Lost - 13 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 13

પ્રકરણ ૧૩

ઓફિસથી ઘરે આવેલા મેહુલએ પહેલું પગલું ઘરમાં મૂક્યું કે તરત તેના પિતા નવીનભાઈએ પૂછ્યું, "મિટિંગ કેવી રઈ?"
"ગુડ." મેહુલ ડીલ કેન્સલ કરવાવાળી વાત કઈ રીતે જણાવવી એ વિચારી રહ્યો હતો.
"આજે તારો પહેલો દિવસ હતો એટલે મને તારી ચિંતા થતી હતી, મેં આટલા વર્ષ મેહનત કરીને આ કંપની ઉભી કરી છે અને આજથી એ કંપની તું સંભાળીશ."નવીનભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને ફરી બોલ્યા,"ડગલે ને' પગલે તારી પરીક્ષા થશે, દરેક ક્ષણે તારી તુલના મારી સાથે થશે એટલે આજ તને એક સલાહ આપવા માંગુ છું. વ્યવહારિક જીવન અને સાંસારિક જીવનને હંમેશા અલગ રાખજે, અને તારું બેસ્ટ આપજે."

"જી, હું મારું બેસ્ટ આપીશ." મેહુલ ફિક્કું હસ્યો.
નવીનભાઈ તેમના ઓરડામાં જતા રહ્યા.
"બેટા મેહુલ, હવે મિસ રાઠોડને શોધો અને મનાવો આ ડીલ કરવા માટે. મારા ગુસ્સામાં હું પપ્પાની મેહનત પર પાણી ન ફેરવી શકું, આ બધું મારે પહેલાંજ વિચારવું જોઈતું હતું." મેહુલએ તેના સેક્રેટરીને ફોન કરીને રાવિકાનો નંબર મોકલવાનું કહ્યું.
થોડી મિનિટો પછી મેહુલના ફોન પર મેસેજ આવ્યો, મેહુલએ મેસેજ ખોલી એમાં જે નંબર હતો એ ડાયલ કર્યો.

"હેલ્લો...?" સામે છેડેથી પ્રશ્નસૂચક હેલ્લો સંભળાયું.
"મિસ રાઠોડ?" મેહુલએ ખાતરી કરવાનું વિચાર્યું.
"હા બોલું છું, તમે કોણ?" રાવિકાએ પૂછ્યું.
"મેહુલ મેહરા હીઅર...." મેહુલએ રાવિકાને મળવા માટે મનાવવા મનમાં શબ્દો ગોઠવ્યા.
"શું કામ છે? સોરી સાંભળવું છે?" રાવિકાએ કટાક્ષ કર્યો.
"મળવું છે, થોડી ગેરસમજ થઇ હતી એ દૂર કરવા..... મળી શકીશું?" મેહુલએ તેની બન્ને આંગળી ક્રોસ કરી.
"ઓકે, ટાઈમ અને એડ્રેસ સેન્ડ કરી દેજો." રાવિકાએ ફોન કાપી નાખ્યો.


બીજા દિવસે સમયસર રાવિકા મેહુલએ કીધેલા એડ્રેસ પર પહોંચી ગઈ હતી.
"હેલ્લો, પ્લીઝ કમ ઈન." એજ સમયે ત્યાં પહોંચેલા મેહુલએ કાફેનો દરવાજો ખોલ્યો અને બન્ને અંદર આવી રિઝર્વડ ટેબલ પર બેઠાં.

"આપણી વચ્ચે જે પણ ગેરસમજ થઇ હોય, એ આપણો પર્સનલ ઇસ્યુ છે. અને પર્સનલ ઇસ્યુને સાઈડમાં રાખીને હું આપણુ બિઝનેસ રિલેશન આગળ વધારવા માંગુ છું." મેહુલ સપષ્ટવક્તા હતો, જે મનમાં હોય એજ મોઢા પર બોલતો.
"આઈ ડોન્ટ માઈન્ડ, પેપર રેડી કરાવીને મને મોકલી દેજો. હું સાઈન કરી દઈશ." રાવિકા પણ સ્પષ્ટવક્તા હતી અને આ ગુણ તેને તેના પિતા રાહુલ તરફથી મળ્યો હતો.

"રાધિ ઉઠી ગઈ?" ઘરે આવતાજ રાવિકાએ મીરાને પૂછ્યું.
"ના, શાંતિથી ઊંઘી હતી તો મેં નઈ ઉઠાડી." મીરાએ કોફીનો મગ રાવિકાને આપ્યો.
"આજે અમારો જન્મદિવસ છે. મંદિર જવાનું છે અને એ મહારાણી હજુ ઉઠ્યાં નથી, હું ઉઠાડું છું." રાવિકાએ કોફીનો મગ ટેબલ પર મુક્યો અને ગેસ્ટરૂમમાં ગઈ.
"રાધિ......મારી સ્વીટુ..... ઉઠી જા રાધિ....." રાવિકાએ રાધિકાને પ્રેમથી ઉઠાડી.

"આટલી મીઠાશ? ડાયાબીટીશ થઇ જશે મને." રાધિકાએ ધાબળો ઓઢી લીધો.
"અરે, ઉઠ ભાઈ. આપણે મંદિર જવાનું છે, આપણો જન્મદિવસ છે આજે." રાવિકાએ ધાબળો ખેંચી લીધો.
"આટલો પ્રેમ ક્યાંથી લાવી તું? આ ગુણ મારામાં કેમ નથી?" રાધિકા આંખો ચોળતી ઉઠી.
"એ રાહુલ જેવી છે એટલે, અને તારા લક્ષણ જોઈને લાગે છે કે તું સોનું જેવી છે." રાધિકાનું છેલ્લું વાક્ય સાંભળીને હમણાંજ ઓરડામાં આવેલી જિજ્ઞાસા બોલી.

"જન્મદિવસની ખુબ ખુબ વધામણી મારી રાજકુમારીઓને." જિજ્ઞાસાએ રાધિકા અને રાવિકાના માથા પર હાથ ફેરવ્યો અને બન્નેનું કપાળ ચુમ્યું.
"ધન્યવાદ માસી." રાવિકા અને રાધિકા એકીસાથે બોલી.

"મને મમ્મી પપ્પા વિશે વધારે જણાવોને...." રાધિકાએ જિજ્ઞાસાને તેની પાસે બેસાડી.
"રાહુલ ખુબજ પ્રેમાળ અને સ્વીટ હતો, અને તારી માં.... બાપ રે.... માથાભારે અને ખડુસ.... એને હસતા તો ભાગ્યે જ ક્યારેક જોઈ હશે, પણ બન્નેના સ્વભાવમાં આટલુ અંતર હોવા છતાંય બન્ને એકબીજા સાથે બહુજ સુખી હતાં." જિજ્ઞાસાને જુના દિવસો યાદ આવી ગયા.

"મમ્મા પપ્પાની લવસ્ટોરી તો ખુબજ યુનિક હતી પણ માસી ને રયાન પપ્પાની લવસ્ટોરી પણ કઈ ઓછી યુનિક નથી." રાવિકા હસી પડી.
"તમારી પણ લવમેરીજ હતી માસી? સોં સ્વીટ...." રાધિકા પણ હસી પડી.
"ચાલો હવે તમે બન્ને તૈયાર થઇ જાઓ, આપણે મંદિર જવાનું છે. અને ત્યાંથી આપણે રાધિ માટે નવા કપડાં ખરીદવા જઈશું." જિજ્ઞાસાએ રાધિકાના કપાળ પર ચુંબન કર્યું અને ત્યાંથી જતી રહી.

"હેપ્પી બર્થડે મારી સ્વીટુ." રાવિકાએ રાધિકાને આલિંગન આપ્યું.
"હેપ્પી બર્થડે ટુ યુ ટુ સ્વીટુડી." રાધિકાએ રાવિકાનું નાક ખેંચ્યું.
"એમાંથી જે ગમે એ પહેરી લે." રાવિકાએ સ્યુટકેશ તરફ ઈશારો કર્યો અને બહાર જતી રહી.
રાધિકાએ સ્યુટકેશ ખોલ્યું, એમાં પાંચ જોડી મોંઘા કપડાં હતાં. એક જોડી કપડાં લઈને એ ન્હાવા ગઈ, લેવીશ બાથરૂમ જોઈને તેની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.
તૈયાર થઈને ગેસ્ટરૂમના વિશાળ અરીસામાં પોતાને જોઈને રાધિકા બોલી, "મને પણ ન્હોતી ખબર કે હું આટલી સુંદર છું."

તેની નાનકડી ઓરડીને યાદ કરીને રાધિકાની આંખો ભરાઈ આવી, "નઈ રાધિકા, હવે રડવાનું નથી. તારો પરિવાર છે આ, અને આજ તારી સૌથી મોટી મિલકત છે."
આંખો લૂંછી, સ્વસ્થ થઇ રાધિકા હોલમાં આવી.
બધાંએ વારાફરતી રાવિકા અને રાધિકાને બર્થડે વિષ કરી અને મીરાએ રાધિકાની થાળી તૈયાર કરી, "નાસ્તો કરી લે, પછી આપણે મંદિર જવા નીકળીએ."
"પૌઆ, મારા ફેવરિટ છે." રાધિકા પૌઆ જોઈને ખુશ થઇ ગઈ.
"મારા પણ ફેવરિટ છે." રાવિકા પૌઆ ખાતા ખાતા બોલી.

"ગાડી કિશન માસા લઈને ગયા છે, તો મેં ટેક્ષી બુક કરી છે." રાવિકાએ નાસ્તો પતાવ્યો અને આમતેમ આંટા મારવા લાગી.
"અરે તું તો કેટલી ઉતાવળી છે, રાધિને શાંતિથી ખાવા દે ને." જિજ્ઞાસાએ રાધિકાની પ્લેટ પાછી ભરી દીધી.
"મેં ક્યાં એના હાથ પકડી રાખ્યા છે, એને જેમ ખાવુ હોય એમ ખાય." રાવિકાએ ખભા ઉછાળ્યા.

"અરે પણ તું આમ અધિરી થઈશ તો એ બિચારી કેમ કરીને શાંતિથી ખાઈ શકશે?" મીરાએ કહ્યું.
રાવિ કઈ જવાબ આપે એના પહેલાંજ જિજ્ઞાસા બોલી, "તું છોડને મીરા, એ તો એવીજ છે. સમયસર જોઈએ બધું, અને જે ટાઈમએ બોલાવે એજ ટાઈમએ બધે પહોંચી પણ જાય."

"માસી, હું હજુયે તમારી ફેવરિટ દીકરી છું હો. રાધિકા અને જીયા બીજા નંબર પર છે." રાવિકાએ રાધિકા સામે જોઈને જીભ કાઢી.
"માસી....." રાધિકાએ જીજ્ઞાસા સામે જોયું.
"તમે ત્રણેય મારા માટે નંબર વન જ છો ભાઈ, હવે તું શાંતિથી બેસ અને મારી દીકરીને ખાવા દે." જિજ્ઞાસા હસી પડી.

"મારું પેટ ભરાઈ ગયું, ચાલો હવે નીકળીએ?" રાધિકા હાથ ધોઈને આવી.
બધાં ઘરની બહાર આવ્યાં ત્યારે બે ટેક્ષી બહાર જ પડી હતી. મીરા, જિજ્ઞાસા, અને રયાન એક ટેક્ષીમાં બેઠાં અને રાધિકા, રાવિકા, મેઘા અને રોહન બીજી ટેક્ષીમાં ગોઠવાયાં.
મંદિરમાં આવીને જિજ્ઞાસાએ રાધિકા અને રાવિકાના નામની પૂજા કરાવી અને બન્નેના ઉજ્વળ ભવિષ્યની પ્રાર્થના કરી.

રાધિકા અને રાવિકા મંદિરની શિલ્પકલા જોઈ રહી હતી તયારે રયાન જિજ્ઞાસાને એકબાજુ લઇ ગયો અને બોલ્યો, "તું શ્રાપ વિશે ભૂલી ગઈ છે જિજ્ઞા?"
"મને બધુજ યાદ છે, આધ્વી પ્રેગનેંટ હતી ત્યારે બાબા એ કહ્યું હતું કે આ બાળક જન્મે ત્યાંથી લઈને એને ૨૪ વર્ષ પુરા થાય ત્યાં સુધી એ આપણા જુના ઘરમાં પગ ન મૂકે." જિજ્ઞાસાએ રાવિકા અને રાધિકા સામે જોયું.

"હા, એ ઘરની બા'ર તો આપણી રાવિ સુરક્ષિત છે પણ તોય...." રયાનના અવાજમાં ચિંતા હતી.
"આજનો દિવસ નીકળી જાય, પછી મને કોઈજ ચિંતા નથી. આજે ને આજે તો રાવિ ત્યાં જઈ શકવાની નથી. અને......"જિજ્ઞાસાને અચાનક કંઈક યાદ આવ્યું અને તેનો ચેહરો પીળો પડી ગયો.
"શું થયું જિજ્ઞા?" રયાન અચાનક જિજ્ઞાસાનો ઉતરેલો ચેહરો જોઈને ટેન્શનમાં આવી ગયો.

જિજ્ઞાસાએ રાધિકા સામે જોયું અને બોલી, "રાધિ એ ઘરમાં જઈ આવી છે, રાધિ પણ આધ્વીકાની જ દીકરી છે. એ શ્રાપનો પડછાયો રાધિ પર પડી ચુક્યો છે, અને આજ રાતથી એ શ્રાપનો અસર પણ દેખાવા લાગશે."

ક્રમશ: