Highway Robbery - 7 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 7

હાઇબે રોબરી 07

આસુતોષે સોનલની સામે જોઈ બોલવાનું ચાલુ રાખ્યું.
'સોનલ , એ દિવસે મને પહેલી વાર ખબર પડી કે મન પર સૌથી મોટો બોજ આપણા અપરાધનો હોય છે. અને હું એ અપરાધ કરીને બેઠો હતો. મિત્ર સાથે વિશ્વાસઘાતનો અપરાધ. મિત્ર પોતાના ઘરમાં આવકારે છે , એક વિશ્વાસ સાથે. અને મેં એના જ ઘરમાં હાથ નાંખી એનો વિશ્વાસઘાત કર્યો હતો. મારો આત્મા આ બોજ ઉપાડવા તૈયાર ન હતો. અને સોનલ , જ્યારે મન બે વિરોધાભાષી વિચારો લઈ ઉભું થઈ જાય છે ત્યારે યુધ્ધ ભૂમિ માં દ્વિધા સાથે ઉભેલા અર્જુન જેવી સ્થિતિ સર્જાય છે. અને બધાને ભાગે ભગવાન શ્રીકૃષ્ણ નથી હોતા.
મારા મને બે વિરોધી છબીઓ મન માં પૂજ્ય સ્થાને બેસાડી હતી.એક વસંત,મારો પરમ મિત્ર.જેના વિશ્વાસને હું તોડવા નહોતો માગતો.એના ઘર માં હાથ નાખવાનું પાપ કરવા નહોતો માગતો. અને બીજી નંદિની. મારો શ્વાસ... મારું હદય.... મારું જીવન.... એના વગર હું નહિ જીવી શકું. અને મેં નક્કી કર્યું. બધું કુદરત પર છોડી દીધું.મેં નક્કી કર્યું કે નંદિનીના લગ્ન નહિ થાય ત્યાં સુધી હું લગ્ન નહિ કરું અને કદાચ લગ્ન ના પણ કરું.મન કંઈ નક્કી નહોતું કરી શકતું હતું અને મારા મિત્રના વિશ્વાસને પણ નહી તોડું. ઘરે બધા લગ્ન માટે ઉતાવળ કરતા હતા. અને મેં એની ઢાલ શોધી કાઢી. લગ્ન કરીશ તો કરોડપતિની છોકરી જોડે. મને ખબર હતી કે આ તૂટેલા ખોરડામાં કયો કરોડપતિ છોકરી આપવાનો હતો.સોનલ , નંદિની માટે પણ માંગા આવવા લાગ્યા.. પણ વસંત હમેશા એમ કહેતો કે હજુ તો મારી બહેન નાની છે.બે વર્ષ પછી વિચારીશું. રાધા ભાભી ઉતાવળ કરતાં પણ વસંતની આંખમાં કંઇક અલગ સ્વપ્ન હતું.એ ડીલે કરતો જતો હતો.અને એમાં નંદિનીની મુક સંમતિ હતી.'
' આશુતોષ , તું કહે તો હું તારી રાહ જોઉં.'
' ના સોનલ , ના. નંદિનીની છબી હટાવી હું તને પ્રેમ નહિ આપી શકું. અને આવા ખોરડામાં આવી તું અને તારા બાપુ પણ દુઃખી થશો. તારા બાપુના પણ કંઈક અરમાનો હશે. એમની દુનિયામાં તારા વગર છે કોણ ?'
સોનલની આંખોમાં આંસુ આવી ગયા. અને આશુતોષની વાત ખોટી ન હતી. થોડાક દિવસોમાં સોનલ માટે નિરવના ઘરેથી માગું આવ્યું. અને સોનલના પિતાનું કહેવું હતું:' ઘર અને છોકરો સારા છે , સમાજના છે.છોકરો સન્સકારી , દેખાવડો , ભણેલો છે.તું હા પાડ. મારું ઘડપણ સુધરે.અને છોકરી તો બરોબરી ના ઘર માં જ અપાય ને.'
અને સોનલ આશુતોષ ને છેલ્લી વાર મળવા આવી. આસુતોષે મન મક્કમ કરી કહ્યું..' સોનલ , છોકરો સારો હોય તો હા પાડી દે , એક બાપના હદયને ઘડપણમાં હાશ થાય.'
સોનલે કહ્યું.' હું લગ્ન કરીશ.પણ આપણે એક સારા મિત્રો રહીશું. મળતો રહેજે. અને જીવનમાં જ્યારે જરૂર પડે મારું હદય અને ઘર એક મિત્ર તરીકે તારા માટે ખુલ્લા હશે.'
સોનલ ના લગ્ન થયા. સોનલના લગ્નમાં એક અઠવાડિયું નંદિની અને આશુતોષ સોનલના ઘરે રહ્યા. મીઠી નોક્ઝોક કરવા વાળા બન્ને વચ્ચે એક મૌનની દિવાર આવી ગઈ હતી.વારેઘડી એ બન્નેની આંખો એક થતી. ત્યારે આશુતોષને સમજાતું કે વાત કરવા શબ્દોની જરૂર નહતી. નંદિનીની આંખોમાં ઠપકો હતો , આજીજી હતી , ફરિયાદ હતી.' મારી ભૂલ તો બતાવો.'.પણ એને કોઈ ઉત્તર આપવાની ક્ષમતા આશુતોષમાં ન હતી.
એક દિવસ સોનલ , નંદિની અને આશુતોષ કેટલીક વસ્તુઓ લિસ્ટ પ્રમાણે ચેક કરતા હતા. નંદિની અને આશુતોષની આંખો મળી અને ફરી એ જ ફરિયાદ થઈ.આશુતોષે નજર ઝુકાવી દીધી.
નંદિની : ' સોનલ , તમારા પક્ષે અને જાનમાં ઘણા પૈસાદાર લોકો આવશે. કોઈ કરોડપતિની દીકરી હોય તો આમના માટે બતાવજે.'
આસુતોષે સોનલ સામે જોયું. સોનલ આશુતોષની વ્યથા સમજતી હતી.મન તો થતું હતું નંદિનીને સાચી વાત કહી દે , પણ પોતે વચને બંધાયેલ હતી.
સોનલ : ' હા ચોક્કસ , નંદિની તારા ધ્યાનમાં કોઈ આવે તો કહેજે , હું વાત ચલાવીશ.'
આશુતોષે મન મક્કમ કર્યું અને હસતા હસતા બોલ્યો:' એ ચાંપલીઓ , બહુ ડહાપણ ના કરશો. તમારી મદદની મારે કોઈ જરૂર નથી. તમને એવું લાગે છે કે મને કરોડપતિની દીકરી નહિ મળે. પણ યાદ રાખજો વાંદરીઓ.જ્યારે એ આવશે ને ત્યારે તમે જોતા રહી જશો.સ્વર્ગની અપ્સરાથી કમ નહિ હોય મારી એ કરોડપતિ ની દીકરી.'
નંદિની : ' અરે સોનલ , આપણે વાંદરીઓ છીએ , તો જિજુ એ તને પસંદ કેમ કરી.'
સોનલ બન્ને વચ્ચે મૌનની તૂટતી દિવાલને જોઈ રહી. એને આનન્દ થયો.મૌન આધ્યાત્મિક માર્ગે ઉન્નતિનું કામ કરે છે.પણ સામાજિક જીવનમાં ક્યારેક સજાનું કામ કરે છે. અને એ મૌનની દિવાલ તૂટે અને બન્ને હસતા બોલતા રહે એ સારી વાત હતી.
એકવાર સોનલ અને નંદિની કંઈક કામ કરતા હતા. અને આશુતોષ ત્યાં ગયો. નંદિની બોલી ઉભા ' રહો ખુરશી સાફ કરી દઉં , તમે તો કરોડપતિના જમાઈ એટલે અમારે સાચવવા પડે.'
' એ બંધ થઈ જા , બહુ વાઇડાઇ ના કરીશ, બીજાની ચિંતા કરે છે તો તું શોધી લે તારા માટે.અમે ય જોઈએ.'
સોનલ હસી પડી..
****************************
સોનલ ની વિદાય પર સોનલ અને તેના બાપુ પછી જો કોઈ સૌથી વધારે રડયું હોય તો એ આશુતોષ હતો. પણ ઘરે જઈ ને...
***********************
જવાનસિંહ રોડ ઉપરની એની ચ્હાની હોટલ બંધ કરી ઘરે આવ્યો.સવિતા રાહ જોઈને બેઠી હતી. બન્ને બાળકો સુઈ ગયા હતા. પતિના ચહેરા પર ચિંતાના ભાવ સૌથી વધારે જલ્દી એની પત્ની સમજી જતી હશે. જવાનસિંહ હાથ પગ ધોઈ જમવા બેઠો.
' કઈ ચિંતા માં લાગો છો. '
' ના ,કંઈ ચિંતા નથી.'
' હવે છોકરાઓની જવાબદારી માથે છે.કંઈ આડુંઅવળું ના કરતા.'
' શાંતિથી ખાવા દઈશ કે નહિ. આખો દિવસ મજૂરી કરીને આવો , તો ઘરે તમારા નામના લોહી ઉકાળા.'
જવાનસિંહને શાંતિથી જવાબ આપવાનું જાણે ફાવતું જ નહતું.
' સારું હવે જમી લો. '
જવાનસિંહ જમી ને ખાટલા માં આડો પડ્યો. જવાનસિંહ જ્યાર થી સમજતો થયો.ખોટી સોબતે ચડી ગયો.સીધા કામ એને ફાવતા જ નહી.ખોટા મિત્રોની જોડે ચોરી અને નશો.આ એના મુખ્ય કામ હતા.ભણતર અને એને તો બારમો ચંદ્રમા હતો.સમાજના કોઈ નિયમો એને ફાવતા નહિ.ઘર વાળા પણ કંટાળતા.પણ કોઈ ઉપાય કામ ના લાગતો.જવાનસિંહની ઉંમર થઈ એટલે એને પરણાવી દીધો.કદાચ પરણ્યા પછી એ સુધરી જાય.એને સમાજનું કોઈ બંધન ના ગમ્યું.પણ એક સવિતાનું બંધન ગમ્યું.એ ગમે ત્યાં રખડતો પણ એને સવિતા યાદ આવતી.એ દોડી ને ઘરે આવી જતો.પણ એમ કંઈ પેટ ના ભરાય.બાપ તો પહેલા જ મરી ગયો હતો.મા હતી ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું.પણ મા મરી ગઈ અને એ નિરાધાર થઈ ગયો.ભાઈ ઓ એ મોં ફેરવી લીધું.સવિતા અને બે બાળકોને લઈને બહાર નીકળવું પડ્યું.અને પ્રશ્ન આવ્યો બધાના પેટ ભરવાનો. અને એના માટે કમાણીનો એની પાસે એક જ રસ્તો હતો. ચોરી. બીજી આવડત તો કેળવી જ નહતી અને બીજા કામ એને ફાવતા પણ નહિ.અને એ ચોરીના કેસમાં પકડાયો.
પાંચ વર્ષની કેદની સજા થઈ. પહેલી વખત એ સવિતાથી જુદો થયો. આ વખતે કેદ બહુ વસમી લાગી . અને એણે નક્કી કર્યું કે હવે બહાર નીકળીને એવું કામ કરશે જેમાં એને સવિતા અને બાળકોથી જુદા ના થવું પડે.
પણ એમ વિચારવાથી જીંદગી જતી નથી. સવિતાની સામે બાળકોને ખવડાવવાનો પ્રશ્ન આવ્યો. એણે કામ કરવા નું નક્કી કર્યું. પણ જ્યાં કામ કરવા જાય ત્યાં કામ પછી. પણ એના શરીર ને પહેલા મુલવવા માં આવતું. સવિતા અને રાધા એક જ ગામના હતા. અને એ દિવસે સવિતા રાધા આગળ રડી પડી. બાળકોની ભૂખ સામે મા લાચાર હતી. સવિતાની ઉદાસી રાધાના ચહેરા પર ગઈ. રાધાના ચહેરાની ઉદાસી વસંત સુધી પહોંચી. અને રાધાની ઉદાસી એ વસંતની ઉદાસી.
સવિતા ને કામ મળ્યું. સ્વમાન મળ્યું. વસંતના ગામના છેડે નાનું ખોરડું મળ્યું.બાળકોને ખાવા અને ભણતર મળ્યું. સવિતા ને ભાઈ મળ્યો.
જવાનસિંહ જેલમાં બેઠા બેઠા આ બધું જોતો હતો. સવિતાની પીડા વખતે એનું હદય વલોવાતું હતું. પણ વસંતની મદદ પછી એના હદયને હાશ થઈ. એ જેલ માંથી છૂટયો પણ હદય પર અહેસાનનો એક બોજ લઈ ને. વસંત એને મન ભગવાનથી કમ નહતો. પોતાની સવિતા અને બાળકોને જેણે અન્ન અને રક્ષણ આપ્યું હતું. એ અન્નદાતાનો અહેસાન માથે લઈને એ જેલ માંથી છૂટી ઘરે આવ્યો.
( ક્રમશ : )