Lost - 36 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 36

પ્રકરણ ૩૬

કેરિન દોડતો હોલમાં આવ્યો, રાવિ ક્યાય નજરે ન ચડી તો તરત તેણે તેનો ફોન ઓન કર્યો. ફોન ઓન કરીને તેણે તરત રાધિને ફોન લગાવ્યો, પહેલી જ રિંગે રાધિએ ફોન ઉપાડી લીધો.
"ક્યાં છો જીજુ તમે? કેટલા ફોન કર્યા? ક્યાં હતા તમે?" સામે છેડેથી રાધિએ પૂછ્યું.
"રાધિકા સાંભળ, રાવિ ત્યાં છે?" કેરિનનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું.

"ના, કેમ શું થયું?"
"તું જલ્દી અહીં આવી જા, રાવિ... રાવિ ક્યાંક... ક્યાંક ચાલી ગઈ છે." કેરિનએ ફોન મૂકી દીધો અને માથું પકડીને બેસી ગયો.
થોડીજ વારમાં રાધિ ત્યાં પહોંચી, રાધિએ કેરિનને ઉભો કર્યો અને પૂછ્યું,"શું થયું છે જીજુ? તમે ખુબ ટેન્શનમાં લાગો છો, ફોન પર તમારો અવાજ પણ વિચિત્ર લાગ્યો. "

કેરિનએ રાવિએ લખેલી ચિઠ્ઠી રાધિના હાથમાં મૂકી, રાધિ એ ચિઠ્ઠી વાંચીને સોફા પર ફસડાઈ,"મેં કીધું હતું હું જોડે આવું, મેં રાવિની વાત માની જ કેમ? કેમ ન ગઈ હું રાવિ ભેગી?"
"ક્યાં ગઈ છે રાવિ? ચાલ રાવિને લેવા જઇયે ચાલ રાધિકા...." કેરિનએ ગાડીની ચાવી લીધી, રાધિકાને ગાડીમાં બેસાડી અને બન્ને જણ બાબાજીની ગુફા તરફ નીકળ્યાં.


"તું ગાંડી થઇ ગઈ છે ત્રિસ્તા, તું રાવિ બનીને પેલા માણસ સાથે.... એક માણસ અને એક આત્મા વચ્ચે કોઈજ સબંધ ન હોય એ તું જાણે છે, છતાંય?" માનસાએ ત્રિસ્તાને બન્ને ખભેથી પકડીને હલાવી નાખી.
"મારા લગ્ન થયાં છે કેરિન સાથે, એ મારો પતિ છે માનસા અને જો કોઈ પણ મને મારા કેરિનથી અલગ કરવાનો પ્રયત્ન કરશે તો હું એને છોડીશ નઈ." ત્રિસ્તા ગાંડાની જેમ બોલી રહી હતી.

"કેરિન તારો નઈ રાવિકાનો પતિ છે ત્રિસ્તા, ભાનમાં આવ." માનસાને ગુસ્સો આવી રહ્યો હતો.
"કેરિન અને રાવિકાનાં લગ્ન થયાં ત્યારે હું રાવિકાના શરીરમાં હતી, મતલબકે મારા લગ્ન કેરિન સાથે થયાં છે અને કેરિન મારો પતિ છે." ત્રિસ્તાએ બેફિકરાઈથી કહ્યું.

"તું જાણે છે કે આપણી વિધિમાં કામને સ્થાન નથી છતાંય તું તારી વાસનામાં ભાન ભૂલી છે અને એટલેજ મારે મજબૂરીમાં તને બાંધવી પડશે." માનસાએ ત્રિસ્તા ઉપર રાખ ફેંકીને કંઈક મંત્ર બોલ્યા અને તેને એક બોટલમાં કેદ કરી,"એક માણસ સાથે તારો સબંધ શક્ય તો છે પણ હિતાવહ નથી ત્રિસ્તા, હાલ પૂરતો તો નઈજ. મારી વિધિ પૂર્ણતાને આરે છે અને આટલે પહોંચીને હું હારીશ નઈ, તારી વાસનાને કારણે તો જરાય નઈ.""હું વચન આપું છું કે રાવિકાની શક્તિઓ છીનવ્યા પછી તેના પર માત્ર તારો અધિકાર હશે, તું પણ મને વચન આપ કે રાવિકાને અહીં સહીસલામત લઇ આવીશ." કાળીનાથએ કુંદરને આઝાદ કર્યો.
"હું વચન આપું છું, જ્યાં સુધી તમારો યજ્ઞ પૂરો ન થાય ત્યાં સુધી રાવિકા વિશે વિચારીશ પણ નઈ." કુંદરએ વચન આપ્યું.
"શાબાશ, જા રાવિકા અને રાધિકાને લઇ આવ." કાળીનાથએ હુકમ કર્યો કે તરત કુંદર રાવિને શોધવા નીકળી પડ્યો.


"સોમા તું રાવિકાને શોધી લાવ અને ભીમા તું રાધિકાને ઉઠાવી લાવ." ગુરુજી અગ્નિકુંડ તૈયાર કરી રહ્યા હતા.
"પણ રાધિકા તો... એ તો સીધી મારપીટ જ કરે છે ગુરુજી." ભીમાને રાધિકાની માર યાદ આવી ગઈ.
"ભીમા, તું કોનો ચેલો છે એ ભૂલ મત. એક મામૂલી છોકરીથી ડરીને તું મારું અપમાન કરી રહ્યો છે, જા જઈને રાધિકાને લઇ આવ નહિતર હું જ તને બાળીને ભસ્મ કરી નાખીશ." ગુરુજીએ રાડ પાડી.

ભીમો બીજો કોઈ વિચાર કર્યા વગર ઉભી પુંછડીએ ભાગ્યો, સોમો ત્યાંથી નીકળી રહ્યો હતો ત્યાંજ ગુરુજી બોલ્યા, "સોમા, રાવિકા છેલ્લીવાર નિત્યાનંદની ગુફા પાસે હતી અને એના પછી એ ક્યાં ગઈ કોઈ એતોપતો નથી એનો. તું નિત્યાનંદની ગુફા પાસે જઈને તપાસ કરજે, કઈ પણ કરજે પણ રાવિકા ૬ દિવસની અંદર મળી જવી જોઈએ."
સોમાએ હકારમાં માથું હલાવ્યું અને રાવિની શોધમાં નીકળી પડ્યો, ગુરુજી તેમની વિધિમાં વ્યસ્ત થઇ ગયા.


"રાવિકા અડધા કલાક પહેલા અહીં આવી હતી." બાબા નિત્યાનંદએ કહ્યું.
"ક્યાં ગઈ છે તમને ખબર છે? શું પૂછ્યું હતું રાવિએ તમને?" રાધિએ પૂછ્યું.
બાબાજીએ કોઈ જવાબ ન આપ્યો એટલે રાધિએ પૂછ્યું, "રાવિને ક્યાં શોધીએ?"
"જ્યાં ભગવાન શિવનો વાસ છે ત્યાં." બાબાએ જવાબ આપ્યો.

બાબાજીની ગુફાથી બહાર આવીને રાધિએ આંખો બંધ કરી અને રાવિ ક્યાં છે એ જાણવાનો પ્રયત્ન કર્યો, તેને રાવિની ઝાંખી પ્રતિકૃતિ દેખાઈ અને થોડીવારમાંજ રાવિ બરફ તળે દબાઈ ગઈ.
"શું થયું?" કેરિનએ રાધિનો તંગ ચેહરો જોઈને પૂછ્યું.
"રાવિ.... રાવિને જોઈ મેં. એ બરફ નીચે દબાઈ ગઈ." રાધિને પરસેવો વળી ગયો હતો.

"બરફ નીચે દબાઈ ગઈ? બાબાએ તો કહ્યું હતું કે જ્યાં ભગવાન શિવનો વાસ છે રાવિ ત્યાં મળશે." કેરિન મૂંઝવણમાં મુકાયો.
"હિમાલય, રાવિ હિમાલય ગઈ છે. હિમાલય બરફ આચ્છાદિત છે અને ભગવાન શિવનો વાસ છે ત્યાં." રાધિએ અનુમાન લગાવ્યું.
"પણ રાવિ ત્યાં નઈ મળી તો?" કેરિનએ શંકા વ્યક્ત કરી.

રાધિએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલી, "રાવિ ત્યાં જ હશે. મારું અનુમાન ખોટું નઈ પડે, આપણે નીકળીએ આજેજ."
કેરિનએ હકારમાં માથું હલાવ્યું, રાધિનો હાથ પકડ્યો અને બન્ને ગાયબ થઇ ગયાં.
બન્નેના ગયા પછી છુપાઈને તેમની વાતો સાંભળી રહેલો કુંદર બહાર આવ્યો,"મારે રાધિકા ઉપર સતત નજર રાખવી પડશે, રાધિકા એકવાર રાવિકાને શોધી લે પછી હું મારી રાવિકાને ઉઠાવીને લઇ જઈશ હંમેશા માટે."

"પણ કુંદર તેં કાળીનાથને વચન આપ્યું છે." કુંદરનું મન તેને વારી રહ્યું હતું.
"હા, પણ મને એનાથી કોઈ મતલબ નથી. હું રાવિકાને લઇ જઈશ, તેની સાથે લગ્ન કરીશ અને અમારા બાળકો રાવિકાની શક્તિઓ લઈને જનમશે. પછી હું આ દુનિયા ઉપર રાજ કરીશ, રાજ." કુંદરનું મગજ ભવિષ્યની સફરે ઉપડી ગયું હતું.
"રાધિકા પાસે પણ શક્તિઓ છે અને તારા કરતા વધારે શક્તિશાળી છે એ. રાધિકા તેની બેનને કઈ થવા દેશે એવુ તને લાગે છે?" કુંદરનું મન નવી દલીલ તૈયાર કરી રહ્યું હતું.

કુંદરએ થોડીવાર વિચાર કર્યો, એકવાર તો તેને રાવિનો પીછો છોડી દેવાનો વિચાર આવ્યો પણ બીજીજ પળે તેણે એ વિચારે ખંખેરી નાખ્યો અને શેતાની સ્મિત કરતા બોલ્યો, "રાધિકા પાસે માત્ર શક્તિઓ જ નથી, તેની પાસે રાવિકા જેવો જ ચેહરો પણ છે. અદભુત શક્તિઓ ધરાવતી અને રૂપરૂપનો અંબાર એવી બબ્બે પત્નીઓ શું ખોટી છે?"

"હવે મને રાવિકા અને રાધિકા બન્ને જોઈએ છે અને બન્નેને વશમાં કરવાનો રસ્તો પણ છે મારી પાસે." કુંદરએ વારાફરતી મેહુલ અને કેરિનનું રૂપ લીધું અને અટ્ટહાસ્ય કર્યું ત્યારે તેં નહોતો જાણતો કે કોઈએ તેની બધી વાતો સાંભળી લીધી છે.

ક્રમશ: