Highway Robbery - 9 in Gujarati Fiction Stories by Pankaj Jani books and stories PDF | હાઇવે રોબરી - 9

હાઇવે રોબરી - 9

હાઇવે રોબરી 09

બે દિવસ વસંતના મનમાં ગડમથલ ચાલી. ત્રીજા દિવસે સવારે જ એ જવાનસિંહની કિટલી પર પહોંચી ગયો.જવાનસિંહે ચ્હા બનાવી પીવડાવી.
' જવાનસિંહ તારો પેલો મિત્ર આજે આવવાનો છે? શુ નામ છે એનું ? '
' પ્રહલાદ નામ છે.આજે કદાચ આવે.કેમ?કામ હતું કંઈ? '
' શુ કહ્યું હતું એણે? '
' પૂરી વાત તો એણે નહોતી કરી.પણ મોટી મોટી વાત કરી હતી.જો હું તૈયાર હોઉં તો આજે આગળ વાત કરશે.'
' જવાનસિંહ ખૂબ મોટી રકમ હોય અને ભાગે વધારે રૂપિયા આવવાના હોય અને ટાર્ગેટ આસાન હોય તો તારો શું વિચાર છે.? '
' ગુરુ , અમુક વસ્તુ ખબર હોય કે ખરાબ છે તોય એનો નશો થઈ જાય છે.પણ હવે ઘર છોડીને જેલમાં જવાનું મન નથી થતું.'
' જવાનસિંહ તે જેટલી વાર ચોરી કરી તેટલી વાર તારે જેલ જવું પડ્યું છે? '
' ના ગુરુ , નાની ચોરીની તો મોટેભાગે ફરિયાદ જ થતી નથી.પણ ચોરી મોટી હોય અને જો આયોજન બરાબર હોય તો ના પણ પકડાઈએ.'
' પ્રહલાદ શુ કહે છે એ સાંભળજે.પછી મને કહેજે.હા કે ના પાડવાનું બાકી રાખજે.'
જવાનસિંહ વસંતની સામે જોઈ રહ્યો. જવાનસિંહના અંદરના નશાખોરને ઢાળ મળી રહ્યો હતો.એને આશ્ચર્ય થતું હતું.પણ પોતાના વિચારોને આકાર મળી રહ્યો હતો.એટલે એનું આંતરમન ખુશ હતું.
' ઓ.કે.ગુરુ.જો એ આવી જાય તો હું તમને ફોન કરી ખેતરે મળું છું.'
***************************

