Apshukan - 31 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 31

હા, એ વાત તો બરાબર છે કે બંને એકબીજાને પસંદ કરે છે... આજકાલ છોકરાવને ગમે તે સાચું... એમણે સાથે ઝિંદગી વિતાવવાની છે. પણ માત્ર મહારાજના કહેવાથી તમે તમારો અભિપ્રાય બદલ્યો છે. ભવિષ્યમાં એવું કાંઇ ન થાય કે અમારી પર્લને સાંભળવું પડે...” માલિનીબેને એક વડીલ તરીકે પોતાનો પોઇન્ટ એ લોકો સમક્ષ રાખ્યો.

ના, ના... તમે એ બાબત નિશ્ચિંત રહો બા... અમારી હા છે, એનો મતલબ અમે બધો વિચાર કરીને પછી જ હા પાડી છે... પર્લ અમારા ઘરમાં સુખેથી રહેશે એની ગેરંટી મારી...” પ્રણવભાઈએ ખૂબ જ શાલીનતાથી હાથ જોડીને કહ્યું.

એકચુલ્લી, પર્લ તમારા ઘરેથી આવી ત્યારબાદ ખૂબ જ અપસેટ હતી, છ આંગળીઓને લઈને... તેને પણ પ્રિયાંક ખૂબ જ ગમે છે. છ આંગળીઓને કારણે તે પ્રિયાંકને ગુમાવવા માગતી નહોતી. અંતાણી હોસ્પિટલના પોલીડેક્ટલી સ્પેશિયાલીસ્ટ ડૉકટર મુકેશ બત્રાને અમે કન્સલ્ટ કર્યા હતા... છઠ્ઠી આંગળીની સર્જરી કરવા માટે, તેમણે પણ એ જ સલાહ આપી કે, જો આંગળી કોઇ તકલીફ ન આપતી હોય તો તેને ન કાઢો. અમે હજુ કોઈ ડીસીઝન પર આવીએ એ પહેલાં જ મારા નણદોયાની ડેથ થઈ ગઈ... હજુ તો અમે તેમાંથી ફ્રી થયા ત્યાં તમારા તરફથી ફોન આવ્યો. એટલે હજુ આંગળીની સર્જરી...” અંતરા આગળ બોલે એ પહેલાં જ પ્રિયાંકે તેમને અટકાવી દીધા,

ના આન્ટી, સર્જરી કરવાની કોઈ જરૂર જ નથી. મને પર્લની છ આંગળીઓથી કોઈ પ્રોબ્લેમ નથી...”

હા, હા... પ્રિયાંકની વાત બરાબર છે. મેં તમને કહ્યું ને, અમારા મહારાજે કહ્યું છે કે છ આંગળીઓવાળી યુવતી પ્રિયાંક અને ઘર માટે લકી છે... એટલે હવે તેની સર્જરી કરાવવાનો તો કોઈ સવાલ જ પેદા થતો નથી..” નીતાબેને સ્પષ્ટતા કરી દીધી.

ચાલો, આ વાત તો ક્લિયર થઈ ગઈ.” માલિનીબેને હાશકારો અનુભવ્યો.

તમે કઈ જ્ઞાતિના છો? માલિનીબેને થોડી વધુ તપાસ અર્થે પૂછી લીધું.

અમે વૈષ્ણવ વાણિયા, શ્રીનાથજીમાં માનીએ... મારે બે દીકરા છે. પ્રિયાંક મોટો, તેનાથી નાનો ભાઈ વંશ...તે કોલેજના છેલ્લા વર્ષમાં ભણે છે.. સાસુ- સસરા જીવિત નથી. મારાં મોટાં નણંદ છે, નીલમબેન... તેઓ પારલા રહે છે.. મારા સસરાને કોઇ ભાઈ બહેન નહોતાં, એટલે આમ અમારું કુટુંબ ઘણું નાનું છે.” નીતાબેને થોડી વિગતવાર વાત કરી.

તમે હરિદાસ નગરમાં રહો છો, ત્યાં માલતિબેનને ઓળખો? સી વિંગમાં પાંચમા માળે રહે છે.” માલિનીબેને ઓળખાણ કાઢવાની કોશિશ કરી.

હા, હા... ઓળખું ને. તેમનો દીકરો વિરાજ અને પ્રિયાંક બંને સારા ફ્રેન્ડ છે. વિરાજ તો અમારા ઘરે હાલતાં આવે.. માલતિબેન પણ મારા ઘરે કોઈ કોઈ વાર આવે છે.નીતાબેને હરખાતાં કહ્યું.

લો, બોલો, માલતી મારી કાકાના દીકરાની દીકરી થાય. મેં કહ્યું ને, કાંદીવલીમાં જ રહેતાં હો તો ક્યાંક ને ક્યાંક ઓળખાણ તો નીકળે જ.” માલિનીબેનને ઓળખાણ નીકળવાથી સંતોષ થયો.

તો બધાની જો હા હોય તો સારું મુહુર્ત જોઇને ગોળધાણા ને બદલે સગાઈ કરી લઈએ.” નીતાબેને કહ્યું.”

માલિની બેને અંતરા અને વિનીત સામે જોયું. બંનેએ આંખોથી હા નો ઈશારો કર્યો એટલે તેમણે પણ કહ્યું...

હા, હા... તમે તમારા મહારાજને જ પૂછી લો, કયું મુહુર્ત સારું છે. હમણાં તો મીઠું મોઢું કરો...” કહીને માલિની બેને નીતાબેનના મોઢામાં કાજુકતરીનો કટકો મૂકી દીધો. બધાંએ એકબીજાને મીઠું મોઢું કરાવ્યું.

જો તમને વાંધો ન હોય તો અત્યારે શકનનો સવા રૂપિયો આપીને બંને તરફથી નક્કી કરી લઈએ...” નીતાબેને તેમની ઈચ્છા દર્શાવી.

માલિની બેને ફરી અંતરા અને વિનીત સામે જોયું પછી બોલ્યાં, “ આમ તો બંને છોકરાંઓએ એકબીજાને પસંદ કર્યા છે... એટલે આપણે તો માત્ર

ફોર્માલિટી જ પૂરી કરવાની છે. અમને કોઈ વાંધો નથી.” માલિનીબેને પોતાની સંમતિ આપી દીધી.

માહોલ ખુશખુશાલ થઈ ગયો. શુકનનો સવા રૂપિયો અપાઈ ગયો. 'હવે સગાઈની તારીખ નક્કી કરીએનું ઇજન આપીને બંને ફેમિલી છૂટાં પડ્યાં.

અંતરાને તો હજુય માનવામાં જ નહોતું આવતું!! ઈશ્વરે જે ધાર્યું હોય તે જ થઇને રહે છે. વિધિના લેખ કોઇ મિટાવી શકતું નથી. હજુ તો ડોક્ટર પાસે છઠ્ઠી આંગળીની સર્જરી કરાવવાની વાતો ચાલતી હતી ત્યાં અચાનક પ્રિયાંકનાં મમ્મી- પપ્પાનું ઘરે આવવું... પર્લ તેમનાં માટે લકી છે... છઠ્ઠી આંગળી તેમના માટે લકી છે, એવું કહેવું... અને સીધું સગપણ!! અંતરાને લાગ્યું કે તે કોઈ રોલર કોસ્ટર રાઈડમાં બેઠી છે!! વિચારશક્તિ જાણે બુઠ્ઠી થઈ ગઈ હતી.

અંતરા માટે સૌથી આનંદની વાત એ હતી કે પર્લની છઠ્ઠી આંગળીની સર્જરી નહી કરાવવી પડે!! અંતરા મનોમન પોતાની જાતને કોષી રહી હતી કે, તેને શું ગાંડપણ સૂઝ્યું હતું કે તે પર્લને ડોક્ટર પાસે લઈ ગઈ!

આ તો સારું થયું કે ડોકટરને ત્યાંથી આવ્યા બાદ તરત જ મલયકુમારના અણબનાવ પાછળ બધા બિઝી થઈ ગયાં... નહિ તો ક્યાંક સર્જરી પણ કરાવી લીધી હોત! જો સર્જરી કરાવી લીધી હોત અને ત્યાર બાદ પ્રિયાંકની મમ્મી કહેત કે અમને છ આંગળીવાળી પર્લ જ જોઇએ છે તો?? તો પોતે શું કરત?? આ વિચારે અંતરાને અંદરથી હલબલાવી નાખી... મનોમન તેણે ઈશ્વરનો ઉપકાર માન્યો અને તરત જ આ નેગેટિવ વિચારોને ખંખેરી નાખીને કામમાં મન પરોવવાની કોશિશ કરવા લાગી.

