MOJISTAN - 44 in Gujarati Humour stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 44

મોજીસ્તાન - 44

મોજીસ્તાન (44)

ગામના લોકોના વ્યવહારથી વજુશેઠ ખૂબ નારાજ રહેતા હતા.
હંમેશા એકબીજાની ટાંટિયાખેંચ અને મારામારીના સમાચાર સાંભળી સાંભળીને તેઓ સાવ કંટાળી ગયા હતા.સરપંચપદે ચૂંટાઈ આવેલો હુકમચંદ સતત કાવાદાવા કરી રહ્યો હતો.ગટર લાઈનમાં થયેલા ગોટાળા સંદર્ભે મામલતદારને રજુઆત કરવા છતાં હજી કોઈ પરિણામ આવ્યું નહોતું.

વજુશેઠના ચાર પુત્રોએ મુંબઈમાં
સારો એવો કારોબાર જમાવ્યો હતો પણ માબાપને લગભગ ભૂલી ગયા હતા.એકવાર વજુશેઠ મુંબઈ જઈને પુત્રોનો પોતાના પ્રત્યેનો પ્રેમ જોઈ આવ્યા પછી એમણે મુંબઈની દિશામાં જોવાનું પણ ટાળ્યું હતું.વર્ષોજુની પેઢી સંભાળે એવું હવે કોઈ રહ્યું ન હોવાથી પોતાની મુડીની સખાવત કરીને જિંદગીમાં જાણે અજાણ્યે થયેલા પાપ ધોઈ નાખવાનું એમણે નક્કી કર્યું.

આ માટે ધર્મસ્થાનોમાં દાન કરવાને બદલે એમણે નવો જ રસ્તો અપનાવ્યો.રાણપુર બરવાળા અને બોટાદની સરકારી શાળાઓ અને હોસ્પિટલોની મુલાકાત લઈને ભણવામાં તેજસ્વી વિધાર્થીઓના ભણતરનો અને ગરીબ દર્દીઓની સારવારનો ખર્ચ ઉઠાવવા લાગ્યા.બોટાદની બેંકમાં ખાતું ખોલાવીને સારી એવી રકમ એમણે બેંકમાં મૂકી દીધી હતી.દરેક શાળાના હેડ માસ્તર અને દરેક હોસ્પિટલના હેડ ડોકટરને એમણે પોતાનો નંબર આપી રાખ્યો હતો.ગમે ત્યારે, ગમે તેને આર્થિક મદદની જરૂર હોય તો વજુશેઠે જાતે તપાસ કરીને મદદની સરવાણી વહેતી કરી હતી.ગામમાં પણ એમની દુકાને નોકરો રાખીને એકદમ નહિ નફો નહિ નુકસાનના ધોરણે વ્યાપાર શરૂ કર્યો હતો.

છ મહિનામાં આખા પંથકમાં વજુશેઠની નામના થઈ ગઈ હતી.
ધોમ ધખતા તાપમાં વજુશેઠ એક વિશાળ વડલો થઈને ઉભા રહી ગયા હોવાથી દુ:ખિયારાના બેલી તરીકે પ્રસિદ્ધ થઈ રહ્યા હતા.

વજુશેઠની આવી પ્રસિધ્ધિને કારણે રાજકીયપક્ષ ખોંગ્રેસ અને લોકપાલન પાર્ટીના આગેવાનોએ એમને પોતાના સપોર્ટમાં લેવા ગતિવિધિ શરૂ કરી હતી.

ધારાસભ્ય ધરમશી ધંધુકિયાએ હુકમચંદને આ કામ સોંપ્યું હતું.અને વિરોધપક્ષના નેતા ચમન ચંચપરાએ રણછોડને વજુશેઠ નામની ગાવડીને પોતાની ગમાણે બાંધી દેવા કામે વળગાડ્યો હતો.

ગામના ગટરલાઈન કૌભાંડમાં ઉભા સલવાયેલા તખુભાને ખોંગ્રેસમાં લઈને વજુશેઠ સુધી જઈ શકાય તેમ હતું.તખુભા સામે તપાસ થઈ હોવાથી તખુભા પોતાનો ગુનો કબુલીને ગટરલાઈન પોતાના ખર્ચે નાખી આપવા તૈયાર થયા હતા એ ધરમશી ધંધુકિયાને બહુ ગમતી વાત ન હતી.એકવાર ભલે ભૂલથી પણ ભ્રષ્ટાચારમાં કાળા કરેલા હાથ ગમેતેમ કરો તો પણ ધોઈ શકાતા નથી. ભ્રષ્ટાચારના ભમરિયા કુવામાંથી બહાર નીકળવા માંગતા તખુભાનો ટાંટિયો ખેંચીને એમને પાછા અંદર જ પાડવાના કારસ્તાન હુકમચંદ વિચારી રહ્યો હતો.

