વાભિમાન. કોઈના ઉપકાર નીચે દટાઈને, સ્વાભિમાનના ભોગે, સ્વાર્થની સીડી ચડીને સિદ્ધિ હાંસિલ નહતી કરવી. અંતે એક દિવસ વૃંદાએ ખુબ જિદ્દ કરતાં મિલિન્દે મળવાનું નક્કી કરતાં બન્ને સાંજના સમયે મળ્યાં...વૃંદાની ઓફીસ નજીક આવેલી લાઈબ્રેરીના કમ્પાઉન્ડમાં આવેલાં ગાર્ડનમાં.

મિલિન્દના હાવભાવ અને ગેટઅપ પરથી જ લાગતું હતું જાણે મનોવ્યથાનો મેકઅપ અને પરિતાપનો પરિવેશ ધારણ કર્યો હોય, બન્ને બેન્ચ બેઠાં, પછી આ બધું જ નજર અંદાજ કરતાં મિલિન્દની સામે જોઇ વૃંદા બોલી,

‘મિલિન્દ,સાચ્ચે સાચું કહે, શું ચાલી રહ્યું છે તારા મનોમંથનમાં ? અને તું શું કરવા ઈચ્છે છે ?’
‘મારું માઈન્ડ બ્લાઈંડ થઇ ગયું છે, અને હું દિશા શૂન્ય.’
વિષાદના સૂરમાં મિલિન્દ બોલ્યો
‘જીવનની શતરંજમાં આટલો જલ્દી પરાજય સ્વીકારી લઈશ ? વૃંદાએ પૂછ્યું.
‘આઆ..આ ઝંઝાવાત જેવા તોફાનમાંથી હંમેશ માટે મારા પરિવારને ઉગારી અને ઉદ્ધાર કરવા માટે હું એકલો નિહ્ત્થો, નિસહાય અને અસમર્થ છું, વૃંદા,’

‘એકલો ? તું એકલો છે મિલિન્દ ? અરે.. યાર.. ડૂબતે તો તિનકે કા સહારા બહોત હૈ.’
તારું આટલું પ્રેમાળ પરિવાર, કૃષ્ણ જેવા સખાના રૂપમાં કેશવ, આફતમાં મધ્યરાત્રી એ પણ કોઈ પણ ઉકેલની કુંચી જેવી જશવંત અંકલની માસ્ટર કી જેવી મદદ, અને... હું, જો મને તું ગણતરીમાં લેતો હોય તો.. ક્રિકેટના બારમાં ખેલાડી જેવી.. વૃંદા સંઘવી. અલ્લાદ્દીનના ચિરાગના જીનની જેમ આટલા લોકો હૈયાંના ધબકારા જેટલાં તારી નજદીક છે, છતાં તું એમ કહે છે કે તું ‘એકલો’ છે ? જો તું તારી જાતને એકલો સમજે છે તો તો મારે મારી જાતને શું સમજવું ?
‘અને એક વાત ધ્યાનથી સાંભળી અને સમજીલે લાઈફમાં કયારેય કંઈ કાયમી નથી હોતું સમજ્યો ? આપણે સૌને એક જાયન્ટ મેરી ગો રાઉન્ડમાં બેસાડવામાં આવ્યા છે.
અપ્સ એન્ડ ડાઉનની એક સર્વ સામાન્ય વ્યવસ્થાના નામે જે અવસ્થાના આપણે ભાગ છીએ તો ભોગ પણ બનવું જ રહ્યું. ‘

‘એક વાત કહું, વૃંદા, સૌ ફિલોસોફીની વાત કરે છે પણ, રીઅલ લાઈફમાં આ સંતવાણી જેવી ફિલોસોફીનું ઉપજે શું ? મિલિન્દએ પૂછ્યું.

‘પણ. યાર તું કોઈની નિસ્વાર્થ સહાય સ્વીકારવા પણ તૈયાર નથી તો કોઈ શું કરે ?’
સ્હેજ અકળાઈ જતાં વૃંદા બોલી
‘મારી જુગાર જેવી જિંદગીમાં કોઈ અન્ય, અકારણ મારી નિષ્ફળતાનો ભોગ બને એવું હું નથી ઈચ્છતો,’ મિલિન્દ બોલ્યો

‘મિલિન્દ તને એવું નથી લાગતું કે, તને ઓવર થીંકીંગની બીમારીનો ચેપ લાગ્યો હોય ? અને સફળતા અને નિષ્ફળતા એ તો મનની અવસ્થાનું સ્વરૂપ છે બસ,’
ફરી વૃંદાએ મિલિન્દની દિશાહીન સોચની ગાડીને પોઝીટીવના પાટા પર લાવવાનો પ્રયાસ કર્યો.

‘વૃંદા આ વાત તું આટલી આસાનીથી એટલા માટે કહે છે કે, કેમ કે તું મારા સ્થાને નથી. હું જે દિવસ રાત સફર હું કરું છું, એ તું ઈમેજીન નહીં કરી શકે.’
ઊભા થતાં મિલિન્દ બોલ્યો.

મિલિન્દના આ માર્મિક શબ્દપ્રહાર વૃંદાને ખૂંચ્યા છતાં, ઊભા થતાં તેના સંતાપને સ્મિત પાછળ સંતાડતા બોલી,

‘મિલિન્દ મારી સંભાવના સંભળાવીશ તો..તું નિ:શબ્દ થઈ જઈશ. કેમ કે, તે હજુ પૈસાના ઉણપની પીડા જોઈ છે, પ્રેમની નહીં. ક્યારેક તકદીર તક આપશે તો કહીશ.’

‘આઈ થીંક હવે આપણે છુટા પડીએ.. કારણ કે, બન્નેના પરામર્શના પવનની દિશા અવળી દિશામાં ફંટાઈ રહી છે. આઈ વિશ કે તારી તમામ ઇચ્છાઓ પરિપૂર્ણ થયા પછી, શેષમાં ‘હું’ હોઉં તો યાદ કરજે.’
અત્યંત વ્યથા સાથે ભારે હૈયે વૃંદા સજળનેત્રે મિલિન્દ સાથે હાથ મિલાવીને નીકળી ગઈ.


જડ થઈને મિલિન્દ તેની જડતાને વળગીને ઊભો રહ્યો.

તે રાત્રે નિદ્રામાં સરતા મિલિન્દને એવો ભાસ કે, ધીમે ધીમે અકળામણનો અજગર તેને ભયંકર ભીંસના ભરડામાં લઇ રહ્યો છે...એ ડરામણા સ્વપ્નનો ઓછાયો મિલિન્દના સમગ્ર ચેતાતંત્રને ગુંગળાવી રહ્યો હતો...

સ્વપ્નદ્રષ્ટામાં

મિલિન્દ બોલ્યો...
‘ના... ના... ના.... નહીં.. કોઇ કાળે નહીં..નહીં..... ને નહીં જ મળે.
‘તું જ સમજાવને વૃંદા આઆ...આમાં ક્યાં..કોઈ શબ્દ,સરગમ કે સ્વરનો તાલમેળ બેસે છે ? શબ્દરચનાનો કોઈ પ્રાસ નથી મળતો....અને આત્મવિશ્વાસની અનુપસ્થિતિ સૂર સરગમની જુગલબંધીના આરોહ અવરોહને અવરોધીને અસંતુલિત કરે છે. આઆઆ....બંદિશ બનશે નહીં, પણ બંદી બનાવશે. રીતસર આંખે ઊડીને વળગે એવી પાબંદીનો અંગુલીનિર્દેશ આપે છે. આઆઆ...આ રચના સ્વરબધ્ધ નહીં થાય, કેમ કે, એ પ્રારબધ્ધથી પર છે...સિતારના તાર તૂટે છે, કેમ કે કિસ્મતમાં સિતારા ખૂટે છે. સહજીવન કઠીન બનશે કેમ કે, ધીમે ધીમે કર્મનો કંઠ કર્કશ થતો જાય છે.’

એટલે વૃંદા બોલી...
‘પણ...શું આ તારો અંતિમ નિર્ણય છે... ? કે, પછી હજુ પણ કોઈ પર્યાયનો અવકાશ છે... ? કોઈ અવધિ ? કે, ત્યાં હું સુધી તારી પ્રતીક્ષા કરી શકું ?

મિલિન્દે જવાબ આપ્યો..
‘ના...ના... આઈ નો વેરી વેલ કે, હું ધુતરાષ્ટ્ર છું જ, પણ તારે ગાંધારી બની એ સાબિત કરવાની જરૂર નથી. સફર (Suffer) કરવા માટે હમસફર બનવા કરતાં સૌ સૌના સ્વતંત્ર સફરનો સાર સમજી, ભાર ઊંચકી મુકદ્દરએ મુક્કરર કરેલી મંઝીલ તરફ પ્રયાણ કરવું જ મુનાસીબ રહેશે. ભાગ્ય સાથે બાથ ભીડી અને અંતે વિધિની વક્રતાથી વિવશ થઈ પાછા વળવું તેના કરતાં સમજણ સાથે સમય, સંજોગ સાથે સમજૂતી કરી લેવામાં જ શાણપણ છે.’


અને અંતે બન્ને.....

સહજ રુદનને પણ અવગણીને ભારે ચિત્ત સાથે ચરણ ઉપાડતાં કુદરતે એકબીજાથી વિરુદ્ધ કંડારેલી નવતર અને અજાણી કેડી પર અજાણ્યાં થઈ, ડગ માંડતા...
કોઈ અચોક્કસ મુદ્દત માટે ભાગ્યએ પાડેલા ભાગલાના ભાગ અને ભોગ બની, ભારે હૈયે અને કૃત્રિમ સ્મિત સાથે જાણીતાં છતાં અજાણ્યાની ભૂમિકા ભજવવા ચાલી નીકળ્યા પોતપોતાના તકદીરના તખ્તા તરફ....

ત્યાં જ....ભરઊંઘમાંથી પરસેવે રેબઝેબ મિલિન્દ ઝબકીને જાગી ગયો..
અજગરે ભરડો લીધો હોય એમ હજુ સ્વપનની અસરથી તેનું શરીર કાંપતું હતું..

આ મુલાકાતના પંદર દિવસ બાદ..

રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ કેશવ ડીનર લઈને રૂમમાં બેડ પર પડ્યો પડ્યો મોબાઈલમાં કોઈ ગેમ રમી રહ્યો હતો.. ત્યાં કોલ આવ્યો... સ્ક્રીન પર નામ આવ્યું... ‘શરદ પાંડે’. શરદ પાંડે એટલે કેશવનો પરિચિત વસઈ પુલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ. આ સમયે શરદનો કોલ આવતાં અચરજ સાથે ઉઠાવતાં કેશવ બોલ્યો.

‘હા.. સાહિબ..બોલા બોલા...કૈસે યાદ કિયા ?
‘કેશવ.. કિધર હૈ તૂ ?’
‘ઘર પે ઈચ હૂં, સાહિબ.’
‘અરે.. સૂન તેરે એરિયા મેં યે.... ગોવિંદ કનકરાય માધવાની કૌન હૈ ?’
શરદ પાંડેએ પુછ્યું
આટલું સાંભળતા જ બેડ કેશવને ફાડ પડી, સફાળા બેડ પરથી ઊભા થઈ સવ્સ્થ થતાં પૂછ્યું,
‘નામ તો કુછ જાના પહેચાના હૈ... પર ક્યા હુઆ સાહિબ ? કુછ લફડા કિયા હૈ કયા ?
‘લફડા.... વો ભી લંબા. બડી લંબી છુટ્ટી કે લિયે જાયેગા હવાલાત મેં. તીન સે ચાર સીરીયસ ચાર્જિસ કે દફા લગે હે ઉન પર. તુજે કોલ ઇસલીયે કિયા કી.. કોઈ જાન પહેચાન વાલા હૈ તો... અભી ભી કુછ હો શકતા હૈ... વરના ફિર એક બાર વોરંટ ઈશ્યુ હો ગયા ઔર ચાર્જશીટ બની ગઈ તો....ઘર સે ઉસકી નંગી બારાત નિકાલ કે લે જાયેંગે. ઉસ હરામી કી ઔલાદ કો.’
‘જીજી... જી સમજ ગયા સર, મેં અભી દસ મિનીટ મેં પતા કર કે, કોલ કરતાં હૂં, આપ અભી કહાં હૈ ?
આવનારી ગંભીર પરિસ્થિતિનો અંદાજ લગાવી, મનોમન આગળની રણનીતિ ઘડતાં કેશવે પૂછ્યું.

‘પુલીસ સ્ટેશન પે હૂં, આજ નાઈટ ડ્યુટી હૈ, ઇન્સ્પેકટર સાબ, રાઉન્ડ પે ગયે હૈ, દો ઘંટે બાદ માલ લેકે ઔર મજા માર કે આયેંગે, તુ અભી ફ્રી હૈ, તો આજા સાથ મેં ચાઈ પીયેંગે.’

‘અરે સાહિબ,ઐસા મોકા કહાં મિલેગા ? મેં અભી આયા.’
એમ કહી કેશવે કોલ કટ કર્યો.

કેશવ શરદ દેશપાંડેની રગેરગથી વાકેફ હતો. કુતરાના મોઢાંમાંથી હાડકું છોડાવવું આસાન પણ, શરદ દેશપાંડેની ચુંગાલમાંથી છૂટવું એટલે ભગવાન પણ હાથ જોડી દે. મર્યાદા બહારની લાંચ- રુશ્વત, નિષ્ઠુર અને નિર્દયતાની તમામ હદો વટાવી શેતાનને પણ શરમાવે તેનું નામ શરદ દેશપાંડે. કેશવને ખ્યાલ આવી ગયો કે, કોલ અને ચા ના બહાને તે અજાણ્યો થઈ ડર બતાવીને ગોવિંદના કેસ માટે કેશની વ્યવસ્થા કરવાનું આડકતરું આમંત્રણ આપી રહ્યો છે.


હવે આ પરિસ્થિતિમાં સૌથી કઠીન એ હતું કે, આ આઘાત મિલિન્દ જીરવી શકે તો જ નવાઈ. ક્યાં ? કેમ ? કઈ રીતે ? ક્યાંથી ? કેટલું ? કોના થકી ? ગોવિંદની આ મહા મુસીબત જેવી માયાઝાળ સંકેલવી તેના વિચારો કરતાં મિલિન્દને કોલ કરી સોસાયટીના મેઈન ગેઇટ પાસે આવવાની સુચના આપી કેશવ નીકળ્યો ફટાફટ.


કંઇક આડા અવળા વિચાર કરતાં કરતાં આવતો મિલિન્દ ગેઇટ નજીક ઊભા રહેલા કેશવ પાસે આવીને પૂછ્યું,

‘શું થયું ?’

‘કહું છું, ચલ પહેલાં તું ટેક્ષીમાં બેસ,’
ચિંતાગ્રસ્ત ચહેરા સાથે કેશવે ઉતાવળમાં જવાબ આપ્યો..
કેશવનો ટોન અને ફેઈસ એક્સપ્રેશન જોઇ મિલિન્દને એટલો અંદાજ તો આવી ગયો કે, જરૂર કઈક અજુગતું થયું છે. તેના આંશિક ધારણાની ખાત્રી કરવાં ટેક્ષીમાં બેસતાં જ જેવી કેશવે કાર સ્ટાર્ટ કરી ત્યાં જ મિલિન્દે પૂછ્યું,

‘ગોવિંદની કોઈ મેટર છે ?’
એટલે અચંબા સાથે કારનું ઈન્જીન ઓફ કરતાં કેશવ બોલ્યો...
‘હા, તને કઈ રીતે અંદાજ આવ્યો ?’
હથેળીને જોરથી પોતાના લમણાં પર ઠોકતાં આક્રોશ સાથે મિલિન્દ બોલ્યો..

‘મને ખબર જ હતી...કે હવે કુદરત પુરેપુરી અવળચંડાઇ પર ઉતરી આવી છે. ભટકતાં ગોવિંદના તરકટની તલવાર ક્યારની આઘાતની તક બનીને મારા માથે લટકતી હતી. બે દિવસથી એ હરામીનો કોઈ પત્તો નથી નહતો ત્યાં જ મને શંકા ગઈ કે, ખાનદાનના ખાનાખરાબીનો આખરી ગ્રેટ શો જેવા તમાશાની કમી ગોવિંદ જ પૂરી કરશે.’
આટલું બોલી મિલિન્દ તેની બંને હથેળીમાં તેનું મોં રાખી ચુપચાપ આંસું સાથે પીડા પીતો રહ્યો.
સાંત્વના આપવા કેશવે મિલિન્દની પીઠ પર હાથ પસરાવતાં કાર સ્ટાર્ટ કરી દોડાવી વસઈ પોલીસ સ્ટેશન તરફ.

પોલીસ સ્ટેશન પહોંચતા સુધીમાં કેશવે શરદ દેશપાંડે સાથેની ચર્ચા મિલિન્દને કહી સંભળાવ્યા પછી કહ્યું કે,

‘તારે બન્ને કાન ખુલ્લાં અને મોં બંધ રાખવાનું છે.’

પોલીસ સ્ટેશન પહોચતાં કોલ કરી જાણ કરતાં શરદ દેશપાંડે તેની ફાંદ સાથે પેન્ટ સેટ કરતાં કરતાં આવ્યો બહાર ચાની ટપરી પર. પાણીનો લોટો લઇ, ગલોફાંમાં ભરાવેલા પાનના ડૂચાને થુક્યા પછી કોગળા કરી પછી બન્નેને બેન્ચ પર બેસવાનો ઈશારો કરી મૂછે તાવ દેતા બોલ્યો,

‘દોસ્તો કે સાથ ચાય પીને કા મજા હી કુછ અલગ હૈ.’
શેતાનના મુખેથી સંતવાણીના સૂર સાંભળતા કેશવે પણ તે જ ટોનમાં જવાબ આપતાં કહ્યું,
‘હા, વો તો હૈ, ઇસીલિયે તો આપને હુકમ કિયા ઔર મેં ફૌરન હાજીર હો ગયા.’

‘ઓયે.. ચિરકુટ... તીન મસાલેદાર ચાય, મસ્કા બન કે સાથ મલાઈ મારકે લે આ ફટાફટ ચલ.’
રોફ જમાવતાં ચાની ટપરીવાળાને ઓર્ડર આપતાં શરદ દેશપાંડે બોલ્યો.
‘યે..... ક્યા નામ.....હૈ... હા, ગોવિંદ માધવાની... બહોત પહોંચી હુઈ આઈટમ લગતા હૈ. જાનતે હો ઉસે ?

‘હાહા....હા વો મેરે દોસ્ત કે દૂર કા રિશ્તેદાર હૈ, પર આખિર માજરા ક્યા હૈ ?
કેશવે શરદની ચાલને ધ્યાનમાં રાખી, રણનીતિ ગોઠવતા જવાબ આપ્યો.

