Lost - 25 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટ - 25

લોસ્ટ - 25

પ્રકરણ ૨૫

"આધ્વીકાનું બાળક જન્મે ત્યાં સુધી તેને આ બધી પળોજણથી દૂર રાખી શકાશે?" આરાધનાબેનએ નંખાઈ ગયેલા અવાજે પૂછ્યું.
"હા, એ થઇ શકે." બાબાએ તેમની ઝોળીમાંથી એક તાવીજ કાઢ્યું અને તેના પર અમુક મંત્રોચાર કરીને આધ્વીકાના બાવડે બાંધ્યું.

બાબાના ગયા પછી થોડીવારમાં આધ્વીકા ભાનમાં આવી, આધ્વીકા ભાનમાં આવે એ પહેલાંજ બધાએ આધ્વીકાને આ બાબત વિશે કાંઈજ ન જણાવવાનું નક્કી કરી લીધું હતું.
"તું મને આવી રીતે કેમ જોઈ રહ્યો છે?" આધ્વીકાએ આંખો ખોલતાજ રાહુલને જોયો.
"તું ઊંઘી હોય ત્યારે કેટલી રૂપાળી લાગે છે." રાહુલએ હસવાનો પ્રયત્ન કર્યો.

"હું ક્યારે ઊંઘી ગઈ? આ તાવીજ? તાવીજ કેમ બાંધ્યું છે અને ક્યારે બાંધ્યું?" આધ્વીકાએ તાવીજ છોડવાનો પ્રયત્ન કર્યો પણ રાહુલએ તેને રોકી લીધી, "મેં બાંધ્યું છે, થોડા દિવસો પેલા જ આપણી સાથે એટલી વિચિત્ર ઘટના ઘટી ગઈ છે કે હવે રિસ્ક લેવાની હિંમત નથી થતી. આપણા બાળક માટે તું આ તાવીજ નઈ ઉતારે મને વચન આપ."
"ઠીક છે, તું કે' છે તો નઈ ઉતારું આ તાવીજ." આધ્વીકાએ રાહુલના હાથમાં હાથ મૂકીને વચન આપ્યું.

તાવીજ પહેરાવ્યા પછી આધ્વીકા નોર્મલ થઇ ગઈ હતી, એ સમયગાળા દરમ્યાન જિજ્ઞાસા અને રયાનનાં લગ્ન થયાં. એમના લગ્નના થોડા સમય બાદ જીવન અને આસ્થાનાં લગ્ન થયાં અને આસ્થાના દૂરના ભાઈ કિશનને મીરા ગમી ગઈ હતી તેથી મીરાની મરજી જાણ્યા બાદ બન્નેની સગાઇ કરી દેવામાં આવી.

આધ્વીકા એક પછી એક આવેલી ખુશીઓને સમેટીને મનના કબાટમાં ભેગી કરી રહી હતી, સાથે તેના ઉદરમાં ધબકતા જીવનની ખુશી તો હતીજ.
તેનું ઘર તેને જીગરએ કરેલી ભુલ અને મિત્તલને કારણે થયેલી પરેશાનીઓની કડવી યાદ અપાવતું હતું તેથી આધ્વીકાએ રાઠોડ હાઉસ જેવું જ નવું ઘર બનાવડાવ્યું અને પરિવાર સહિત હમેંશા માટે નવા રાઠોડ હાઉસમાં રેવા જતી રહી.

૯ મહિના શાંતિ સર વીતી ગયા અને એક રાત્રે આધ્વીકાએ બે જોડિયા દીકરીઓને જન્મ આપ્યો, બન્ને દીકરીઓના પગ ઘૂંટણથી જોડાયેલા હતા તેથી બન્નેના પગ અલગ કરવામાં આવ્યા અને તેમના ઘૂંટણ પર તેનું કાયમી નિશાન રઈ ગયું.
આધ્વીકા અને રાહુલ તેમની બાળકીઓને લઈને ઘરે આવ્યા ત્યારે નવું રાઠોડ હાઉસ નવવધુંની જેમ સજેલું હતું.

"આ બધું?" આધ્વીકાએ ફુગ્ગા અને ફૂલોથી સજેલા ઘરને આશ્ચર્યથી જોયું.
"વેલકમ હોમ." જયશ્રીબેન, આરાધનાબેન, જિજ્ઞાસા, રયાન, જીવન, આસ્થા, મીરા, કિશન અને ચાંદની એકીસાથે બોલી ઉઠ્યાં.

બાળકીઓના જન્મ પછી છઠ્ઠી અને નામકરણ વિધિ થઇ, રાહુલ અને આધ્વીકાએ ઘણી ચર્ચા અને ઝગડા પછી તેમના નામ જોડીને બન્નેના નામ રાવિકા અને રાધિકા રાખ્યાં.
જોતજોતામાં ત્રણ વર્ષ બબ્બે બાળકીઓના ઉછેરમાં પુરા થઇ ગયાં. અચાનક તેની જોળીમાં આવી પડેલા અઢળક સુખને સ્વીકારી શકે, કે તેને પણ સુખી થવાનો હક છે એવુ સમજી શકે એ પહેલાંજ આધ્વીકાના સુખના દિવસો પુરા થયા.

તાવીજનો પ્રભાવ દિવસે દિવસે ઘટી રહ્યો હતો અને એક માયાવી શક્તિનો પ્રભાવ ધીમે ધીમે વધી રહ્યો હતો, આધ્વીકાના શરીરમાં પ્રવેશવાના નિષ્ફળ પ્રયાસો પછી અમુક ખરાબ આત્માઓએ આધ્વીકાની કમજોરી એવી તેની દીકરીઓને નિશાન બનાવવાનું ચાલુ કર્યું હતું.

તેની દીકરીઓ સાથે બનતી વિચિત્ર ઘટનાઓનું મૂળ જાણવા આધ્વીકાએ બધાંની ઉલટતપાસ કરી, જ્યારે તેને સાચી હકીકત જાણવા મળી ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ચૂક્યું હતું.
એક માયાવી શક્તિ તેનું રક્ષાકવચ તોડીને તેના શરીરમાં પ્રવેશ લઇ ચુકી હતી, પણ આધ્વીકા હકીકત જાણતી હોવાથી તેને નિયંત્રિત કરવી એ ઘણું કપરું કામ હતું.

"આધ્વીકા મને તારી મદદ જોઇએ છે." આધ્વીકાની અંદર રહેલી આત્મા આધ્વીકા પાસે બોલાવડાવી રહી હતી.
"શું મદદ જોઇએ છે અને કોણ છે તું?" આધ્વીકાએ પૂછ્યું.
"મારું નામ માયા છે, તારે માત્ર મને પાંચ કુંવારી કન્યાઓ લાવી આપવાની છે બલી ચડાવવા માટે."
"હું આવા ખરાબ કામમાં તારી મદદ કરીશ એવુ તેં કંઈ રીતે વિચાર્યું?"

"તારે મારી મદદ કરવી જ પડશે આધ્વીકા, નહિ તો."
"નહિ તો શું? માણસના મનનો ડર તારા જેવી આત્માઓનું હથિયાર છે, પણ હું તો તારાથી નથી ડરતી."
"હું તારી દીકરીઓને મારી નાખીશ."
"તું મારી દીકરીઓને હાથ પણ નઈ લગાવી શકે, કેમકે તને મારી જરૂર છે."

"હું માત્ર આત્મા નથી, એક માયાવી સ્ત્રીની આત્મા છું. માયાવી માયાની શક્તિઓ વિશે તું હજુ જાણતી નથી એટલે મારી સામે પડવાની હિમ્મત કરી રહી છે." માયા ગુસ્સે ભરાઈ હતી.
"હું કોઈ ખોટું કામ નઈ કરું." આધ્વીકા મક્કમ હતી.
"ઠીક છે. તારી દીકરીઓ તારા જેમજ આત્માઓનું ઘર બનશે અને આખી જિંદગી દુઃખી થશે, મારી માયાવી શક્તિઓને પ્રતાપે હું આ શ્રાપ આપું છું." માયા આધ્વીકાના શરીરમાંથી નીકળીને ગાયબ થઇ ગઈ.

આધ્વીકા રાવિ અને રાધિને લઈને બાબાને મળવા ગઈ, અને માયાના શ્રાપ વિશે જણાવ્યું.
"તારી દીકરીઓને અલગ કરી દે બેટા, કેમકે આ બન્ને છોકરીઓનો આત્મા જોડાયેલ છે. બન્ને દીકરીઓ ૨૫ વર્ષની થાય ત્યાં સુધી એકબીજાને મળવી ન જોઇએ અને તમારા જુના ઘરમાં પગ ન મુકવી જોઈએ. આ શ્રાપની શરૂઆત તારા જુના ઘરથી થઇ હતી, તેથી એ ઘર તારા અને તારી દીકરીઓ માટે શ્રાપિત છે." બાબાએ રાવિ અને રાધિના માથા પર હાથ મુક્યો અને આધ્વીકાને આશીર્વાદ આપી રવાના કરી.

આધ્વીકાએ ઘરે આવીને આ વાત બધાંને જણાવી અને કાળજુ કઠણ કરીને બન્ને બેનોને અલગ કરવાનો નિર્ણય લીધો. આધ્વીકાએ ત્રણ વર્ષની રાવિને જિજ્ઞાસાના હાથમાં સોંપી અને બોલી, "મારી રાવિને તારી જીયાની જેમ સાચવજે."
આધ્વીકા, રાહુલ અને રાધિ ગુજરાત છોડીને હમેંશા માટે દિલ્હી જવા નીકળ્યાં અને આ તરફ જિજ્ઞાસા, રયાન, જીયા અને રાવિ હમેંશા માટે ચેન્નાઇ જવા નીકળ્યાં.

પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજુર હતું, આધ્વીકા અને રાહુલની ગાડીનો ભયકંર એક્સિડેન્ટ થયો અને એ દિવસથી આજ સુધી તેમની લાશ નથી મળી. માત્ર તૂટેલી ગાડીથી જાણવા મળ્યું કે આ ગાડી આધ્વીકાની હતી અને આ એક્સિડેન્ટ આધ્વીકા, રાધિકા અને રાહુલનો થયો હતો.


"મમ્મા.... પપ્પા...." રાવિ અને રાધિ રડી પડી, આસ્થા પણ રડી રહી હતી.
"અમે ચેન્નાઇ જવા નીકળ્યાં હતાં તો અમે ન્યૂ યોર્ક કંઈ રીતે પહોંચ્યાં?" રાવિએ પૂછ્યું.
"આ ઘટનાથી જિજ્ઞા દીદી એટલા ગભરાઈ ગયાં હતાં કે તેમણે આ દેશ જ હમેંશા માટે છોડી દીધો, એ એક્સિડેન્ટને ૨૧ વર્ષ વીતી ગયાં છે પણ આધ્વીકાદીદી અને રાહુલજીજુના પાર્થિવ શરીરને શોધવા જિજ્ઞા દીદી આજેય મથી રહ્યાં છે." આસ્થાએ સાડીના છેડાથી તેની આંખો લૂંછી.

હકીકત જાણ્યા પછી ત્રણેક દિવસ સુધી રાવિ અને રાધિ ચુપચાપ અને ગુમસુમ રહી હતી, પણ એક સવારે રાધિ દોડતી રાવિ પાસે આવી અને બોલી, "મમ્મા પપ્પાની ડેથ એક્સિડેન્ટમાં થઇ હોય એવુ મને નથી લાગતું."
"કેમ?" રાવિએ ટૂંકો પ્રશ્ન પૂછ્યો.

"હું જે અનાથાશ્રમમાં મોટી થઇ હતી એમણે મને કીધું હતું કે હું ચિત્રાસણી ગામના બસ સ્ટેન્ડ નજીકના જંગલમાં ગામવાસીઓને મળી હતી અને મારી આસપાસ દૂર દૂર સુધી કોઈજ ન્હોતું." રાધિએ ઘટસ્ફોટ કર્યો.
"મતલબ મમ્મા પપ્પાને જાણીજોઈને...." રાવિ ચોંકી હતી.

"હા, પુરેપુરી યોજના સાથે મમ્મા પપ્પાનું ખૂન કરવામાં આવ્યું છે. અને આ કામ કરનાર એકજ હોઈ શકે." રાધિએ દાંત ભીંસ્યા.
રાવિએ રાધિનો હાથ પકડ્યો અને બોલી, "અમે બન્ને એકસાથે શક્તિ છીએ, એટલી મજબૂત શક્તિ જેની સામે તું ટકી નઈ શકે માયા. યુ વિલ બી લોસ્ટ..... સુન...."

ક્રમશ: