Lost - 20 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 20

પ્રકરણ ૨૦


રાધિ ઓફીસથી ઘર સુધી આધ્વીકા વિશે વિચારી રહી હતી, ઘરે પહોંચીને તે સીધી તેને અને રાવિને આપેલા ઓરડામાં ગઈ.
"સાચી ફાઈલ હતીને?" રાવિ લેપટોપ પર કામ કરી રહી હતી.
"હા." રાધિ પલંગ પર આડી પડી.

"તું કાલે ફ્રી છે? ફ્રી હોય તો આપણે તારા ડોક્યુમેન્ટનું કામ પતાવી દઈએ. જેથી તને તારા હકની ઓળખાણ મળી જાય." રાવિએ કામ કરતાં કરતાં કહ્યું.
"મારા હકની ઓળખાણ?" રાધિ ઉભી થઇ ગઈ.
"આપણે ભલે ટ્વિન્સ છીએ, પણ તારી પોતાની સ્વતંત્ર ઓળખાણ હોવી જ જોઈએ. સત્તાવાર રીતે તું રાધિકા રાઠોડ બની જઈશ, પછી આપણે તારો પાસપોર્ટ બનાવશું, હું તને ગાડી શીખવીશ અને આપણે ફરવા જઈશુ." રાવિએ લેપટોપ બંધ કર્યું અને રાધિની બાજુમાં આવીને બેસી ગઈ.

"રાવિ, તું આ બધું મારા માટે કરીશ?"
"હા, તું મારી બેન છે. આમ તો મારી પાસે આવડો મોટો પરિવાર છે, પણ પોતાનું કહી શકાય એવુ કોઈજ ન્હોતું. હું હમેંશા વિચારતી કે મારે એક ભાઈ કે બેન હોત તો હું આ કરત તેં કરત, અને હવે એ બધું હું તારા માટે કરીશ." રાવિએ આત્મીયતાથી રાધિનો હાથ પકડ્યો.

"આભાર, પણ આ બધાની જરૂર નથી." રાધિ કોઈ પાસેથી એમજ કંઈ લેતા હમેંશા અચકાતી હતી.
"ઓય, હું તારી મોટી બેન છું. મીરા માસીએ મને કહ્યું હતું કે હું તારાથી બે સેકન્ડ મોટી છું, એટલે હું જે કઇશ એ તારે કરવું પડશે."
"સારું સારું, તું કે'શે એમજ કરીશ મોટીબેન." રાધિ હસી પડી.

બીજા દિવસે સવારે જીવનએ રાવિ અને રાધિ બન્નેને તેની સાથે ઓફિસ આવવાનું કહ્યું, ત્રણેય જણ ઓફિસ પહોંચ્યાં પછી જીવનએ આખી ઓફિસ બન્ને છોકરીઓને બતાવી અને આધ્વીકાની અઢળક યાદો વાગોળી.

"મામા મારી મિટિંગ છે, તમારી કેબિન મને મળશે થોડીવાર?" રાવિએ ઘડિયાળમાં સમય જોયો અને તેની બેગમાંથી લેપટોપ કાઢીને મિટિંગની તૈયારી કરવા લાગી.
"હા, રાધિ ચાલ આપણે કેન્ટીનમાં બેસીએ ઓફિસ અવર ચાલુ થવાને હજુ અડધો કલાકની વાર છે." જીવન અને રાધિ કેન્ટીન તરફ ગયાં અને રાવિ તેની મિટિંગમાં વ્યસ્ત થઇ ગઈ.

"સર, આ ફાઈલ શર્મા સરએ મોકલાવી છે." અચાનક એક કર્મચારી જીવનના કેબિનમાં આવ્યો.
મિટિંગમાં ખલેલ પહોંચાડનારને જોવા રાવિએ માથું ઉપર કર્યું અને સામે કેરિનને જોઈને તેં ચોંકી ગઈ, કેરિન પણ ઓફિસમાં રાવિને જોઈને ચોંકી ગયો હતો.
રાવિએ ઈશારાથી કેરિનને સોફા પર બેસવાનું કહ્યું અને ફરીથી મિટિંગમાં વ્યસ્ત થઇ ગઈ, બોસની કેબિનમાં રાવિકાને જોઈને કેરિન આઘાતમાં સરી પડ્યો હતો.

"તું અહીં?" રાવિએ મિટિંગ પુરી થતાંજ લેપટોપ બંધ કરીને કેરિન સામે જોયું.
"હા, કાલે જ અહીં જોબ લાગી મારી." કેરિનએ ટૂંકમાં જવાબ આપ્યો.
"ઓહ, બઉ સરસ. કંઈ પોસ્ટ ઉપર છે તું?"
"સેલ્સ મેનેજર." કેરિન જલ્દીથી જલ્દી અહીંથી નીકળવા માંગતો હતો.

"નાઇસ, તું કોઈ ફાઈલ આપવા આવ્યો હતો." રાવિ ઉભી થઈને કેરિન પાસે આવી.
"હા, મેમ. આ ફાઈલ શર્મા સરએ બોસને આપવાનું કહ્યું હતું." કેરિનએ ફાઈલ રાવિને આપી.
"હું તારી મેમ નથી, આ જીવનમામાની કંપની છે અને તારા બોસ જીવનમામા છે." રાવિએ કેરિનના હાથમાંથી ફાઈલ લીધી અને કેબિનમાંથી બા'ર નીકળી ગઈ.

"મામા હવે હું ઘરે જઈશ, રાધિ તું આવે છે?" રાવિએ ફાઈલ જીવનના હાથમાં આપી.
"હા, હું પણ આવું ચાલ." રાધિ પણ રાવિ સાથે ઘરે જવા નીકળી.
"રાવિ, બાબાએ કહ્યું હતું કે આપણી જિંદગીમાં ઘણીબધી મુસીબતો આવવાની છે. તને શું લાગે છે?" રાધિએ ઘરે પહોંચતાજ પૂછ્યું.

"નાટક છે બધું, કોઈ માણસ ભવિષ્ય જાણી શકે એ શક્ય નથી. એકવાર તારા ડોક્યુમેન્ટ્સનું કામ પતે પછી આપણે ફરી રાઠોડહાઉસ જઈશુ અને મમ્માને મળીશું." રાવિએ બેગ ટેબલ પર મૂકી અને ફ્રેશ થવા ગઈ.
"એ આત્મા મમ્માની જ હશે એવી શું સાબિતી છે?" રાધિના મનમાં આધ્વીકાને લઈને શંકા બેસી ગઈ હતી, રાધિ બઉ સરળતાથી કોઈની વાતમાં આવે એવી ન્હોતી. તેને ઓફિસમાં મળેલી આધ્વીકા અને રાઠોડ હાઉસમાં મળેલી આધ્વીકા બન્ને અલગ લાગી રહી હતી.

"ખબર નઈ કેમ પણ મને અંદરથી એવી ફીલિંગ આવે છે કે તેં મમ્મા જ હતી." રાવિ બાળપણથીજ ભાવુક હતી.
"તું હમણાં બાથરૂમમાં હતી ત્યારે ફોનમાં નોટિફિકેશન આવી હતી, જોઈ લે કદાચ જરૂરી હોય." રાધિ પણ ફ્રેશ થવા ગઈ.
રાવિએ ફોન ખોલીને મેસેજ જોયો, રાવિનું વિઝા એક્સટેન્શન કેન્સલ થઇ ગયું હતું અને ૨ દિવસ પછી તેના વિઝા એક્સપાયર થઇ રહ્યા હતા.

રાવિએ તરત તેના વિઝા આગળ લંબાવવા માટે તેના સોર્સ કામે લગાડ્યા પણ પરિણામ શૂન્ય, રાવિને ૨ દિવસમાં કોઈપણ ભોગે ભારત છોડીને જવુ પડશે એ નક્કી હતું.
"શું થયું? આટલી પરેશાન કેમ છે?" રાધિએ બાથરૂમમાંથી બા'ર આવતાંજ માથું પકડીને પલંગ પર બેઢેલી રાવિને જોઈ.
"મારા વિઝા એક્સટેન્ડ નઈ થયા, મારે ૨ દિવસમાં ન્યૂ યોર્ક પાછુ જવુ પડશે." રાવિનો ચેહરો ઉતરી ગયો હતો.

"તો હવે? તું જતી રઈશ?" રાધિ રાવિ પાસે બેઠી.
"હું નઈ જઉ તો મને ડિપોટ કરી નાખશે અને કદાચ ફરી ક્યારેય મને ભારતના વિઝા ન મળે." રાવિ ઉદાસ થઇ ગઈ હતી.
રાધિએ નીચે જઈને આ વાત આસ્થા, નિવાસ અને નિગમને જણાવી. બધાંનો મૂડ ખરાબ થઇ ગયો, બધાં વિચારી રહ્યાં હતાં કે હવે શું કરવું.

"દીદી તું કોઈ ઇન્ડિયન સાથે લગ્ન કરી લે, પછી તારે વિઝાની જરૂર નઈ પડે." નિવાસએ ખુશ થઈને કહ્યું.
"શું બોલે છે? હું અહીં કોઈને નથી ઓળખતી, તો માત્ર વિઝા માટે કોઈ પણ અજાણ્યા માણસ સાથે લગ્ન ન કરી શકું." રાવિએ જવાબ આપ્યો.
"તું જીવનજી જોડે વાત કર, તેમના ઘણા કોન્ટેક્ટ છે તો કદાચ કંઈક રસ્તો મળી જાય." આસ્થાએ કહ્યું.

રાવિ જીવનની ઓફિસ આવી અને તેને જીવનની સેક્રેટરી પાસેથી જાણવા મળ્યું કે જીવન મિટિંગમાં છે, મિટિંગ પતે એટલે તરત તેને ઇન્ફોર્મ કરે એવુ કહીને રાવિ કેન્ટીનમાં આવી ગઈ.
કેન્ટીનના પારદર્શક ગ્લાસની પેલી બાજુ પીસી પર કામ કરતા કેરિનને જોઈને રાવિના મનમાં એક વિચાર આવ્યો, તેં ઉભી થઈને કેરિન પાસે આવી.

"તારી સાથે થોડી વાત કરવી છે, અરજન્ટ છે." રાવિ ધીમેથી બોલી અને વેઇટિંગ રૂમ તરફ ગઈ, કેરિન તેની પાછળ ગયો અને રાવિની પાછળ ઉભો રહ્યો.
"કદાચ તને આ બધું વિચિત્ર લાગશે, પણ હું જે પૂછું એનો જવાબ વિચારીને આપજે." રાવિએ પૂર્વભૂમિકા બાંધી અને હમણાં તેના મગજમાં આવેલો વિચાર કેરિનને જણાવ્યો.

"તારું મગજ ફરી ગયું છે રાવિ, શું બોલે છે તું તને ભાન છે?" કેરિન રાવિની વાત સાંભળીને ચોંકી ગયો હતો.
"મને તારી મદદ જોઈએ છે કેરિન, પ્લીઝ હેલ્પ મી. ભારતમાં રહેવું ખુબ જરૂરી છે મારા માટે અને હું તને મદદને બદલે મદદ ઑફર કરી રહી છું ને, પ્લીઝ." રાવિએ વિનંતી કરી.

"નો ડાઉટ, તું એક મિલીઓનેર કંપનીની સીઈઓ છે. પૂરેપૂરું વેપારી મગજ છે તારું, એટલેજ આટલી મોટી કંપની ચલાવી શકે છે." કેરિન તેની લાગણીઓને હમેંશા દિલમાં છુપાવી રાખતો અને તેની લાગણીઓ છુપાવવા અમુકવાર બીજા સામે ખરાબ પણ બની જતો.
"મને તારી મદદ જોઈએ છે કેરિન, તારા ટોન્ટ નઈ. તું મારી મદદ કરીશ કે નઈ?" રાવિની વિંનતીમાં હુકમ ભળ્યો હતો.

"ના." કેરિનએ ટૂંકમાં જવાબ આપ્યો.
"તો હું તને નોકરીમાંથી કાઢી નાખીશ, અને રાઠોડ એમ્પાયર્સમાંથી કાઢી નાખેલ માણસને બીજે ક્યાંય નોકરી મળવી બહુ મુશ્કેલ છે." રાવિએ છેલ્લું હથિયાર વાપરી જોયું.

"વાંધો નઈ, હું બીજું કંઈક કરી લઈશ." કેરિન ત્યાંથી જવા માટે ફર્યો ત્યા જ રાવિએ તેનો હાથ પકડીને તેને રોક્યો અને બોલી, "વાત તો તારે મારી માનવી જ પડશે, રાવિકા રાઠોડને જે જોઈએ એ તેનું થઈને જ રહે છે અને હવે રાવિકા રાઠોડને કેરિન દેશમુખ જોઇએ છે."

ક્રમશ: