MOJISTAN - 43 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 43

મોજીસ્તાન (43)

ડો.લાભુ રામાણીએ કારણવગર ઈન્જેકશન આપી દીધું પછી તભાભાભા વધુ ગુસ્સે ભરાયા હતા.પણ શુંકામ તેમને ગુસ્સો આવી રહ્યો હતો એ સમજાતું નહોતું.અને કોની ઉપર ગુસ્સો કાઢવો એ પણ સમજાતું નહોતું.
એમના આરોગ્યની ચિંતા કરીને બાબાએ અને ગોરાણીએ એમને પરાણે દવાની ગોળીઓ ગIળાવી હતી.

તખુભાને શ્રાપ આપ્યા પછી હવે એમની ડેલીએ જવાય તેમ નહોતું.હમણાંથી ગામમાં કોઈએ કથા પણ કરી નહોતી.હવે કોક કથા કરાવે તો એમનો ગુસ્સો ઉતરે એમ હતું પણ કથા કરાવવાનું સામેથી કહેવું પણ કોને ?

હતાશ થયેલા ગોર સાંજના સમયે ધોતિયાનો એક છેડો હાથમાં પકડીને લટાર મારવા નીકળ્યા હતા.કોક તો ચા પીવા બોલાવશે જ એની એમને ખાતરી હતી.

રવજી કપાસનું ટ્રેકટર ભરીને એના ડેલામાં ટ્રેકટર રિવર્સ લઈ રહ્યો હતો. તભાભાભાને જોઈ એણે સ્મિત વેર્યું અને જે ભોળાનાથ કહ્યું.

"કેમ છે ભાઈ રવજી ? ઓણ સાલ નીપજ તો સારી આવી લાગે છે !" તભાભાભાએ હસીને કહ્યું.

"હા,તમારી કૃપાથી ઓણ વરસ બવ સારું છે.આવો સા પાણી પીવા" ભાભાની ધારણા મુજબ રવજીએ એમને ચા પીવા નોતર્યા.
હવે તો કથાનું પાક્કું કર્યા વગર ડેલા બહાર નીકળે તો તો ભાભા શેના !

"ના ના રવજી અત્યારે રે'વા દે.તારે કામ હોય,હું તો સાવ નવરો છું" ભાભાએ વધુ માન ખાવાના ઈરાદાથી કહ્યું.

"અરે આવો ને ! મારે અમથીય સા તો પીવાની જ હોય. આ તમે હારે હારે સબડકો મારશો તો મને'ય મજો પડશે.'' કહી રવજી ટ્રેકટર
ડેલામાં લઈ ટ્રેકટર પરથી ઠેકડો મારીને નીચે ઉતર્યો.

ભાભા પણ એની પાછળ ડેલીમાં ગયા એટલે રવજીની વહુએ પૂછ્યું, "હવે ચીમ સે ભાભા ? બે દી' મોર્ય હું છાછ દેવા આવી'તી ઈ વખતે દાગતર અજીસન મારતા'તા. તે હવે હારું થઈ જ્યું ?"

"ભાભાને વળી શું થ્યુ'તું,લે આજ તો આપડું આંગણું પવિતર થઈ જ્યું.આખા દૂધની સા મેલ્ય, અને એળસી બેળસી ખાંડીન નાંખજે."
કહી રવજીએ ખાટલો ઢાળીને ભાભાને બેસાડ્યા.

"બોલો ભાભા, શું હાલે છે ગામમાં નવાજુની ? અમે તો મોટે ભાગે વાડીએ હોવી અટલે ગામની બવ ખબર નો હોય."

"ગામ હવે પે'લા જેવું નથી રિયું રવજી ! જોને મારા બાબાને મારી નાખવાનું કાવતરું તખુભાએ કરાવ્યું'તું.ઓલ્યો જાદવો હાથ ધોઈને બાબાશંકર પાછળ પડી ગયો હતો." ભાભાએ જરાક ચીડથી કહ્યું.

"તખુભા એવું કરે નહીં. ગામના બીજા દરબારૂં કરતા હારા માણહ સે.પણ જાદવો કદાસ રમત કરી જ્યો હોય.ખાલી ઠો થાપલી કરવાં બાબાકાકાને વાડીએ બોલાવ્યો'તો એવું મેં સાંભળ્યુ'તું. પણ ઉલટાનું બાબાકાકાએ જ ઈવડા ઈ બે ચાર જણાને ધોઈ નાખ્યાં'તાને !"

"હા, તે માર થોડો ખાય.ઈ તો સાક્ષાત ભગવાન શ્રી સત્યનારાયણ દેવનો અવતાર છે"

"હવે ઈ બધુ તમે બીજા કોકને ઊંઠા ભણાવજો,મને રે'વા દ્યો ભાભા.બાબાકાકાને તમારી કરતા હું વધુ જાણું સું. અટલે બીજીવાત કરો." કહી રવજીએ બીડી સળગાવી.