ચમન ચાંચપરાએ મામલતદારને દબાણ આપીને તખુભાને ફરી તાલુકા કચેરીએ બોલાવડાવ્યા હતા.એ વખતે રણછોડે એમને પોતાના પક્ષમાં આવી જવાની ઓફર આપી હતી.પણ તખુભા એમ તરત જ જાળમાં ફસાઈ જાય એવી માછલી નહોતા.

રણછોડે તખુભા સાથે થયેલી વાતચીતનો અહેવાલ ચમન ચાંચપરાને આપ્યો હતો.ચમન ચાંચપરા ખૂબ ખંધો અને બાહોશ રાજકારણી હતો.જો તખુભા સીધી રીતે પોતાની પાર્ટી જોઈન્ટ કરીને વજુશેઠને સપોર્ટમાં લાવવાનું કામ ન કરે તો બીજી યોજનાએ પણ એના દિમાગમાં
આકાર લઈ લીધો હતો.

રણછોડને આ યોજના એમણે સમજાવી હતી.પણ એ જ દિવસે રણછોડનો રોડ અકસ્માત થયો.
એ અકસ્માત હતો કે કોઈએ જાણી જોઈને રણછોડનો ખેલ પાડી દીધો એ તપાસનો વિષય હતો.

*

વજુશેઠનું વજન જેટલું ચમન ચાંચપરા સમજતો હતો એટલું જ
ધરમશી પણ સમજતો હતો.એના માટે હુકમચંદ હાથવગું હથિયાર હતો.જે સીધો જ વજુશેઠ સુધી પહોંચી શકે તેમ હતો. જ્યારે ચમનનું હથિયાર રણછોડ હતો અને રણછોડને કોઈએ રણ છોડાવી દીધું હતું.

ધરમશીએ સમજાવ્યા મુજબ હુકમચંદ એક રાત્રે વજુશેઠના ઘેર ચા પાણી પીવા ગયો.

"વજુશેઠ બહુ ઓછા સમયમાં તમે આખા પંથકમાં જાણીતા થઈ ગયા હો.ખૂબ સારી પ્રવૃત્તિ તમે શરૂ કરી.લોકસેવા એ જ પ્રભુસેવા છે એ મંત્રને તમે જીવનનો મંત્ર બનાવીને બાકીની જિંદગીમાં બહુ મોટું પુણ્ય કમાઈ રહ્યા છો."
હુકમચંદે બંડીના ખિસ્સામાંથી સૂડી અને સોપારી કાઢીને કહ્યું.

"જો ભાઈ હુકમચંદ, હું કંઈ નામ કમાવા માટે આ બધું કરતો નથી.
મારા વડવાઓએ આ પંથકમાં વેપાર કરીને ગુજરાન ચલવ્યું હતું.અમારી પેઢીઓ અહીં જ ઉછરી અને મોટી થઈ.અમારા બાપદાદાઓ જે રીતે વેપાર કરતા એ કંઈ સાવ સીધો સાદો નહોતો.
ક્યારેક કોઈને જાણે અજાણ્યે છેતર્યા હશે, કોઈની જમીન લખાવી લીધી હશે, ઘણા ખેડુને વ્યાજના ચક્કરમાંથી ઊંચા આવવા નહીં દીધા હોય.એ બધું પાપ કોકે તો ધોવું પડશેને ! જો કે બધા કંઈ એવા નો'તા પણ ધંધો છે ભાઈ,ક્યારેક કોકનું અણહકનું આવી ગયું હોય તો એ ઋણ આ ભવમાં નો ઉતારીએ તો આવતા ભવમાં ઉતારવું પડે છે.કોકને ત્યાં બળધીયો થઈનેય કરમનો બદલો
વાળવો પડે છે. મારા છોકરાને મારી મૂડીની જરૂર નથી અને હાચુ કવ તો મારીય જરૂર નથી.તો હવે જેનું છે એને જ આપી દવ તો હું કાંય ઉપકાર કરતો નથી હમજ્યો ભાઈ હુકમચંદ ?"

વજુશેઠ એમના વૃદ્ધ પિતા કેસાશેઠના ખાટલે બેસીને એમના પગ દબાવતા હતા એ જોઈ હુકમચંદને નવાઈ લાગી.આખી રાત ખાંસતા રહેતા પોતાના પિતા એને સાંભરી આવ્યા.

"તમે આ ઉંમરે પણ તમારા બાપુની સેવા કરો છો ?આમ પગ દબાવો છો ? એ ક્યાં ખેતરે ગયા હોય તે તમારે પગ દબાવવા પડે ? આખો દિવસ દુકાનમાં ધડીકા લય લયને તો તમે જ થાકી જાતા હશો.." હુકમચંદે સૂડીથી વાતરેલી સોપારી મોંમાં નાખતા કહ્યું.

"હુકમચંદ, આ તો આપણા નસીબ કેવાય.બાપના પગ દબાવવા મળે એવું નસીબ તો કોકનું જ હોય.આપણા સાસ્તરમાં કીધું છે કે માબાપના ચરણોમાં સ્વર્ગ હોય છે.બાપના પગ દબાવવામાં શરમ નો હોય.મારા કમનસીબે મારી મા તો બહુ સમય થયો મને મૂકીને ધામમાં જતી રઈ એટલે માની સેવા કરવાનું સદભાગ્ય તો મને નો મળ્યું.પણ બાપાની પગ દબાવીને મારા મનને બહુ રાજીપો થાય છે."

"આ વજુશેઠ સાલ્લો સાવ વેદિયો છે." એમ મનોમન બબડીને હુકમચંદ બોલ્યો,

"બહુ સારું કેવાય હો ! તમેં તો મારી આંખ્યું ઉઘાડી.તમારી કને ગનાનનો ભંડાર છે."

"બધી ઉપરવાળાની દયા છે ભાઈ.
હવે મેઈનવાત ઉપર આવ્ય.કોઈ દી નહીંને આજ મારા ઘરે પગલાં પાડવાનું કંઈક કારણ તો હશે જ.
હુકમચંદ સરપંચ સાવ ઠાલો ઠાલો કોઈના ઘરે જઈને સોપારી વાતરવા બેહે ઈ વાતમાં માલ નથી"

"તમેં ભલામાણસ,વેપારી રિયા એટલે બધી વાતમાં માલ જ દેખાય.બાકી હું તો તમારી સલાહ લેવા આવ્યો છું"

"બવ કે'વાય,વેપાર મૂકીને રાજકારણમાં પડેલો માણસ પાછો વેપારીની સલાહ લેવા આવે ? ગળે ઉતરતું નથી.." વજુશેઠે કહ્યું.

"તમે વડીલ છો.વળી તમારી હાટડીએ આખું ગામ આવતું હોય.હું ગામનો સરપંચ ચૂંટાયો એ તમારા પ્રતાપે. કારણ કે તખુભાએ વરસો સુધી વહીવટ કરીને બધુ ઠેકાણે પાડી દીધું હતું. ગટરલાઈનના રૂપિયા ગળચી જ્યા અને ગામની બજારો એવીને એવી ખદબદે છે. તમે બે તણ અરજી કરી પણ કોઈ ફેર પડ્યો નથી.તો હવે આનું શુ કરવું એની સલાહ લેવીતી."

"હાચુ કવ ? જો હુકમચંદ તખુભાએ જે કર્યું ઈ. પણ હવે પોતે ઘરના રૂપિયે ગટરલાઈન નાખવાના છે.પણ આ પાણીની લાઈનમાં જે ગોબચારી ચાલુ થઈ છે એનું શું ? તેં ઓલ્યા માનસંગ અને ગંભુને કોન્ટ્રાકટ આપી દીધો.
આમાં રવજી અને સવજીનોય ભાગ છે એમ મેં સાંભળ્યું છે.તો તમે બધા ભેગા થઈને પાણીની પાઈપલાઈનું નાખવના છો કે ગળી જાવાના છો ઈ પે'લા સોખ કર્ય.."

હુકમચંદ વજુશેઠ સામે જોઈ રહ્યો.નાની ઓસરી અને બે ઓરડાના મકાનના ફળિયામાં લાદી નાખેલી હતી. હુકમચંદને બેસવા ખુરશી આપી હતી અને વજુશેઠ એમના પિતાજીના ખાટલે બેસીને એમના પગ દબાવી રહ્યા હતા.ઓસરીની ધાર પર લગાવેલી ટ્યુબલાઈટનું અજવાળું વજુશેઠના ચહેરાને અજવાળી રહ્યું હતું. વજુશેઠ એમના કાળી ફ્રેમવાળા જાડા કાચના ચશ્મામાંથી જાણે કે હુકમચંદને વીંધી રહ્યા હતા.

"પાણીની લાઈનમાં એક રૂપિયાનોય ભ્રષ્ટાચાર થાય તો તમારું ખાસડું અને મારું માથું બસ ? ખોટું કરીશ નહીં ને ખોટું થાવા દઈશ નહીં.અને જેણે ખોટું કર્યું છે એને એમનીમ જાવા દઈશ નહીં.એટલે જ તો હું આવ્યો છું."

"ભરી બજારે માથામાં ખાહડું મારીશ હો ? હુકમચંદ તું મને છેતરવો રે'વા દેજે.આમ ગોળ ગોળ વાતું કર્યા વગર સીધે સીધું જે કહેવું હોય એ બોલવા માંડ્ય. બાપુજીને હવે સુવાનો સમય થયો છે.."વજુશેઠે જરાક ઊંચા અવાજે કહ્યું.

"તખુભાએ ગટરલાઈનમાં ગોટાળો કર્યો'તો બરોબર ?"

"હા, પણ હવે એ ભૂલ સુધારવાના છે ને !"

"એટલે પેલા ભૂલ કરવાની,પછી પકડાઈ જવાય તો સુધારી લેવાની
ને નો પકડાય તો બોલો ભાઈ જે સીતારામ, એમ જ ને ?"

"એટલે તું શું કહેવા માંગસ ભઈ.
વાતમાં બવ મોણ ઘાલ્યા વગર હવે ભસી નાખ્યને !" અત્યાર સુધી શાંતિથી સુતા સુતા વાતો સાંભળી રહેલા કેસાશેઠે બેઠા થઈને કહ્યું.

"હું ઈમ કહું છું કે તખુભાને સજા થવી જોઈએ. પોતાના પૈસાથી ગટરલાઈન નાખી દેવાનું સ્વીકાર્યું છે.મતલબ ગુનો કર્યો છે ઈ તો દીવા જેવું સોખ્ખું જ છે.તો ગુનાની સજા પણ હોવી જોવે. નકર કાલે ઉઠીને બધાય આવું જ કરશે.દાખલો બેહવો જોવે કે વજુશેઠ જેવા માણસો જે ગામમાં જીવતા હોય ન્યા કોઈથી કાંય આઘીપાસી નો થાય."

"તો હું ક્યાં તારા હાથ પકડી રાખું છું ? કરને ફરિયાદ ? તું પણ ક્યાં દૂધે ધોયેલો છે ?" વજુશેઠે કહ્યું.

"હાથ પકડી નથી રાખતા એમ ગુનેગારને ટેકો તો કરો છો કે નહીં ? એટલે તમેય ગુનેગાર થયા કે નહીં ?"

"સુ બકસ અલ્યા ?" કેસાશેઠને ઉધરસ આવી ગઈ.

"તો હવે લ્યો સાવ ચોખ્ખું જ કહી દવ.તખુભાને તમે વગર વ્યાજના રૂપિયા દેવાના છો.એમનો ગુનો ઢાંકવામાં તમે મદદ કરીને એમની મેલી પછેડી તમે ધોવરાવી રહ્યા છો.મને ખબર્ય છે તખુભાએ પાંચ લાખ ઉછીના માગ્યા છે.અને તમે હા પાડી છે."

વજુશેઠ વિચારમાં પડી ગયા.

જો વજુશેઠ પૈસા ન આપે તો તખુભાનું કામ અટવાય.ઉપરથી પ્રેશર વધે તો તખુભા ફિટ થઈ જાય અને એમને ભ્રષ્ટાચાર કરવા બદલ સજા થાય.જો વજુશેઠ મદદ કરે તો તખુભા બગડેલા હાથ ધોઈ નાખે અને સજામાંથી બચી જાય.આ વાત હુકમચંદને માફક
આવે એમ નહોતી એટલે એ વજુશેઠની સમજાવી રહ્યો હતો.

હુકમચંદે એવો કારસો કર્યો હતો કે તખુભાને મળતી વજુશેઠની મદદ અટકાવવી.બીજે ક્યાંયથી પણ એમને મદદ પહોંચવા દેવી નહીં.અને ઉપરથી સતત પ્રેશર વધારવું. કોઈપણ હિસાબે તખુભાને ગટરલાઈનનું કામ કરવા દેવું નહીં. છેલ્લે ધરપકડ કરવા વોરન્ટ પણ કઢાવવું. અને ધરપકડમાંથી બચવા ઝખ મારીને ધરમશી ધંધુકિયાનો હાથ પકડવા મજબૂર કરી દેવા.એટલે ગામમાં મારો કોઈ વિરોધી રહે નહીં. વજુશેઠનો કંઈક વહીવટ પછી કરી નાખવો.અને જો તખુભા એલપીપીમાં જોડાવાને બદલે ખોંગ્રેસમાં જોડાય તો ખોંગ્રેશને ભ્રષ્ટાચારીને આશરો આપનારી પાર્ટી તરીકે બદનામ કરવી.અને વજુશેઠના આશીર્વાદ મેળવવા. આમ હુકમચંદે એક કાંકરે બે પક્ષી મારવાની યોજના બનાવી હતી.

વજુશેઠ વિચારમાં પડી ગયા એ જોઈને હુકમચંદે કહ્યું, "આમ તમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અરજી કરો છો અને પાછલા બારણે એને રૂપિયા આપીને છાવરો છો.આમાં અમારી જેવા રાજકારણની ગંદકી દૂર કરવા વેપાર ધંધા મૂકીને રાજકારણના ગંદા ખાડામાં ઉતર્યા હોય એને એમાં જ દાટી દેવાની પેરવી કરો છો.વજુકાકા, આમ બેય હાથમાં લાડવા રાખીને તમે કાંય ખોટું તો નથી કરી રિયા ને ?
અમારી જેવાને બુઠ્ઠી તલવાર લઈને લડવા મોકલો છો ને સામેવાળાને તોપ આલો છો !
મારી વાત ઉપર જરાક વિચાર કરી જોજો.ચાલો હવે બાપુજીને સૂવું હશે, હું જાઉં" કહી હુકમચંદ ઉભો થઇ ગયો.

"હુકમચંદ હાચુ કે સે બટા વજુ.
આ તો ચોરને કેવાનું કે જા ચોરી કર્ય ને પસી શાવકારને કેવાનું કે જાગતો રે'જે એવો ઘાટ થિયો.
તખુભાને ઇમના કરમનું ફળ ભોગવવા દે.રૂપિયા દઈને એના કાળા કામ ઉપર ઢાંક પિસોડો કરવામાં આપડે મદદ નો કરાય."
કેસાશેઠે ફેંસલો સંભળાવી દીધો.
હુકમચંદના ચહેરા પર વિજયી સ્મિત આવીને વિલાઈ ગયું.

વજુશેઠને પ્રણામ કરીને હુકમચંદ હંકારી ગયો.વજુશેઠ ખડકી બંધ કરીને ખાટલામાં પડ્યા.

"એક રીતે આ હુકમો હાળો હાચુ જ કે છે.! તખુભાને કંઈક બહાનું બતાવવું પડશે." એમ વિચારીને વજુશેઠ સુઈ ગયા.

*

રવજીના ઘેર કથાનું પાકું કરીને નીકળેલા તભાભાભા ઘેર પહોંચ્યા ત્યારે સાંજના સાડા સાત થઈ ગયા હતા.બાબો હજી ઘેર આવ્યો નહોતો.ગોરાણી ઘરના વાડામાં વાલેવા લીમડા નીચે ખાટલો ઢાળીને ચોખા સાફ કરી રહ્યા હતા.

"બાબો ક્યાં ગયો છે ? હજી ઘેર આવ્યો નથી.સંધ્યા આરતી કરવાનો સમય થઈ ગયો છે.અને કાલે રવજીના ઘેર કથા વાંચવાની છે." ભાભાએ પનિયુ ખીટીએ ટાંગતા કહ્યું.

"બાબો તો એના ભાઈબંધ ટેમુ હાર્યે બારગામ ગયો.સવજીનો છોકરો શેરમાં ભણે છે ઇનો ફોન આવ્યો'તો તે ટેમુ હાર્યે જ્યો."
ગોરણીએ કહ્યું.

