MOJISTAN - 54 in Gujarati Humour stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 54

મોજીસ્તાન - 54

મોજીસ્તાન (54)

"તો પછી ફોન કોણ કરતો હોય ? હબો તો ન જ કરતો હોય, કારણ કે એને જે કહેવું હોય એ મોઢામોઢ જ કહી દે છે.એ કંઈ મારાથી કે ભાભાથી બીવે એવો નથી. નગીનદાસ સાથે કાયમનો ડખો હોવા છતાં આ હબાએ એના મહેમાનને પાછા વાળ્યા એટલે બાબો હબા પર આફરીન પોકારી ગયો હતો. પણ હવે ભૂતને શોધવાનું કામ પાર પડવાનું હતું.

એ રાતે બાર વાગ્યે ભૂતનો ફોન આવ્યો. ભાભા ગાઢ નિંદ્રામાંથી જાગી ગયા.ઓશિકા નીચે હાથ ફંફોસી ચશ્મા ચડાવીને
ભાભાએ નંબર જોયો.એ નંબર ભૂતનો હોવાથી ભાભાની ઊંઘ ઊડી ગઈ.બાજુના ખાટલામાં ગોરાણી નસકોરા ગજવીને ઓરડામાં બળતા ઝીરોના લેમ્પના આછા અજવાળાને વધુ ભેંકાર બનાવી રહ્યા હતા.

બાબો ઘરની પાછળના ફળિયામાં ખાટલો નાખીને સૂતો હતો.ફોનની રિંગ સતત વાગતી હતી,ભાભા ઝડપથી ઉઠવા જાય એ પહેલાં રસોડામાં વાસણ ખખડવાનો અવાજ આવ્યો. ભાભાએ ઉઠીને લાઈટ કરી.

ભાભાના ખાટલા પર કાળું કપડું માથા પર નાખીને એક જણ બેઠો હતો.ભાભાના ડોળા તગતગી રહ્યાં. જીભ તાળવે ચોંટી ગઈ.રાડ પાડવા એમણે મોં ખોલ્યું પણ ગળામાંથી અવાજ જ નીકળ્યો નહિ.

પેલો ઓળો થોડીવારે ઉભો થયો.
ભાભા પાસે આવીને એ હળવેથી બોલ્યો, ''તભાગોર..હું લખમણિયો..બસ્સો ઓગણ.. હે હે હે.."

ભાભા કંઈ બોલે એ પહેલાં જ લાઈટ ચાલી ગઈ. ઓરડામાં અંધારું ફરી વળ્યું.ભાભાને વગર ડાકલે માતા આવી હોય એમ ધ્રુજારી ઉપડી. ઓરડાના બારણામાં જ ''બાબાઆ...આ...''
એવી ચીસ નાખીને ભાભા ઢગલો થઈને ઢળી પડ્યા.

ફળિયામાં સૂતેલો બાબો ભાભાની ચીસ સાંભળીને જાગ્યો.
એકદમ ઉઠીને એ અંદર આવ્યો.
એ જ વખતે લાઈટ આવી જતા ઓરડામાં અજવાળું થયું. બારણામાં કપાયેલા ઝાડની જેમ ફસડાઈ પડેલા ભાભાને બાબાએ જોયા.એ જ વખતે બહારની જાળી ખખડવાનો અવાજ આવ્યો.કોઈ જાળી ખોલીને બહાર ગયું હોય એમ બાબાને લાગ્યું પણ અત્યારે ભાભાને ભાનમાં લાવવા જરૂરી હતા.

પાણીયારે જઈ બાબો પાણીનો લોટો ભરી આવ્યો.ભાભાના મોં પર પાણી છાંટયું.

"પિતાજી..પિતાજી શું થયું તમને ?
આંખ ખોલો...હું બાબો છું..''

બાબાના અવાજે ભાભાને ભાન આવ્યુ. આંખ ખોલતા જ એમણે બાબાને જોયો.

"બેટા.. આ...મારા દીકરા...એ..એ
લખમણિયાનું ભૂત...આપડા ઘેર..
મારા ખાટલે બેઠું હતું..મને, મેં ઉભા થઈને લાઈટ કરી..લાઈટ કરી મેં...બેટા મેં લાઈટ કરી..કરી લાઈટ મેં બેટા.. બાબા...એ...એ..
લખમણિયો..બસ્સો ઓગણ..મેં લાઈટ કરી બાબા..આ..બાબા.."

"હા,પિતાજી તમે લાઈટ કરી.પણ પછી શું થયું.. બોલો..આગળ બોલો.." બાબાએ ભાભાનું માથું પોતાના ખોળામાં લઈ લીધું.
ભાભાએ લાઈટ કરી પછી શું થયું એ કહેવાની ઘણી કોશિશ કરી પણ આગળ એક શબ્દ એમનાથી બોલાયો નહીં. ભાભા ફરી ભાન ગુમાવી બેઠા હતા.

બાબાની રાડો સાંભળીને ગોરાણી જાગી ગયા. પથારીમાં પડ્યા પડ્યા એમણે ખોળામાં ભાભાનું માથું લઈને 'પિતાજી..પિતાજી...' કરતા બાબાને દીઠયો.

ગોરાણી સડક લઈને પથારીમાં બેઠા થઈ ગયા.જે દ્રશ્ય એમણે જોયું એનો અર્થ એમના તાજા જાગેલા મગજમાં આ પ્રમાણે થયો....

''હાય..હાય...આમ અડધી રાતે મને ઊંઘતી મેલીને હાલી નીકળ્યા.. અરે..રે...હે તમે આ શું કર્યું...મને વગડે રઝળતી મેલી...
અરે..રે...મને જગાડવી તો હતી..
હું તમારા મોઢામાં ગંગાજળ ને તુલસીનું પાંદડું તો મેલેત..તમને આ શું સુજયુ..બાબા..આ...આ.. દીકરા..તારા માથેથી અડધી રાતે છત્તર ઉડી જીયું.. હે ભગવાન તેં આ શું કર્યું..ઉ..ઉ...ઉ.."

બાબો ગોરાણીની પોક સાંભળીને ભડક્યો.એણે ભાભાના નાક આગળ આંગળી રાખી.ભાભાનો ગરમ ઉચ્છવાસ એની આંગળીઓ પર અથડાયો.

''મા તમેં આમ રાડો ન પાડો.મારા પિતાજી સ્વર્ગે નથી જતા રહ્યા.એ જીવે છે.તમે શાંતિ રાખો." બાબાએ જોરથી કહ્યું.

ગોરાણીએ મુકેલી પોક રાત્રીના ઠંડા વાતાવરણમાં ભળીને આજુબાજુમાં રહેતા પડોશીઓને જગાડવા ક્યારની ઉપડી ગઈ હતી.

આજુબાજુવાળા ''ભાભા તો ગિયા.. ''ના ફોન એકબીજાને કરીને ખભે ફાળિયા નાખીને ભાભાની જાળી આગળ ભેગા થયા. ગામમાં ફટાફટ ફોન ઉપર ફોન થવા લાગ્યા. હુકમચંદ અને તખુભાને જગાડવામાં આવ્યા.
તભાભા ગુજરી ગયા હોવાના સમાચાર આખા ગામમાં આગની જેમ ફરી વળ્યાં.નગીનદાસ, ટેમુ અને હબો પણ ભાભાને 'કાઢી જવા' આવી પહોંચ્યા.

એ વખતે બાબાએ ભાભાને ઉપાડીને એમનાં ખાટલે સુવડાવીને ઓરડાની લાઈટ બંધ કરી. ઝીરોનો નાઈટલેમ્પ બેભાન ભાભાના ચહેરા પર પ્રકાશ પાથરી રહ્યો હતો. બહાર શાંતિથી આખું ગામ ભેગું થઈને ઉભું હતું. બાબો ફળિયામાંથી જાગીને અંદર આવ્યો ત્યારે જાળી ખખડી હતી એટલે એ જોવા બહાર આવ્યો.
બહાર માણસોની મેદની એકઠી થયેલી જોઈને બાબાના અચરજનો પાર ના રહ્યો.એણે જાળીની અંદર અને બહાર લાઈટ ચાલુ કરી.

બાબો હજી કંઈ પૂછે એ પહેલાં આવી પહોંચેલા તખુભાએ બાબાને કહ્યું,

''બાબાલાલ હિંમત રાખજો.જે પરભુને ગમ્યું ઈ હાચુ..ઇના નિયાય પાંહે ચ્યાં કોઈનું હાલ્યું છે ? પણ આમ એકાએક શું થઈ જ્યુ ભાભાને..? હૃદયનો હુમલો બુમલો આવી જ્યો ?"

ત્યાં ટોળામાંથી કોઈએ રામધૂન ઉપાડી.
ઝીણા અવાજે સૌ રામધૂન ગાવા લાગ્યા.

''બંધ કરો..બંધ કરો..આ બધું.તમે લોકો શુ જોઈને દોડ્યા આવ્યા છો. તભાભાભા હજી જીવે છે. કંઈ મરી નથી ગયા..જાવ જાવ બધા ઘરભેગા થાવ..."

"બાબાલાલ ગાંડો થઈ જ્યો લાગે સે.બાપનું મોત નજર સામે થાય ઈ કયો દીકરો પસાવી હકે ? કોક બાબાને રોવડાવો અલ્યા !નકર બાબો સાવ ગાંડો થઈ જશે"
વજુશેઠે પરિસ્થિતિની ગંભીરતા સમજીને કહ્યું.

એ સાંભળીને ટેમુ તરત જાળી ખોલીને અંદર ગયો. તખુભા, હુકમચંદ, વજુશેઠ અને નગીનદાસ પણ એની પાછળ ભાભાની ઓસરીમાં ચડ્યા.

ડોશીઓએ રામધૂનની સ્પીડ વધારી.ધીરે ધીરે તાજી જ જાગેલી ડોશીઓ આવી આવીને રામધુનમાં ભળવા લાગી.

"દોસ્ત બાબા, હિંમત રાખ.હું તારી સાથે છું. એકદિવસ તો આપણે સૌએ આ વાસ્તવિક્તાનો સ્વીકાર કરવો જ રહ્યો.આજે તારા તો કાલે મારા પિતાજીનું અવસાન થવાનું છે એ નક્કી છે..
મૃત્યુ સનાતન સત્ય છે દોસ્ત, તું તો જ્ઞાની માણસ છો.તું જ આમ હિંમત હારી જઈશ તો કેમ ચાલશે.." ટેમુએ બાબાનો હાથ પકડ્યો.

ટોળામાં ઉભેલો મીઠાલાલ ટેમુની વાત સાંભળીને ચમક્યો.

"અલ્યા અડબુથ, હું કાંઈ કાલ્ય નથી મરી જાવાનો..મને મારી નાખવાની તારે આટલી ઉતાવળ શેની છે.મારો બેટો કપાતર પાક્યો છે.મને તો નખમાંય રોગ નથી ને હું ઈમ શીને કાલ્ય મરી જવ..હાલી શુ નીકળ્યો છો..!"

મીઠાલાલની વાત સાંભળીને બેચાર જણ હસ્યાં.એ જોઈ હુકમચંદ ખિજાયો..

"અલ્યા ભાભાનું મડું ઘરમાં પડ્યું છે ને તમને દાંત આવે છે ? ઘર ભેગીના થાવ..આંયા ગંભીર ઘટના બની ગઈ છે ને તમને દાંત આવે છે ?"

''અલ્યા ભાઈ ભાભા મરી નથી ગયા..તમે લોકો ઘેર જાવ.હું કહું છું કે ભાભા જીવે છે..ટેમુડા હું સાચું કહું છું..તું સમજતો કેમ નથી.." બાબાએ રાડ પાડી.

એ જ વખતે ગોરાણી બહાર આવ્યા.ગામલોકોને જોઈને એમને બાબો જૂઠું બોલતો હશે એમ લાગ્યું.ડોશીઓનું ટોળું ગોરાણીને જોઈને આગળ વધ્યું. પુરુષોએ ડોશીઓને જગ્યા કરી આપી.
ડોશીઓએ ગોરાણીને હાથ પકડીને બેસાડ્યા. એ સાથે જ ગોરણીએ નવેસરથી પોક મૂકી..

"અરે..રે...હવે આ ગામનું શું થાશે..મને વગડે રઝળતી મેલીને આમ અડધી રાતે તમારે વ્યુ નહોતું જાવું...અરે રે..હું તો..હું તો અભાગણી..."

ડોશીઓએ ફરી રામધુન ચાલુ કરી.આવા પ્રસંગે બેભાન થઈ જવાનું હોય એ યાદ આવતા ગોરાણી એમનું માથું એક ડોશી ઉપર નાખીને ઢળી પડ્યા.ડોશીઓ સાડલાના છેડાથી હવા નાખવા લાગી.

"બંધ કરો આ બધા નાટક..હું કહું છું એ કેમ કોઈ સમજતું નથી..
તખુભા...હુકમચંદ તમે લોકો આ બધાને લઈને પોતપોતાના ઘેર જાવ કહું છું.."

"ટેમુ, બાબાને રડાવવો પડશે.નકર એ પાગલ થઈ જશે..
એના ગાલ ઉપર બે તમાચા મારીને એને જોરથી કહે કે બાબા તારા પિતા તભાભાભાનો સ્વર્ગવાસ થયો છે." વજુશેઠે ફરી પોતાનું અનુભવનું ભાથું છોડ્યું.

હબો અને નગીનદાસ એ સાંભળીને આગળ આવ્યા.
"ટેમુ તો બાબાનો દોસ્ત છે એટલે એ નઈ કરી હકે...બાબાને બે જણા પકડી રાખો તો આ હબો બે વળગાડીને એની સાન ઠેકાણે લાવી દેશે." નગીનદાસે પોતાની ખાસ ફરજ સમજીને અભિપ્રાય આપ્યો.

"હા હા એમ જ કરો....અલ્યા પકડો કોક બે જણા બાબાલાલને.."

એ તકની રાહ જોઇને જ ઉભા હોય એમ ટોળામાંથી ખીમો,ભીમો અને જાદવો જાળીમાં ઘુસ્યા.

બાબો હજી બરાડા પાડતો હતો કે અલ્યા તમે લોકો સમજો.પણ બાબાને પાગલપનનો હુમલો આવી ગયાનું નિદાન વજુશેઠે કરેલું હોવાથી ગામલોક બાબાને બચાવી લેવા પર તુલ્યું હતું.

આખરે ભીમા અને ખીમાએ બાબાના બાવડા પકડ્યા.ટેમુ અને હબાએ પણ એમાં સાથ આપ્યો.પણ બળુકો બાબો હાથમાં રહેતો નહોતો.એટલે બીજા ચાર પાંચ જણાએ પણ ટેકો આપ્યો.

હબાએ પોતાના તાજા જ બનેલા દોસ્તને બચાવી લેવા બાબાના ગાલ પર કચકચાવીને બે લાફા માર્યા.નગીનદાસે જોરથી બાબાને કહ્યું, "બાબાકાકા..તમારા પિતાજી આપણને છોડીને સ્વર્ગે જતા રહ્યા.."

છતાં બાબો છટપટતો હતો. એ જોઈ હબાએ રાડ પાડી..

''બાબા..મારા ભાઈબંધ..ભાભા મરી જ્યા સે..તું ઈ હમજી જા અને રોવાનું ચાલુ કર્ય.."

"કોઈક ડોકટરને બોલાવો.." બાબાએ આખરે રાડ પાડી.

તખુભાએ તરત જ ડો. લાભુ રામાણીને ફોન કર્યો..પણ ડોક્ટરે ફોન ઉપાડ્યો નહિ.એટલે બે જણને જઈને ડોકટરને જગાડીને લઈ આવવા મોકલી આપ્યા. બાબો થાકીને નીચે બેસી ગયો. કોઈ બાબાની વાત સાંભળવા તૈયાર નહોતું ! ડોશીઓએ રામધૂન તેજ ગતિથી ઉપાડી હતી.તાળીઓના ટપાકા વાતાવરણને વધુ વ્યગ્ર બનાવી રહ્યા હતા !

તખુભા,હુકમચંદ,વજુશેઠ અને રવજી વગેરે અંદર જઈને ભાભાના ખાટલા પાસે ઉભા રહ્યાં. બેભાન થઈ ગયેલા ભાભાને મરેલા સમજીને તખુભાએ કહ્યું,

"કાલે ગામ લોકોને છેલ્લા દર્શન કરાવીને અગિયાર વાગ્યે ભાભાને આપડે આખરી વિદાય દેશું ને !'''

"હા હા..પવિત્ર ખોળિયું હતું એટલે ગામને દર્શનનો લાભ મળવો જોવે" રવજીએ વાતને ટેકો આપ્યો.

એ જ વખતે ભાભાએ ભાનમાં આવીને આંખો ખોલી.માથા પર ઝળુંબીને ઉભેલા ચાર માણસોને ઝીરોના લેમ્પના આછા અજવાળામાં ભાભાએ ઓળખ્યા નહિ.હજી એમનું મગજ પેલા લખમણિયાના ભૂતની અસરમાંથી બહાર આવ્યું નહોતું.એકને બદલે ચાર ભૂત માથા પર ઉભા હોવાનું અર્થઘટન કરીને ભાભાના મગજે શરીરને ભાગવાનો હુકમ કર્યો..

ભાભા એકદમ ઉઠ્યાં.તખુભાને જોરથી ધક્કો મારીને ભાભા ભાગ્યા.ઓરડાની બહાર નીકળીને એમણે દોટ મુકવા સ્પીડ વધારી. પણ ત્યાં બેઠેલું ડોશીઓનું ટોળું રામધૂન ગાતું હતું.ડોશીઓએ મુઠીયું વાળીને આવતા ભાભાને જોયા.અનુભવને આધારે એક ડોશીના ગળામાંથી રાડ નીકળી ગઈ..

"તભોગોર..ભૂત થિયો.. ભાગો..
આ આયો..ભૂત..ભૂત..તભાગોરનું ભૂત..."

એકાએક રામધુન બંધ પડી. ડોશીવૃંદ ખળભળી ઉઠ્યું. ગોરાણી જે ડોશીના ખભે માથું નાખી ગયા હતા એ ડોશીએ ગોરાણીને ધક્કો મારીને ગાડી ટોપ ગિયરમાં નાખી.

ભાભાએ અડધી મીંચેલી આંખો ખોલી.ઓસરીના લેમ્પમાં કાળા સાડલાથી માથા ઢાંકેલી ઘણી ભૂતડીઓ ઉભી થઈને ભાગી રહી હતી.સફેદ વસ્ત્રો પહેરીને કેટલાય ભૂતો જાળીની બહાર ઉભા હતા.
જાણે કે પોતે ભૂતોની દુનિયામાં આવી ગયા હોય એવું ભાભા અનુભવી રહ્યાં..

"ભાભા ભૂત થિયા..ભાગો અલ્યા.
ભાગો...ભાગો કરતા ભેગી થયેલી મેદનીમાં હડકંપ મચ્યો.ફાળિયા માથે નાખીને બધાએ ઉભી શેરીમાં દોટ મૂકી.કેટલીક ડોશીઓ ભાગવા જતા ગબડી પડી.ગબડેલી ડોશીઓ ઉપર બીજી ડોશીઓ ઢગલો થઈ ગઈ.બાબાને પકડીને બેઠેલા ભીમો, ખીમો અને જાદવો એકદમ ઉભા થઈને ડોશીઓના ઢગલાને ઠેકવા જતા ફળિયામાં ગળોટિયા ખાઈ ગયા.હબો, ટેમુ અને નગીનદાસ બારણામાંથી ભાગી શકાય તેમ ન હોવાથી ઓસરીના અંદરના ભાગમાં બીજે છેડે બનાવેલી ભાભાની બેઠક બાજુ ભાગ્યા.

ભાભા ચકળવકળ આંખો કરીને આ નાસભાગ જોઈ રહ્યાં. ખરો દેકારો મચી પડ્યો હતો.અંદરના ઓરડામાં તખુભાને ભાભાનો અચાનક ધક્કો લાગવાથી ગબડી પડ્યા હતાં.રવજીએ અને હુકમચંદે દોડીને તખુભાને ઉભા કર્યા.વજુશેઠને એકાએક ટાઢ ચડી હતી..

"દરબાર, મડું ઉભું થઈને ભાગ્યું..
તમને ધક્કો મારતું જ્યુ.. કાળ આવ્યો દરબાર તમારો કાળ આવ્યો..હવે તમે લાબું નહીં કાઢો.
ભામણનું ભૂત તમને ભરખી જાશે..ઓમ અરિહંતાણ..ઓમ અરીહંતાણ..."

"શેઠ ભાભા ભૂત થઈને આમ ભાગે..? ભૂતને શરીર નો હોય....
કદાચ ભાભા જીવતા લાગે છે.ઈ આપણને ભાળીને બી જ્યા હોય ઈમ બને..તમે ગપકાં ઠોકવાનું બંધ કરો.." કહી રવજીએ તખુભાને ભાભાના ખાટલે બેસાડ્યા.

એ જ વખતે બાબો ઉભો થયો હતો.ભાભાના બંને હાથ પકડીને એણે હચમચાવી નાંખતા રાડ પાડી..

"પિતાજી, ઊંઘમાંથી જાગો.કોઈ અહીં ભૂત બૂત નથી.તમને મરેલા જાણીને આખું ગામ ભેગું થયું છે.
માએ સમજ્યા કર્યા વગર તમારા નામના મરશિયા ગાવાનું ચાલુ કરી દીધું એટલે ગામ એમ સમજ્યું કે તમે અવસાન પામ્યા છો.."

"હેં..? હું અવસાન પામ્યો ? હું ભૂત થઈ જ્યો ? આ બધા ભૂત છે ? બાબા તું પણ ભૂત થઈ જ્યો ?" ભાભા હજી ભાનમાં આવતા નહોતા.

"હું ભૂત નથી..તમેય ભૂત નથી. કોઈ ભૂત નથી..તમે સરખી આંખો તો ખોલો..શા માટે બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છો..પિતાજી...ઈ.. ઈ.."
બાબાએ મોટેથી રાડ પાડી.

બાબાની રાડ સાંભળીને ભાભાને ભાન આવ્યું.એમણે ચૂપ થઈને ચારેકોર જોવા માંડ્યું. અંદરના ઓરડામાંથી હુકમચંદ અને રવજી બહાર આવ્યા. વજુશેઠને હજી પણ વિશ્વાસ હતો કે બહાર ભાભા નહિ પણ એમનું ભૂત જ ઉભું છે.તખુભાનો હાથ પકડીને ધ્રુજતાં ધ્રુજતાં વજુશેઠ તખુભાની
બાજુમાં જ બેસી ગયા હતાં.

"ગોરાણી ગબડીને ઉભા થવાની કોશિશ કરી રહ્યા હતાં. પણ એમનું ભારેખમ શરીર સાથ આપતું નહોતું.પડ્યા પડ્યા એમણે પતિને જીવિત જોયા.

"તમે પાછા આવી જ જાશો ઈ મને ખબર્ય જ હતી.ઈમ કાંય મને મેકીને તમે વ્યા નો જ જાવ ને ! પણ આમ અડધી રાતે તમે સ્વર્ગે શુકામ આંટો મારવા જીયા ? જરીક મને કયને તો જાવું'તું.આ ગામ હમણે તમારા ખોળિયાને બાળી મુક્ત..પસી તમે ચ્યાં જાત.
તમારો આત્મા ભટકતો રે'ત. મને ખબર્ય સે તમે લખમણિયા હાટુ થઈને સ્વર્ગે જિયા હશો.."

"મા તમેં ચૂપ રહો..પિતાજી તમે અંદર જાવ.."

ઓસરીની જાળીના બારણામાં હજી કેટલીક ડોશીઓ દબાયેલી પડી હતી.કેટલીકના કમરના મણકા ખસી ગયા હતા. કેટલીકના હાથ પગ મચકોડાઈ ગયા હતા. બહાર ફળિયામાં પણ નાસભાગ મચી હતી. પણ ભાભા ભૂત નથી એમ બાબાએ કહ્યું અને ભાભાને જીવતા જોયા એટલે ભાગતા ગામલોકો પાછા આવીને જાળી આગળ ભેગા થવા લાગ્યા.
એ લોકોને જોઈ બાબો ખિજાયો..

"અલ્યા તમને લોકોને કંઈ ભાન જેવું છે કે નહીં ? જાવ બધા અહીંથી..કોઈ મરી નથી ગયું.તમે લોકો તો જીવતાને પણ મારી નાખશો.."

ભાભા એ સાંભળીને બહાર આવ્યા.બાબો ગોરાણીને ઉભા થવામાં મદદ કરી રહ્યો હતો..

તખુભા અને વજુશેઠ એકબીજાના ટેકે બહાર આવ્યા.
હુકમચંદ અને રવજી બારણામાં પડેલી ડોશીઓને ઉભી કરવા લાગ્યા.

ભાભાને લોકોને ભેગા થઈ ગયેલા જોઈ તરત જ પોતે મહાન જ્ઞાની હોવાનું યાદ આવી ગયું..

"ભાઈઓ..ઉભા રહો.આજ ફરી ન બનવાનું બન્યું છે.બરાબર બારના ટકોરે લખમણિયાનું ભૂત મારી પાસે આવીને કરગરી પડ્યું.
છેલ્લી કેટલીક રાતોથી મને એ રોજ ફોન કરે છે પણ હું એની વાત માનતો નહોતો.તેથી આજ એ રૂબરૂ આવ્યો અને મને જગાડ્યો. મોક્ષ મેળવવા લોહીના આંસુથી રડવા લાગ્યો. એટલે એના મોક્ષ માટે હું સમાધી લગાવીને સ્વર્ગે ગયો હતો.એ દરિમયાન બાબો અને ગોરાણી જાગી જતા તેઓને લાગ્યું કે હું મૃત્યુ પામ્યો છું.એટલે આ ગેરસમજ થઈ લાગે છે.હું સ્વર્ગે ગયો ત્યાં પણ ઇન્દ્ર સુતા હોઈ દરવાને મને કાલે આવજો એમ કહી પાછો કાઢ્યો. હું પૃથ્વી પર પાછો અવ્યો ત્યાં તમે બધા ભેગા થઈ ગયા..મારી પાછળ આપ સૌએ ઊંઘ બગાડી એ બદલ આપ સૌનો હું આભાર માનું છું. જીવોના કલ્યાણ માટે મારે આમ કરવું પડતું હોય છે.આપ સવની લાગણી જોઈને હું ગદગદ થઈ ગયો છું.પણ હવે રાત ઘણી થઈ ગઈ હોવાથી આપ સૌ પોતપોતાના ઘેર જાવ.વધુ વિગતે વાત હું કાલે કરીશ.." કહી ભાભાએ બે હાથ જોડીને ઉંચા કર્યા.

ત્યાં જ ટોળામાંથી કોઈ બોલ્યું..
"તભાભાભાની જે..."
"તભાભાભાની જેય..." ટોળાએ જયઘોષ કરીને ચાલતી પકડી.

તભાભાભાનો જયજયકાર સાંભળીને વજુશેઠના જીવમાં જીવ આવ્યો.

''ખરા ઊંઠા ભણાવો સો ગામને.
ભલામાણા આમ ધક્કો દેવાય...?
મારી કમરમાં આંચકો લાગી જ્યો.
હવે સાચોસાચ મરી જાવ તોય હું તો નહીં આવું.." કહી તખુભાએ જોડા પહેર્યા.

"રાત ઘણી થઈ ગઈ છે.અત્યારે ખુલાસા કરવાનો સમય નથી.પણ લખણિયો ભૂત થિયો છે એટલું પાક્કું છે..બાકીનું હું તમને પછી સમજાવીશ, અત્યારે ઘેર જઈને સુઈ જાવ." કહી ભાભાએ સૌને રજા આપી.

*

ડો.લાભુ રામાણીને જગાડવા ગયેલા બે જણાએ ત્યાં જે જોયું એ સાવ નવીન હતું.બેઉ ઝડપથી પાછા વળ્યાં પણ ડોકટરની વાત કહેવા ભાભાના ઘર સુધી બંને પહોંચી શક્યા નહી.

(ક્રમશ:)

Rate & Review

Arzoo baraiya

Arzoo baraiya 2 weeks ago

Mp Mpnanda

Mp Mpnanda 6 months ago

Balkrishna patel

Balkrishna patel 7 months ago

Vipul Petigara

Vipul Petigara 8 months ago

Parash Dhulia

Parash Dhulia 8 months ago