MOJISTAN - 60 in Gujarati Humour stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 60

મોજીસ્તાન - 60

મોજીસ્તાન (60)

બરવાળા પોલીસ સ્ટેશનમાંથી માંડ છૂટેલા જગા ભરવાડ અને નારસંગે હુકમચંદનું કંઈ હાલતું નથી એ નજરોનજર જોયું હતું.
બે બદામનો વજો વાળંદ ઉલ્લુ બનાવી ગયો એ બંનેને બહુ કઠયું હતું.પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યા એટલે એ લોકોને રણછોડનો ભેટો થયો હતો.રણછોડે બંનેને જે ધમકી આપી હતી એને કારણે બેઉ ડરી ગયા હતાં. આવું કંઈ થાય એટલે એ બેઉ હંમેશા ક્યાંક દારૂ પીવા જતાં રહેતાં. બરવાળામાં ભોગીલાલનું પીઠું આખી રાત ખુલ્લું રહેતું. નારસંગે જીપ ભોગીલાલના ખલતા તરફ લેવડાવી.

એક એક પોટલી પ્લાસ્ટિકના ગ્લાસમાં ઠાલવી મોટા ઘૂંટડે દેશી દારૂ ગળા નીચે ઉતારીને નારસંગે કહ્યું,

"મારો બેટો આપડને ઉલ્લુ બનાવી જ્યો.જગા, એ વજીયાને તો હું નહિ મુકું.એની છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવી દઉં તો કેજે !"નારસંગનો મગજ ફાટફાટ થતો હતો.

"શું કવ ? ઈ વાછડું આટલું બધુ હુંકામ ઉલ્લે સે ઈ તું હમજ્યો નય..ખીલો મજબૂત સે ઈનો ભૂંડા..તેં જોયું નય ? ઓલ્યા રણસોડિયાએ એક જ ફોન કર્યો કે તરત ઈને સોડી મુક્યો.અન આપડા શેઠની તો કોઈ સીંકણીય લેતું નથ..ખીલો મજબૂત હોવો જોવે નારસંગ ખીલો.." જગાએ બીજો ઘૂંટ મારતા કહ્યું.

" તો શું આપડે ખીલો બડલવો સે ઈમ ? આજલગી જેના રોટલા ખાધા ઈનો મોળો દી' આવે અટલે ડૂબતા વા'ણમાંથી ઉંદયડા ભાગે ઈમ ભાગી જાવું સે ? જગલા મારા લોયમાં વફાદારી વધારે ભરી સે.કોકના બંગલા ભાળીને આપડા ઝુંપડા બાળી મેલવાના ?"નારસંગે બીડી સળગાવતા કહ્યું.

"પણ હાવ આમ હાલીતુલી આપડને ધોકા મારી જાય ઈ શે ખમાય ! રણસોડિયાએ કીધું ઈ તેં હાંભળ્યુ નય ? ઈટ રન એવો કાંક કેસ આપડી ઉપર ઠોકશે તો ? હુકમસંદ આપડને બરવાળાની સોકીમાંથીય સોડાવી નો હકતા હોય તો આપડે વિસારવું પડે.બવ વફાદારીનું દિકરું નો થવાય.બયરા સોકરા રખડી પડે, હમજ્યો? લાવ એક બીડી પા." જગાએ કહ્યું.

"તો તેં શુ વસાર કર્યો છે ? ખોંગ્રેસ છોડી દેવી ઈમ ? આપડા ધારાસભ્ય ધરમશી ધંધુકિયા આ વખતે પણ શુંટાઈ જાશે તો ? પસી આ હુકમસંદ જ આપડા રોટલા અભડાવી દેશે..અટલે જગા જે કરવું ઈ હમજી વસારીને કરવું જોવે.રણસોડિયાના પકસમાં જોડાતા પેલા એકવાર આપડે હુકમસંદને વાત કરવી જોવે. ઈને ઝખ મારીન આપડને બસાવા પડશે. કારણ કે ઈ રણસોડિયાના હાથપગ ભાંગી નાખવાનું કામ ઈને જ આપડને હોંપ્યું'તું.આપડને પોલીસ પકડશે તો આપડે કય દેવાનું કે અમને હુકમસંદે કામ હોંપ્યું'તું. પસી જો હુકમસંદ ઈનું ધોતીયું ચીમ કરીન બસાવે સે.."

"તારી વાત તો હાચી સે નારીયા.
આપડે કાલ્ય હવારે જ શેઠ હાર્યે સોખવટ કરવી પડસે. જો ઈ કાંય હા ના કરે તો સીધા બોટાદ ભેગું થઈ જાહું.આપડે તો સ્હું ખોંગ્રેસ ને સ્હું એલપીપી..જ્યાં રોટલા મળે ઈમ હોય ઈ પકસ આપડો, બરોબરને !" જગાએ બીડીના ધુમાડા કાઢતા પોટલીમાં વધેલો દારૂ ગ્લાસમાં ઠાલવ્યો.

"બરોબર સે..ઈની માને, વળ ખાય વાંદરૂ ને માલ ખાય મદારી..માય જીયું નય.આપડી સામડી બસાવવાનો આપડનેય અધિકાર સે..ચીમ નો બોલ્યો !"

બરવાળાના છેવાડાના વિસ્તારની એક ઝૂંપડપટ્ટી પાછળ એક મોટા ડેલામાં ભોગીલાલનો અડ્ડો હતો.

જગા અને નારસંગે બબ્બે પોટલી ચડાવીને કિલો ભજીયા ખાઈને ત્યાં પડેલા ખાટલામાં લંબાવ્યું.

ભોગીલાલના અડ્ડામાં ગ્રાહકોને ખાવા પીવા અને સુવાની પણ આવી સરસ વ્યવસ્થા હતી. પોલીસ સ્ટેશનથી છેક ધારા સભ્ય સુધી ભોગીલાલનો હપ્તો જતો હોવાથી ક્યારેય અહીં રેડ પડી નહોતી.ભોગીલાલ એકદમ ખંધો અને ચાલાક આદમી હતો.

જગો અને નારસંગ ભોગીલાલના અડ્ડા પર દારૂ પીને ઘોરી ગયા એ રાતે ગામમાં તભાભાભાવાળો બનાવ બન્યો હતો.તખુભાને ભૂતે પાડી દીધા પછી જે દેકારો મચ્યો હતો એને કારણે હુકમચંદ જાગીને તખુભાના ઘેર ગયો હતો. તખુભાને તાત્કાલિક દવાખાને લઈ જવા પડે એમ હતું એટલે હુકમચંદને પોતાની જીપ યાદ આવી હતી.

ભોગીલાલના ડેલામાં ઘસઘસાટ ઊંઘતો જગો ભરવાડ ફોનની રીંગ વાગવાં છતાં જાગ્યો નહોતો,પણ રીંગ વાગતી બંધ થયા પછી અચાનક એની ઊંઘ ઊડી હતી. ખિસ્સામાંથી ફોન કાઢીને એણે હુકમચંદનો નંબર જોયો. જગો તરત સમજી ગયો કે શેઠે આટલી રાતે ફોન કર્યો એટલે જરૂર કંઈક કામ હોવું જોઈએ. જગાએ તરત ફોન હુકમચંદને ફોન લગાડ્યો. પણ કોઈ કારણસર હુકમચંદને ફોન લાગતો નહોતો.

હુકમચંદે એને તાત્કાલિક જીપ લઈને ગામ આવી જવા જ ફોન કર્યો હોય એમ સમજીને જગાએ નારસંગને જગાડ્યો,પણ નારસંગની આંખ ખુલતી નહોતી. દારૂના નશામાં એ સાવ સાનભાન ભૂલી ગયો હતો. જગાએ એને ઉપાડીને જીપની પાછલી સીટમાં નાંખ્યો તોય એ ઉઠ્યો નહોતો.

જગાએ મોઢું ધોઈને ચાનો ઓર્ડર આપ્યો. રાતે મારેલી બે પોટલીથી હજી એનું માથું ભમતું હતું.

ચા પીને જગાએ બિલ ચૂકવ્યું. અને જીપ રાણપુર રોડ પર લીધી.

એ સમય દરમ્યાન ડો.લાભુ રામાણી રઘલા અને પશવાને એની મારુતિ કારમાં નાખીને નર્સ ચંપા સાથે બરવાળા આવી રહ્યો હતો. કારમાંથી ઢસડીને રઘલા અને પશવાને રોડની બાજુમાં આવેલા ઊંડા ખાળીયામાં નાખી દીધા પછી ડો લાભુ રામાણીએ નર્સ ચંપાને કારનો લાભ આપવા પાછલી સીટમાં ખેંચી હતી.એ વખતે સવારના ચાર વાગવા આવ્યા હતાં.

જગાએ જીપને રોડે ચડાવી ત્યારે લાભુ રામાણી ચંપા સાથે પાછળની સીટમાં ગોઠવાયો હતો.
રાતના સુમસામ અંધકારમાં આવા વખતે કોઈ વાહનની અવરજવર થતી નહિ.કારણ કે આ સડક ગ્રામ્ય વિસ્તારમાં જતી હતી.પણ જગો ભરવાડ એની જીપ લઈને અહીંથી નીકળશે અને પોતાની કાર ઓળખી જશે એવી ખબર લાભુ રામાણીને હોત તો એક વધુ ખેલ એમને ખેલવો પડત નહિ !

સાદી બીડીના ઠુંઠાને ચૂસતો જગો ધીરે ધીરે જીપ ચલાવી રહ્યો હતો.આટલી ગાઢ નિંદ્રામાંથી ઉઠીને એને જીપ લઈને ગામ જવું પડ્યું એ ગમ્યું નહોતું. પણ શેઠ હુકમચંદના હુકમનું પાલન કરવું એ એની ફરજ હતી.એના આવા ગુણને કારણે જ હુકમચંદે પોતાની જીપ એને ફેરવવા આપી હતી.

જગાએ જીપની હેડલાઈટના પ્રકાશમાં રોડની સામેની સાઈડમાં સફેદ મારુતિકાર ઉભેલી જોઈ.કાર ઉભેલી હોવા છતાં જાણે કોઈ ખાડા ટેકરાવાળા રોડ પરથી પસાર થઈ રહી હોય એમ હાલક ડોલક થતી જોઈને જગો બબડયો,

"મારું બેટું, આ ભોગીલાલનો દારૂ એટલે દારૂ હો.સ્હું નશો સડયો સે.ઈનીમાને.. ઊભેલું વાહન પણ હાલતું હોય ઈમ લાગે સે.પણ અલ્યા આ તો દાગતરની ગાડી સે.આંય બરવાળા કોણ લાયું હશે ? ક્યાંક કોઈએ ઉઠાવી તો નથી ને ઈ જોવું પડશે..દાગતર બસાડો હારો માણહ સે..' આ દાગતર જગાની બયરીને સાવ મફતમાં ઘેર દવા આપવા આવ્યા હતા એ જગાને યાદ આવ્યું.

જગો જીપને સાઈડમાં ઉભી રાખીને નીચે ઉતર્યો. ડેશબોર્ડના ખાનામાં એ ટોર્ચ રાખતો.અંધારું હોવાથી એ ટોર્ચ સાથે લેવી જગાને યોગ્ય લાગી હતી.

જગાએ એ મારુતિકાર નજીક જઈને કાર પર ટોર્ચનો પ્રકાશ ફેંક્યો.કારની પાછળની સીટમાં રચાયેલા એ સીને જગાના તનમનમાં ઝણઝણાટી બોલાવી દીધી.દારૂનો નશો એકાએક ઉતરી ગયો.આવું દ્રશ્ય એણે જીવનમાં ક્યારેય જોયું નહોતું.

"અલ્યા કોણ છે મોટરમાં ? મારા હાહરાના આંય રોડે આવા ધંધા કરો સો ? આ મોટર તો અમારા ગામના દાગતરની સે.ઝટ બારો નીકળ્ય નકર હમણે..." જગાએ વાક્ય અધૂરું છોડીને કારનો દરવાજો ખેંચ્યો.

ડોકટર લાભુ રામાણીએ આદરેલો
પ્રેમલાપ અધવચ્ચે જ પડી ભાંગ્યો.

"તમારો સગલો કોક બત્તી લઈને ગુડાણો છે.ઝટ ઉભા થઈને કપડાં પેરો ભાઈશાબ.. કોકને કોક તો આવી જ ચડે છે તમે ચડો ત્યારે..તમે સાવ બુંધિયાળ છો.તમારા કવાટરમાં ગોઠવ્યું તો બે જણ ત્યાં આવી ચડ્યા અને અહીં હું ના પાડતી'તી તોય મને કારનો અનુભવ કરાવવા હાલી નીકળ્યા.ઓલ્યા બેનો હિસાબ હજી કરી રહ્યાં છીએ ત્યાં આ નવો એક આવ્યો.." ચંપાએ ડોકટરને ધક્કો મારીને બફાટ ચાલુ કર્યો.

જગાએ કારનો દરવાજો ખોલી ને ડોકટરના ચહેરા પર ટોર્ચનો પ્રકાશ ફેંક્યો..

"લે..એ..એ...દાગતર ખુદ તમે..? કોની હાર્યે મોઢું કાળું કરો સો ઈ તો જોવા દયો..'' કહી ડોકટર નીચે ચહેરા પર બેઉ હાથ ઢાકીને પડેલી ચંપા પર પ્રકાશ ફેંક્યો.

"લ્યો ગોરી હવે મુખડું જોવા દયો..બાકીનું હંધુય તો દેખાડ્યું.તો મોઢું હંતાડીન તમારે ચ્યાં જાવું સે.હંકન..અ... બોડીનો ઘાટ તો સંપા નરસ જેવો લાગે સે.દાગતર હાર્યે હાલો સો એવી વાતું તો ઊડતી ઊડતી કાને આવી'તી. આજ હાર્યે ને હેઠે સ્હોતે સ્હુવો સો ઈ નજરોનજર જોયું. લ્યો હવે તમારી જેવું કોણ થાય..હું બત્તી બંધ કરું સુ.અમેય માણહ સવી. આ ગઢાબુઢા દાગતરમાં વળી સુ મન મોયું.. તમને આવો સોખ હસે એવી અમને તો આજ જ ખબર્ય પડી.તમે હમાંનમાં થાવ તાં લગણ હું આનીકોર ઉભો સુ. સરમ જેવી કોઈ જાત્ય જ નથી લ્યો ! અલ્યા દાગતર ઉઠીન આવા ધંધા કરો સો ? અને ઈય આ ઉંમરે ? તમારી કરતા અમે નય હારા ? ઘરની બયરી સિવાય આજ લગી અમે ચયાંય મોઢું નથી માર્યું..હાલી સુ નીકળ્યા સો. "

જગો ટોર્ચ બંધ કરીને કારથી થોડો દૂર ઉભો રહ્યો. આવા કેસમાં કેવી રીતે કામ લેવું જોઈએ એનો કોઈ અનુભવ એને નહોતો.દાગતર પાસે હવે સાવ મફતમાં દવા લઈ શકાશે અને ક્યારેક બે પાંચ હજાર જોતા હોય તો આ બનાવ કામ લાગશે એમ એ મનમાં વિચારીને ખુશ થઈ રહ્યોં હતો.
પણ ડોકટર લાભુ રામણી એક ખેપાની માણસ હતો એની એને બિચારાને ક્યાંથી ખબર હોય !
એકાએક કારનું એન્જીન શરૂ થવાનો અવાજ આવ્યો.જગો કંઈ સમજે એ પહેલાં તો કાર એક ઝાટકા સાથે ઉપડી.

"અલ્યા ઉભા રિયો એ..હે..ય..." કહેતો જગો પાછળ દોડ્યો.પણ ડોક્ટરે ફૂલ લીવર આપીને કાર ભગાવી હતી. જગો પાછળ દોડીને હાંફી ગયો. કાર પાછળ પથ્થરના ઘા કરવા રોડ પર ટોર્ચ ઘુમાવી, પણ ડામરરોડ પર કોઈ એવો પથ્થર હતો નહિ.જગો હાથ ઘસતો રહી ગયો..! થોડીવાર જીપ લઈને ડોકટરનો પીછો કરવાનું એને મન થયું.પણ પછી એણે એ વિચાર પણ પડતો મુક્યો.

"એ નાલાયક હતો કોણ ? સાલો આપણને ઓળખી ગયો છે.કદાચ ગામનો જ હોવો જોઈએ. એ હરામખોર આપણને બ્લેકમેલ કર્યા વગર નહિ રહે.જો ડોકટર હું તમને કહી દવ છું.હું આ બનાવ પર ઢાંક પીછોડો કરવા કોઈની હવસ સંતોષવા નહિ જાઉં, કહી દવ છું..મારે આવું કંઈ કરવાની જરૂર જ નહોતી."

આડા સબંધો જ્યારે ઉઘાડા પડે છે ત્યારે માણસને આવું જ્ઞાન આવતું હોય છે.ચંપાને ડોક્ટરે દસ લાખ રૂપિયાની લોલીપોપ પકડાવી હતી એની લાલચમાં ડૉક્ટરનું પડખું સેવવા એ તૈયાર થઈ હતી. લાલચ પણ એવી જ બુરી ચીજ છે જે અનીતીના માર્ગ પર લઈ જતી હોય છે !

"યાર ચંપુ ડાર્લિંગ ! એ કોણ હતો એતો મને પણ ખબર નથી.પણ હતો આપણા ગામનો જ એ પાકું છે.હવે એ કદાચ આપણી વાતો કરશે ગામમાં.. પણ એનું માનશે કોણ ? શુ સાબિતી છે એની પાસે કે એણે આપણને આમ વાંધાજનક પતિસ્થિતિમાં જોઈ લીધા છે ? " ડોક્ટરે ચંપાના ગાલે ટપલી મારી.

"પણ વાતો તો કરશે જ ને ? કાલ સવારે જ ગામમાં એ આપણો ફજેતો કરશે.મારે આ ગામમાં નોકરી કરવાની છે હજુ..ડોકટર તમે મારું જીવવું હરામ કરી દીધું..મારે આવું કરવાની જરૂર ન્હોતી, તમારી ઉપર દયા ખાવાની જરૂર નહોતી.તમે યાર સાવ કેરેક્ટરલેસ માણસ છો.." એમ કહી ચંપા રડવા લાગી.

"જો ચંપા હવે આમ રોકકળ કરવાનો કોઈ અર્થ નથી.અને વ્હાલી કેરેક્ટરની વાત તારા મોમાં બિલકુલ શોભતી નથી.. એટલે એવી વાત ન કરીએ સમજી ? તેં કંઈ મારી પર દયા નથી ખાધી.તારે જો પૈસાની જરૂર ન હોય તો આપણે હવે નહિ મળીએ ઓકે ? અને આ બધા મામલામાં કોઈ તારું નામ પણ નહીં લે એ જવાબદારી મારી બસ ? હવે ચૂપ થઈ જા.."

"પણ આજે તમે મને લૂંટી લીધી એનું શું ? મારી ઈજ્જતનો તો કચરો જ થઈ ગયો ને?"

"જો ચંપા,તારી ઈજ્જત અને કચરામાં બહુ મોટો તફાવત હોવાનો તને વહેમ છે. રહી વાત લૂંટફાટની તો તને જણાવી દઉં કે તને પણ મજા આવતી જ હતી. એટલે મેં તને જેટલી લૂંટી એટલો જ તેં પણ મને લૂંટયો છે.બંને બાજુ જબ્બરદસ્ત લૂંટફાટ મચી હતી.સાલી તેં પણ કાંઈ ઓછું બળ નથી કર્યું.. આપણે બેઉએ સ્વર્ગનો આનંદ લૂંટયો છે. એ આપણે બેઉ જાણીએ છીએ.છતાં તને તારી મહેનતનું વળતર હું આપી દઈશ. મારી પાસે રૂપિયાની કોઈ તાણ નથી.તું કાલથી રેગ્યુલર થઈ જજે.હું એક અઠવાડિયા પછી જ આવીશ. કોઈ તારું નામ નહિ લે એ જવાબદારી મારી..!" કહી ડોક્ટરે કાર ઉભી રાખી.

