MOJISTAN - 37 in Gujarati Humour stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 37

મોજીસ્તાન - 37

મોજીસ્તાન (37)

પોચા પસાહેબ ન દેવાની જગ્યાએ સલાહસૂચન આપવા જતાં કારણ વગરના ભેરવાયા હતા. ડો. લાભુ રામાણીએ એમને ઊંધા સુવડાવીને કમર પર જરાક દબાણ આપ્યું કે તરત એમના ગળામાંથી રાડ નીકળી ગઈ..!
"ઓ..હોય..હોય બાપલીયા. મરી જ્યો રે..એ..ડોકટર ન્યા દબાવોમાં બવ દુઃખે છે."
"કરોડરજ્જુના મણકામાં તકલીફ હોય એમ લાગે છે.એક્સ-રે પાડવો પડશે.જો મણકાની ગાદી-બાદી ખસી ગઈ હશે તો ઑપરેશન પણ કરવું પડશે. હું પ્રાથમિક સારવાર કરી દવ છું. પાટો પણ બાંધી દવ છું.તમારે બોટાદ કે ભાવનગર ઑર્થોપેડિક હૉસ્પિટલમાં દાખલ થવું જોશે" ડોક્ટરે પસાહેબની કમર પર મલમ લગાવતા કહ્યું.
"મારા ઘેરથી કોક આવ્યું હોય તો અંદર બોલાવો. કોકની ગાડી ભાડે કરીને ભાવનગર ભેગા થઈ જઈએ. ઓહોય ઓહોય..મરી જ્યો રે..." પસાહેબે ઊંધા પડ્યા પડ્યા બરાડો પાડ્યો.
નર્સ ચંપાએ પસાહેબનું પેન્ટ થોડું નીચે ઉતારીને તરત જ ઇન્જેક્શેન આપી દીધું. બહાર જઈ પસાહેબની પત્ની અને બાળકોને અંદર બોલાવ્યા.
પસાહેબની પત્ની રમીલાબહેને રડવા માંડ્યું.
"અરે..રે..હે તમે આ શું કરી બેઠા..? નિશાળે જતા'તા. હે તમે પાન ખાધા વગરના શું ઊંધા વળી જાતા હશો તે જેની હોય એની દુકાને ખોડાઈ જતા હશો. હે તમે સાનામાના નિશાળ ભેગા થઈ જ્યા હોત તો આ કંઈ થાત? હે તમે હાલી નય હકો તો શું થાશે? હે તમે બેઠા નઈ થઈ હકો તો સંડાસ કેમ જાશો ? હે
તમે....."
રમીલાબહેનને રડતા જોઈ પસાહેબના નાના છોકરાએ ભેંકડો તાણ્યો. એનો ભેંકડો અને રમીલાનું 'હે તમે.." હજી આગળ ચાલતું જ રહેત પણ લાભુ રામાણીએ એમને અટકાવતા કહ્યું, " હે તમે છાના રહી જાવ. આ છોકરાને ચૂપ કરો. આમને મોટી હૉસ્પિટલમાં લઈ જવા પડે એમ છે. કદાચ ઑપરેશન પણ કરવું પડશે. એક્સ-રે લીધા પહેલા ખ્યાલ ન આવે કે સાહેબ હાલી શકશે કે બેઠા થઈ શકશે.પછી જઈ શકશે કે નહીં એ કહી શકીશું."
ઑપરેશનની વાત સાંભળીને રમીલાબહેનને તરત જ થનાર ખર્ચનો ખ્યાલ આવ્યો. એમનું રડવું તરત બંધ થઈ ગયું. છોકરાને પણ છાનો રાખવા માંડ્યો. આંસુ લૂછીને ડોકટરને કહ્યું,
"તે હેં સાહેબ, કેટલોક ખરચ થાશે ? બધો ખરચ અમારે જ દેવો પડશે?"
"અલી તું મૂંગી મર્ય. મને વાગ્યું છે તો ખર્ચ મારે જ દેવો પડે ને. કોણ કોણ આવ્યું છે? જલ્દી ગાડીની વ્યવસ્થા કરોને ભાઈશાબ." પસાહેબે રાડ પાડી.
ડોક્ટરે બહાર જઈ મીઠાલાલને કોઈની ગાડી લઈ આવવા કહ્યું.
મીઠાલાલ દુકાન બંધ કરીને આવ્યો હતો. એનો જીવ દુકાનમાં હતો પણ પસાહેબ પોતાની દુકાનના ઓટલેથી પડી ગયા હોવાથી એની ફરજ બનતી હતી.
"ગામમાં તો...લ્યો હું હુકમચંદને ફોન કરું. એમની ગાડી કદાચ આવે. રવજીભાઈ ઇન્ડિકા રાખે છે. બીજા એક બે જણ પાંહે ગાડીયું છે ખરી પણ નવરાશ હોય અને આવે તો થાય." મીઠાલાલે લોચા વાળવા માંડ્યાં.
"જલ્દી કરોને ભાઈશાબ..લઈ તો જવા જ પડશે." ડોક્ટરે તાકીદ કરતા કહ્યું.
મીઠાલાલે હુકમચંદને ફોન કરીને ગાડી મોકલવા જણાવ્યું પણ હુકમચંદે "મારી ગાડીમાં તો રિપેરીંગ છે અને વીમોય પૂરો થઈ ગયેલો છે. મેં એજન્ટને કીધું તો હતું પણ હજી ઈ પોલિસી દય નથી જ્યો..‌
પણ માસ્તરને આ ઉંમરે આમ ઠેકડા મરાય? જરીક જોવું તો જોવે ને ! અને નિશાળમાં આખો દિવસ પાન ચાવ્યા કરવા વ્યાજબી છે ? હવે છ મહિનાનો ખાટલો આવશે તોય પગાર તો ચાલુ જ રે'શે ને! સરકારનું આમ ને આમ જયુ.હવે આ બધા સુધારા કરવાની જરૂર છે. એકબાજુ દેશના યુવાનો બેરોજગાર છે અને આવા લોકો આખો દિવસ પાન ભેગો મફતમાં સરકારનો પગાર ચાવી જાય છે. હવે ઘરમાં પડ્યા પડ્યા મફતનો પગાર ખાશે...''
"પણ ઈ બધું પછી કે'જો. અત્યારે આમને દવાખાને..." મીઠાલાલે હુકમચંદનું ભાષણ અટકાવતા કહ્યું.
"હા..તે કીધું તો ખરા. મારી ગાડી ચાલે તેમ હોત તો તો હું જાતે જ આવત.
માસ્તરે જે કર્યું તે, પણ આપણી તો ફરજ જ છે હો ભાઈ. જુઓ આવતી ચૂંટણીમાં હું જિલ્લામાં લડવાનો છું. ગામનું કામ આપડે અડધી રાત્યેય કરવું પડે. ઈમ કરો રવજીને ફોન કરો. એની ઇન્ડિકા લયને ઈ આવશે જ. સારું કર્યું મને ફોન કર્યો એટલે તમને વ્યવસ્થા ક્યાંથી થાય એ ખબર પડે. મારી સરપંચ તરીકેની જવાબદારી છે ભાઈ... આમ તો..."
"રવજી પાસે ઇન્ડિકા છે ઈ આખું ગામ જાણે છે. મૂકો હવે." મીઠાલાલે કહ્યું. "આને ક્યાં ફોન કર્યો. મદદ કરવાને બદલે ભાષણ ઠોકી ગ્યો.આવા ને આવા સરપંચ થઈને બેઠા છે. ગામય બુદ્ધિ વગરનું છે." એમ બબડીને એણે રવજીને ફોન કર્યો.
રવજી એની વાડીએ હતો. એણે ફોન ઉપાડ્યો કે તરત મીઠાલાલે ટૂંકમાં પસાહેબ પડી ગયા હોવાની ઘટના કહી સંભળાવી.
રવજીને વાડીએ ઘણું કામ હતું તો પણ એણે ગાડી લઈને આવવાની હા પાડી એટલે મીઠાલાલને નિરાંત થઈ.
અડધી કલાકે રવજી પોતે એની ગાડી લઈને આવ્યો એટલે પસાહેબને કપડાંની ઝોળીમાં નાખીને પાછલી સીટમાં સુવડાવ્યા. હવે દવાખાને સાથે કોણ જાય એ સવાલ આવીને ઊભો રહ્યો.
પસાહેબની પત્નીએ કહ્યું કે હું જઉં તો આ બે છોકરાને કોણ સાચવશે?
"છોકરા તો આજુબાજુવાળાના ઘેર સચવાશે, તમે ઘરેથી પૈસા લઈ આવો અને સાથે જાવ." ડોક્ટરે ખિજાઈને કહ્યું.
"અલી તું ગાડીમાં બેસ, મારી પાસે એટીએમ કાર્ડ છે. બેન્કમાંથી ઉપાડીને બિલ ચૂકવી દેશું. પછી મીઠાલાલ સાથે હિસાબ સમજી લેશું." ઇન્ડિકાની પાછળની સીટમાં પડ્યા પડ્યા પસાહેબ ગાંગર્યા.
એ સાંભળીને મીઠાલાલના કાન ચમક્યા, "હેં,મારી સાથે શેનો હિસાબ સમજવાનો? તમે પડી જ્યા ઈમાં મારો વાંક સે ? હાલી સુ નીકળ્યા સો.હજી ઓલ્યા પાંચ પાનના પૈસા તો તમે દીધા નથી. પેલા મારા પચ્ચી રૂપિયા લાવો. ટેમ બગાડીને તમને દવાખાને લાયો, ઘરનું પેટ્રોલ બાળ્યું ઈનું તો હું કાંય ગણતો નથી. ઈમ માનોને અડધો લીટર બળ્યું હશે. હું ઈ બધો હિસાબ હવે લેવાનો સુ."
"તમારી દુકાનના ઓટલેથી પડ્યા સે.
કદાસ તમે ધક્કોય દીધો હોય. કોક ઈમ કેતું'તું કે તમારી ઘરવાળીએ ગાળ્યું દીધી અને તમે ધક્કો માર્યો અટલે ખરચ તો તમારે દેવું જોશે." રમીલાને પણ ખર્ચો બારોબાર કઢાવી લેવાનું સુઝી આવ્યું. એ દવાખાને આવતી હતી ત્યારે એને આ મુજબની વાત સાંભળવા મળેલી. જો કે કડવીએ ગાળો દીધી હોવા પાછળ કહેનારે તો એમ પણ કહ્યું હતું કે પસાહેબે કડવીબેનને રૂપના વખાણ કરીને મીઠાલાલનું ધ્યાન નહોતું ત્યારે આંખ પણ મારી હતી..! પણ એ વાત રમીલાબહેન પસાહેબને એકાંતમાં પૂછવાના હતા.
રમીલાબહેનની વાત સાંભળીને મીઠાલાલનો મગજ ગયો.
"હાલી સુ નીકળ્યા સવો. હું એક ફદિયુંય દેવાનો નથી. મારા ઓટલેથી પડ્યો એટલે મારે દેવાના એવું કોણે કીધું.દવાખાને જવું હોય તો જાવ,અને નો જાવું હોય તો માઈ જાવ." કહી મીઠાલાલે ટેમુને શોધવા ટોળામાં નજર કરી પણ ટેમુ ક્યાંય દેખાયો નહીં.
"મોઢું હંભાળીને બોલજે હો. હવે તો ખરસો તારે જ દેવો પડશે.તેં જ ધક્કો મારીને મારા ધણીને પાડી દીધા સે.હું પોલીસકેસ કરીશ.ઉપર જાતા તેં ભૂંડાબોલી ગાળ્યું પણ દીધી. હવે તું જોય લેજે. મારો ભાઈ ધંધુકાની કોર્ટમાં વકીલ છે. હું હમણે જ ફોન કરીને કેસ કરાવું. ઊભીનો રે તું..." રમીલાએ મોરચો સજ્જડ કરવા માંડ્યો. એ જોઈ રવજી ગાડીમાંથી બહાર નીકળ્યો.
"બેન, ઈ બધું પછી કરજો. તમે અત્યારે સાહેબનું માથું ખોળામાં લયને વાંહે બેહી જાવ. શાબ્યને પેલા દવાખાના ભેગા કરવા જોવે. હાલો આમ જલ્દી ગાડીમાં બેહો.હું ગામમાંથી બીજા કોકને હાર્યે લઈ લવ છું. પૈસાની ઉપાધિ કરોમાં.
ભાવનગરમાં મારે ઘણી ઓળખાણું છે. ભલા થઈને હાલો હવે."
રવજીની વાત સાંભળી રમીલા ડોળા કાઢતી કાઢતી ગાડીમાં બેઠી.
પસાહેબનો પાડોશી રમણ છોકરાઓને લઈને ઘેર ગયો.
મીઠાલાલે પણ એના બજાજ 80ને કીક મારીને ટોળાને કહ્યું,
"ઇનો ભાય વકીલ હોય તો ભલેને હોય, ઈમ ખોટે ખોટો આરોપ નાખીને ખરસા માંગે ઈ થોડું હાલે. ભલેને ભડાકા કરી લેય. અમે કોયથી બીતા નથી. આખો દી' ખુરશીમાં બેહીને પાન સાવે સે. સોકરાને એક અક્ષરય ભણાયો હોય તો ઇની મા મરે. હવે તો હુંય જિલ્લામાં અરજી કરાવીને હાળાની બડલી જ કરાવી નાખવી સે..."
રવજીએ ગંભુને ફોન કરીને સાથે લીધો. માનસંગને બચાવ્યો ત્યાર પછી ગંભુ રવજી અને સવજીનો મિત્ર બની ગયો હતો. ગામમાં જે પાણીની લાઇન નાખવાના કોન્ટ્રાકટ માટે માથાકૂટ થઈ હતી એ પણ હવે પતી ગઈ હતી.

*

દવાખાને પસાહેબને ઉતારીને ટેમુ બાબાના ઘેર આવ્યો હતો. બાબાએ ચેવડો અને પેંડા ખાતી વખતે નીના સાથે કોન્ટેક કરાવી આપવાનું કહેલું પણ મીઠાલાલ આવી ચડતા એ પ્રોગ્રામ પડતો મૂકવો પડેલો.
"આવ આવ, ટેમુ..યાર તારા બાપા પણ ખરા છે. તને ખિજાયાને ? કંઈ વાંધો નહીં, તું મૂંઝાતો નહીં, હું નાસ્તાના પૈસા આપી દઈશ." બાબાએ ટેમુને આવકારતા કહ્યું.
"અરે યાર..મારી દોસ્તીમાં ધૂળ પડે તો તો..મારા બાપાને તો ટેવ જ છે. તું ચિંતા ન કર. એ તો મારી બા એમને સીધા કરી દેશે. આખરે તો મારા બાપાનું છે એ મારું જ છે ને. ચાલ્યા કરે એ તો." કહી ટેમુએ ખાટ પર બેસીને માવો કાઢ્યો.
એ વખતે જ ગોરાણીમા બહાર આવ્યા. ટેમુને જોઈ તેમણે સ્મિત વેર્યું, પણ હાથમાં માવો જોઈ મોં બગાડીને બોલ્યા, "છોકરા, તું તમાકુ ખાય છે? જો બેટા આવા વ્યસનથી દૂર રહેવું."
"અરે બા, તમને કંઈ ખબર પડે છે કે નહીં..આ તો ખાલી સોપારી અને મીઠા પાવડરવાળો માવો છે. તમાકુ ખાતો હોય એ કદી પણ મારો મિત્ર હોય ? હું એવા વ્યસની હલકા લોકો સામું પણ ન જોઉં એ તમે નથી જાણતા?'' બાબાએ માતાને શાતા આપી દીધી અમે ટેમુને આંખ મારીને થોડીવાર માવો મૂકી દેવા કહ્યું.
"તો સારું..મને એમ કે..." કહી ગોરાણી અંદર જતા રહ્યાં. બાબો પાછળ જઈને એ શું કરે છે એ જોઈ આવ્યો. માતાને રસોઈમાં વ્યસ્ત જોઈ ટેમુને માવો બનાવવા કહ્યું.
"તો આપણું કામ અધૂરું રઈ ગયું યાર.'' ટેમુએ માવો ચોળતા કહ્યું.
"કયું કામ..?"
"ઓલ્યું..નીનાવાળું. ક્યાંય ચેન પડતું નથી યાર, ધીમે ધીમે ગોઠવાઈ રહ્યું હતું..પણ એનો બાપ મૅસેજ વાંચી ગયો.તું કંઈક કર યાર."
"તું એ નીનાને પ્રેમ કરે છે ? કે ખાલી ખાલી રમાડવાનો વિચાર છે ? જો ટેમુ, તું મારો ભાઈબંધ ખરો પણ ખોટું કરવામાં હું તને સાથ નહીં આપું. તું જો ખરેખર એને ચાહતો હોય અને એ પણ તને ચાહતી હોય તો હું તભાભાભાનો પુત્ર તમને બેયને એક કરી આપીશ. કોઈના બાપની પણ તાકાત નથી કે આડો આવે, પણ ખાલી ખાલી ટાઈમપાસ કરવાનો હોય કે લફરું કરવાનું હોય તો મને માફ કર. તું ઘડીક વીજળીની વાત કરે છે અને પાછો આ નીનાડી પાછળ પણ પાગલ થ્યો છો. આવું ન ચાલે યાર..ભલે ફ્રેન્ડશીપનો જમાનો છે પણ હું શાસ્ત્રી તરીકે તને આમાં સાથ નહીં આપું."
બાબાને આવેલું બ્રહ્મજ્ઞાન જોઈ ટેમુ વિચારમાં પડી ગયો. અડધો માવો મોંમાં નાખીને બાબાને આપતા એ બોલ્યો,
"આટલું બધું તો મેં વિચાર્યું નથી. આ તો એમ કે એને પણ મારી સાથે વાતો કરવી ગમે છે. થોડો સમય મિત્ર તરીકે એકબીજાને ઓળખીએ. પછી જીવનસાથી તરીકે આગળ વધવાની ઇચ્છા થાય તો આગળ વધીએ.જેમ તું મારો દોસ્ત છો એમ એ પણ મારી દોસ્ત ન થઈ શકે ?"
"ના, નો થઈ શકે, કારણ કે એ છોકરી છે. આપણા ગામમાં હજી એટલો બધો પશ્ચિમનો પવન ફૂંકાયો નથી. મોટા શહેરમાં કદાચ આવુ ચાલતું હોય પણ ટેમુડા આ આપડું ગામ છે, આંયા હજી લોકો સત્તરમી સદીમાં જીવે છે. તારી અને નીનાની દોસ્તીને લફરાનું જ નામ મળશે. હું એવા લફરાંને સ્પોર્ટ આપી શકું નહીં, કારણ કે મારે આ ગામમાં જ કથાવાર્તા કરીને ગુજારો કરવાનો છે. મારા પિતાજીને આ ગામમાં પૂજ્ય ગણે છે, મારે પણ પૂજનીય ગોરબાપા થવાનું છે. હું તને આવા કામમાં ટેકો આપું તો મારી છાપ બગડે, મારા પિતાજીને નીચું જોવું પડે, કોક બે શબ્દો બોલી જાય તો મારા પિતાજી જવાબ ન આપી શકે, એટલે યાર મારે આવું ન કરાય." કહી બાબો જાળી બહાર જઈ થૂંકી આવ્યો.
બાબાની વાત સાંભળી ટેમુ નિરાશ થઈ ગયો.
આખા ગામમાં હરાયા ઢોરની જેમ રખડતો રહેતો, જેની તેની સાથે મારપીટ કરતો રહેતો અને છાનામાના તમાકુના ફાકડા મારતો બાબો આજ બહુ ડાહી ડાહી વાત કરતો હતો.
"કોઈ વાંધો નહીં..બાબાલાલ. તમે આ ગામમાં ગોરપદુ કરજો. ગામ સત્તરમી સદીમાંથી એકવીસમી સદીમાં આવશે તો તમારું ગોરપદુ જોખમમાં આવી પડશે.
તારા વિચારો તને મુબારક. હું મારો રસ્તો મારી મેળે કરી લઈશ. મને સાથ આપવા માટે હું તને કોઈ દબાણ કરતો નથી. તું તારી રીતે જીવવા અને વિચારવા સ્વતંત્ર છો.આપણી દોસ્તીને આવા કારણે કોઈ આંચ નહીં આવે. મને તારી વાતનું બિલકુલ ખોટું લાગી રહ્યું નથી. સારું ચાલ, હું જાઉં." કહી ટેમુ ઊભો થયો.
"ખરેખર તને ખોટું નથી લાગ્યું ? તારો ચહેરો જોઈને તો એમ જ લાગે છે કે તું મારાથી નિરાશ છો."બાબાએ કહ્યું.
"હા, નિરાશ છું કારણ કે મારા ધારવા કરતા તું અલગ વિચારો ધરાવે છે. કંઈ વાંધો નહીં, મિત્રોએ એકબીજાના વિચારો એકબીજા ઉપર થોપવા ન જોઈએ..અને હા, હું એમ ચોક્કસ માનું છું કે બે છોકરા વચ્ચે હોય એવી જ દોસ્તી છોકરા અને છોકરી વચ્ચે હોઈ શકે. માત્ર મોટા શહેરોમાં જ નહીં ગામમાં પણ, આપડા ગામમાં પણ થઈ શકે. હું એ કરી બતાવીશ. લોકો ભલે લફરું કહે.
ગામના મોઢે ગરણા બાંધી શકાય નહીં.
લોકોને જે લાગવું હોય એ લાગે. હું તો મને જે લાગે છે એ જ રીતે જીવવા માંગુ છું સમજ્યો? મારે કાંઈ લોકોને ઊઠાં ભણાવીને મારો ગુજારો કરવાનો નથી.
ચાલ જઉં છું મારા પ્રિય મિત્ર બાબાલાલ."
બાબો કંઈ જવાબ આપે એ પહેલાં ટેમુ એના ચંપલ પહેરીને ચાલતો થઈ ગયો. ટેમુની વાત સાંભળીને બાબો વિચારમાં પડી ગયો. એણે કહેલું છેલ્લું વાક્ય એને ચોંટી ગયું હતું.
"લોકોને ઊઠાં ભણાવીને ગુજારો નથી કરવાનો."

*

તભાભાભા માટલું અને જાદવનું કપાળ ફોડીને શ્રાપ વરસાવતા ચાલ્યા ગયા પછી તખુભાની ડેલીમાં સોપો પડી ગયો હતો.
થોડી વારે કળ વળતા તખુભાએ ઊભા થઈને હોકો ખંખેર્યો.
"જાદવા, તમે બધા ઘરભેગીના થઈ જાવ.
આટલી બધી મશ્કરી કરવાની જરૂર નહોતી. તમારો ડોહો ઈ કોય હાલી મવાલી માણહ નથી. શાસ્તરી છે ઈ તભોગોર. ઈને શાસ્તરનું ગનાન છે.જે શાસ્તર ભણેલા હોય ઈ બધાને નમવું પડે, માન દેવું પડે પણ તમે બધા હાવ બુદ્ધિ વગરના ગુડાણા છો.હારે હારે મને પણ ભાન ભૂલવાડી. જાવ હાળ્યો જાવ.
ઘરભેગીના થઈ જાવ."
જાદવને કપાળમાં ઠીકરું વાગ્યું હતું. એટલે એ કપાળ દબાવતો દબાવતો ઊભો થઈને ડેલી બહાર નીકળ્યો. ખીમો અને ભીમો પણ એની પાછળ ચાલ્યા.
"અલ્યા, આ તખુભા તો જો. જાણે બધો વાંક આપડો જ હોય ઈમ માંડ્યા આપડને ઘસકાવવા. ગોરમારાજને હેરાન કરવાનું તો ઈમણે જ શીખવાડ્યું'તું ને..અને ઇમની હાટુ થઈન તો આપડે બાબલાને મારવા બોલાયો તો ને ? તોય સેલ્લે તો ઇની માને આપડે જ બુદ્ધિ વગરના.." ભીમાએ ખાંચો વળીને કહ્યું.
"હા, બુધી વગરના સવી અટલે જ ગાળ્યું ખાવી સવી.આ જાદવાને જ ભાન નથી. અલ્યા તારું આખું ડોબું તખુભા કહુંમ્બામાં ઘોળીને પી જ્યા તોય ભાન નથી આવતી.તારે ભામણ હાર્યે ભટકાવાની સું જરૂર હતી ? ઇમનો સરાપ હાચો પડશે તો હાચુંન બળીને ભડથું થઈ જશ." ખીમાએ પણ બળાપો કાઢ્યો.
તખુભાને ઘોડી સહિત ગોથું મારીને ભેંસે પાડી દીધા હતા, પછી બધો ખર્ચ પણ આપવો પડેલો અને એ ખર્ચ માટે ભેંસ વેચી નાખવી પડેલી. એ ખીમાએ, જાદવાને યાદ કરાવ્યું.
''અલ્યા ઝાલજો, મને સક્કર આવે છે." એકાએક જાદવે જોરથી રાડ પાડી અને ગડથોલિયું ખાધું. ખીમા અને ભીમાએ તરત એને પકડી ન લીધો હોત તો એ પડી પણ જાત. તરત બંનેએ એક ઓટલા પર બેસાડ્યો.એ વખતે જ રઘલો ત્યાંથી સાઇકલ લઈને નીકળ્યો.
ખીમાએ એને ઊભો રાખ્યો અને એની સાઇકલ પર જાદવને બેસાડીને દવાખાને ઉપાડ્યો. રઘલો પણ સાથે જ ગયો કારણ કે એ સાઇકલ એની હતી અને એ બહાને જાદવના ઘેર સમાચાર આપવા જવાનું થાય તો જડી સાથે બેઘડી મળવાની તક એને દેખાતી હતી.
"આ જાદવો હાળો કાયમ દવાખાને જ હોય સે.મરી જાય તો હારું..જડકી ભલે ઓલ્યા ધુડિયા હાર્યે હાલે સે.. પણ ચયારેક તો ઈને બીજું સાખવાનું મન થાશે ને..પણ આ જાદવો મરે તો મેળ પડે."
રઘલો આવા વિચારો કરતો કરતો સાઇકલ પાછળ ઉતાવળો ચાલ્યો જતો હતો..!!

*

"આપડે નજરોનજર કંઈક ભાળ્યું સે..સુપું રાખવું હોય તો મોઢું બંધ રાખવાનો સાર્જ દેવો પડહે..સર્પસ ભલે ધમકી મારે પણ તારા ઘરવાળાને ખબર પડે તો તારું સું થાસે ઈ વચાર કરી લેજે.." ચંચિયાએ ક્યાંકથી નયનાનો નંબર લઈને બપોર વચ્ચે ફોન કર્યો.
હબાની દુકાને બેઠેલા ચંચાએ નગીનદાસને બહાર જતો જોયો એટલે તરત ફોન કર્યો હતો. દુકાનમાં બેઠેલો હબો એને નવાઈથી તાકી રહ્યો હતો.
"કેટલો સાર્જ દેવો પડધે ઈ તું ભસી મર્ય.. પણ મૂંગીનો મર્ય." નયનાએ અકળાઈને કહ્યું.
"અતારે ખાલી બે હજાર પુગાડય.
પસી જીમ જરૂર પડહે ઈમ કેતો રશ..હેહેહે.." કહી ચંચો હસ્યો.
"ઠીક..હાંજ હુધીમાં તારા કુબલે તારી માને મળી જાશે. હવે પસી ફોન કરતીનો નય.'' કહી નયનાએ ફોન મૂક્યો અને હુકમચંદને ફોન કર્યો.
"આ તમારો સમસો મારી પાંહે બે હજાર માંગે સે. નકર નગીનને કય દશ ઈમ કેય સે.ઈને બે હજાર ગુડો..કાં તો એને જ ગુડી નાખો.મને ઈ નક્કામીનો ફોન કરે સે."
હુકમચંદ નયનાની વાત સાંભળીને ચંચીયા પર ગુસ્સે થયો છતાં એણે પૂછ્યું,
"ઠીક છે, તું ચિંતા ન કરતી.એકલી છો ? તો આવું ઘડીક..."
''ઓલ્યા હબલાની દુકાન ખુલ્લી જ સે. કદાસ ઈવડો ઈ ચંચો ન્યા જ બેઠો સે." કહી નયનાએ ફોન કાપી નાખ્યો.
"હું ક્યાં આ લંપટ હાર્યે લપમાં પડી.
રણછોડય ખરો છે, એનું રાજકારણ કરવા મારો ઉપયોગ કરે સે. મારે તો હવે એવું કાંય કરવું નથી.મારા નગીનને બિચારાને આવી કંઈ ખબર નથી. મારે આવું નો કરવું જોવે.રણછોડને હવે મૂકી દેવો પડશે. આ છોકરી જુવાન થઈ ગઈ છે.
છોકરા પણ હવે સમજદાર થયા.એમને ખબર પડશે તો હું નજર નય મેળવી હકુ.
મને મમ્મી કહેતા મારા સોકરાવને શરમ આવશે."
નયના પસ્તાઈ રહી હતી પણ હવે એ ઘણી ઊંડી ઉતરી ગઈ હતી. એક એવા દલદલમાં કે જ્યાંથી બહાર નીકળવું લગભગ અસંભવ હતું..!!

( ક્રમશ :)

Rate & Review

Jainish Dudhat JD
Mp Mpnanda

Mp Mpnanda 7 months ago

Parash Dhulia

Parash Dhulia 9 months ago

MHP

MHP 9 months ago

Yogesh Raval

Yogesh Raval 9 months ago