સાંજે છ વાગે જવાનસિંહનો ફોન આવ્યો. વસંતે કહ્યું તે ખેતરે જ છે. જવાનસિંહ ખેતરે આવ્યો.લગભગ સાડા છ ઉપરનો સમય થયો હતો. મજૂરો બધા ચાલ્યા ગયા હતા.સૂર્ય નારાયણ થોડા નીચે ઢળી ગયા હતા.ઓરડી ની આગળ છાંયડો હતો.વસંત ખુલ્લી જગ્યામાં ખાટલો ઢાળી આડો પડ્યો હતો.
જવાનસિંહ સાયકલ લઈને આવ્યો.વસંતે તેને બેસવાનું કહ્યું.એક ખુરશી લઈ એ વસંત ની સામે બેઠો.
' પ્રહલાદ આવ્યો હતો? '
' હા.'
' શુ વાત કરી.? '
જવાનસિંહે થેલી માંથી પાપડીનું પેકેટ કાઢી ખોલ્યું. થર્મોશ માંથી ચ્હાના બે પ્યાલા ભર્યા અને એક વસંતના હાથ માં આપ્યો.
' કોઈ એક કંપની છે.જેની કેશ અઠવાડિયામાં બે વાર બહારના કોઈ મોટા સિટીમાં જાય છે. બોમ્બે , સુરત , જોધપુર , જયપુર , ભોપાલ ઘણી સિટીમાં જાય છે.એમાં પણ જ્યારે વધારે કેશ જવાની હોય તો એક સ્પેશિયલ વાનનો ઉપયોગ કરવામાં આવે છે.જ્યારે એ વાનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સમજી જવાનું કે કેશ વધારે જવાની છે.સાથે એક સિક્યુરિટી ગાર્ડ હોય છે.વાન માં ચાર થી છ માણસ હોય છે.'
' બરાબર.તને શું લાગે છે? '
' આટલી મોટી રકમ હોય તો બીજી કોઈ વ્યવસ્થા પણ હશે.'
' પ્રહલાદ શુ કહે છે? '
' પાંચ છ માણસ અને યોગ્ય આયોજન હોય તો કામ થઈ શકે.'
' તું શું કહે છે? '
' પૂરો સ્ટડી કરી નક્કી કરાય.કેમકે પ્રોગ્રામ ફેઈલ થાય તો રૂપિયા તો ઠીક સજા જ મળે.'
' પ્રહલાદ જોડે તારા વગર બીજો કોઈ ઓપ્શન હોવાની શક્યતા છે.'
' મારા હિસાબે તો એવી શક્યતા નથી.એ મારા વગર કામ કરી શકે તેમ નથી.'
' તું પ્રહલાદને કહી દે કે એ આખી વાત સ્પષ્ટ કરે પછી તને યોગ્ય લાગે તો તું એમાં પડીશ.નહિ તો પ્રોગ્રામ પડતો મુકવાનો.'
' કાલે એ મળશે...પૂરી વાત જાણી તમને મળું.'
*************************
બીજા દિવસે સાંજે વસંતના ખેતરે ફરી જવાનસિંહ અને વસંત મળ્યા.જવાનસિંહ પૂરી વિગત લઈને આવ્યો હતો.
' અગ્રવાલ આંગડિયા પેઢી ટાર્ગેટ પર છે.ત્યાં તમારા ગામનો રતનસિંહ જ સિક્યુરિટી ગાર્ડ છે.જો એને ફોડાય તો કામ આસાન થઈ જાય.એક તો અંદરની બધી વાત જાણવા મળે અને ઓપરેશન વખતે મદદ મળે.પણ ઓપરેશન વખતે એ બધાને કાબુમાં કઈ રીતે લઈ શકાય? '
વસંત : ' માની લે કે પોલીસ એમને ઉભા રાખે તો એ શું કરે? '
' એ લોકો ઉભા રહે. પણ પછી એમને કબજે કઈ રીતે કરવાના? '
વસંત : ' એક તો ડરાવીને ,જે હથિયારથી થાય.અને બીજું એ વિરોધ ના કરે એ રીતે.'
' વિરોધ તો ત્યારે ના કરે જ્યારે એ લોકો બેહોશ હોય કે મરી ગયા હોય.'
વસંત : ' તને શું લાગે છે.રતનસિંહ તૈયાર થાય? '
' રતનસિંહ તૈયાર થાય તો અડધું કામ આસાન થઈ જાય.'
' દાણો દબાવી જો.એ શુ કહે છે.'
એ દિવસે એ મિટિંગ પુરી થઈ.
*************************
બીજા દિવસે રવિવાર હતો અને પછી સોમવારે રજા હતી.રતનસિંહ ઘરે જવા બસમાં બેઠો. પાછળ જવાનસિંહ હતો. બસ માં ભીડ હતી. જવાનસિંહ રતનસિંહની સામે જોઈ હસ્યો. રતનસિંહ પણ હસ્યો.એક જેલની સજા પામેલ વ્યક્તિને ગામમાં કોઈ ના ઓળખે એવું ના બને.એટલે રતનસિંહ જવાનસિંહને ઓળખી ગયો.
સામાન્ય વાતચીત થઈ પછી.જવાનસિંહે ધીમે થી શરૂઆત કરી.
' રોકાવાના છો કે કાલે પાછા નોકરી પર? '
' બે દિવસ રોકાઈશ.'
' આવો મારી દુકાન પર , હાઇવે ચોકડી પર , ગામ થી ખાસ દૂર નથી.સાંજે આવો તો કંઈ હુક્કા પાણી કરીએ.'
ઘણા પુરુષોની નબળાઈ હોય છે. નશો , જુગાર કે અન્ય.જવાનસિંહને ખબર હતી.બધા પાસા ફેંકવાના. સામે વાળો એક પાસો તો પસંદ કરશે જ.
અને બીજા દિવસે સાંજે રતનસિંહ જવાનસિંહ જોડે પહોંચી ગયો.પરચુરણ વાતચિત થઈ.અને જવાનસિંહે પાસો નાખ્યો...
' ચ્હા પીશો કે દેશી કે ઇંગલિશ?'
' શું મળશે? '
' તમે અવાજ કરો ને '
' ઇંગલિશ.'
જવાનસિંહે ચ્હા આપતા કહ્યું: ' વ્યવસ્થા થાય ત્યાં સુધી આ લો.'
જવાનસિંહે એક ફોન કર્યો અને અડધો કલાકમાં એક માણસ આવી ગયો. અંધારું થવાની તૈયારી હતી. જવાનસિંહે કિટલીનું કામ બંધ કર્યું.અને બન્ને જણ વર્ષો થી મિત્ર હોય એમ સાથે પીવા બેઠા.વર્ષોથી સિક્યુરિટીમાં કામ કરી કંટાળેલ રતનસિંહ આ મુક્ત પંખીને અહોભાવ થી જોઈ રહ્યો. થોડો નશો ચડતા જ રતનસિંહ હૈયાવરાળ કાઢવા લાગ્યો.અને જવાનસિંહના વ્યવસાય અને એના શોખ પૂર્તિના વખાણ કરવા લાગ્યો.
' રતનસિંહ આ તો થોડું જિગર કરવું પડે , ગજવા માં માલ હોય તો રોજ બધા શોખ પુરા થાય.'
' અમારા તો નસીબ જ ક્યાં છે.મામુલી નોકરીમાં શું થાય?'
' તું હા પાડે તો તારા લાયક પ્લાન બનાવું.તારી થોડી મદદમાં પચીસ ત્રીસ લાખ તમને મળી જશે.વિચારી ને જવાબ આપજે.'
એ તીર બરાબર નિશાના પર લાગ્યું હતું.
રતનસિંહ ઘરે ગયો.એને સપનામાં નોટોના બંડલો દેખાતા હતા.સિક્યુરિટી ગાર્ડ તરીકે નોટોના બંડલો તો બહુ જોયા હતા.પણ એ બીજાના હતા.પણ આ બંડલો પોતાના હતા.પોતાના તમામ સ્વપ્નો , અરમાનો ને પુરા કરવાનો સમય આવ્યો હતો.એ એને હાથ માંથી જવા દેવા નહોતો માંગતો. બીજા દિવસે સવારે જ જઇ જવાનસિંહ ને એ હા પાડી આવ્યો.
****************************
એ દિવસે સાંજે જવાનસિંહ ફરી વસંત ને મલવા ગયો.
' ગુરુ , પંખી પીંજરામાં આવી ગયું છે.'
' સરસ.'
' ગુરુ , પણ એક વાત ના સમજાઈ.'
' કઈ ? '
' તમે કેમ આમાં રસ લઈ રહ્યા છો? '
' કેમકે જો તું હા પાડીશ તો હું પણ આમાં સામેલ થઈશ.'

( ક્રમશ : )



Rate & Review

Vishwa

Vishwa 1 year ago

bhavna

bhavna 1 year ago

Nathabhai Fadadu
Anish Padhiyar

Anish Padhiyar 2 years ago

Digvijay

Digvijay 2 years ago