"કાર કેમ ઉભી રાખી ? હવે હું પાછલી સીટમાં નથી જવાની.યાર ડોકટર કોઈ લીમીટ જેવું હોય કે નહીં. જુઓ તો ખરા ગામ આવી ગયું છે.અત્યારે અહીં કેટલાય માણસો આવતા જતાં હોય છે"ચંપા સમજી કે હજી ડોકટર નવો રાઉન્ડ લેવા માંગે છે..!

"શું યાર ચંપુ ડાર્લિંગ ! તું મને સાવ એવો સમજે છે ? સમય અને સ્થળનું મને બરાબર ભાન છે ડિયર,હું પણ એ જ કહું છું કે બરવાળા આવી ગયું છે.અહીંથી તને રીક્ષા પણ મળી જશે. આગળની વાતો આપણે પછી કરીશું.તારે ગભરાવાની કોઈ જરૂર નથી. ચાલ બાય ડિયર ચંપુ.ભલે જે થયું તે, પણ તારી સાથે ખૂબ મજા આવી..હેહેહે..!"

"જાવને હવે જતા હોવ ત્યાં.કાર ધીમે ચલાવજો.એક્સિડન્ટ કરી બેસતાં નહિ..મારે હજી તમારી જરૂર છે.એ તો હું ઘડીક ગભરાઈ ગઈ હતી એટલે જેમતેમ બોલી જવાયું.જાવ હવે જલ્દી પાછા આવી જજો.આ ચંપુના દિલમાં તમે સળગતો અંગારો બનીને ચંપાઈ ગયા છો વ્હાલા.." કહી ચંપાએ ડોકટરના ગાલ પર ચુંબન કરી લીધું.

"એ હુઈના બાત..પ્યાર કિયા તો ડરના ક્યાં..જબ પ્યાર કીયા.. આ..આ...આ..." ડોક્ટરે તાનમાં આવી જઈ ગીત લલકાર્યું.

ચંપા હસતી હસતી કારમાંથી ઉતરી ગઈ.ડોક્ટરે ચંપા સાથે માણેલી ક્ષણો મમળાવતા કારને ગિયરમાં નાખીને લીવર આપ્યું..!

મારુતિ 800 ભાવનગર અમદાવાદ રોડે પુરપાટ વેગે ઉપડી.
*

ડોક્ટરે કાર મારી મૂકી એટલે હાથ ઘસતો રહી ગયેલો જગો બે ચાર ગાળો બોલીને જીપમાં આવ્યો.પાછળની સીટમાં ઘોરતા નારસંગને જોઈ જગાએ એને બે ચાર ચોપડાવી.

"આ હાળો ઊંઘણશીના પેટનો સે. જો હાર્યે હોત તો દાગતરને ખંખેરી જ લેવાત. અને ઓલી સંપલીનેય ઘડીક જોઈ લેવાત વાંહલી સીટમાં.." જગાએ આગળ વિચારવાનું બંધ કરીને જીપ ઉપાડી.

*

હુકમચંદની વીજળીને બાબાએ બચાવી હતી તે દિવસથી વીજળી બાબા માટે અલગ રીતે વિચારતી થઈ હતી. ગોળમટોળ બાબલો ઘનચક્કર જેવો દેખાતો હતો પણ અસલમાં એ મીઠી શક્કર જેવો હતો.ટેમુ એનો ખાસ મિત્ર હતો..! વીજળી હવે કામ ન હોવા છતાં ટેમુની દુકાને આવતી જતી થઈ હતી.બપોર વચ્ચે ટેમુ જ દુકાને બેસતો.

શું વીજળી અને બાબા વચ્ચે કોઈ પ્રેમનો સેતુ રચાશે ખરો ? વારંવાર દુકાને આવતી થયેલી વીજળી વિશે ટેમુએ તો કોઈ ધારણા બાંધી નહોતી ને ?

(ક્રમશ :)


Rate & Review

Parash Dhulia

Parash Dhulia 5 months ago

Manish Upadhyay

Manish Upadhyay 8 months ago

Varsa Kapadia

Varsa Kapadia 8 months ago

Dinesh

Dinesh 7 months ago

nice

Thakker Maahi

Thakker Maahi 7 months ago