'માળો આ પણ હુંશિયાર છે.'એમ વિચારીને ભાભાએ પોતાનું દુઃખડું ગાવાનું શરૂ કર્યું, "ગામમાં હવે કોઈને ધરમ કે પુન દાન કરવામાં રસ નથી.છેલ્લે તખુભાએ કથા કરાવી હતી. તે હું ઈમ કવ છું કે તારે હવે કથા કરાવવી જોવે.તુંય યાદ કર્ય કેટલો વખત થયો ?"

"હા ઈ વાત સાચી હો.કથા તો કરાવવી જોવે.મારા બાપા તો વરહમાં બે ત્રણવાર કથા કરાવતા.
અમે બેયભાઈ પણ એકબે વાર તો કરાવવી જ છઈ. પણ આ વખતે ભુલાય ગયું હશે.તમે યાદ કરાવ્યું તે ઠીક થયું. તો પછી જોવો તિથિને વાર..બીજું શું !''
કહી રવજી ચાની કીટલી અને રકાબી લેવા ઉઠ્યો.

" બે દી પછી શનિવાર છે.હનુમાન દાદાનો વાર ! કેમ રે'શે ?"ભાભાને
વાર તહેવાર મોઢે જ હતા.

"ના ના, બે દિ' પસી તો કપા જોખવાનો સે.બીજો કોકવાર જોવો.."રવજીએ ભાભાને રકાબી આપીને એમાં ચા રેડતા કહ્યું.

"તો આવતા ગુરુવારે રાખ્ય, તે દી'
અગિયારસ છે." ભાભાએ ચાનો સબડકો મારવા હોઠ લાંબા કરતા પહેલા મુહૂર્ત કહી દીધું.

રવજી પણ ચાના સબડકા મારતો હતો.એટલે ભાભાએ પણ શરૂ કર્યું.એ વખતે રવજીની વહુએ ભેંસ દોહવા માટે પાડો છોડ્યો.એ નવજાત પાડો જેવો છૂટે કે તરત જ ફળિયામાં દોટ મુકતો.આગળ પાછળના પગે કૂદતો કૂદતો ઓંયક
ઓંયક કરતો એ ભેંસને ધાવવા ઉતાવળો થતો.

ભાભાને ભાળીને કોણ જાણે એ પાડો આનંદમાં આવી ગયો હોય એમ દોડીને ભાભા પાસે આવી ઉભો રહી ગયો.ભાભાએ તરત ચાની રકાબી નીચે મૂકીને ઉપડી જવામાં જ સુરક્ષા રહેલી હોવાનું સમજીને દોટ મૂકી.

ગાયનું વાછડું અને ભેંસનું પાડું માણસ પાસે પ્રેમ મેળવવા આવતું હોય છે.પણ જો પ્રેમથી એના માથે હાથ મુકવામાં આવે તો તરત જીભ બહાર કાઢીને એ આપણને ચાટવા લાગતું હોય છે.જો આપણે નાસીએ તો એ આપણી પાછળ દોડતું હોય છે. ભાભાએ ઘણા શાસ્ત્રો વાંચ્યા હતા પણ આ બાબત એમની જાણમાં આવેલી નહોતી.પણ ભાભાનો સ્પર્શ વાંછતું પાડું ઓંયક ઓંયક કરતું ભાભા પાછળ દોડ્યું.

"અલ્યા રવજી આ તારું પાડું મને ગોથું મારીને પાડી દેશે.ભલાદમી એને પકડ તો ખરો."ભાભાએ ભગતા ભાગતા રાડ પાડી.

"એમ નો પાડી દે.નાના એવા પાડાથી શું બીવો સો.આ ખાટલા પર બેહી જાવ."રવજીએ નિરાંતે ચા પીતા પીતા કહ્યું.

"ઈ નય ઉભા થાય.હાલ્ય અય,તારી મા આમ ઉભી ઢાળીયા માં.ભાભા વાંહે ધોડયમાં" કહી રવજીની વહુ પાડાને વાળીને ભેંસ બાજુ લઈ ગઈ.

ભાભા આવીને ખાટલે બેઠા.રવજી ચા પીને બીડી કાઢતા બોલ્યો, "એકાદ ભેંસ રાખતા હોય તો ? બાબાકાકાને ઘી દૂધનો ખોરાક કરો.પહેલવાન થાય ઈમ છે પહેલવાન.બાકી ભારે બળુકા સે હો.આવા પાડાને તો બાથમાં ઘાલીને ઉપાડી લ્યે ! સોખા ઘીના લાડવા પસાવી જાણ્યા હો !"

"બ્રાહ્મણનો દીકરો છે ને ! બ્રાહ્મણો બળ, બુદ્ધિ અને ચતુરાઈમાં સૌથી આગળ હોય. પહેલાના સમયમાં રાજા મહારાજાઓ બ્રાહ્મણોને પૂછ્યા વગર પગલું પણ ભરતા નહીં. પણ હવે કળિયુગ આવી ગયો રવજી, એટલે જેટલું થાય એટલું ધરમ ધ્યાન કરવું. તો આવતા ગુરુવારે કથા થાય એમ છે !"

"હેં અલી, આવતા ગુરુવારે કથા કરી નાખવી સે ?"રવજીએ ભેંસ દોહતી એની વહુને પૂછ્યું.

"આવતા ગુરુવારે તો તલ વાઢવા નઈ પડે ? પછી તો સાત આઠ દી મેળ નો પડે." રવજીની વહુએ ફરી આઘુ ઠેલ્યું.

"તો ભાભા, હમણે ઈમ માનોને આ મયનો તો જાવા દેવો પડે ઈમ સે.આવતા મયનાનું જોવો જોઈ"

"અલ્યા આવતા મહિને તો ભારે સારું છે.આજથી ફિટ એક મહિના પસી અષાઢી બીજ છે.તે દિવસે કથા રાખીએ તો તણગણું પુન પ્રાપ્ત થાય.એમ કર રવજી, અષાઢી બીજ ફાઇનલ રાખીએ"

રવજી હા પાડે એ પહેલાં સવજી આવ્યો.ભાભાને જે ભોળાનાથ કહી બીજો ખાટલો ઢાળીને એ બેઠો.

"મારા બેટાએ ફરીન મહિનાનો વાયદો ઠોકયો. ભાઈ આ વેપારી નો હાલે.રૂપિયા રોકડા દેવી તોય માલ મયને મયને આવે.આવા તે હાલતા હશે ?" સવજીએ કહ્યું.

"પણ અમદાવાદ ફુવાને ફોન કરી જો ને ! એક મહિનો કાઢે તો ગરાગ બીજેથી લઈ લેશે." રવજીએ કહ્યું.

"ક્યાંય માલ નથી.ઉપરથી જ શોલટેજ છે.અટલે ગરાગ તો નહીં ટુટે. ઈતો બધું ઠીક પણ આ ભાભા આજ કેમ ભુલા પડ્યા ?"
સવજીએ ભાભા સામે હસીને કહ્યું.

"ભાભા બજારે જાતા'તા.તે મેં સા પાણી પીવા બોલાયા.ભાભા કેસે કે કથા કરવી જોવે,અટલે પસી કથાનું નક્કી કર્યું." રવજીએ કહ્યું.

" કથા તો કરવી જ જોવે ને. બહુ સારું કર્યું પણ કેદીનું નક્કી કર્યું ?"

"આવતી અષાઢી બીજે.એક મહિના પસી."

"અષાઢી બીજને તારીખ કઈ આવે સે ?" કહી સવજીએ એનો મોબાઈલ કાઢ્યો.સવજી બાર ધોરણ ભણેલો હોવાથી એને મોબાઈલમાં ગુજરાતી કેલેન્ડર જોતા આવડતું હતું.

"અષાઢીબીજે તો 28મી તારીખ આવે છે.મારે તેદી જ અમદાવાદ જવું પડશે.આ વેપારીએ 28મી તારીખનો તો વાયદો કર્યો છે..!"
સવજીએ કહ્યું.

"અલ્યા ભારે કરી. ભગવાનની મે'રબાની નહીં હોય કે શું ?"રવજીએ ભાભા સામે જોયું.

"તો ઈમ કરો, બીજને બદલે ત્રીજ રાખો.અષાઢ મહિનો તો આખો પવિત્ર કહેવાય.'' ભાભાએ કહ્યું.

"ના ના પછી તો નો મેળ પડે.કારણ કે જો વેપારી માલ આપે તો હું નવરો જ નો રહું.આખો દિવસ મારે દોડધામ રહે.એટલે સાંજે થાકી જવાય"
સવજીએ કથાનો મેળ કમેળ કરી નાખ્યો.

અત્યાર સુધી ભાભા શાંત બેઠા હતા.પણ હવે એમનો મગજ છટક્યો.

"હે સંસારી જીવો, જીવનની પળોજણમાં તમને ભગવાનના કામ માટે સમય મળતો નથી.કપાસ જોખવાનું, તલ વાઢવાનું અને અમદાવાદના ધક્કા ખાવામાંથી તમે નવરા જ પડતા નથી.ભગવાને જ કપાસ અને તલ ઉગાડ્યા છે,તમને ધંધો પણ એણે જ દીધો છે,પણ તમારી પાસે એક અડધા દિવસનો પણ સમય નથી.
જાવ જોખી લો કપાસ,વાઢી લો તલ અને કરી લ્યો વેપાર,ઉપર બેઠો બેઠો એ બધું જોવે છે.સાધુ વાણિયાને ભૂલી ગયા ? વેપાર ધંધામાં ભગવાનને ભૂલી ગયો હતો.આખું વહાણ વેલાને પાંદડા થઈ ગયું ત્યારે આંખ ઉઘડી.રાજા તુંગધ્વજ,અભિમાનથી છકી ગયો હતો.ભલા ગોવાળીયાએ કરેલી કથામાં ગયો નહીં, અરે એ લોકો સામું સુધ્ધાં જોયું નહીં, અવળું ફરીને સુઈ ગયો.ગોવાળિયા પ્રસાદ મૂકી આવ્યા તો પણ મોં ફેરવીને ચાલતો થ્યોતો ! શું પરિણામ આવ્યું ? ઘડીના છઠ્ઠા ભાગમાં રાજપાટ અલોપ થઈ ગયું ! રાણીઓ,કુંવરો અને મહેલો ગાયબ થઈ ગયા.રવજી અને સવજી કાન ખોલીને સાંભળી લો.
કામ તો આખી જિંદગી રહેવાનું છે,ભગવાન માટે એક ઘડી પણ જો તમને નવરાશ નો હોય તો ભગવાન તો દયાળુ છે. માનવજીવન પ્રભુભજન માટે છે.ઢસરડા કરવા નહીં, પેટ તો જનાવર પણ ભરી લે છે,પણ હરિને ભજવાનું ભાગ્ય એને નથી મળતું સમજ્યા ? કથા નો કરવી હોય તો કંઈ મારી માટે કરતા નથી.તમારા આત્માના કલ્યાણ માટે કરવી જોવે.એકવાર નક્કી કરો કે આ દિવસે મારે કથા કરવી જ છે, પછી જોવો ભગવાન એ દિવસે તમને નવરાશ કાઢી આપે છે કે નહીં ?" કહી ભાભા ઉભા થઈને પેલા પાડા સામે જોઈને ચાલતા થયા.પાડાએ ઓંયક કરીને ભાભાને એમની વાત સાચી હોવાનું પ્રસ્થાપિત કર્યું એટલે ભાભાએ બેઉ ભાઈઓ તરફ ફરીને ઉમેર્યું,
"જોવો આ ધાવણો પાડો પણ સમજે છે.ભગવાન બધે જ હોય, ભગવાન માટે તમારી પાસે સમય નથી પણ જે દી તમારે....."

"ભાભા બસ કરો. ભૂલ થઈ અમારી બાપ.હવે ખમૈયા કરો. સાતેય કામ પડતા મૂકીને અમે કાલ્ય જ કથા કરવાની હા પાડવી છઈ. જાવ આખા ગામમાં નોતરું દઈ આવજો અને જે સામગ્રી લાવવાની હોય એનું લિસ્ટ આપી દો એટલે કાલે જ કથા કરી નાખીએ.સવજી અને સવિતા પૂજામાં બેહશે, બસ ? હવે તો રાજી ને ?" રવજીએ ભાભાને આગળ બોલતા અટકાવીને કથા કરવાની હા પાડી દીધી.

"શાબાશ ! આનું નામ તે સમજણ કેવાય.તમે બેય ભાઈ સુપાત્ર છો.
જગાડવાથી પણ જે જાગે નહીં એમનું કલ્યાણ ભગવાન પોતે પણ કરી શકતા નથી.તેજીને ટકોરો કાફી છે.સમજણને ઈશારો કાફી છે.તમારા વડવાઓની પૂનઈ તમે ખાઈ રહ્યા છો.ધન્ય છે તમારી માતા, ધન્ય છે તમારા પિતા..!
કલ્યાણ મસ્તું ! શુભમ્ ભવતું :
સંપતિવાન ભવ :, અનંતકાળ સુધી તમારો સૂર્ય નભમાં તપતો રહે.રવજી સવજીની જોડી સલામત રહે.ચારે દિશાઓમાં તમારા નામના ડંકા પડે..!" કહી ભાભાએ રવજી સવજીના માથે હાથ મૂકીને આશીર્વાદની સરવાણી વહાવી દીધી.

રવજીની વહુ દૂધ દોહી રહી હતી એટલે ફરીવાર પાડાને છોડ્યો. પાડો ભેંસના આઉમાં માથા મારીને દૂધ પીવા લાગ્યો.એ જોઈ ભાભા પ્રસન્ન થયા.

"વહુ, પાડા માટે ઘણું દૂધ આઉમાં રહેવા દીધું એ તમારી દયાની પ્રકૃતિ છે.સૌભાગ્યવતી ભવ :"

"ઉભા રે'જો ભાભા, દૂધની બયણી લેતા જાવ. તાજું દૂધ પીવો ને એમના લાંબા આયુષ માટે આસિરવાદ આપજો " કહી રવજીની વહુએ દુધના પવાલામાંથી ભાભાને દૂધની બરણી ભરી આપી.

ભાભા ગદગદ થઈને રવજીના ડેલામાંથી બહાર નીકળ્યા.એમના એક હાથમાં દૂધની બરણી અને બીજા હાથમાં ધોતિયાનો છેડો હતો.

'આ ગામ જેવું બીજું ગામ ન હોય. આ ગામના લોકો જેવો ઉદાર જીવ બીજે ક્યાંય ન હોય.રવજી સવજી જુગજુગ જીવો.એની ભેંસ પણ હજારો વર્ષો સુધી દૂધ આપતી રહે એવા આ પવિત્ર ખોળિયાના આશીર્વાદ છે ! (ખુશ થયેલા ભાભાએ,દૂધ મળવાથી ભેંસને હજારો વર્ષ સુધી દુઝણી રહેવાનું વરદાન આપી દીધું છે વાચકમિત્ર, ભાભાનો આટલો અતિરેક ચલાવી લેશો ને ? ) સારું કર્યું ગોરાણીનું કહ્યું માનીને મેં આ ગામને બાળીને ભષ્મ ન કરી નાખ્યું.કોક બે દુર્જન અને નબળા માણસોને કારણે સજ્જન માણસોને શ્રાપ ન દેવો જોઈએ.ક્ષમા વિરસ્ય ભૂષણમ્..
તભા, ક્ષમા પરમો ધર્મ !"

* * * *

નગીનદાસના ઘેર નિનાને જોવા આવેલા મહેમાનો ઉભા સલવાયા હતા.ચમનલાલે નગીનદાસની દીકરી અને આબરૂના બે મોઢે વખાણ કર્યા હોવાથી અમદાવાદની પ્રખ્યાત ટેલરિંગ શોપ 'પરફેક્ટ ફિટિંગ' ના માલિક
દુર્લભદાસ દબદબાવાળાએ અહીં
ગામડામાં આવવાની હા પાડી હતી.એમની ચાર દીકરીઓ પણ પોતાની થનાર ભાભીને સિલેક્ટ કરવા સાથે આવી હતી.

પત્ની અને દીકરીઓ ઘરના ઓરડામાં અને પોતે પુત્ર વિરલ સાથે ઓસરીમાં ગોઠવાયા હતા.નીના પ્રથમ નજરમાં જ એમને ગમી ગઈ હતી.વિરલની આંખો પણ એના સોનેરી ફ્રેમના ચશ્મા પાછળથી હસી રહેલી એમને દેખાઈ રહી હતી.

નગીનદાસ અહોભાવથી એમને જોઈને અડધો અડધો થઈ જતો હતો. અમદાવાદ જેવા મોટા શહેરમાં અને આવા મોટા માણસને ત્યાં ઠેકાણું બતાવવા બદલ પોતાની ચામડીની એકાદી ચડ્ડી ચમનલાલને સીવી આપવાનું એને મન થયું હતું. (આમ તો ઉપકારનો બદલો વાળવા ચામડીના જોડા સીવી આપવાની વાત થતી હોય છે; જોકે કોઈ સીવી નથી આપતું એ અલગ વાત છે ! પણ અહીં નગીનદાસ દરજી હોવાથી એ ચડ્ડીનું જ વિચારી શકે એમ હતો.પેન્ટ શર્ટ સીવી આપે પણ એટલી બધી ચામડી લાવે ક્યાંથી ? આ તો એક વાત થાય છે, આમાં આપણે બહુ ઊંડું ઉતરવાનું નથી )

એકદમ નવી જોડ ઠઠાડીને ચમનલાલને ચડ્ડી સીવી આપવાનો વિચાર કરતા નગીનદાસે ધમુંનું બ્લાઉઝ સમયસર સીવી આપ્યું હોત તો આજ દુર્લભદાસ જેવો દુર્લભ સગો ગુમાવવાનો વખત ન આવત.માંદણામાંથી મેલો થઈને ભાગેલો માનસંગ કુતરાઓથી પિંડી બચાવવા નગીનદાસની ખુલ્લી ખડકીમાં ઘુસી આવ્યો અને સીધો નગીનદાસને ચોટયો હતો એમાં નગીનદાસની આબરૂને આંચ નહોતી આવી.મહેમાન પણ સિચ્યુએશન સમજે એમ હતો. પણ ધરમશીએ આવીને જે લિરા ખેંચવા માંડ્યા હતા એમાં નગીનદાનની આબરૂ તારતાર થઈ ગઈ હતી.

લેડીઝ ગ્રાહકો સાથે છેડછાડ કરનારા સારામાં સારા કારીગરોને દુર્લભદાસે એક મિનિટનોય વિચાર કર્યા વગર છુટ્ટા કરી દીધા હતા.
'પરફેક્ટ ફિટિંગ' ટેલર શોપનું ફિટિંગ તો પરફેકટ હતું જ પણ એના માલિક દુર્લભદાસના સિદ્ધાંતો પણ પરફેક્ટ હતા.જરૂર કરતાં વધારે એક ઇંચ કપડું પણ એ ક્યારેય મંગાવતો નહીં.કોઈ ગ્રાહક વધુ લાવ્યો હોય તો એના કપડાં સિવાઈ ગયા પછી વધેલું કપડું એ પાછું આપી દેતો.એને ત્યાં સિવાયેલા કપડાં જુના થતાં ફાટી જતાં પણ એની સિલાઈનો એક ટાંકો પણ ક્યારેય ખુલ્યો ન હોવાનો પચાસ વર્ષનો રેકોર્ડ હતો.
લેડીઝના જુના બ્લાઉઝ પરથી જ એને ત્યાં નવા બ્લાઉઝ સિવવામાં આવતા.પરફેક્ટમાં કપડાં સિવાડવા હોય તો ઓછામાં ઓછી ત્રણ મહિના સુધી રાહ જોવી પડતી.અમદાવાદમાં પરફેક્ટની દસ શાખાઓ હતી.
મોટા મોટા માલેતુજારો જ અહીં કપડાં સિવડાવવા આવતા. દુર્લભદાસને ત્યાં એવો પણ વર્ગ હતો કે જે ખાલી ફોન કરી દેતો એટલે એ લોકોના તમામ પ્રકારના વસ્ત્રો અહીં તૈયાર થઈ જતા.

આવો દુર્લભદાસ નગીનદાસની દીકરીને જોવા આવ્યો એટલે જાણે કે ચકલીના માળે ગરુડ પધાર્યા હોય એવો ઘાટ હતો.

પણ, ધરમશી આ બધું જાણતો નહોતો.નગીનદાસે પોતાની ડૂબતી નાવ બચાવવા સરપંચ સાથેનો પોતાનો સબંધ રજૂ કર્યો હતો.પણ સરપંચ એની વિનવણીને બદલે નયનાના વડછકાથી હાજર થયો એ જોઈ દુર્લભદાસ સમજવાનું સમજી ગયો હતો.

હુકમચંદે નયના સામે મીઠું હસીને ધરમશી નામના ધક્કાને હક્કાબક્કા કરી નાખવા થોડી દમદાટી આપી પણ ધરમશી ડાઘીયા કૂતરાં સામે ખહુરિયું કૂતરું બે પગ વચ્ચે પૂંછડી દબાવીને દાંતીયું કરે એમ સામો થયો હતો.

"ભઈ ભાળ્યો મોટો સર્પસ, તેં કંઈ ઈમનીમ નોતું કીધું.તારા ધંધા ચેવા સ ઈ આખું ગામ જાણસ. અન તું આંય આડો પડવા આયો ઈનું કારણય આખું ગામ જાણસ.તુંય વાડીએ ભજિયાનો પોગરામ કરવા ધમુને એકલી બોલાવતો'તો
અને મરસા કેવડા મોટા થાય સે ઈ બતાડતો'તો.ધમુની દાડી પણ દેતો નો'તો .તારા લખણ કેવા સે ઈ આખા ગામને ખબર્ય સે.મેમાન બેઠા સે અટલે હું વધુ કાંય બોલતો નથ,હમજ્યો ? મારે અતારે ને અતારે ધમુનું પોલકું જોવે, બસ હું બીજું કાંય નો જાણું..આ બેઠો ઓસરીની ધારે.."
કહી ધરમશીએ બોલવાનું હતું એના કરતાં પણ વધુ બોલી નાખ્યું હોવા છતાં બીજું કાંઈ ન કહેવાનું કહી ધમૂડીની બાજુમાં જમાવ્યું. ભરાવદાર કાયાની માલિકણ ધમુએ વિમલ ચાવીને નગીનદાસના ફળિયામાં લાલ પિચકારી પણ મારી દીધી !

"આવા લોકો પર દયા નો કરાય નગીનદાસ, આ લોકો આપણી ઈજ્જત ઉપર કાદવ ઉછાળે છે.
હું તો આવા કડવા ઘૂંટડા પીવા ટેવાયેલો છું, મને સરપંચ પદેથી ઉતારી પાડવા મારા વિરોધીઓ આવા આરોપ ઉપજાવી કાઢે છે.
પણ આપણે તો લોકોનું કામ કરીને લોકપ્રિય બનવું છે.સૂર્ય તરફ ધૂળ ઉછાળનારની આંખોમાં જ ધૂળ પડતી હોય છે.નગીનદાસ તમે નિર્દોષ છો એ હું જાણું છું."
હુકમચંદે ઉભા થતા દુર્લભદાસ સામે જોયું.સફારી શૂટમાં સજ્જ દુર્લભદાસને હુકમચંદ અહોભાવથી જોઈ રહ્યો.હુકમચંદ તરત સમજી ગયો કે દુર્લભદાસ જેવીતેવી હસ્તી નથી.એટલે સ્મિત ફરકાવીને એમની તરફ હાથ લંબાવતા એ બોલ્યો,

"માફ કરજો મહેમાનશ્રી,તમને તકલીફ પડી હશે. ગામડામાં અમુક આવા નંગ હોય છે એ તો તમનેય ખબર જ હોય ને ! પણ અમારો નગીનદાસ સજ્જન માણસ છે.એની દીકરી તો લાખોમાં એક છે.સંસ્કાર અને સમજણનો સંગમ એટલે નીના !
આ ધરમશીએ જે ભવાડો કર્યો છે એની અસર આ છોકરાઓની પસંદગી ઉપર પડવા નો દેતા એવી મારી અરજ છે સાહેબ.ચાલો જેસી કરશન.મારે પંચાયતમાં મિટિંગ હોવાથી જવું પડશે."

હુકમચંદે જોડા પહેરીને ધરમશી સામે જોયું.

"હજી સમજી જા, નગીનદાસની દીકરીને જોવા મહેમાન આવ્યા છે.આવા ટાણે ડખો કરતા શરમ આવવી જોવે.વયો જા તો બચી જઈશ. અલી ધમુ,તું તો ગામની દીકરી છો, તું તો સમજ..! નકર પછી આનું પરિણામ સારું નહીં આવે,પછી કે'તી નહીં કે કીધું નો'તું. ભીખ માંગતા થઈ જશો ભીખ.." કહી હુકમચંદ એક નજર નયના તરફ નાખીને ચાલતો થયો.

હુકમચંદ ગયો એટલે દુર્લભદાસ પણ ઉભા થયા.

''નગીનદાસ, તમારી સ્થિતિ હું સમજુ છું.પણ હવે અમે આ લોકોની હાજરીમાં અહીં બેસીને સમય બગાડવા માંગતા નથી.હવે અમને રજા આપો, ચાલો ચમનલાલ આપણે હવે જઈશું."

નગીનદાસ કાપો તો લોહી પણ ન નીકળે એવો કાળો પડી ગયો.
આજ નગીનદાસને પોતાની ઉપર પારાવાર ગુસ્સો આવી રહ્યો હતો.
ધરમશી સાથે કરેલા વર્તન બદલ એ પસ્તાઈ રહ્યો હતો. કંઈ પણ બોલ્યા વગર ઉભા થઈને એણે બે હાથ જોડ્યા.

અંદરના ઓરડામાંથી બહાર આવેલા સ્ત્રીવૃંદમાં રહેલી નીના તરફ તાકી રહેલા વિરલે એક સ્મિત ફરકાવ્યું.સુંદર નીના વિરલના દિલમાં વસી ગઈ હતી.
અહીં થયેલી માથાકૂટની અસર નીનાના સૌંદર્યને કારણે બેઅસર થઈ ગઈ હતી.પણ દુર્લભદાસ જુદું જ વિચારનારો માણસ હતો.

દુર્લભદાસની પત્ની વિમળાબેને નીનાના હાથમાં પાંચસોની નોટ મૂકીને એના ગાલ પર ટપલી મારી.
દુર્લભદાસ, નગીનદાસ સામે હાથ જોડીને ખડકી બહાર નીકળી ગયા.ગામના પાદરે ઉભેલી એમની કારના ડ્રાઈવરને કાર લઈ આવવા ફોન કર્યો.

ચમનલાલ પણ નગીનદાસના ખભે હાથ મૂકીને બહાર નીકળ્યો.
એની પાછળ વિરલ એની મમ્મી અને ચાર બહેનો સાથે ખડકી બહાર નીકળ્યો.જતી વખતે ફરી એકવાર વિરલે નીના સામે જોયું પણ નીનાએ નજર નીચે ઢાળી દીધી.

મહેમાનોને જમાડવા માટે લવાયેલો શિખંડ ફ્રીઝમાં જ પડ્યો રહ્યો.નયના અને નીના ચૂપચાપ ઘરમાં જઈને બેઠાં.ઓસરીમાં બેઠેલો નગીનદાસ રડી પડ્યો.

ધરમશી અને ધમુને હવે એમણે કરેલી ભૂલ સમજાઈ.નગીનદાસની દીકરીનું થઈ રહેલું સગપણ પોતાને કારણે અટકી પડ્યું એનો ખ્યાલ આવતા ધમુ ઉભી થઈ ગઈ.ઓસરીમાં બેઠેલો નગીનદાસ રડી રહ્યો હતો.ધમુએ ધરમશીને ઈશારો કર્યો.

ધરમશીએ પણ પાછું ફરીને નગીનદાસ તરફ જોયું. હવે બોલવા જેવું કંઈ રહ્યું નહોતું. નગીનને પાઠ ભણાવવા જતા એની નિર્દોષ દીકરીનું ભવિષ્ય બગાડી બેઠા હતા.એ ગરીબ દેવીપુત્ર સમજતો હતો કે પોતાનાથી બહુ મોટું પાપ થઈ ગયું છે ! કેટલીક વખત બોલાચાલી કરતા પણ મૌન ઝગડો ભયાનક સાબિત થતો હોય છે.

ન તો નગીનદાસ કંઈ બોલતો હતો. ન તો થોડીવાર પહેલા મારવા મરવા પર આવી ગયેલો ધરમશી..!

ખડકી બહાર કારનો અવાજ સાંભળીને ધમુ ઝડપથી બહાર નીકળી. દુર્લભદાસનો પરિવાર ઇનોવામાં ગોઠવાઈ રહ્યો હતો.

ધમુએ જઈને દુર્લભદાસના પગમાં પડતું મૂક્યું.

"મેમાન, નગીનભય તો મારા ભાય જેવો સે.અમે હલકટ માણસો ભાન ભૂલ્યા,અમને માફ કરો.હું આ ગામની દીકરી થઈને બે પૈસા હાટુ થયન બીજી દીકરીનો ભવ બગાડી નાખું તો મને મારી મેલડી મા કોયદી માફ નો કરે.આ હંધુય અમે નગીનભય પાંહેથી પયસા પડાવવા હાટુ થયને કર્યુંતું.ઇમણે પયસા દેવાની ના પાડી એટલે અમે ઈમની આબરૂ પાડી.પણ અમને નો'તી ખબર્ય કે તમે ઈમની દીકરીને જોવા આયા હયશો. અમને ઈમ હતું કે બીજા કોક મેમાન આવવાના હયશે.હવે જો તમે આંયથી ઈમનીમ જાવ તો હું મારો જીવ દઈ દશ..!" કહી ધમુ ઇનોવાના આગળના વહીલ પાસે જમીન પર સુઈ ગઈ.

સામેની દુકાનના બારણે ઉભેલો નગીનદાસનો જાની દુશ્મન હબો આ જોઈ તરત જ દુર્લભદાસ પાસે આવીને બોલ્યો,

"મારી દુકાન હામે જ છે, નગીનદાસ જેવો સીધો માણહ અમારા ગામમાં ગોતવા જયે પણ નો મળે. અને નિનાબેનની તો વાત જ નો થાય.ભણવામાં તો હુંશિયાર છે પણ આજદિન સુધી નજર ઊંચી કરીને કોયદી બજારે હાલી નથી.આવી દીકરી દીવો લયને ગોતવા જાશો તોય નય મળે.અને આ લોકો તો કાયમ આવું જ કરે સે.તખુભાબાપુએ આ લોકોને બેચારવાર ધમર્યા તોય સુધરતા નથી.સાવ નકામીના છે. સર્પસનેય ગાળ્યું દે સે.અટલે આવાવના બોલ્યાં હામુ જોતા નહીં, નકર તમારા દીકરા માટે એક હારામાં હારી વહુ તમે ગુમાવશો.
રોકાવ તો જમીને પાન ખાવા મારી દુકાને જરૂર આવજો.હું પે'લા મસ્ત મસાલા સોડા પાશ પછી એવા પાન ખવાડીશ કે અમદાવાદ હુધી સવાદ મોઢામાં રે'શે." કહી હબો એની દુકાનમાં જતો રહ્યો.

ધરમશીએ પણ બહાર આવીને બે હાથ જોડ્યા.

"અમારી ભૂલ થઈ માઈબાપ.આ પાપમાંથી અમને બસાવી લ્યો.હવે કોયદી આવું નય કરવી, પણ એક દીકરીનું ભાગ અમારા હાથે નંદવાય જાહે તો જીવતે જીવ અમને જીવડાં પડશે બાપ,પાસા વળો, મેમાન પાસા વળો..!"

"ચમનલાલ, આપણે એક મોટી ભૂલ કરી નાખત.ચાલો હવે તો નગીનદાસને વેવાઈ બનાવીને જ જઈશું.." દુર્લભદાસે ઓટલા પાસે નિરાશ થઈને ઉભેલા ચમનલાલને કહ્યું.

વરસાદ પડતાં ઢેફૂં ઓગળી જાય એમ ચમનલાલની ઉદાસી ઓગળી ગઈ ! અને ગરમતેલમાં પાણીનું ટીપું પડતા ઉઠતા છમકારા જેવી ખુશી વિરલના ચહેરા પર છવાઈ ગઈ.પપ્પાનું એ વાક્ય સાંભળતા જ એ ઠેકડો મારીને ડ્રાઈવરની બાજુની સીટમાંથી નીચે ઠેકયો.

''ચાલો પપ્પા, મને નીના પસંદ છે.
I like her.."

"We aslo likes her.."કહી વિરલની બહેનો પણ ઉતરી પડી.

ખડકીમાં પુનઃ પ્રવેશેલા મહેમાનોને જોઈ નગીનદાસના ચહેરા પર અજગરના ઝડબામાંથી જીવતા છૂટી ગયેલા સસલાને થાય એવી ખુશી પ્રગટ થઈ. ધરમશી નામનું ગ્રહણ નીનાની સગાઈ નામના ચંદ્રને મુક્ત કરી ચૂક્યું હતું.

"હાલ્ય ઘર ભેગી થા, નગીનદાસ નો સીવી દે તો તારે ચ્યાં પોલકાની તાણ્ય સે.હું હજી જીવું સુ.એક કેતા એક હજાર પોલ્કા તને પેરાવીશ.હું કોણ ? ધરમશી ધોકાવાળો !"

મહેમાનને રોકવા ઇનોવા આગળ સુઈ ગયેલી ધમૂડીનું બાવડું પકડીને ધરમશીએ ઉભી કરી.બેઉ એક મોટા પાપમાંથી બચી ગયા હોવાનો હાશકારો લઈને ઘર તરફ હાલતા થઈ ગયા !

(ક્રમશ :)