Apshukan - 30 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 30

અઠવાડિયું રોકાઈને મમતા, કુણાલ અને ગરિમા પોતપોતાના ઘરે ગયાં. અંતરાને હવે ઘર, ઘર જેવું લાગવા માંડ્યું હતું, જ્યાં તે ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે. બંને નણંદોની હાજરીમાં અંતરા સતત તણાવમાં રહેતી. તેમની સતત નેગેટિવ વાતો આખા ઘરને નેગેટિવ કરી દેતી હતી.

મમ્મી, આજે પ્રિયાંકનો ફોન આવ્યો હતો.” પર્લે અંતરાને કહ્યું.

શુ વાત કરે છે? શું કહ્યું પ્રિયાંકે?” અંતરાએ અધીરાઇથી પૂછ્યું… (આટલા દિવસથી મમતા બેનના પુરાણમાં અંતરા એટલી અટવાઈ ગઈ હતી કે તે તો સાવ જ ભૂલી ગઈ હતી કે તેણે પર્લની ઝિંદગીનો મહત્ત્વનો નિર્ણય હજી કરવાનો બાકી છે)

પ્રિયાંકના ઘરેથી પાછી આવી પછી મેં પણ એને ફોન કર્યો નહોતો મને ખરાબ લાગ્યું હતું.. કારણ કે, મમ્મી, પ્રિયાંકે તો મને ફોન કરવો જોઈતો હતો ને! એક વાર સોરી કહેવા માટે. ઓફિસમાં અમારા બંનેના ડિપાર્ટમેન્ટ અલગ છે, એટલે હું તેને મળવાનું ટાળતી જ હતી. એ પણ મને આટલા દિવસમાં એકેય વાર સામે ચાલીને મળવા આવ્યો નથી.” પર્લ મમ્મી પાસે થોડી હળવી થઈ.

આજે જ્યારે પ્રિયાંકનો ફોન આવ્યો ત્યારે મેં ઉપાડ્યો જ નહિ એટલે તેણે મને મેસેજ કર્યો કે, 'સોરી, તે દિવસે મમ્મીએ તારું ઇન્સલ્ટ કર્યું ત્યાર બાદ મારી હીંમત જ નહોતી થતી તને ફોન કરવાની…’ પર્લ આ બોલતાં બોલતાં ખુશ થઈ રહી હતી.

પ્રિયાંકનો એ મેસેજ વાંચીને મારો તેના પ્રત્યેનો બધો જ ગુસ્સો હવામાં છૂ થઈ ગયો તરત જ મેં તેને સામેથી ફોન લગાડયો.” પર્લ એક મિનિટ માટે અટકીને ફરી ખૂબ જ એક્સાઈટેડ થતાં બોલી

મમ્મી, ગેસ વ્હોટ?”

અંતરા વિચારમાં પડી ગઇ તેની પાસે કોઈ જવાબ નહોતો

મમ્મી, પ્રિયાંકે કહ્યું કે તેનાં મમ્મી પપ્પા આપણા ઘરે આવવા માગે છે!! તમારી સાથે વાત કરવા માટે...”

હે?અંતરાને જાણે એક હજાર વૉલ્ટનો ઝટકો લાગ્યો હોય તેમ આ સાંભળીને તેનું મોઢું ખુલ્લું જ રહી ગયું!

પર્લે મમ્મીને આખી ઝંઝોળી નાખી... મમ્મીના ખભા પકડીને ખુશીથી ગોળ- ગોળ ફરવા લાગી...

અરે! અરે! બસ કર પર્લ... મને ચક્કર આવશે...” કહીને ખુશીથી હવામાં ઝૂમતી પર્લને પકડીને અંતરા માંડ માંડ ઊભી રહી શકી.

મમ્મી, ટુડે આઇમ સો હેપ્પી... સો હેપ્પી...” પર્લની આંખો ભીની થઈ ગઈ... સાથે અંતરાની આંખોમા પણ ઝળઝળિયા હતાં.

માં- દીકરી બંનેએ ઘણું વેઠ્યું. હવે કઈક સારા સમાચાર મળ્યા છે ત્યારે બસ, મારી દીકરીને કોઈની નજર ન લાગે...” કહીને અંતરાએ પર્લનાં ઓવારણાં લઈ લીધાં.

જા, દાદીને પણ આ ન્યૂઝ આપી આવ...” અંતરાએ પર્લને કહ્યું...

હા, હા... દાદી, દાદી...” ખુશીથી ચહેકતી ચહેકતી પર્લ દાદી પાસે ગઈ.

અંતરાને પણ કોઈ સાથે આ ખુશી શેર કરવી હતી. તેણે સીધો વિનીતને ફોન લગાડ્યો.

*** *** ***

કાંદિવલી, મહાવીરનગરના બ્લોસમ બિલ્ડિંગમાં બીજા માળે આજે ખૂબ જ ચહેલ- પહેલ હતી...

અરે, અંતરા... મનુભાઈ ઢોકળાવાળાને ત્યાંથી સેન્ડવીચ ઢોકળાં આવ્યાં કે નહિ?? હમણાં એ લોકો આવી જશે... કેવી સર્વિસ છે આ લોકોની? અત્યારે જ એમને ત્યાં ઢોકળાં ખતમ થવાના હતા?? અમારા જમાનામાં સારું હતું... બહારથી કોઇ નાસ્તો આવતો જ નહોતો... ખરા સમયે આવા ઝંઝટ કોણ પાળે? આના કરતાં તો ઘરમાં જ ઢોકળાં બનાવી લીધા હોત તો સારુ થાત...”

માલિની બેનનો ઉચાટ વધતો જતો હતો.

મમ્મી, આજે રવિવાર છે, તો ઘરાકી વધારે હશે... વિનીત ત્યાં જ ઊભા છે... જેવો તેનો માણસ ઢોકળાં લઈને પહોંચશે કે તરત જ વિનીત પેક કરાવીને મારતી ગાડીએ ઘરે પહોંચી જશે.” અંતરા બોલી.

શું હમણાં આવી જશે? એ લોકો કોઇ પણ ઘડીએ આવતાં જ હશે... પર્લ તૈયાર થઈ કે નહિ??” માલિની બેનનો ઉત્પાત વધતો જતો હતો...

મમ્મી, પર્લ તૈયાર થાય છે... તમે શું કામ આટલું બધું ટેન્શન લો છો?? તમે તૈયાર છો ને! તો હવે શાંતિથી હોલમાં બેસો. એ લોકો આવે ને તો એમને કંપની આપજો વાત કરવામાં... અહિયાં ત્યાંની ઓળખાણ કાઢજો.” અંતરાએ માલિની બેનને હોલમાં ખુરશી પર બેસાડી દીધાં.

હા,હા... ઓળખાણ તો કોઈની ને કોઈની નીકળી જ જશે.. એની તું ફિકર ન કર...” માલિની બેને થોડું પોરસાતાં કહ્યું.

ત્યાં જ ડોરબેલ વાગી... માલિની બેન હાંફળા ફાંફળા દરવાજો ખોલવા ગયાં. વિનીત હતો...હજુ તો દરવાજો બંધ કર્યો ત્યાં ફરી ડોરબેલ રણકી.

હવે તો સો ટકા એ લોકો જ હશે..” મનમાં બબડતાં બબડતાં માલિનીબેને દરવાજો ખોલ્યો... પ્રિયાંક અને તેનાં મમ્મી પપ્પા જ હતાં...

આવો, આવો...” માલિની બેને મીઠો આવકાર આપ્યો.

જય શ્રી કૃષ્ણપ્રિયાંકનાં મમ્મી નીતાબેન અને પપ્પા પ્રણવ ભાઇ હાથ જોડીને ઊભાં રહ્યાં.

જય શ્રી કૃષ્ણ... આવો, અંદર આવો...” માલિની બેન ત્રણેય ને હોલ તરફ લઈ ગયાં... પ્રિયાંક, નીતાબેન અને પ્રણવભાઈ સોફા પર ગોઠવાયાં.

ત્યાં સુધીમાં અંતરા અને વિનીત પણ હોલમાં આવ્યાં.. બધાને હાય, હેલો કર્યું.. પ્રિયાંક માલિની બેન, વિનીત અને અંતરાને પગે લાગ્યો.

માલિનીબેન તો ખુશ થઇ ગયાં! મનોમન વિચારવા લાગ્યાં.., 'આ જમાનામાં ક્યાં છોકરાંઓ વડીલોને પગે લાગે છે? પ્રિયાંક હેન્ડસમ દેખાતો હતો. બોલવા- ચાલવામાં પણ સરસ હતો.. પર્લ અને પ્રિયાંકની જોડી ખરેખર શોભશે...’

પર્લ ક્યાં છે?” નીતાબેને અધીરાઈથી પૂછ્યું...

આવે જ છે પર્લ... નાસ્તો કાઢી રહી છે...”

અંતરા અને પર્લ નાસ્તાની ડીશ લઈને આવ્યાં... પર્લે લાઈટ યેલ્લો કલરની કુર્તી અને પલાઝો પહેર્યાં હતાં. સાથે એમાં મેચિંગ થાય એવા ઇયરિંગ્સ તેના ચહેરાની સુંદરતાને વધુ નિખારી રહ્યા હતા. ઉપરથી સીધા અને નીચેથી કર્લ થતા વાળને તેણે એક સાઈડ પિનથી કવર કર્યા હતા. પ્રિયાંક તો પર્લને જોતો જ રહી ગયો. પછી તેને ભાન થયું કે પર્લને જોવામાં તેનું મોઢું ખુલ્લું જ રહી ગયું હતું! તરત જ પ્રિયાંકે પોતાના ઇમોશન્સ પર કન્ટ્રોલ કરવાની કોશિશ કરી.

સેન્ડવીચ ઢોકળાં, સમોસા, વેફર, કાજુકતરી.. બધું જ ટેબલ પર ગોઠવ્યું...

આવ પર્લ, મારી પાસે બેસ...” નીતાબેન પણ પર્લની ખૂબસૂરતીથી અંજાઈ ગયાં. તેમણે ખૂબ જ વ્હાલથી પર્લને પોતાની પાસે બોલાવી...

આઇમ સોરી પર્લ...તે દિવસે તું પહેલીવાર મારા ઘરે આવી હતી... અને મારું વર્તન ખૂબ જ અજૂગતું હતું.” નીતાબેને પોતાની ભૂલ કબૂલતાં કહ્યું.

ઇટ્સ ઓકે આન્ટી...” પર્લે હસીને કહ્યું.

એકચુલ્લી, પર્લને છ આંગળીઓ છે તે જાણીને હું થોડી અપસેટ થઈ ગઈ હતી. અમે જ્યોતિષમાં ખૂબ જ માનીએ છીએ. અમારા એક મહારાજ છે, તેઓ હમણાં અમારા ઘરે પધાર્યાં હતા...તેમને પર્લ વિશે તો કોઈ ખબર જ નથી.. છતાં તેમણે અમારા ઘરે આવ્યા ત્યારે પ્રિયાંકનો ચહેરો જોઇને જ કહી દીધું કે, 'આના નસીબમાં છ આંગળીઓ વાળી યુવતી છે, જે તેના માટે અને આ ઘર માટે ખૂબ જ લકી સાબિત થશે...' અને જુઓ, એમની વાત સાચી જ પડી ને! પ્રિયાંકને પર્લ ગમે છે અને તેને છ આંગળીઓ છે!”

અમને અમારા મહારાજ પર ખૂબ જ વિશ્વાસ છે. તેમણે અત્યાર સુધીમાં અમારા બધાની કુંડળી જોઇને જે ભવિષ્ય ભાખ્યું છે, તે બધું જ સાચું પડ્યું છે. જુઓ ને! આ વાત પણ સાચી જ પડી ને... અમને તો પર્લ ગમે છે. પ્રિયાંકને તો ગમે જ છે...જો તમારી હા હોય તો આપણે વહેલી તકે મુહુર્ત જોઇને ગોળધાણા ખાઈ લઈએ...” નીતાબેનના હરખનો પાર નહોતો.

ક્રમશઃ