MOJISTAN - 12 in Gujarati Humour stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 12

મોજીસ્તાન - 12

મોજીસ્તાન(12)

જાદવ ત્રણ ગલોટિયાં ખાઈને એના પીળા ટીશર્ટ અને વાદળી જિન્સનો કલર ફેરવી ચૂક્યો હતો.
બાબાના પરાક્રમને કારણે કાદવ, ધૂળ અને બજારમાં પડેલા નધણીયાતા પોદળાઓએ પણ જાદવના કપડાં પર ચોટવાનો લાભ જતો કર્યો નહોતો.
એના બેઉ હાથ કોણી પાસે છોલાઈ ગયા હતા. ગોઠણ પણ લોહીલુહાણ થઈ જિન્સનું પેન્ટ ફાડીને બહાર નીકળ્યા હતા.
કપાળમાં મોટું ઢીમચું ઉપસી આવ્યું અને નીચેનો હોઠ ચિરાઈ ગયો હતો. રવજીના ડેલા પાસે મચેલું આ રમખાણ જોઈ જે નવરા હતા એ બધા ત્યાં ટોળે વળ્યાં હતાં.બાબો શા માટે ભાગ્યો, જાદવો શા માટે એની પાછળ દોડ્યો...કેમ કરતા ભેંસના ગોથે ચડ્યો એ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા એ બધા આતુર હતા..!
મીઠી પાણીનો લોટો લઈને જીવી ગયેલા જાદવને પાણી પાવા આવી હતી. ઘાયલ જાદવને, "અલ્યા શું થિયું..? તું આંય ચીમ ગુડાણો તો...? બિચારા તભાભાભાના બાબલા વાંહે સ્હું લેવા ધોડ્યો..?
ચેટલુંક વાગ્યું સે..? અલ્યા કોક ઈને ઊભો તો કરો...ટાંટિયા હાજા સે કે બેય ભાંગી ગયા...? હાથ ને પગ બેય સોલાણા સે...અલ્યા કોક દવાખાના ભેગો કરો આને...."
લોકોના કોલાહલમાં આવા અવાજો ઉઠી રહ્યા હતા...કોઈક જઈને સાયકલ લઈ આવ્યું. બે જણાએ ઉંચકીને જાદવને સાયકલના કેરિયર પર બેસાડ્યો. બે જણે બેઉ હાથ પકડી રાખ્યાં.
સરકારી દવાખાનેથી જાદવને પાટાપિંડી કરીને ઘરે લઈ જવામાં આવ્યો ત્યારે એની ખડકીના ઓટલે ધોળી ડોશી, ખાલી બરણી અને ટેકણ લાકડી લઈને બેઠી હતી. હજી જાદવ પર એક કિલો તેલનો ખર્ચ અને ધોળી ડોશીની ગાળોનું જોખમ તોળાઈ રહ્યું હતું...!
"મર્ય હાળા...ગરીબનું તેલ ઢોળાવી નાયખું...લાવ્ય દોઢસો રૂપિયા રોકડા લાવ્ય...નકર તેલની બયણી ભરી દે... મુવો બજારમાં ઠેકડા મારતો'તો...મારી હાર્યે ભટકાણો...હું બીજું કાંઈ નો જાણું...
મને તેલ દે...નકર પઈસા દે..."
જાદવને ઉંચકીને ગામના લોકો હજી ઘરમાં લઈ જતા હતા ત્યાં આ ધોળી ડોશીએ ધમાલ મચાવી.
જાદવની ઘરવાળી પાટાપિંડી કરેલો ભરથાર ભાળીને કાળી પડવા માંડી હતી.
"ઓ...ય...મા....આ શું થઈ જયું...અરે...
રે...તમે આમ અધવસાળે મને મૂકીને શીદ હાલી નીકળ્યા...અરે...રે...આ સોકરા હજી નાના સે...જરીક તો વસાર કરવો'તો.
અરે...રે...ડોબુંય વેસી નાયખું...હવે હું આ જીવતર ચીમ કરીને જીવીશ...એ...
મારા પતિ પરમેશર...તમે આમ મને વનમાં રોતી મેલી...ઓહ્ય...ઓહ્ય...બાપલીયા..
આ..આ...આ...."
જાદવની વહુ જડીએ એ જ ઘડીએ મરણપોક મૂકીને બધાને ખડકીમાં જ જડી દીધા. બંગડીઓ તોડવા દીવાલ સાથે હાથ પછાડવા એ દોડી.
તૂટેલા હોઠ પર પટ્ટી મારી હોવાથી જાદવો બિચારો બોલી શકવાની સ્થિતિમાં નહોતો છતાં એણે રાડ પાડી....
"અલી એ..ય...કપાતરના પેટની...હું મરી
નથી જ્યો..અલ્યા પકડો કોક ઈને..."
જાદવની બરાબર સામે જ રહેતો અને કાયમ જડીને પોતાની છાતીએ જડવાની મંછા સેવતા ધુળા ખાંટે તરત જ આ તક ઝડપી.
કાયમ એ જડીને કહેતો...
"જડી...એ...જડી..તું નો જડી...અટલે
આ ધુળાના જીવતરમાં ધૂળ પડી."
ધુળીયાએ દોડીને જડીને પકડી રાખવાને બદલે જકડી લીધી. જડીને બાથ ભરીને એણે પોતાની છાતીએ જડી દીધી. કેટલાય દિવસથી એને આવા સપના આવતા હતા...કે એક દિવસ જાદવો મરી ગયો. થોડા સમય પછી જડીની નજર પોતાની ઉપર પડી...ઘડીક બંનેની નજર લડી...પછી જડી હસી પડી...પછી પોતે કાઢી હડી...અને જડીને છાતીએ જડી...!!
પોતાનું સપનું થોડું જુદી રીતે સાચું પડયું હતું એટલે એનો આનંદ સમાતો નહોતો. જડી એના વાંસામાં ઢીકા મારતી હતી પણ ધુળીયો એને ભીંસી રહ્યો હતો...!
એ દ્રશ્ય જોઈને જાદવને ઊંચકીને લઈ આવનાર બધા ઊભા જ રહી ગયા.
પોતાને આ લાભ ન મળ્યો એનો વસવસો એ દરેકના મોં પર ફરી વળ્યો. જાદવને ઊંચકીને આવેલા ખીમો અને ભીમો પણ જડીને ઘડીક પકડવાના બહાને જકડવા મળશે એમ સમજીને જાદવાને પડતો મૂકીને જડી તરફ દોડ્યા.
જડીને જકડીને ઊભેલા ધુળીયાએ પોતાનું સુખ લૂંટવા ધસી રહેલા ભીમા અને ખીમાને જોઈ જડીને ઊંચકી લીધી. એને લઈને ઘરમાં ઘૂસી જવા લાગ્યો.
ભીમો અને ખીમો એની ઉતાવળ જોઈ ઉતાવળા ચાલ્યાં. જડીને મુક્ત કરાવવા ધુળીયાનો એક એક હાથ પકડીને બેઉ ખેંચવા લાગ્યા.
"ઈમ કરોમાં...હું જડીભાભીને માલિકોર્ય હુવડાવી આવું...તમે જાવ...જાદવભયને લેતા આવો."
ધુળીયાએ શાંતિથી કામ લીધું.
"પણ અલ્યા આમ કોકની બયરીને બથ ભરી લેવાય..? ઈને પકડવાનું કીધું'તું. મૂકી દે...જાદવો જીવે સે...મરી નથી જિયો હજી...અને ઈ મરી જાશે તો અમે જીવવી છી...મૂકય મૂકય...હાળા..." ભીમાએ ધુળીયાના મોઢા ઉપર થપાટ ઠોકી દીધી.
ધુળીયો એમ હાથમાં આવેલી તક છોડે એમ નહોતો. એને ભીમાને પાટુ મારીને કહ્યું, "જાદવો મરી જાય તો જડીભાભી ઉપર પેલો હક મારો રે'શે...હું આંય હામે જ રવ સુ...ઈમને જરૂર પડશે તો અડધી રાત્યે હું ધોડીને આવહય. તમે બેય આઘા મરો આંયથી...અને જાદવાને માલિકોર્ય લાવો."
"આ હાળો ઈમ નઈ માને.. ઠોકારવો પડશે." એમ કહી ખીમાએ ધુળીયાને બોચીમાંથી પકડ્યો.
જડી હવે ધૂળીયાને ઢીકા મારતી બંધ થઈ હતી. ધુળીયાએ એને જે રીતે ભીંસીને ઊંચકી હતી એવી રીતે જાદવાએ ક્યારેય કર્યું નહોતું.
જડીએ હળવેથી ધુળીયાના કાન પાસે મોઢું રાખીને કહ્યું, "મરી જા તોય મેલતો નહીં...મને બવ ગમે સે."
બસ...ધુડો તરત જ જૂડો ચેમ્પિયન થઈ ગયો..હવે એ ભીમા અને ખીમાને દાવ આપે એમ નહોતો.
ઓસરીમાં ભીમો-ખીમો ધુડાની ધૂળ ખંખેરવા જીવ ઉપર આવી રહ્યા હતા.
ઘડીક તો ઘડીક પણ એ બેઉને પણ જડીને પોતાની સાથે જડવાનું અને પ્રેમમાં પડવાનું બહુ મન હતું...!
ખડકીમાં બીજા બેચાર જણ જાદવ પાસે ઊભા ઊભા ઓસરીમાં જામેલું દંગલ જોઈ રહ્યા હતા. ખડકી બહાર પોતાના ઢોળાઈ ગયેલ તેલ માટે ધોળી ડોશીએ ખેલ નાખ્યો હતો.
જાદવ લાચાર નજરે વારાફરતી બધા સામે તાકી રહ્યો હતો.
આખરે ભીમો અને ખીમો હાર્યા. જાદવાએ ખિજાઈને ફરીવાર રાડ પાડી ત્યારે એને ઊંચકીને અંદર લઈ જવામાં આવ્યો. જડીએ ધુળીયાના કાનની બૂટ ઉપર બટકું (પોચું પોચું) ભરી લીધું હતું...!
ધોળી ડોશીએ કલાક ગાંગરીને સો રૂપિયા હાથવગા કર્યાં હતાં...!

****

તભાગોર અને તખુભા ગાંઠીયા, પેંડા અને ફરાળી ચેવડાની વાટ જોઈ જોઈને થાક્યા હતા.
"જાદવો ખરચની બીકે ભાગી તો નહીં જાય ને હાળો..ના ના ઈમ ભાગીને ચ્યાં જાતો'તો..હમણે આવશે." એમ વિચારતા તખુભા બીડી પી રહ્યાં હતાં. રઘલો એમના ખાટલાનો પાયો પકડીને બેઠો હતો. થોડીવાર પછી ખાવાના પેંડાને યાદ કરતા જ એના મોંમાં ઘૂંટડા મોઢે રસ ઝરતો હતો...!
"તખુભા...નાસ્તો નો કરાવવો હોય તો ના પડાય..! ચોખે ચોખું કય દેવાય..આમ સાનામાના ઈસારા કરીને માણસને નાસ્તો લઈને નો આવવાનું નો કે'વાય..તમે એક બ્રાહ્મણનું ખોળિયું રોકી રાખ્યું છે..
નાસ્તાની લાલચ આપીને ખન્વ ઋષિને રાજા તુંગધ્વજે આમ જ રોકી રાખ્યા હતા..શાસ્ત્રમાં લખ્યું છે કે ખન્વ ઋષિના શ્રાપથી તુંગધ્વજને પીળીયો તાવ ચડ્યો'તો. કાળિયો કોઢ પણ નીકળેલો...
અમારી આંતરડી કકળશે તો આ પૃથ્વી રસાતાળ જાશે...તમેં હજી આ વ્યાધિમાંથી બા'ર નીકળ્યા નથી તોય અમને પીડવાના ઉપાય કરી રહ્યા છો.
પછી મારાથી રહેવાશે નહીં તો કંઈક
મોઢામાંથી નીકળી જાશે. બ્રહ્મવાક્યની તો તમને ખબર જ હશે...બળીને ભસ્મ થઈ જાશો.''
તભાભાભાએ ફૂત ફૂત કરીને હોઠમાં ભરેલી તમાકુના ફોતરાં રઘલા ઉપર ઉડાડતા ઉપર મુજબ પરિસ્થિતિને વધુ ગંભીર કરી મૂકી.
"અલ્યા મા'રાજ..તમારે મને બાળીને ભસ્મ કરી દેવો હોય તો દઈ દ્યો સરાપ.
નકર મૂંગા બેહો...જાદવાને તમારી નજર સામે તો મોકલ્યો સે..પણ ઈ હજી ચીમ નો આવ્યો ઇનો વિસાર તો હુંય કરું સ્હું.
ભામણનું ખોળિયું અમે કાંઈ સાંકળ લઈને બાંધી નથી દીધું. બવ ભૂખ લાગી હોય તો ઘરભેગું થવાય. ગોરાણીએ રોટલા ટીપી રાખ્યા હશે. ફરાળી ચેવડો ને પેંડા તમારા ઘરે મોકલી દેસું...અને ભરોંહો નો પડતો હોય તો આંય બેહો..પણ મૂંગા મરો..નકર ટળો આંયથી...સરાપ દેવાની ધમકીયું બીજે ક્યાંક દેજો...પૃથ્વી રસાતાળ જાય કે પાતાળમાં ગરી જાય...મને કોઈ ફેર પડતો નથી હમજયા..ઈ ખન્વ ઋષિ રોજ ન્હાતા હશે અને કિર્યા કરમ, ધરમ ધિયાન કરતા હશે...ઈમ વાતવાતમાં સરાપ દઈ દે ઇ હાચા ઋષિ શીના..ચેવડો ને પેંડા નો ખવડાવીએ તો સરાપ દઈ દે એવા ભામણ તો અમે આ ગામમાં જ ભાળ્યા.
જાવ અમેં તમારા સરાપથી નથી બીતા." તખુભાનો બાટલો ફાટ્યો હતો...!

"હે હે હે...ઈમ ક્રોધ ન કરીએ.. કામ, ક્રોધ, મોહ ને માયા..આ ચાર માણસની મતિના છે પાયા. ભાન ભૂલવાડી દે હો. ઝેરના પારખા નો હોય તખુભા. આ તો હું ને તમે ભાઈબંધ છીએ તે હું તમને અમથું વાત કરું છવ. ઈમ કાંય હું શ્રાપ થોડો દઈ દવ..?"
તભાગોરે તખુભાનું ત્રીજું નેત્ર ખુલતું જોઈ પોતાના ક્રોધને હાસ્યના પડીકામાં વીંટી લીધો...!
એ જોઈને રઘલો ઊભો થયો.
"ઈમ થુંક ઉડાડયે કોઈ બળી નો મરે...બવ હાચા હોય તો લ્યો આ બીડી...વગર બાક્સે જેગવી બતાડો તો હું હાચું માનું.."
તભાભાભાએ, તખુભા સામે અને
બીડી લંબાવીને ઊભેલા રઘલા સામે વારા ફરતી જોયું. શ્રાપ દેવાની વાતું હવે એમને ભારે પડવાની હોવાનો ખ્યાલ આવી રહ્યો હતો...પણ એમ તભાગોર પણ ગાંજ્યા જાય એમ નહોતા.
"મને અભડાવી મારવો છે ઈમ ? એક બીડીનું ઠૂંઠું સળગાવવા હું મારું તપ બાળી દવ ? સાલ્લા નીચ...! અધમ અને પાપી...! બેસ છાનોમાનો..." પછી તખુભા સામે જોઇને ઉમેર્યું, "હું હવે એક ક્ષણ પણ અહીં ઊભો નહીં રહું...તમારાં તરકટ તમે જાણો...કરમ કોઈને નહીં છોડે...
ભોગવો છો તોય ભાન આવતી નથી.. હવે કયે ભવ છુટકારો થાય છે ઈ જોઈ લેજો."
કહીને તભાગોરે ચંપલ પહેરીને ચાલતી પકડી.
"ભલે...ગોર મા'રાજ...પધારો ત્યારે... કથા કરવી હોય તો ના નથી...પણ તપની લપ મારી કને હવે લાવતા નય...અને હું બેઠો હોવ ન્યા સરાપ દેવાની તો વાતુંય કરતા નહીં કોય દી...તમારો સરાપ બાળી દેશે કે નઈ ઈ તો મને ખબર નથી પણ હું
તમને વાંકા જરૂર વાળી દઈશ, હમજયા?"
કહી તખુભા અને રઘલો હસી પડ્યા.
તભાગોર તપીને ત્યાંથી ચાલતાં થયા.
"અલ્યા રઘલા..તું જઈને તપાસ તો કર્ય.. આ જાદવો હાળો ચ્યાં મરી જ્યો." તખુભાએ રઘલાને પણ રવાના કર્યો.
"અને સાંભળ...ઈ ક્યાંક આડોઅવળો જ્યો હોય તો ટેમુની દુકાને મારું નામ દઈને નાસ્તો લેતો આવજે."
"એ ભલે બાપુ..." કહીને રઘલો પણ ગયો.

