Highway Robbery - 1 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 1

હાઇવે રોબરી 01

સવારના સાડા અગિયાર થયા હતા. વસંત જમી ને ખાટલામાં આડો પડ્યો હતો અને એના ગજવામાં રહેલ મોબાઈલમાં વાઈબ્રેશન થયું. એણે મોબાઈલ કાઢીને જોયું. એનો જ મિસકોલ હતો. એનો અર્થ એ કે ઓપરેશન કદાચ ચાલુ થશે.એ તૈયાર થયો.
એણે રાધા ને કહ્યું ' બહાર જાઉં છું , કદાચ ટ્રેકટરની સર્વીસ માટે જવું પડશે. મોડું થાય તો તમે જમી લેજો.'
રાધા એની પત્ની , બે માળના ઘરની બહાર વિશાળ આંગણમાં વાસણ ઘસતી હતી. બહાર ત્રણ વૃક્ષો છાયા આપતા હતા. એક વૃક્ષની નીચે દોઢ વર્ષનો બાબો લાલો ઘોડિયામાં સૂતો હતો.
' પણ તમે કોશિશ કરજો જલ્દી આવવા ની.તમે મોડું કરો છો. અને મને ફડક રહે છે.'
રાધાના માથે ટપલી મારતા તે બોલ્યો ' સારું સારું હવે.'
રાધાના ગુલાબી ગાલ પર શરમની લાલી ઉભરાઈ આવી. નંદિની એની લાડલી બહેન, કોલેજના બીજા વર્ષમાં હતી. તે બીજા રૂમમાં વાંચવા બેઠી હતી. એ બહાર નીકળ્યો. મોટરસાઇકલ ચાલુ કરી અને ખેતરે પહોંચ્યો.
ઉનાળાના બપોરનો સમય હતો. ખેતરોમાં કોઈ દેખાતું ન હતું. એણે ખેતરમાં બનાવેલ ઓરડીની બાજુમાં મોટરસાઇકલ પાર્ક કરી. ઓરડીનું તાળું ખોલ્યું અને એ અંદર ગયો. પંખો ચાલુ કર્યો. માટલી માંથી પાણી પીધું. ખાટલો ઢાળી એ આડો પડ્યો.
********************
અડધા કલાક પછી ફરી એ પ્રાઇવેટ ફોન વાઈબ્રેટ થયો. એણે કોલ રિસીવ કર્યો.
' એ લોકો લગભગ ત્રણ વાગે નીકળશે...બી રેડી...'
હદય એક પળ ધડકી ઉઠ્યું. પેટ માં કંઈક વિચિત્ર સંવેદન થવા લાગ્યું. મન કહેતું હતું બધું સીધું પાર તો ઉતરશે ને ?
એણે ઘડિયાળમાં જોયું. સાડા બાર થયા હતા. અઢી કલાક બાકી હતા. આ કામ આમ અચાનક થવાનું હતું એ ખબર હતી. એટલે બધી તૈયારી તો હતી જ. પણ સમયસર કામ પાર પાડવું અલગ વાત હતી.
લોખંડની વિશાળ પેટીમાં ભરેલ ટ્રેકટરના જુના પાર્ટ્સની નીચે દબાવેલ એરબેગ કાઢી.પગમાં રબર ની પટ્ટીઓ ચઢાવી , તેમાં બન્ને પગમાં એક એક લાંબા ચાકુ ભરાવ્યાં. બધો સામાન ચેક કર્યો. અને પાણી પી ,દરવાજા ને તાળું મારી બાઇક ચાલુ કરી.
**********************

બહાર હાઇવે પર જતાં પહેલાં જમણી બાજુ અડધો કિલોમીટર દૂર તેણે બાઇક લીધું. એક જર્જરિત મંદિર હતું. ત્યાં તે ઘણી વાર આવતો. માતાજીની મૂર્તિ સામે હાથ જોડી ઉભો રહ્યો.
' હે માં , કામ સુખરૂપ પાર પાડજે.'
મન કંઇક આશ્વસ્ત થયું.માણસ સારું કામ કરે કે ખોટું. એ ભગવાન પાસે સફળતાની પ્રાર્થના જરૂર કરે છે.
બહાર નીકળી બાઇક ચાલુ કરી માતાજીનું નામ લઇ બાઇક રવાના કર્યું. હાઇવે પર આવતા પહેલા એક હોટલ હતી. આશીર્વાદ હોટલ. બહાર ત્રણ ચાર ટ્રક ઉભી હતી. ચાર ફોર વહીલર હતી. આ હોટલ હાઇવેથી અડધો કિલોમીટર અંદર હતી. પણ ખુલ્લી જગ્યા અને સારી સર્વીસના કારણે સારી ચાલતી હતી.
એણે શરૂઆતમાં જ ઉભેલી ટ્રકની સાઈડમાં સહેજ અંદર એવી રીતે બાઇક પાર્ક કરી કે જેથી કોઈની નજરે જલ્દીના ચડે. અને પોતાને જયારે જરૂર પડે ત્યારે તે તેનો ઉપયોગ પણ કરી શકે.બાઇક પાર્ક કરી એ હોટલમાં ગયો.ચ્હા પીધી. એક સિગારેટનું પેકેટ લીધું અને બહાર નીકળ્યો.બાઇક સામે જોયા વગર એ બહાર નીકળી રોડ પર ચાલવા લાગ્યો.
પહેલેથી નક્કી કરેલ જગ્યા પર એ આવ્યો.રોડની સાઈડમાં એક લાંબો ખાડો હતો.એમાં નાના ઝાડવા હતા. રોડ પર એક કાર જતી હતી.એના ગયા પછી કોઈ વાહન દેખાતું નહતું.એ ઝડપ થી ખાડામાં ઉતરી ગયો.
એણે જીન્સનું પેન્ટ પહેર્યું હતું.ઉપરનો શર્ટ કાઢી બેગમાં મૂકી દીધો.લાલ કલરની ટી શર્ટ પહેરી.સરદારજી પહેરે એવી તૈયાર પાઘડી કાઢી અને માથે પહેરી લીધી.હાથ માં કડું પહેર્યું.એક બોટલ માંથી એક પ્રવાહી કાઢી દાઢી પર લગાવ્યું.બેગ માંથી નકલી દાઢી અને મૂછ કાઢી બે પગ વચ્ચે રાખેલા અરીસામાં જોઈ ચોંટાડી દીધી.અરીસા માં જોયું.બધું બરાબર હતું.કાળા ગોગલ્સ આંખ પર લગાવ્યા.બેગમાં બધું બરાબર ગોઠવી એ બહાર આવ્યો.અને જાણે પેશાબ કરવા ગયો હોય અને બહાર આવે એમ બહાર આવી રોડ પર ચાલવા લાગ્યો.
5.9.ફૂટ ઉંચો વસંત ખરેખર સરદારજી જેવો જ લાગતો હતો.સાઈડમાં પાંથી પાડેલા વ્યવસ્થિત વાળ પાઘડીમાં છુપાઈ ગયા હતા. મજબૂત બાંધો , પહોળા ખભા અને ચહેરા પર કોઈ પણ કાર્ય આસાનીથી કરી શકવાનો આત્મવિશ્વાસ તેની નિશાની હતી.
આગળ આડો મેઈન હાઇવે આવ્યો.એ જમણી તરફ વળી ગયો.
આગળ હોટલ જનતાની આગળ એક ટાટા સુમો ઉભી હતી.એનો દરવાજો હોટલની સાઈડ તરફ ખુલ્લો હતો.વસંત ત્યાં પહોંચ્યો.અંદર બે માણસ બેઠા હતા.એક ડ્રાઇવિંગ સીટ પર અને એક માણસ પાછળ બેઠો હતો.પાછળ જવાનસિંહ બેઠો હતો. વસંતે કારનો દરવાજો પકડી નીચા નમી જવાનસિંહ સામે જોઇ કહ્યું ,' હાય...'
જવાનસિંહ સહેજ અસ્વસ્થ થયો.વસંતે જવાનસિંહ સામે જોઈ ગોગલ્સ ઉતારી આંખ મારી.જવાનસિંહ હસ્યો.' ઓહ પાજી , આવો..'વસંત અને જવાનસિંહ બન્ને સામેની હોટલમાં ગયા.ચ્હા પી બહાર નીકળ્યા.જવાનસિંહ કંઇક અવઢવમાં હતો.તે વસંતની સામે જોઈ બોલ્યો.
' ગુરુ , તમે પાછા જતા રહો.તમને મારા સિવાય કોઈ ઓળખતું નથી.તમે આના થી દુર રહો.તમને તમારો ભાગ મળી જશે.'
વસંતે સિગારેટ સળગાવી અને એક જવાનસિંહ ને આપી.આમ તો વસંતને સિગારેટની લત નહતી.પણ ક્યારેક ક્યારેક પીતો હતો.રાધા કાયમ આ માટે એની સાથે મીઠો ઝગડો કરતી
વસંત બોલ્યો , ' જવાનસિંહ , મને કોઈ ઓળખતું નથી , અને માટે જ મેં ગેટ અપ બદલ્યો છે.મારા હિસાબે આપણી પાસે માણસો ઓછા છે.એટલે તારી પાસે મારું હોવું જરૂરી છે.'
' ગુરુ , તમારા મારા ઉપર ખૂબ ઉપકાર છે.જો કંઈ પણ લોચો થાય તો હું ફોડી લઈશ.પણ તમે નીકળી જજો.'
' જવાન , કઈ નહિ થાય.'
*****************************

