Highway Robbery - 8 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 8

હાઇવે રોબરી 08

જવાનસિંહ ઘરે આવ્યો.સવિતા અને બાળકોને ગળે લગાવ્યા.વ્યવસ્થિત ઘર જોઈને એને હાશ થઈ.બે દિવસ આરામ કર્યો.પછી એણે એના અન્નદાતાને પગે લાગવા જવાનું નક્કી કર્યું. સવિતાને એણે વાત કરી. સવિતાએ રાધા ભાભીને ફોન કરી પૂછ્યું કે વસંત ભાઈ ઘરે હોય તો એનો પતિ મળવા માગે છે.રાધા ભાભી એ બાળકોને પણ લઈને આવવાનું કહ્યું.
જવાનસિંહનો અનુભવ હતો કે જેલમાં જનાર ગુનેગારને સમાજ ઘૃણાની નજરે જુએ છે.એક અંતર રાખી ને જીવે છે.જવાનસિંહનું ઘર ગામના છેડે હતું.આજે એ સવિતા અને બાળકોને લઈ ગામ વચ્ચેથી વસંતના ઘરે જઈ રહ્યો હતો.ત્યારે એના મનમાં બે ભાવ આવતા હતા.એક તો પોતે ગુનેગાર હતો તેની શરમ ના અને બીજું તે આજે એક સજ્જન વ્યક્તિના ઘરે મહેમાન થઈ જઇ રહ્યો હતો, તે આનન્દ ના.
વસંતના ઘર આગળ જઇ સવિતાએ ખડકીનું બારણું ખખડાવ્યું.રાધા એ બારણું ખોલ્યું.સવિતાની સાથે જવાનસિંહ પણ નમસ્તે કરીને ઉભો રહ્યો.બધા ને મીઠો આવકાર મળ્યો.ખડકીના દરવાજા પછી ઘણી ખુલ્લી જગ્યા હતી.ત્યાં સાઈડમાં ભેંસો અને ગાયો બાંધી હતી.બાકીની ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે ત્રણ ખાટલા અને બે ખુરશી ઓ પડી હતી.વસંત ક્યાંય દેખાતો ન હતો.સવિતા એ પૂછ્યું:' ભાઈ નથી ઘરે? '
' તમે બેસો એ દસ મિનિટ માં આવે જ છે...'
ઝાડ નીચે ખાટલા ઢાળી બધા ને બેસાડ્યા.નંદિની એ બધા ને પાણી આપ્યું.રાધા એ જવાનસિંહ અને નંદિની ની ઓળખાણ કરાવી,' આ સવિતાના પતિ.અને આ મારી લાડલી નણન્દ નંદિની.એમના ભાઈની લાડકી.એક ટાઈમ મને ધમકાવે પણ એમની બહેનને કોઈ કંઇક કહે તો તમારા ભાઈને સહન ના થાય.'
' બસ ભાભી , મારા ભાઈ લાખો માં એક છે.એ તમને ગમે તેટલું રાખે.તમને કોઈ કિંમત જ નથી.'
' જોયું ભાઈ બહેનનું ખેંચે અને બહેન ભાઈનું ખેંચે.'
' ભાભી ખેંચવાની વાત નથી , માર ભાઈ છે જ સારા.'
જવાનસિંહે આખા જીવનમાં નહોતા અનુભવ્યા એવા લાગણીના ભાવ અનુભવી રહ્યો.એટલા માં કોઈએ ખડકી ખખડાવી.રાધાએ દરવાજો ખોલ્યો..વસંત અંદર આવ્યો.સવિતા માથે સાડલાનો છેડો રાખી ઉભી થઇ ગઇ.જવાનસિંહ પણ ઉભો થયો.
રાધા : ' સવિતા અને એમના પતિ તમને મળવા આવ્યા છે.'
જવાનસિંહ ચોરી કરવા જતો ત્યારે માતાજીને પગે લાગી આશીર્વાદ લેતો.બાકી એ ક્યારેય કોઈને પગે લાગ્યો નહતો.એ જવાનસિંહ ઉભો થયો અને વસંતના પગ પકડી બેસી ગયો.વસંત એને ઉભો કરવા ગયો.પણ જવાનસિંહ પગ મજબૂતી થી પકડી તેના પર માથું મૂકી બેસી રહ્યો. વસંતના પગ ભીના થઈ રહ્યા હતા.જાણે કેવટ રામના પગ ધોઇ રહ્યો હતો.
આખરે વસંતે જવાનસિંહને ઉભો કરી ગળે લગાડ્યો. થોડી વાર જવાનસિંહ ને હળવો થવા દીધો.પછી બન્ને ખાટલામાં બેઠા. જવાનસિંહના બન્ને બાળકો ત્યાં રમત રમવામાં પડ્યા હતા. રાધાએ ફટાફટ જમવાનું બનાવવાનું ચાલુ કર્યું. વચ્ચે ચ્હા બનાવી પીવડાવી. સવિતા એ ઘણી આનાકાની કરી પણ વસંતે તેમને જમવાની ફરજ પાડી. જમી ને ઉભા થયા.સવિતા માથે સાડલો ઓઢી ઉભી રહી.
' વસંત ભાઈ આમને કંઇક કમાણીનું સાધન ગોઠવી આપો.આમનો સ્વભાવ એવો છે કે મહેનત તો કહેશો એટલી કરશે.પણ કોઈ બે શબ્દો કહેશે તો નોકરી એમનાથી નહિ થાય.'
' બહેન ચિંતા ના કર , જો એને સીધી લાઈને ચાલવું હોય તો હું કંઈક કરીશ. ત્યાં સુધી દિવસે મારા ખેતરે મોકલો. '
' સારું ભાઈ , એમને હવે સીધા રસ્તે ચાલવું છે.કોઈ હાથ પકડનાર જોઈએ.'
' ભગવાન પર વિશ્વાસ રાખો , સૌ સારા વાના થશે.'
***********************
બીજા દિવસે જવાનસિંહ વસંતના ખેતરે ગયો. વસંત દાડિયાઓને કામ સોંપી ટ્રેકટરની સર્વીસ માં લાગેલો હતો.
' આવ જવાનસિંહ , કેમ છે? '
' બસ ગુરુ , આપની કૃપા છે.'
એ દિવસ થી વસંતની ના છતાં જવાનસિંહ વસંત ને ગુરુ કહેવા લાગ્યો હતો.
' બોલ કયું કામ ફાવશે? '
' એક વિચાર કર્યો છે.'
' બોલ.'
' બહાર હાઇવે ચોકડી પર નાનકડી ચ્હાની કિટલી જેવું જો થાય તો મારા જેવાને એ જ ફાવે.'
' થોડી વાર બેસ , કંઇક કરીએ છીએ.'
વસંત સાંજે ચાર વાગે મોટરસાઇકલ પર જવાનસિંહને બેસાડી હાઇવે ચોકડી પર આંટો મારી આવ્યો.એક પંચર બનાવવા વાળો હતો.વસંત ક્યારેક ત્યાં પંચર બનાવવા જતો હતો.રોડની સાઈડમાં જગ્યા પણ સારી હતી. પંચર વાળા જોડે વાત કરી. એ તો ખુશ થઈ ગયો.એને પણ કમ્પનીની જરૂર હતી.
સાત દિવસમાં બધું તૈયાર થઈ ગયું.આઠ વાંસ ઉભા કરી.ઉપર પ્લાસ્ટીક લગાવી સરસ છાંયડો કરી દીધો હતો.એક બાજુ ખેતર હતું.એ વસંતનો ઓળખીતો હતો ત્યાંથી પાણીની વ્યવસ્થા કરી હતી. એક પાક્કા ચણતરનું ટેબલ બનાવ્યું હતું.જેના ઉપર ચ્હા બનાવવાનો બધો સામાન હતો.બેસવા માટે પણ ચણતર કરેલા ત્રણ પાક્કા ઓટલા બનાવી દીધા હતા.બધો સામાન કબાટમાં મૂકી લોક કરવાની સુવિધા પણ હતી. જવાનસિંહ ખુશ થઈ ગયો. પહેલા દિવસે એ સવિતાને લઈને ગયો. સવિતા પણ ખુશ થઈ ગઈ. હવે કંઇક જીવન થાળે પડશે એવું લાગ્યું.
જવાનસિંહે એની આવડતથી ધન્ધો સરસ સેટ કરી દીધો.એ ચ્હાની સાથે બીડી , સિગારેટ , ગુટકા , તૈયાર નાસ્તાના પેકેટ , બિસ્કીટ વગેરે રાખતો.જીદંગીની ગાડી પાટે ચઢી રહી હતી.
વસંત ઘણી વાર જવાનસિંહ ની દુકાને બેસવા આવતો.
**************************
પણ એ અભાગીયો દિવસ કાળનું પ્રથમ પગથિયું બનીને આવ્યો. વસંત જવાનસિંહને મળવા આવ્યો હતો. ચ્હા પીને વસંત બાજુના પંચર વાળા જોડે ગપ્પા મારવા બેઠો. જવાનસિંહની દુકાન પર બે માણસ બેઠા હતા. એક ત્રીજો માણસ આવ્યો.અને જવાનસિંહ ને સાઈડ માં લઇ જઇ કંઇક ગુસપુસ વાતો કરવા લાગ્યો. જવાનસિંહ વારેઘડીએ વસંત તરફ નજર કરી લેતો હતો.આ બધું જ વસંતના ધ્યાનમાં હતું. એ માણસ પોણા કલાક પછી ગયો.
વસંત જવાનસિંહની પાસે ગયો. જવાનસિંહના ચહેરા પર કોઈ ગુન્હો કર્યા ના ભાવ હતા.
' કોણ હતો એ માણસ? '
' જૂનો મિત્ર હતો.'
' શુ કહેતો હતો? '
' પરચુરણ વાતો.'
' જવાનસિંહ તને મારા સમ , શુ વાત હતી.? '
' ગુરુ , સમ આપી મજબુર ના કરો.'
' મારા થી છુપાવવું છે.'
' ગુરુ , ગુન્હાની દુનિયા એવી છે કે માણસ છોડવા માગે તોય એ તેનો પીછો કરતી આવે.એ માણસ અને હું સાથે ચોરીઓ કરતા. ક્યારેક એ એકલો ચોરી કરતો અને હું પણ ક્યારેક એકલો ચોરી કરતો.આજે એ કોઈ મોટી બાતમી લઈને આવ્યો હતો.જેમાં બે કરોડ કે એનાથી વધારે રકમ મળે એમ છે.પણ એની એકલાની હિંમત નથી ચાલતી.એટલે મારી મદદ માટે આવ્યો હતો.'
' તે શું કહ્યું? '
' મને કશું કહેવાનો મોકો જ એણે નથી આપ્યો.ત્રણ દિવસ પછી એ આવશે એમ કહ્યું છે.'
વસંત ઘરે આવ્યો.એના મગજમાં જવાનસિંહના શબ્દો રમતા હતા.બે કરોડ કે તેનાથી વધારે રકમ.
( ક્રમશ: )