માલિનીબેન તો ફોનની ડાયરી લઈને 'કયા ક્યા સગાને ફોન કરવાનો છે' તેનું લીસ્ટ બનાવવા લાગ્યાં.

મમ્મી, સૌથી પહેલાં શાલુમાસીને ફોન લગાડો... અત્યારે ત્યાં રાતના નવ વાગ્યા હશે... માસી ખુશ થઈ જશે આ સમાચાર સાંભળીને.” અંતરાએ સૌથી પહેલાં શાલુમાસીને યાદ કર્યાં.

ત્યાં તો તારા મોબાઈલમાંથી લગાડવો પડશે..”

અંતરાએ ફોન લગાડયો.

હાય શાલુમાસી, જય શ્રીકૃષ્ણ... કેમ છો?”

હેય અંતરા! જય શ્રીકૃષ્ણ બેટા... હાઉ આર યુ? શાલુ અંતરાનો અવાજ સાંભળીને ખુશ થઈ ગઈ.

અમે બધા મજામાં છીએ. તમે કેમ છો માસી?”

થોડી ચાલવામાં તકલીફ પડે છે... ઘૂંટણનો દુઃખાવો વધી ગયો છે. બાકી એવરીથિંગ ઇઝ ઓલરાઈટ.” શાલુમાસીનો અવાજ રણક્યો.

માસી, તમને એક ગુડ ન્યૂઝ આપવા છે. ગેસ વ્હોટ??” અંતરાના અવાજમાં ખુશી છલકાઈ રહી હતી.

વ્હોટ? પર્લની સગાઈ??” શાલુએ તુક્કો લગાવ્યો.

બિંગો! માસી, તમને કેવી રીતે ખબર પડી ગઈ?” અંતરાના આશ્ચર્યનો પાર નહોતો.

અત્યારે ગુડ ન્યુઝમાં એ જ હોય ને! એમ આઈ રાઈટ?”

યુ આર ઓલવેઝ રાઈટ માસીઅંતરા હસી પડી.

હુઝ ધેટ લકી બોય? જે મારી પર્લને ગમી ગયો?”

તેનું નામ પ્રિયાંક છે... બંને એક જ ઓફિસમાં જોબ કરે છે.”

ઓહ! ધેટસ વેરી ગુડ.”

માસી, તમારે લગ્નમાં આવવાનું જ છે. જેવી ડેટ્સ નક્કી થાય એટલે તરત જ ફોન કરું છું. તમે તરત જ ટિકિટ બૂક કરાવી લેજો. મારે ના સાંભળવી જ નથી.અંતરાએ આગ્રહથી કહ્યું.

ના અંતરા, હવે મારામાં ફ્લાઇટની આટલી લાંબી જર્ની કરવાની તાકાત જ નથી, યુ નો... મને આવવાની તો બહુ જ ઇચ્છા છે, પણ હવે આવું રિસ્ક ન લેવાય. બટ, આઈમ વેરી હેપ્પી... ગીવ અ બિગ હગ ટુ પર્લ ઓન બિહાફ ઓફ મી.”

તારી સાસુ ક્યાં છે? શાલુમાસીએ પોતાના અંદાજમાં પૂછ્યું.

અહીં જ છે..આ લો, વાત કરો.” અંતરા માલિનીબેનને ફોન આપવા જ જતી હતી ત્યાં શાલુમાસી બોલી,

ના, ના... અત્યારે હું વધારે વાત નહિ કરી શકું.. યુ નો,મારી ફ્રેન્ડને ત્યાં આજે પાર્ટી છે, ત્યાં આવી છું. આવતીકાલે હું ફોન કરીશ ત્યારે નિરાંતે વાત કરીશું. ઓકે? બાય, લવ યુ...” કહીને શાલુમાસીએ ફોન મૂકી દીધો.

શું થયું?” માલિનીબેને અંતરાને પૂછ્યું.

માસી થોડા જલદીમાં હતાં. કાલે ફોન કરશે.”

ઠીક છેમાલિનીબેને કહ્યું.

ક્રમશઃ