ટાટા સુમો હાઇવે પર આગળ ચાલી અને નર્મદા કેનાલની સમાંતર જતા રસ્તા તરફ વળી ગઈ.નર્મદા કેનાલ બનાવતી વખતે કામચલાઉ બે ત્રણ રૂમો બનાવી હતી.તેની તૂટેલી દિવાલોની બાજુમાં જઇ ટાટા સુમો ઉભી રહી.બે માણસો પહેલે થી પોલીસની વરદી માં તૈયાર હતા. જવાનસિંહ , એમનો ડ્રાયવર અને વસંત બહાર આવ્યા.એ તૂટેલી રૂમમાં એમના માટે પોલીસની વરદીઓ તૈયાર હતી.એ એમની વરદીઓ પહેરી તૈયાર થયા ત્યાં સુધીમાં પેલા બે માણસો એ ટાટા સુમો પર પોલીસની લાઈટ , સ્ટીકરો વગેરે લગાવી દીધું.અડધા કલાકમાં બધું તૈયાર થઈ ગયું.વસંત પી.આઈ.ના ગેટ અપ માં હતો કમરે પિસ્તોલ લટકતી હતી.જવાનસિંહ પી.એસ.આઈ.ના ગેટ અપ માં હતો.એની કમરે પણ પિસ્તોલ લટકતી હતી.બાકી ના ત્રણ જણા કોન્સ્ટેબલના ગેટ અપ માં હતા.એમને આપેલા દેશી તમંચા શર્ટની નીચે છુપાવ્યા હતા.બધા હથીયારોની વ્યવસ્થા જવાનસિંહે કરી હતી.વસંતે જવાનસિંહની સામું જોયું.જવાનસિંહ હવે રાહ જોતો હતો એક મેસેજ નો.
******************
એક એક મિનિટ કલાકો જેટલી લાગતી હતી. અને આખરે ધીરજ નો અંત આવ્યો.મેસેજ એકદમ શોર્ટ હતો, ' જલ્દી રવાના થઈશું...' સાથે એક ફોટો આવ્યો હતો.એ ફોટો એ ગાડીનો હતો. જેનો બધાને ઇંતજાર હતો.
આગળ બે સીટ હતી.પાછળ આડી બે સીટ હતી. જેમાં બે બે વ્યક્તિ બેસી શકે તેમ હતી..ફોટો એવી રીતે લેવા માં આવ્યો હતો કે જેથી નમ્બર પ્લેટ સ્પષ્ટ દેખાતી હતી.બધું ક્લીયર હતું પણ તેમાં કેટલા માણસ હશે તે ક્લીયર નહતું.પણ એ સ્પષ્ટ થાય તેમ પણ નહતું. મહિનાઓ સુધી ધ્યાન રાખ્યા પછી આજે માહિતી મળી હતી કે પોતાને જોઈતી મોટી રકમ આજે જવાની છે. આટલી માહિતી ખૂબ અગત્યની હતી. માણસ એકાદ વધારે હોય તેનાથી જોઈ ફરક નહોતો પડતો.જી.પી.એસ સિસ્ટમ ચાલુ હતી.સામેની ગાડીમાં બેઠેલ વ્યક્તિના ગજવા માં રહેલ જી.પી.એસ સિસ્ટમ ચાલુ રાખી હતી. હવે એને ટ્રેક કરવાની હતી.
જવાનસિંહની ગાડીમાં એ કુલ પાંચ વ્યક્તિ હતા. એણે બધાને ફોટો બતાવ્યો. એનો નમ્બર , એની રચના બધાને સમજાવી. અને આખી વ્યૂહરચના બધાને સમજાવી. પાંચે વ્યક્તિ શસ્ત્રો થી સજ્જ હતા.જી.પી.એસ.ના આધારે સામેની ગાડીની દિશા નક્કી થઈ અને ટાટા સુમો એ , એ તરફ ગાડી ચાલી .

( ક્રમશ : )