‘દેખ કેશવ.. સામને વાલી પાર્ટી તગડી હૈ, ઉપર તક ઉનકી પહોંચ હૈ, નકલી વિદેશી કરન્સી નોટ, ડ્રગ્સ ઔર જાન સે મારને કી ધમકી દેને કે ચાર્જિસ મેં કાફી લંબી બારાત નિકલેગી યે તો પાક્કા હૈ. ઔર જબ તક વો પુલીસ સ્ટેશન હાજર નહીં હોગા તબ તક પુલિસ વાલે ઉનકી ફેમીલી વાલો ઉંગલી કર કે એક દિન ભી ચેન સે સોને નહીં દેગી. તુ સમજ રહા હૈ ના મેં ક્યાં કહે રહા હૂં ?

ચા ની ચુસ્કી સાથે મસ્કાબનના ટેસ્ટનો લૂફ્ત ઉઠાવતાં શરદ દેશપાંડે બોલ્યો.

શરદને મુદ્દાની વાત પર લાવતાં કેશવે પૂછ્યું,
‘જીજી...જી મેં સમજ ગયા. ઔર વો તો સહી હૈ, પર આપ બતાઈયે આ કૈસે ઔર કહાં તક હેલ્પ કર શકતે હૈ ?
મસ્કાબનના છેલ્લાં બાઈટ સાથે ચાનો અંતિમ ઘૂંટડો ભર્યા પછી કુંભકર્ણની પણ ઊંઘ ઉડાડી દયે તેવો ભાંભરી ભેંસની જેમ ઓડકાર ખાધા પછી... બોલ્યો..

‘ઇધર આજા.’
એમ કહી બન્નેને દસ ડગલા આગળ લઇ જઈ ધીમેકથી બોલ્યો,
‘દેખ કેશવ, કેસ તો હન્ડ્રેડ પર્સન્ટ બનેગા હી બનેગા. પર મેં ઇતના કર શકતા હૂં કી
ઉનકી ફેમીલી વાલે કો ઇસ જમેલે સે દૂર રખેંગે. બસ ઉસી સુવિધા કે લિયે આપકો થોડાસા કષ્ટ ઉઠાના હૈ.’
શરદ દેશપાંડે તેની અસલી જાત પર આવતાં કેશવ સમજી ગયો કે, બલિ ચડાવ્યા વગર આ દાનવને ખુશ કરવો શક્ય નથી. એટલે વખત અને વાણીનો વ્યય કર્યા વગર સીધું પૂછી જ લીધું,

‘કિતના ?

‘અબ તુને દોસ્ત બોલા હૈ તો, જ્યાદા નહીં પર, ફિલહાલ પાંચ લાખ સે કામ ચલ જાયેગા. ઉસકી ફેમલી વાલો કી તરફ કોઈ આંખ ઉઠાકે નહીં દેખેગા ઉસ કી જિમ્મેદારી મેરી.’

‘પાંચ લાખ......’ મિલિન્દની તો મનમાં રાડ ફાટી ગઈ...પણ ચૂપકીદીથી ચીસને ડામી દીધી. પણ કેશવ, શરદ દેશપાંડેના હલક્ટાઈની હરકતથી ખુબ સારી રીતે વાકેફ અને મેન્ટલી પ્રિપેર હતો એટલે શાંતિથી પૂછ્યું,
‘સરજી, પાંચ લાખ તો ઉનકી ફેમીલી વાલો ને આજતક નહીં દેખે. ઔર યે ‘ફિલહાલ’ કા કયા મતલબ ?

-વધુ આવતાં અંકે


Rate & Review

Rakesh

Rakesh 1 year ago

Jkm

Jkm 1 year ago

Kitu

Kitu 1 year ago

Amritlal Patel

Amritlal Patel 1 year ago

Asha Dave

Asha Dave 1 year ago