લોસ્ટ - 19 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories Free | લોસ્ટ - 19

લોસ્ટ - 19

પ્રકરણ ૧૯

"તું કેમ અમારાથી દૂર જવા માંગે છે?" રીનાબેનએ કેરિનને તેમની પાસે બેસાડ્યો.
"મને સારી ઑફર મળી છે નોકરીની, અને અમદાવાદ ક્યાં બઉ દૂર છે?" કેરિનએ રીનાબેન સામે જોવાનું ટાળ્યું.
"પણ..."રીનાબેન કંઈ બોલે એ પહેલાં કેરિન બોલી ઉઠ્યો,"આજે તો હું ઇન્ટરવ્યૂ આપવા જઉ છું, મને આશીર્વાદ નઈ આપે કે હું ઇન્ટરવ્યૂમાં પાસ થઇ જઉ."

"પણ તું રઈશ ક્યાં?" રીનાબેનએ છેલ્લો પ્રયત્ન કર્યો કેરિનને રોકવા.
"નોકરી મળી જશે તો રેવાનું ઠેકાણું પણ કરી લઈશ." કેરિન એ તેનાં સર્ટિફિકેટ બેગમાં ગોઠવ્યા અને અમદાવાદ જવા તૈયાર થયો.
"તું સાચે નોકરી માટેજ જઈ રહ્યો છે ને?" રીનાબેનએ દહીં અને સાકર લઇ આવ્યાં.

"હા." કેરિનએ ટૂંકમાં જવાબ આપ્યો પણ અહીંથી જવાનું અસલી કારણ તેં જાણતો હતો, એ રાવિકાથી દૂર જવા માંગતો હતો અને એટલેજ તેણે તેનો દોસ્ત જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં એક એક વેકેન્સી હતી એ જાણ્યા પછી અમદાવાદ જવાનું નક્કી કર્યું.
રીનાબેનએ કમને હા પાડી અને કેરિન સવારની પહેલી ટ્રેનથી અમદાવાદ જવા નીકળી ગયો. 


રાવિ અને રાધિ એક સુમસામ એરિયામાં પ્રવેશી, આખી ગલીમાં માણસ તો શું ચકલું પણ નજરે ન્હોતું ચડી રહ્યું.
"માસીએ સાચો એડ્રેસ આપ્યો છે ને?" રાધિએ આજુબાજુ નજર ફેરવી.
"હા, સામે પેલું દેખાય છે ને. એ જ છે કદાચ, બાબા નિત્યાનંદ અહીં જ મળશે." રાવિએ એક જુના પુરાણા કોતરણીકામ વાળા દરવાજા સામે ઈશારો કર્યો.

બન્નેએ દરવાજો ખોલ્યો અને એક વિશાળ ગુફામાં પ્રવેશી, ગુફામાં એક વિશાળ મૂર્તિ હતી, આખી ગુફામાં સુંદર કોતરણીકામ કરેલું હતું અને ત્રણ ચાર ભગવા વસ્ત્રો પહેરેલા યુવાન ધ્યાનમુદ્રામાં બેઠા હતા.
"બાબાજીને મળવા આવ્યાં છો?" એક સફેદ દાઢીવાળા ભગવાધારી વૃદ્ધ અચાનક રાવિ અને રાધિ સામે આવી ગયા.

બન્નેએ હકારમાં માથું હલાવ્યું અને એ વૃદ્ધએ બન્નેને તેમની પાછળ આવવાનો ઈશારો કર્યો, ગુફાની ડાબી બાજુ એક રસ્તો જતો હતો. થોડું ચાલ્યા પછી એક બીજી ગુફામાં ત્રણેય પ્રવેશ્યાં, એ ગુફા શાંત અને મનોરમ્ય હતી.
ગુફામાં પગ મુક્તાજ રાવિ અને રાધિને એક વિચિત્ર પ્રકારની શાંતિનો અનુભવ થયો, સકારાત્મક ઉર્જાનો અહેસાસ રાવિ અને રાધિના મગજને અલગ પ્રકારની શીતળતા અર્પી રહ્યો હતો.

ભગવા વસ્ત્રમાં એક વૃદ્ધ પુરૂષ ધ્યાનમાં બેઠા હતા, તેમના ચેહરા પર એક તેજ અને ગૌરવ હતું. રાવિ અને રાધિએ ગુફામાં પગ મુક્યો અને તેમને તેમની આંખો ખોલી,"તમે બન્ને આવી ગઈ."

"તમે અમને ઓળખો છો?" રાવિ થોડી મૂંઝવાઈ ગઈ.
"હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો." તેમણે બન્નેને આસન પર બેસવાનું કહ્યું.
"બાબાજી અમને તમારી મદદ જોઈએ છે." રાવિએ વાતની શરૂઆત કરી.
"જાણું છું, તમારા જન્મદિવસ પછી તમારા જીવનમાં અચાનક ઘટવા લાગેલી ઘટનાઓ કોઈ સંજોગ નથી. તમને અચાનક મળેલી શક્તિઓ વરદાન નથી, એ એક શ્રાપ છે." બાબાએ કહ્યું.

"હવે અમારે શું કરવું જોઈએ?" રાધિએ પૂછ્યું.
"હિમ્મતથી લડવું પડશે."
"પણ જે સમસ્યા વિશે અમે કાંઈજ જાણતા નથી એની સામે લડશું કેવી રીતે? જેની સામે લડવાનું છે એ શું છે, કેમ છે, એ તો ખબર હોવી જોઈએ ને." રાવિ બોલી ઉઠી.
"આજથી ૨૪ વર્ષ પહેલાં તમારી માં આધ્વીકા સાથે એક ઘટના ઘટી હતી, એ ઘટનાનું પરિણામ છે આ શ્રાપ." બાબાની આંખોમાં વિષાદ હતો.

"તમે મમ્માને જાણતા હતા?" રાવિ અને રાધિ એકીસાથે બોલી ઉઠી.
"હા, તમને મળેલી શક્તિઓ શ્રાપિત છે. તમેં બન્ને આત્માઓને જોઈ શકો છો, એમને અડી શકો છો અને તમારી શક્તિઓ પણ આત્માઓ ઉપર જ ચાલશે."
"પણ રાધિના ઘા મારા અડવાથી ઠીક થઇ ગયા હતા એ શું હતું?" રાવિએ પૂછ્યું.

"એ ઘા એક આત્મા દ્વારા મળેલા હતા એટલે. તમે બન્ને જોડિયા છો. એકબીજાનું દુઃખ અનુભવી શકો છો, એકબીજાની પીડા દૂર પણ કરી શકો છો અને એકબીજાને પીડા પણ આપી શકો છો."બાબાએ ચોખવટ કરી.

"મતલબ અમારી શક્તિઓ એકબીજા ઉપર અને આત્મા દ્વારા હેરાન થયેલા કોઈ પણ માણસ ઉપર અસર કરશે." રાધિએ બાબા સામે જોયું, બાબાએ હકારમાં માથું હલાવ્યું અને બોલ્યા, "તમારી આવનારી જિંદગીમાં ઘણી મુશ્કિલો આવશે, પણ તમે બન્ને એકસાથે છો ત્યાં સુધી તમને કોઈ હરાવી નહિ શકે. યાદ રાખજો બેટા, તમે બન્ને એકસાથે શક્તિ છો પણ તમેમાં જ્યારે તું અને હું આવશે ત્યારે આ શક્તિ એક શ્રાપ બની જશે."

"અમે બન્ને હમેંશા સાથે રહીશું બાબાજી." રાવિ ઉભી થઈને બાબાને પગે લાગી, રાધિએ પણ તેનું અનુસરણ કર્યું.
"તમારી જિંદગીનું લક્ષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે, જાઓ લડી લો બધી મુસીબતો સામે. વિજયી ભવ:" બાબાએ બન્નેના માથા પર હાથ મુક્યો.


રાધિ અને રાવિ ગુફાની બહાર આવી અને રાવિનો ફોન વાગ્યો, રાવિએ ફોન જોયો અને ઉપાડ્યો, "હેલ્લો, મિસ્ટર મેહરા."
"તમે હાલ ઓફિસ આવી શકો?" સામે છેડેથી મેહુલએ પૂછ્યું.
"હું અમદાવાદ છું, કોઈ અરજન્ટ કામ હતું?" રાવિને મેહુલના અવાજમાં ચિંતા જણાઈ.
"ઓહ, થોડી વાતચીત કરવી હતી. તમે ઓફિસ ન આવી શકો તો કોઈ વાંધો નથી, આપણે ઓનલાઇન મિટિંગ કરી લઈએ." મેહુલએ કહ્યું.
"ઠીક છે, હું ઘરે જઈને તમને ફોન કરું." રાવિએ ફોન કાપી નાખ્યો અને બન્ને છોકરીઓ ઘરે જવા નીકળી.


ઘરે પહોંચીને રાવિએ મેહુલને ફોન કર્યો, મિટિંગ ચાલતી હોવાથી રાધિ હોલમાં બેઠી હતી. આસ્થા માર્કેટ ગઈ હતી અને નિવાસ નિગમ કોલેજ ગયા હતા.
અચાનક ફોનની રિંગ વાગી અને રાધિએ ફોન ઉપાડ્યો.
"હેલ્લો, આસ્થા મને સિંઘાનિયા પ્રોજેક્ટની ફાઈલ જોઈએ છે. જલ્દીથી ઓફિસ આવીને આપી જા." જીવનએ ફોન કાપી નાખ્યો.

રાધિ ઉપર આવી અને રાવિનો ફોન લઈને અવાજ ન થાય એમ બહાર નીકળી ગઈ.
"મિસ રાઠોડ, તમારી પાછળ." મેહુલ બબ્બે રાવિને જોઈને આશ્ચર્યચકિત થઇ ગયો હતો.
"વ્હોટ?" રાવિએ પાછળ જોયું પણ રૂમમાં કોઈજ ન્હોતું.
"તમારા જેવી જ એક છોકરી મેં તમારી પાછળ જોઈ." મેહુલ લેપટોપની સ્ક્રીનમાં રાધિને શોધી રહ્યો હતો.

મેહુલને વેઇટ કરવાનું કહી રાવિ ઓરડાની બહાર આવી, રાધિ તેના ફોનમાં કોઈનો નંબર ડાયલ કરી રહી હતી.
"શું થયું? કેમ આટલી પરેશાન છે?" રાવિએ પૂછ્યું.
"મામાનો ફોન હતો, ફાઈલ આપવા આવવાનું કહ્યું છે. એમને લાગ્યું કે આસ્થામામી છે ફોન પર, એટલે મામીને ફોન કરું છું." રાધિને આસ્થાને ફોન લગાવ્યો.

"મામીને ફોન ન કર, કંઈ ફાઈલ કીધું હતું મામાએ?" રાવિએ ફોન કાપી નાખ્યો.
"સિંઘાનિયા પ્રોજેક્ટ ફાઈલ." રાધિ ભણેલી ન્હોતી એટલે એના માટે આ બધું સમજવું અઘરું હતું.
"ઠીક છે." રાવિ આસ્થાના રૂમમાં આવી, ડ્રોવર તપાસીને સિંઘાનિયા પ્રોજેક્ટ ફાઈલ નીકળી અને રાધિને આપી, "આ ફાઈલ, આ ઓફિસનો એડ્રેસ અને આ પૈસા."

"મારી પાસે પૈસા છે." રાધિએ તેની આખી જિંદગીની મૂડી એવા ૩૦૦ રૂપિયા બતાવ્યા.
"આ પૈસા પણ તારા જ છે, આ કંપની મમ્મા અને માસીના પૈસાથી ઉભી થઇ હતી અને મમ્માની સંપતિ પર આપણા બન્નેનો સરખો હક છે." રાવિએ હકથી પર્સ રાધિને સોંપ્યું.


રાધિ રીક્ષા કરીને રાઠોડ એમ્પાયર્સ પહોંચી, સિંઘાનિયા ફાઈલ્સ બતાવી એટલે એક માણસ તેને જીવનના કેબીન સુધી લઇ ગયો.
"રાવિ.... તું અચાનક. આવ આવ દીકરા." જીવનએ રાધિને ગળે લગાવી.
"હું રાધિકા છું. આ ફાઈલ, મામી ઘરે નતા એટલે હું આવી." રાધિએ ફાઈલ જીવનને આપી અને તેના વિશે જીવનને જણાવ્યું.

જીવનની આંખો આંસુથી ભરાઈ આવી, એને ફરીથી રાધિકાને ગળે લગાવી, "તારા વિશે મારે ઘણું જાણવું છે બેટા. મિટિંગ પછી મળું હું તને."
જીવનએ તેની સેક્રેટરીને કેબીનમાં બોલાવી અને બોલ્યો, "સેજલ, આ મારી ભાણી છે રાધિકા રાઠોડ. હું મિટિંગ પતાવું ત્યાં સુધી રાવિને ઓફિસ બતાવ અને તેનું ધ્યાન રાખજે."
"આ ઓફિસ તારી મમ્માએ બનાવી હતી, સેજલ તને દીદીનું કેબીન બતાવશે." જીવન કોંફરન્સ હોલ તરફ ગયો.

સેજલએ ઓફિસના કર્મચારીઓ સાથે રાધિકાની ઓળખાણ કરાવી અને આખી ઓફિસ બતાવી, છેલ્લે તેં રાધિકાને આધ્વીકાના કેબીનમાં લઇ ગઈ, "આધ્વીકા મેમનું કેબીન, જીવન સરએ આ કેબીન એમજ સંભાળી રાખ્યું છે જેમ આધ્વીકા મેમ છોડીને ગયાં હતાં."
રાધિકાએ સેજલને જવાનું કહ્યું અને તેં કેબીનમાં આવી, કેબીન એકદમ સાફસુથરું હતું. ટેબલ પર લેપટોપ અને લેપટોપની બાજુમાં આધ્વીકાની ફોટોફ્રેમ મુકેલી હતી, રાધિકાએ આધ્વીકાનો ફોટો હાથમાં લઇ તેના ચેહરા પર હાથ ફેરવ્યો.

"રાધિ....." આધ્વીકા અચાનક જ રાધિકા સામે આવી ગઈ.
"મમ્મા..... તમે એ ઘરમાંથી આઝાદ થઇ ગયાં?" રાધિ આધ્વીકાને જોઈને ભાવુક થઇ ગઈ હતી.
"હું તને સાવધાન કરવા મુશ્કેલીથી આવી છું, આ બધું તારું છે બેટા. રાવિને જિજ્ઞાએ મોટી કરી છે એટલે એ ક્યારેય મારી વાત નહિ સાંભળે પણ જિજ્ઞાએ મને દગો આપીને આ બધું લઇ લીધું. જિજ્ઞાની જાળમાં ના ફસાતી દીકરા, એ  તારો ભાગ રાવિને આપવાનો પૂરો પ્રયત્ન કરશે. સાવધાન રહેજે." આધ્વીકા ગાયબ થઇ ગઈ.

રાવિકાએ મુજવાઈ ગઈ હતી કે આ બધું શું થઇ રહ્યું છે પણ ઊંડે ઊંડે ક્યાંક વહેમનું બીજ રાધિકાના મનમાં વવાઈ ચૂક્યું હતું.

ક્રમશ: 


Rate & Review

Nitesh Shah

Nitesh Shah 2 weeks ago

Poonam Dobariya

Poonam Dobariya 4 weeks ago

Hema Patel

Hema Patel 1 month ago

Binal Patel

Binal Patel 2 months ago

Balkrishna patel

Balkrishna patel 2 months ago