"અરે પણ એમ બહારગામ જવાય આપણાથી ? બહારનું ભોજન આપણે ન લેવાય એટલી પણ આપણા પુત્રને ભાન નથી ?
અરે પાણી પણ ન પીવાય.પવિત્ર ખોળિયું અભડાઈ જાય, મને પૂછવાય ઉભો નો રિયો ?" ભાભા ખિજાયા.

"તમે શું ઈમ માનો છો કે આપણો દીકરો ખીળિયું અભડાવે ? પાણીનો બાટલો ભરીને સાથે લય જિયો સે.અને ખાવામાં તો સીધું લઈને જાતે જ રાંધીને ખાશે. ટેમુ ઈની દુકાનમાંથી બધું લેતો જવાનો હતો.ટેમુ દીકરો બવ સારો સોકરો સે.આપડા બાબાનો ભાઈબન સે અટલે જરીકેય ઉપાધિ જેવું નથી.
હાલો રસોઈ બનાવું, શુ જમવું સે આજ ?" ગોરાણીએ હસીને કહ્યું.

"પણ મને પૂછ્યું કેમ નહિ ? આમ જ્યાં જવું હોય ત્યાં ચાલતું થઈ જવાનું ? હું શું ના પાડવાનો હતો ? પૂછવું તો જોઈએ કે નહીં ?" ભાભા હજી ગરમ હતા.

"તમને ઈમ લાગેસ કે આપડો પુત્ર તમને એટલે કે એના પિતાને પૂછ્યા વગર એક ડગલુય આગળ મેલે ? તમને ફોન કરી કરીને થાક્યો, પણ તમે કોણ જાણે ક્યાં જઈને ભરાણા તે તમારો ફોન જ નો લાગ્યો.પસી આખા ગામમાં ગોતવા નીકળ્યો.પણ તમે ચ્યાંય જડયા નહીં. પછી મોડું થાતુંતું અટલે મારી આજ્ઞા લઈને જિયો.
ઠેઠ હુધી પિતાજીની આજ્ઞા ન લઈ હકયો એટલે બચાડો અફસોસ કરતોતો.પણ મેં પછી કીધું કે મારી આજ્ઞા છે એટલે જા બેટા"

"પણ એ ક્યાં ગયો છે ? બા'રગામ એટલે કયા ગામ ગયો ? કંઈ નામ ઠામ કે ઠેકાણું દેતો ગયો છે કે નહીં ?" ભાભા અકળાઈ રહ્યા હતા.એમને મન બાબો હજી બાળક જ હતો.હજી સુધી એને ક્યાંય જવા દેતા નહોતા.આજ પહેલીવાર બાબો એમની વગર બહારગામ ગયો હતો.પોતાના અત્યંત વ્હાલા પુત્રને કંઈ થઈ તો નહીં જાય ને ? એ ચિંતા બાબાની ગેરહાજરીમાં એમને સતત સતાવતી રહેતી.

"પણ એમ સાવ સું હાંફળા ફાંફળા થયન ફરતા હશો.તમે ઈમ માનો સો કે આપણો પુત્ર.."

"તું મૂંગી રે બાપા.આપણો પુત્ર આપણો પુત્ર ચોંટી છો તે,એમ એને જવા દેવાય ?"

"હેં..એં..? આ તમે સુ બોલ્યા ? હે ભગવાન તમારી મતિ મારી જઈ નથી ને ? સુ બાબો આપણો પુત્ર નથી ? સુ ઇની ઉપર મારો કોય હક નથી ? સુ મેં ઈને જમન નથી આપ્યો ? સુ ઇ મારી આજ્ઞા લઈને નો જય હકે ? હે ભગવાન એમના મોઢામાંથી આવા શબ્દો ચીમ નીકળ્યા ? હે ભગવાન મેં એવા તે કેવા પાપ કર્યા સે કે આજ મારો પુત્ર મારી આજ્ઞા પણ લઈ શકતો નથી.એના પિતાજી આપણો પુત્ર કહેવાની ના પાડી રહ્યા છે !હવે આ સંસારમાં હું કેમ જીવીશ ?" કહી ગોરાણી રડવા લાગ્યા.

"તમે રડો નહીં. જમન નહીં પણ જનમ કેવાય.તમે જ મારા પુત્રની એકની એક મા છો એમાં કોઈ શંકાને સ્થાન નથી.પણ હું એમ કહું છું કે એ ક્યાં ગયો છે એ તમારે પૂછવું તો હતું એમ !''
ભાભાએ ઢીલા થઈને કહ્યું.અને ફળિયામાં બીજો ખાટલો ઢાળીને બેઠા.

"તમે સુ એમ સમજો છો કે આપણા પુત્રને મેં નહીં પૂછ્યું હોય ? આપણો પુત્ર કેટલો ડાહ્યો છે ઈ તમને ખબર નથી ? આપણો પુત્ર એના મિત્ર સાથે ક્યાંક બહાર જતો હોય તો એને થોડી ખબર હોય કે ક્યાં જવાનું છે ? " ગોરાણીએ ફરી આંસુ લૂછયા.

"પણ તો એના મિત્રને તો પૂછવું જોઈએ કે નહીં. તમે હવે રડવાનું બંધ કરોને ભાઈશાબ, નાની વાતમાં આમ રડવાનું કેમ સુજે છે તમને ?"

"તે તમે સુ ઈમ સમજો છો કે આપણા પુત્રના મિત્રને મેં નહીં પૂછ્યું હોય ? સુ તમે મને બુધી વગરની સમજો છો ? અને આ નાની વાત સે ? તમે ચ્યારના મને કારણ વગરના વઢો સો તે રોવું તો આવે જ ને ! હમણેથી તમારો સ્વભાવ બવ બગડી જિયો સે.લાભુ દાગતરે મને કીધું'તું કે આ દવાથી નો ફેર પડે તો મોટા દવાખાને દેખાડવું પડશે.હે ભગવાન આટલી નાની ઉંમરમાં તમારું મગજ સાવ ગંધય જેલા બટાટા જેવું થઈ જયુ કોણ જાણે કયા કરમ આડા પડ્યા.હે ભગવાન,કોણ જાણે સુ થાવા બેઠું સે.ગામને સરાપ દેતા માંડ રોક્યા પણ પોતે મગજ ગુમાવી બેઠા.
મારા તો કરમ ફૂટ્યા.તમે આમ અધવચ્ચે મૂકીને વ્યા જાશો તો મારું ને આપણા પુત્રનું સુ થાશે ઇનો વચાર કર્યો સે કોઈ દી ?"
ગોરાણીએ ચોખામાંથી કાંકરા ફેંકવાને બદલે ચોખા જ ફેંકવા માંડ્યા.

"તમે હવે ના બોલશો ભાઈશાબ.
આ ચોખા કેમ ફેંકવા માંડ્યા છો ? મગજ તો તમારું ઠેકાણે નથી, બાબાની બા હવે બોલવાનું બંધ કરો ને રસોઈ બસોઈ કરો.."
ભાભાએ કંટાળીને ફોન કાઢ્યો.
'આને પૂછવાને બદલે ડાયરેકટ બાબાને જ ફોન કરીને પૂછી લેવાનું મને કેમ ન સુજ્યું ' એમ બબડીને ભાભાએ બાબાને ફોન કર્યો.પણ એ અનરિચેબલ આવતો હતો.

"હા, હા આ ઘરમાં બોલવાનો અધિકાર તો તમને જ સે ને.અમે તો અસ્ત્રીની જાત, તમારા સરણો ધોઈને તમારી પૂજા જ કરવાની.
કાંય કરતા કાંય કે'વાતું નથી ત્યાં તો ત્રીજું નેત્ર ખોલે સે.આખા ગામ ઉપર ક્રોધ કરે સે.અને ઘરમાંય ક્રોધ કરે સે.બે વેણ પ્રેમના બોલવાનું તો તમને કોઈ દી હુંજતું જ નથી.જાણે અમારે તો જીવ જ નહીં હોય.બસ, ઘરમાં ઢોર ઘોડયે
ઢહડા કર્યા કરો. તમને મગજનો કોક રોગ થિયો સે ઈમ લાભુ દાગતરે મને કીધું સે."

ભાભા આંખો ફાડીને ગોરાણીનવા જોઈ રહ્યા.હવે શું બોલવું એ એમને સૂઝતું નહોતું !

(ક્રમશ :)

Rate & Review

Jainish Dudhat JD

Mast character 6 aa gorani 😁😁😁😁😁😁

Mp Mpnanda

Mp Mpnanda 7 months ago

Parash Dhulia

Parash Dhulia 8 months ago

Vijay

Vijay 8 months ago

Viral

Viral 9 months ago