* * * *

"અલ્યા હબલા...આ તેં ચેવું તેલ દીધું'તું...મારી બયણી હાથમાંથી છટકી જઈ...અને તારું તેલ ઢોળય જયું...લે હવે બીજું દે..." ધોળી ડોશી, જાદવા પાસેથી તેલના સો રૂપિયા લઈને હબાની દુકાને આવી હતી. તેલ ઢોળાઈ ગયું એ બદલ હબાને કસૂરવાર ઠેરવવાની કોશિશ કરતા એણે હબાના કાઉન્ટર પર બરણી પછાડી.
આગળના બે દાંત બાબા પાછળ મૂકેલી દોટને કારણે ગુમાવી ચૂકેલો હબો ધોળી ડોશીની વાતથી ચમક્યો..
"શું કીધું...? તેલ ઢોળય જયું ? ઈમ ચીમ કરતા ઢોળય જયું..? બયણી હરખી પકડી રાખવી જોવે ને...તેલ ઢોળય જીયું ઈમાં મારો વાંક સે ?"
હબાના ડોળા તગતગી રહ્યાં હતાં.
"તે જરીક સ્હારું તેલ દેવાય ને..ઈમ બજાર વસાળે ઢોળય જાય એવું તેલ કોક ગરીબને દેવાય..? અમારે ન્યા રૂપિયાના ઝાડવા નથી તે ખંખેરી ખંખેરીને તમને ધરવવી..લે હવે ઝટ બીજું તેલ જોખી દે..નો ઢોળાય એવું દેજે.."
"તે મારે ન્યા ઝાડવા સે..? હાલી શું મળ્યા સો..જાવ આંયથી.. નો ઢોળાય એવું તેલ અમે નથી રાખતા.." હબો આ ડોશી સાથે વધુ માથાકૂટ કરવા માંગતો નહોતો.
"તો દોઢસો રૂપિયા પાસા દે..હજી તો અઘેરેક જઈ'તી તાં તો તારું તેલ ઢોળય જીયું.. ઘરે પોગી હોય તોય બરોબર સે.. લે હવે બવ ડાયો થા માં.ધરમશી બીસાડો ભજીયા..." ધોળી ડોશીએ તેલ ઢોળાઈ ગયું એની જવાબદારી હબા ઉપર પરાણે ઠોકી બેસાડી.
" મેરબાની કરીને તમે આંયથી હાલતીના થઈ જાવ..નકર હમણે મારા મોઢાની હાંભળશો..મેં તો તમને તેલ આપી દીધું'તું..તમે રસ્તામાં ઢોળી નાખ્યું..હવે બીજું જોતું હોય તો બીજા દોઢસો થાશે."
ધોળી ડોશી જાણે કે આ વાતની રાહ જોઈ રહી હતી..હબો ખીજાય અને કાંઈક આડુંઅવળું બોલે એટલે ઝઘડો કરવો અને પરાણે તેલ પડાવી લેવું.
"વાંઝણીના..તારી માને હાલતીની થાવાનું કીધું જ ચીમ..? તેલ નો દેવું હોય તો ના પાડયને..અમારા રૂપિયા કાંય મફત નથી આવતા. ઓલ્યા જાદવાને મારી હાર્યે ભટકાવાનુ તેં જ કીધું'તું..અટલે તારો તેલનો વેપાર વધે..પણ આ ધોળી ડોશીના મોવાળા ઇમનીમ ધોળા નથ થિયા...
સાનોમાંનો બે કિલો તેલ જોખી દે નકર આખા ગામમાં તારો ફજેતો કરીશ."
ધોળી ડોશીને જોઈતો હતો એ મુદ્દો મળી ગયો. હબાને એની હડિયો ટીચી નાખવાનું મન થયું.
એ જ વખતે તભાભાભા ત્યાંથી નીકળ્યા. તખુભાની ડેલીમાં એમનો શ્રાપ નિષ્ફળ ગયો હોવાથી અને ફરાળી ચેવડાની ખૂબ રાહ જોઈ હોવાથી એમનું મગજ ઠેકાણે નહોતું.
નગીનદાસ પોતાની ખડકી આગળ થયેલો દેકારો સાંભળી બહાર નીકળ્યો. બેચાર નવરા લોકો પણ જમા થઈ ગયા.
પોતાના તાજા દુશ્મન હબા પર હુમલો લઈ આવેલી ધોળી ડોશીના પક્ષમાં તભાભાએ સર સંધાન કરતા કહ્યું...
"શું થયું..? આ ધોળીબેન કેમ રાડ્યું પાડે છે ?"
"જોવો જોવો ગોરબાપા...આ હબલાએ મને તેલ જોખી દીધું... પસી હું હળવે હળવે ઘર પધોર જાતી'તી...ધરમશીને ભજીયા ખાવા'તા...તે હું તેલ લેવા આવી'તી...હજી હું આઘેરેક પોગી તાં તો આણે ઇના ભયબંધ ઓલ્યા ઝીણીયા જાદવાને ફોન કરીન કીધું હશે એટલે ઇવડો ઈ મારી હાર્યે ભટકાણો...અન મારું તેલ ઢોળય જયું...બોલો ચેવો કળજગ આયો સે ઈ તો જોવો...બાપલીયા...આ તમે જોવોને કથાયું કરી કરીને ચેટલું માણા શુધાર્યું...પણ આભ ફાટ્યું હોય નયાં કણે થીંગડું દીધે મેળ નો પડે...આ મારો હાળો હવે કેય સે કે બીજીદાણ તેલ જોતું હોય તો બીજીદાણ પૈહા દ્યો..." કહીને ધોળી ડોશીએ નાક પકડીને જોરથી સરડકો કરીને હબાની દુકાનના ઓટા પાસે નાક ઠલવ્યું...અને હાથનો ઝટકો મારીને હબાના મોઢા પર છાંટા ઉડાડ્યા.
"આવું તો આપડા ગામમાં પેલી વાર થિયું લ્યો...અલ્યા ધંધો નો હાલતો હોય તો રેંકડી લઈને શેરીએ શેરીએ સાદ પડાય...પણ આમ કોક ગરીબનું તેલ ઢોળાવીન તેલ વેસવાનો ધંધો...બવ કે'વાય...ભાભા... આટલો બધો કળજગ ચીમ કરતા આયો..?" નગીનદાસે પણ બળતામાં ઘી હોમ્યું.
"નીચ હબલા...તારું નખ્ખોદ નીકળવાનું નક્કી સે...આવા અધમ પાપનું પરિણામ બવ ભાર્યે આવશે. તેં આ ડોશીનું તેલ ઢોળાવી નાખ્યું સે અટલે આવતા ભવે તું બકરું બનીશ અને આ ડોશીનું ઋણ ઉતારીશ...કાં તો જે ગટરમાં તે તેલ ઢોળાવી નાખ્યું સે ઈની કરતા સાત ગણી ગંદી ગટરમાં તું કીડો થઈને પડીશ... જો ઈ પાપમાંથી બચવું હોય તો ધોળીમાના પગ પકડી લે..અને અતારે ને અતારે બીજું તેલ જોખી દે..અને મનેય ફરાળી ચેવડો જોખી દે..નકર પંચાત તારો ફેંસલો કરશે." તભાભાભાએ ફેંસલો સંભળાવ્યો.
"આ ધોળી ડોશી સાવ ખોટું બોલે સે.
મારી પાંહે જાદવાભાઈનો નંબરય નથી. આલ્યો મારો ફોન..જોઈ જોવો મેં ફોન કર્યો હોય તો...બજારે આ માજી ઇની હારે ચીમ કરતા ભટકાણા ઈ મને કાંય ખબર નથી..ભલા થઈને સરખો નિયાય કરો..શા હારું થઈને બધા મારી વાંહે આદુ ખાઈન પડ્યા સો." હબાએ ફોન તભાભાભાને આપવા હાથ લાંબો કરીને કહ્યું, પણ ભાભાએ ફોન હાથમાં લીધો નહીં. હબાની આંખોમાં ગુસ્સો અને લાચારી બેઉ ઉભરી આવ્યા હતા.
"ફોન કરીન નંબર ડીલીટ પણ મારી દીધો હોય ને ભાય..ફોનમાં તો હંધિય સગવડું આવે જ સે. મન જ જીના મેલા હોય ઈ બધે પોગી જ ગે'લા જ હોય." નગીનદાસે પણ આજ લાગ સાધ્યો હતો.
"હું ઈ કાંય જાણતી નથ...મને તેલ દેવરાવો...નકર હું આંય ને આંય ભૂખી તરસી જીવ દય દેશ...આ ધોળી જેદી કાળી થાશે તેદી કોઈની નહીં થાય...
સાંભળી લેજો." એમ કહીને ધોળી ડોશી હબાની દુકાનના ઓટલે પલાંઠી મારીને બેસી ગઈ.
"કોઈની નો થાય તો મારે સુ લેવાદેવા. તમારી જેવી ડોહલીને કોણ પોતાની કરવા નવરું મુવું સે..કાલ્ય મરી જાતા હોવ તો આજ જ મરી જાવ..અને આજ મરવાના હોવ તો અતારે ને અતારે મરી જાવ...
મારા બાપનું કાંય જાતુ નથી.. બાકી હું તેલ તો નય જ દવ."
કહી હબો પોતાની દુકાનમાં જઈને બેસી ગયો.
"જોવો સો ને ગોરબાપા...ગામમાં પાપ વધી રિયા સે પાપ..હબ્લાને કયો કે તેલ દઈ દે. નકર તમે તમારી દક્ષિણામાંથી દેવરાવો...આજ તો મારે ધરમશીને ભજીયા કરી દીધા વગર્ય હાલે ઈમ નથી.. નકર ઈ ધમૂડીને સુટાસેડા દઈ દેવાનું કેતો'તો..." ધોળીડોશીએ બરણી ભાભા તરફ લંબાવી.
એ જોઈ ભાભા ભડક્યા. 'હું મારા ફરાળી ચેવડાનું બારોબાર્ય ગોઠવું સુ..ને તને તેલ ચયાંથી દેવરાવું...' મનમાં એમ વિચારીને તેઓએ મોટેથી કહ્યું,
"તેલ તો ઇના બાપનેય જોખી દેવું પડશે.. નો ચીમ આપે...ધોળીબેન તમે આજ સાંજ સુધી આ ઓટલા ઉપર ધામા નાખો.. હાંજકના તો થાકીને તેલ દીધા વગર સૂટકો નથ. જે ઘરાગ આવે ઈ કોયને હબલાની દુકાનેથી કાંય કરતા કાંય લેવા દેતા નય..બધાને તેલ ચીમ કરતા ઢોળાણું ઈ પેલેથી માંડીને વાત કરજો.
જોવો પસી..સીધીનો નો થઈ જાય તો હું તભા ભટ્ટ નામ બદલાવી નાખીશ...લ્યો હાલો તારે જેસી કર્સના..." કહી તભાભાએ ચાલવા પગ ઉપાડ્યો.
"પણ ધારો કે હાંજ હુધીમાં હબલાએ તેલ નો આપ્યું તો તમે તમારું નવું નામ શું રાખશો ભાભા...?" નગીનદાસે પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતા કહ્યું.
"તું સાનોમાંનો લૂગડાં સીવ લૂગડાં. મારું નામ બદલવું પડે એવો વખત આવશે તે'દી આ પૃથ્વી પાતાળમાં વઈ જાશે.. તમે મૂળ બુદ્ધિ વગરના એટલે જિમ ફાવે ઈમ બોલવા માંડો સો." તભાભાભાએ દુકાનમાં ડોકું કાઢીને હબા સામે જોયું. એણે ડોળા કાઢીને તભાભાભા સામે જોયું.
"લાવ્ય થોડીક તમાકું દે..ઈમ હંધિય વાતમાં આડું નો હાલવાનું હોય..ફરાળી ચેવડો રાખશ ?" ભાભાએ હળવું સ્મિત કરીને કહ્યું.
"હંધુય રાખું સુ...પણ હમણે તમે ધોળી ડોશીને મારો વેપાર બંધ કરવાની સલાહ દેતા'તાને...? જાવ મારે નથી વેપાર કરવો...હું ભલે ગટરનો કીડો થાવ...પછી તમારી પિંડીએ બટકું નો ભરુ તો મારું નામ હબો નહીં.. તમાકુય નથ ને ચેવડોય નથ..ટળો આંયથી." હબાએ ભાભાની હવા કાઢી નાખી.
"મિયાં પડે પણ ટાંગડી ઊંચી જ રાખશે... તારી જેવું કોણ થાય.. મને ઈમ હતું કે કિલો ફરાળી ચેવડો જોખી દેતો હોય તો તેલમાંથી બારો કાઢું..પણ તમે મૂળ તો ઓછી બુદ્ધિના રિયાને..નો હમજો એટલે નો જ હમજો.. હાલો તારે મારા બાપનુંય આમાં કાંય જાતું નથી." કહીને ડોશી તરફ જોઈને ઉમેર્યું,
"ધોળીબેન...આજ તો કાં તું નથી..ને કાં
તો આ હબલો નથી..ભાળ્ય હાંજ હુંધી આંયથી હલી સો..! મરી જાજે પણ તેલ લીધા વગર આ ઓટલો મૂકતી નહીં.. હું સાંજે સરપંચને લયને આવીશ."
"પણ કોક મારા ઘરે જઈને હમાચાર તો પોગાડો...અને બપોરે મારે ખાવાનું ચીમ કરવું...હાંજ હુંધી હું તરસી નો થાવ...?" ડોશીને હવે વાસ્તવિક્તાનો ખ્યાલ આવ્યો હતો.
"પણ તમારે તો ભૂખ્યા તરસ્યા મરી જાવાનું સે ને..." હબાએ અંદરથી રાડ પાડી.
"મરી જાવું હોય તો આંય નઈ હો..આ ડોશી તો ભૂત થાય એવી સે..મારે સામે રહેવું ચીમ પસી...." નગીનદાસ પણ હવે ડર્યો હતો.
આ ટંટાનો અંત આવતો જણાઈ રહ્યો નહોતો. બરાબર એ જ વખતે હુકમચંદ દૂરથી આવી રહ્યા હતા.
હુકમચંદ સાથે હવે જે ઘટના બનવાની હતી એનો એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો...!

(ક્રમશ :)

Rate & Review

Jainish Dudhat JD

comedy circus na badle aakhu comedy gaam6... 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

Nipa

Nipa 2 months ago

Vaidehi

Vaidehi Matrubharti Verified 5 months ago

Vijay

Vijay 8 months ago

arun makwana arun Makwana