Rajvi - 16 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 16

(૧૬)

(કૌષ્ટુકિજી એ નેમ-રાજુલ માટે શ્રાવણ સુદિ છઠનો દિવસ લગ્ન માટે યોગ્ય છે, કહીને મુહૂર્ત કાઢી આપ્યું. હવે આગળ...)

કૃષ્ણ મહારાજે લગ્નની જવાબદારી સ્વીકારી તેમની વિદાય લીધી. તેમના ગયા પછી થોડીવારે શિવાદેવી એમને એમ વિચારતા બેસી રહ્યા. સમુદ્રવિજય રાજાના કહેવાથી તૈયારીમાં લાગ્યા.

જયારે ઉગ્રસેન રાજાને 'શ્રાવણ સુદિ છઠનો દિવસ લગ્નદિવસ માટે નક્કી કરવામાં આવ્યો છે.' એવા સમાચાર મળ્યા ત્યારે એ પણ થોડા વિચારમાં પડી ગયા.

છતાં વેવિશાળ કર્યા પછી કુમારની પ્રશંસા તેમને એટલી બધી સાંભળી હતી કે એમના મનને પણ એમ થવા માંડયું કે કયારે રાજુલને એની સાથે વળાવવાની શુભ ઘડી આવે.

આવો રૂડો રૂપાળો વર હાથમાં આવ્યો છે તો પાછો વિલંબ શા માટે કરવો?

અને ધારિણીદેવીએ જયારે એમને એમના પ્રથમ નિર્ણયની યાદ આપવી ત્યારે તો એમને જવાબ પણ આપી દીધેલો.

"એ તો પહેલાં એવો વિચાર આવેલો કે આમેય લગ્ન પહેલાં આ ચોમાસું કાઢી નાંખવું. પણ એમને ઉતાવળ છે અને આપણને વાંધો નથી, તો પછી એમના દિલને નાહકનાં.શા માટે દૂભવવા?"

આ સાંભળીને ધારિણીરાણીને આશ્ચર્ય થયું, પણ તેમને વાતને કાપતાં કહ્યું કે,

"વાહ, મારા રાજવી, સારી રમત રમી જાણો છો... તમને પણ હવે જમાઈને ઘરે બોલવવાની ઉતાવળ આવી છે એમ કહી નાંખો ને... પહેલાં ડહાપણ કરતાં હતા કે, ના.. ના.. દીકરી ભલે થોડો વખત વધારે રહે. પણ જયાં નેમકુમારનાં ગુણગાન સાંભળ્યા કે મન ડગી ગયું."

"હા, અને હવે તો એવું થાય છે કે કયારે મારે આંગણે એ સર્વગુણસંપન્ન કુંવર પધારે?"

રાજાએ પણ જવાબમાં એવું કહી નાંખ્યું.

"અને મારા મનની વાત પવનવેગે સમુદ્રવિજય ના અંતરમાં પડઘાના પડયા હોય તેમ એમનો સંદેશો મારા પર પણ આવી ગયો કે આ તિથિમાં તમે કોઈ ફેરફાર નહીં કરો એવી આશા છે, બલકે એવી પ્રાર્થના છે.'

"કેવી વિનમ્રતા! વરના પિતામાં આટલું સૌજન્ય અને વિનમ્રતા દેખાય તો પછી એ પુત્રમાં એનો ભંડાર જ ભરેલો હોય જ ને. હું આ સંદેશાને અવગણી કેવી રીતે શકાય?'

"એટલે મેં મારી સંમતિ આપીને દૂતને રવાના કર્યો."

આ સમાચાર પવનવેગે મહેલમાં ફરી વળ્યાં. એ જ રાતે માધવીએ રાજુલને કહ્યું કે,

"બહેન બા આંખના પલકારામાં પ્રીતમ આવે છે..."

"હવે તું જઈશ, અહીંથી?"

રાજુલે ગુસ્સામાં હાથની મૂઠી એની સામે દેખાડી તો પણ માધવી બીજું ગણગણી,

"અવસર આવ્યો આનંદનો..."

"માધવી..."

રાજુલથી ધીમ ચીસ નંખાઈ ગઈ.

"તું જા અને મને એકલી મૂક."

"હવે આ બધા નખરા છોડો, હવે તો એક પળ પણ એકલા નથી રહેવાનું, જોજોને."

બોલતા બોલતા માધવી દોડીને જતી રહી અને એના હાસ્યના પડઘા રાજુલના અંતરમાં કયાંય સુધી પડતા જ રહ્યા.

"નેમકુમાર...."

રાજુલ મનમાં ને મનમાં ઉચ્ચારી રહી,

"મારા જીવનસ્વામી, મારો દેવતા... પ્રભુ..."

તેને આનંદની અનુભૂતિ સાથે આંખો બંધ કરી દીધી

"એક જ ક્ષણમાં એ પરાયો કુમાર મારા આખાયે આત્મપ્રદેશનો અધિપતિ થઈને બેસી ગયો..."

તે બબડી,

"હવે તો આ સખીઓ મશ્કરી કરી કરીને મારો દમ કાઢી નાંખવાની. એક તો વળી કાલે એમ પણ કહેતી હતી કે મોટી યદુકુળમાં જવાની એટલે જાણે અમારો તો ભાવ પણ નહીં પૂછવાની, બીજી વળી બોલી કે,

"એમ સહેલું થોડું છે કે તે ભાવ ના પૂછે. પરણવા જ ના દઈએ ને... પહેલાં કુમાર પાસેથી વચન લઈશું કે અમારી આ સખીને જરાપણ મોંએ નહીં ચડાવવાની અને યાદવોનું અભિમાન એનામાં નહીં આવવા દેવાનું. અને એ વચન પછી જ એનો હાથ તમારા હાથમાં મૂકાશે."

"હું એને કોઈ જવાબ ભલે નહોતી આપી શકી, પણ મને મારા ભાગ્ય માટે અભિમાન તો જરૂર થાય છે. કોઈક પુણ્યો કર્યા હશે ત્યારે જ આવો સંયોગ થાય ને!"

વિચાર મનમાં રમી રહ્યા હતા. લગ્નના દિવસો નજીક આવી રહ્યા હતા. નગર અને મહેલમાં તૈયારીની હેલી વરસી રહી હતી.

ધારિણીરાણીના મહેલમાં પીઠી ચોળવવાની તૈયારી ચાલી રહી હતી. આખો દિવસ વાજિંત્રો નો નાદ ગૂંજ્યા જ કરતાં હતા. ઢોલીઓ તો જાતજાતના કૂદકા મારતાં આખાયે વાતાવરણને માદકતા પીરસતા જતા હતા. સ્ત્રીઓ ના દેહ પર આભૂષણો અને વસ્ત્રોનો ઝગમગાટ દેખાતો હતો. શબ્દોના સ્થાને એમના મુખમાંથી ગીત જ સરી પડતા હતા. અને એમના શરીર તો નૃત્યો જ કરતા હતા. શરીર ભલે થાકી જતું પણ અંગો તોતાલ મીલાવ્યા જ કરતા. પરિશ્રમ એમનાથી દૂર જ રહેતો હતો. માત્ર આનંદ, થનગનાટ અને ઠઠ્ઠા મશ્કરીને જ નગરમાં રહેવાનો અધિકાર પ્રાપ્ત થયો હતો. કરુણાને દરેકના હ્રદયમાં થી જાણે વિદાય આપવામાં આવી હતી.

જમાઈના આગમન માટે આખી મથુરા નગરી હિલોળે ચડી હતી. મંડપના માંચડા પર રત્નો જડી દેવામાં આવ્યા હતા. તોરણો તો ગણ્યા ગણાય નહીં એટલા ચોમેર લટકતા હતા.

રાજુલના લગ્નનો દિવસ જેમ જેમ નજીક આવતો જતો હતો તેમ તેમ વાતાવરણ વધારે ને વધારે માદક બની રહ્યું હતું.

ચોથનો દિવસ ઉગ્યો અને ગણેશ બેસાડવાની વિધિનો આરંભ થયો. માતાની ખુશી તો સમાઈ જ નહોતી રહી. તેઓ તૈયારી માટે સેવકોને સલાહ સૂચનો આપ્યા જ કરતી હતી. અને એમના તાલે તાલે તથા લયે લયે બધા કામ કરી રહ્યા હતા.

રાજુલને બાજઠ પર બેસાડીને ગોળ ધાણા અને ઘી ખવડાવીને શુકન કર્યા. પછી એક બાદ એક રાણીઓ ખવડાવીને આર્શીવાદ આપી રહી હતી.

વૃંદા તેની મશ્કરી કરતા બોલી કે,

"રાજુલ શરમાયા વગર ખાઈ લે... કે પછી કુમાર માટે રાખીશ..."

ત્યાં તો શશિલેખા બોલી કે,

"શું તું પણ વૃંદા... રાજુલને તો કુમારના હાથે જ ખાવું હશે..."

"બસ હવે, પછી જો હું બોલીશ ને તો તમને ઊભા પણ નહીં રહેવા દઉં."

"અમારા આગળ તમારો રોફ ચાલી જશે પછી જોઈ છીએ કે કુમાર આગળ શેને બોલાશો?"

એટલામાં જ રાણી બોલ્યા કે,"વાતો પછી કરજો છોકરીઓ... હવે ગૌરી પૂજન કરવા માટે તેને સ્નાન કરવા લઈ જાવ..." રાજુલ સ્નાન કરવા ગઈ અને પછી રાજુલ ગૌરીપૂજન કરવા કુળદેવીના મંદિરે ગઈ.