Lost - 37 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 37

પ્રકરણ ૩૭

કુંદરના ગયા પછી માનસા બહાર આવી અને ખંધુ હસી, "તું રાવિકા અને રાધિકા સુધી પહોંચ તો ખરો, હું તારી પાછળ જ છું. એ બન્નેની શક્તિઓ પર માત્ર મારો અધિકાર છે."
"મને બા'ર કાઢ માનસા..." ત્રિસ્તા બા'ર નીકળવા ધમપછાડા કરી રહી હતી.

"તું તારો સંયમ ખોઈ બેઠી છે, તારી નાની એવડી ઈચ્છા પુરી કરવામાં તેં આપણું પહાડ જેવડું લક્ષ્ય ભટકવાની ભૂલ કરી છે અને ભૂલની સજા તો ભોગવવી જ પડશે."
"મને બા'ર કાઢ માનસા, જો હું જાતે બા'ર નીકળી તો તારા માટે સારુ નઈ રે." ત્રિસ્તાએ તેના દાંત પિસ્યા.
માનસાએ ત્રિસ્તાની વાતને બીજા કાનથી કાઢી નાખી અને કુંદરની પાછળ ગઈ.


"બાબાજી, તમારા ચેહરા પર આ તણાવ?" નિત્યાનંદજીના એક ચેલાએ પૂછ્યું.
"માણસના એક ખોટા કર્મના ફળ તેની સાત પેઢીને ભોગવવા પડે છે." બાબાજી આકાશ તરફ જોઈને બોલ્યા.
"એટલે? હું કઈ સમજ્યો નઈ."
"ન સમજાય એ સારુ, બધું સમજીને જાણીને પણ લાચાર હોવું એ એક શ્રાપ બરોબર છે વત્સ." બાબાજીના ચેહરા પર મલાલ ઉતરી આવ્યો.

"એવુ શું થવાનું છે બાબા? આજે જે કન્યાઓ આવી હતી એમની સાથે કઈ? તમે કઈ ન કરી શકો?" ચેલાએ તેના ગુરુની ચિંતા દૂર કરવાનું વિચાર્યું.
"વિધિના લેખને કોણ ટાળી શકે છે પુત્ર? ભગવાન સૌ સારાં વાનાં કરશે." બાબાજીએ આકાશ તરફ જોઈને હાથ જોડ્યા.


"હવે આ રાધિ ક્યાં ગઈ છે?" આસ્થાએ છેલ્લા કેટલાયે કલાકથી રાધિને નહોતી જોઈ, સવાર પડવા આવ્યું હતું પણ રાવિ, રાધિ કે કેરિનના કોઈજ સમાચાર નહોતા મળ્યા.
"કેરિનએ આજ પે'લા ક્યારેય આવું નથી કર્યું, મારું મન ગભરાય છે કેશવ." રીનાબેનને ગભરાહટ થઇ રહી હતી.
"મન તો મારું પણ ગભરાય છે, આપણા બાળકો ઠીક તો હશે ને?" મીરાએ જિજ્ઞાસા તરફ જોયું.

જિજ્ઞાસાએ આકાશમાં જોયું, આકાશમાં કાળા વાદળ છવાયા હતાં અને ધોળા દિવસે અંધારું છવાયું હતું.
"આના પહેલા જયારે આવું થયું હતું ત્યારે આધ્વીકાનો એક્સિડેન્ટ થયો હતો... હે ભગવાન! મારી રાવિ અને મારી રાધિને સલામત રાખજો." જિજ્ઞાસાની આંખો ભરાઈ આવી હતી.
આધ્વીકાએ જિજ્ઞાસાની વાત સાંભળીને આકાશમાં જોયું અને મનોમન બોલી, "તમે છો એવો વિશ્વાસ તૂટે નઈ, ધ્યાન રાખજો."

"તેં ખોટું કર્યું રાવિ, બહુ ખોટું." માયાએ ગુસ્સામાં રાડ પાડી.
"ખોટું?"રાવિ ખડખડાટ હસી પડી.
"રાવિઈઈઈઈઈઈઈઈ....." માયાએ રાવિ પર હુમલો કર્યો, રાવિ ફંગોળાઈને એક શિલાને અથડાઈ અને નીચે પડી.
"રાધિકા અહીં પહોંચતી જ હશે, એ તને છોડશે નઈ." રાવિના મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું.

"મને બીક બતાવે છે તું? મને?" માયાએ રાવિને ગરદનથી પકડીને હવામાં લટકાવી.
રાવિનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો, તેં તરફડી રહી હતી પણ તેણીએ પોતાને છોડાવવાનો જરાય પ્રયત્ન ન કર્યો.
માયાએ રાવિને જમીન પર પટકી અને બોલી,"તારી જરૂર છે મને એટલે જ તું આ બધું કરી રહી છે ને? તેં ચાલાકીથી બાબા પાસે જઈને મને અહીં બાંધી નાખી, જેથી હું તારા પરિવારને નુકસાન ન પહોંચાડી શકું."

"હા, હવે છ દિવસ સુધી તું અહીંથી નઈ નીકળી શકે અને એટલા દિવસ ઇનફ છે તને ખતમ કરવા." રાવિ ફરીથી હસી.
"તું કરીશ ખતમ મને? તું કરીશ?" માયા ગુસ્સામાં રાવિ તરફ વધી.
"હા, હું જ કરીશ. તને ખતમ કરવી એ મારા ડાબા હાથનો ખેલ છે. તેં મારી મમ્મા અને મારા પપ્પાની પીઠ પાછળ વાર કર્યો હતો, તું કાયર છે કાયર. હંમેશા ડરપોકની જેમ છુપાઈને વાર કરે છે, કોઈને મારવાની તો તારી ઓકાત જ નથી." રાવિ જાણીજોઈને માયાને ઉકસાવી રહી હતી.

માયાનો પીતો ગયો અને તેણીએ તેનું ખંજર રાવિની છાતીમાં માર્યું.
"તું ડરપોક જ નઈ, બેવકૂફ પણ છે." રાવિ હસતા મોઢે જમીન પર ઢળી પડી.
"રાવિ.... રાવિ ઉઠ. એય રાવિ ઉઠ." માયાએ રાવિને ઢંઢોળી અને તેની નસ તપાસી, તેના શ્વાસ બઉજ ધીરે ધીરે ચાલી રહ્યા હતા.

માયાએ તેની શક્તિઓથી રાવિનો ઘા ઠીક કરવાનો પ્રયત્ન કર્યો, રાવિએ તેની આસપાસ એક કવચ તૈયાર કર્યું જેના કારણે માયાની કોઈજ તાકાત કે માયા પોતે પણ રાવિ નજીક ન જઈ શકે.
"તું જાતે કરીને કેમ મરવા માંગે છે?" માયા રાવિએ બનાવેલું કવચ તોડવા મથી રહી હતી.
"કેમકે હું તારા મનસુબા જાણી ગઈ છું..." રાવિ તેનું માનસિક બળ લગાવીને માયાને રોકી રહી હતી, તેનું શરીર કમજોર પડી ગયું હતું અને તેના ઘામાંથી અવિરત લોહી વહી રહ્યું હતું.

"મને તારી મદદ કરવા દે રાવિ, માની જા નહીં તો તારા ગયા પછી હું તારા પરિવારને ખતમ કરી દઈશ." માયા રાવિને બચાવવા મરણીયા પ્રયાસ કરી રહી હતી.
"મારા પરિવારની ઢાલ, મારી બેન હજુ જીવે છે અને જ્યાં સુધી રાધિકા જીવે છે ત્યાં સુધી તું તો શું આ દુનિયાની કોઈ તાકાત મારા પરિવારને નુકસાન પહોંચાડી શકે એમ નથી." રાવિના અવાજમાં ગર્વ અને રાધિ માટેનો વિશ્વાસ છલકી રહ્યો હતો.

"રાવિઈઈઈઈ...... ક્યાં છે તું?" રાધિ અને કેરિન રાવિના નામની બૂમો પાડી રહ્યાં હતાં.
"રાધિકા... રાધિકા... રાવિ અહીં છે." માયાએ બુમ પાડી.
"માયા? રાવિ ક્યાં છે?" રાધિ દોડતી માયા પાસે આવી.
માયાએ રાવિ તરફ ઈશારો કર્યો, રાવિની નજીક લોહીનું ખાબોચિયુ ભરાઈ ગયું હતું.
કેરિન અને રાધિ દોડતાં રાવિ પાસે આવ્યાં, રાધિએ રાવિનો ઘા ઠીક કરવા તેની છાતી પર હાથ મુકવા ગઈ પણ એક ઝટકા સાથે તેનો હાથ પાછો પડ્યો.

"રાવિ.... રાવિ.... ઉઠ રાવિ...." કેરિનએ રાવિને તેના ખોળામાં સુવડાવી.
"રાધિકા, શું થયું? રાવિ ઠીક તો થઇ જશે ને?" માયાને તેની શક્તિઓ પાછી ન મળવાની ચિંતા હતી.
રાવિએ કેરિનનો હાથ પકડ્યો, તેના તરફ જોઈને હસી અને બોલી,"તારા દિલમાં શું છે એ હું નથી જાણતી પણ મારા દિલ પર માત્ર એકજ નામ લખેલું છે, કેરિન દેશમુખ. તું મારો પે'લો અને છેલ્લો પ્રેમ છે કેરિન......"

"રાવિ....." કેરિન કઈ બોલવા જતો હતો પણ રાવિએ તેના મોઢા પર આંગળી મૂકી દીધી, "મને આ હાલતમાં જોઈને હવે એમ ન કઇશ કે તું મને પ્રેમ કરે છે, તું મને પ્રેમ નથી કરતો એ હું જાણું છું અને મને એનાથી કોઈ વાંધો નથી. મારા ગયા પછી સારી છોકરી શોધીને લગ્ન કરી લેજે, મારા વિરહમાં એકલો રઈશને તો તને ભૂત બનીને હેરાન કરીશ."
"એય રાવિ, યાર... હું તને હમણાં ઠીક કરી દઈશ..." રાધિએ ફરી તેના ઘા પર હાથ મુકવા ગઈ પણ ફરી તેનો હાથ એક ઝટકા સાથે દૂર થઇ ગયો.

"રાવિએ એક કવચ બનાવ્યું છે જેમાં હું કે મારી શક્તિઓ પ્રવેશ ન કરી શકે, તારામાં મારી શક્તિઓ છે એટલે તું પણ રાવિને નઈ અડી શકે." માયાના અવાજમાં હતાશા હતી.
"રાવિ, પ્લીઝ યાર. કવચ તોડી નાખ મને તારી મદદ કરવા દે, પ્લીઝ. મારી વાત માની લે બેન..." રાધિ વારંવાર રાવિ તરફ જવા મથતી હતી પણ દર વખતે તેં એક ઝટકા સાથે દૂર ફેંકાતી હતી.

રાવિએ મનોમન આખા પરિવારને યાદ કર્યો અને તેના ચેહરા પર પ્રેમાળ સ્મિત ફરી વળ્યું,"આપણા આખા પરિવારની અને ખાસ જીજ્ઞામાસીની માફી માંગજે મારા તરફથી. આ એકજ રસ્તો હતો મારી પાસે, તારા વગર જઈ રઈ છું મને માફ....."


ક્રમશ: