Nehdo - 14 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 14

ગાડીમાંથી ફોરેસ્ટર સાહેબ ઉતર્યા. સાથે ચાર ગાર્ડ પણ હતા. કોઈની માલિકીનું ઢોરઢાંખરનો શિકાર થાય એટલે ગાર્ડને તુરંત જાણ થઈ જતી હોય છે. તે તેનાં ઉપરી અધિકારી સાહેબને જાણ કરી દે છે. અધિકારી સાહેબ સ્થળ ઉપર જઈને પંચનામું કરે છે. પછી પશુની ઉમર, તેનું સારા નબળાં પણું જોઈ સરકારનાં ધારાધોરણ મુજબ વળતરની કિંમત અંકારાય છે. તેનું ફોર્મ ભરી ઉપર મોકલવામાં આવે છે. ત્યાંથી મંજૂર થઈ આવે એટલે માલધારીને તેનાં મૃત્યુ પામેલા પશુનું વળતર મળી જાય છે. સાહેબને આવેલા જોઈ બધા માલધારી ખાટલેથી ઊભા થઈ ગયા. ગેલાએ સાહેબને આવકાર્યા. ઓરડામાંથી ધોળું ગોદડુંને ભરેલા બે ત્રણ ઓશીકા મંગાવી ખાટલે પાથર્યા. સાહેબને તે ખાટલે બેસાડયા. બીજા ખાટલે ગાર્ડસ બેઠા. રામુ આપા અને તેની ઉંમરનાં બધા ભાભલા બીજા ખાટલામાં ગોઠવાઈ ગયા. જુવાન ગોવાળિયા નીચે બેસી ગયા. થોડીવાર માટે કોઈ કશું બોલ્યું નહીં. ફોરેસ્ટર સાહેબે વાતની શરૂઆત કરી,
"આજે સિંહ કપલે શિકાર કર્યો. એ તમારી ભેંસ છે?"
રામુ આપા, "હા, શાબ. ઈ અમારી જ ભેહ હતી."
"અમે સ્થળ ઉપર જઈ પંચનામું કરી દીધેલ છે. ભેંસનું ડેડબોડી જોતા તે પાકટ અને પાકડી હોય તેવું લાગે છે. તમે આવીને આવી ભેંસો રાખો. પછી તેને પાછળ મૂકી આવો. તે સિંહનો શિકાર બને, એટલે વળતર માંગવા દોડી આવો. આવું ક્યાં સુધી ચાલશે? આ ભેંસનાં તમને દસેક હજાર મળે તેવું લાગે છે. આ ફોર્મ ભરીને લાવ્યા છીએ તેમાં તમારી સહી લેવાની છે."
રામુ આપા, " શાબ, વળતર નો આલો તો હાલશે. પણ આવા આકરા વેણ નો કાઢો. માલઢોર અમારા છોરા જેવા વાલા હોય અમને! અમી હું ફદીયા સારુ થઈને ઈને હાવજયુને હવાલે કરતા હહુ? હામત હાવજે મારી, ઈ એદણ્ય અવળી આટીએ પસાસ હજારની થાય એવી હતી. દહ લિટર તો દૂધ આપતી હતી.ને તમે કયો દહ હજારની ભેંહ હતી! રેવા દયો અમારે વળતર નહીં જોતું. એલા, ગેલા... શાબ્યોને સા પાણી પાય દયો. અમારી ભેહ ગય, ને ખાધી તોય સામતે હાવજે જ ને! ઈ હાવજ્યું ય અમારાં જ સે ને?
ગેલો ચાની કિટલી લઈ આવ્યો. બીજા બધા તો ચા પી ને જ બેઠા હતા. ફોરેસ્ટર સાહેબ અને ગારડ્સને ચા આપી. ચા પીતા પીતા સાહેબ બોલ્યા,
"તમે લોકો ખોટા અહીં જંગલમાં પડયા છો. સરકારની સ્કીમ માં જોડાઈ જાવ. તમને જમીન મળશે. મકાન મળશે. શહેરમાં તમારા સંતાનો ભણી ગણીને આગળ વધશે. અત્યારે તમને આ સ્કીમનો લાભ મળે છે. ભવિષ્યમાં ન પણ મળે. અને તમારે ગીરમાંથી વહેલું-મોડું બહાર તો નીકળવાનું જ છે. તો અત્યારે જ જમીન મકાન લઈને નેહડા ખાલી કરો ને! સિંહોની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. એટલે તમારે માલ ઢોરની નુકશાની પણ વધવાની જ છે.". રામુ આપા ઘડીક કંઈ બોલ્યા નહીં. ખાટલાની પાંગથ સરખી કરતાં નીચે ધ્યાન રાખી બેઠા. પછી બોલ્યા,
" તે હે શાબ્ય! તમારે ગર્યમાં આવ્યાં કેટલાં વરાહ થ્યા?"
પોતાનાં પર સીધો પ્રશ્ન આવતાં ઘડીક સાહેબ હેબતાઈ ગયા.પછી જવાબ આપ્યો, " હું છ મહિનાથી અહી આવ્યો છું.પહેલાં હું ડાંગ ફોરેસ્ટમાં હતો."
" શાબ ખોટું નો લગાડતાં પણ તમારાં જેવાં ઘણાં શાબ્યો આયા નોકરિયું પૂરી કરીને વયા ગયા. અમી નેહડામાં દાદા વારીયુનાં રઈ છી. અમારા કેટલાય માલ ઢોરને હાવજયુ ખાય ગ્યાં હહે. તોય અમી દુઃખી નહીં થાતા. અમારું બધુ આમને આમ હાલ્યા કરે છે. દુવારિકાવાળો મોટો દેવ સે. એની કરુપા હહે તિયા લગણ અમારે કાય વાંધો નય આવે. ઈ રૂઠશે તેદી જોયું જાશે. જમીનું લય નેહડા ખાલી કરી બારણે નીહરી ગયા ઈની તમી કોય દાડો મુલાકાત લીધી? ઈની જમીનુંમાં ય કાય થાતું નહિ.ને ઈનો માલ ય નો રયો. આવા ખાલી પડેલાં નેહડે જય ને જોજો નીયા હાવજ્યું ય નથી આવતાં. ઈ નેહડા ભેકાર લાગે સે. માલધારી વિના હાવજ્યું અને હાવજ્યું વિના માલધારી દુઃખી સે. એટલે શાબ, અમને ગરની બારયે નિહરવાની વાત નો કરશો.ને વાત રય વળતરની તો ઈય અમારે નહી જોતું. અમારાં બાપ દાદાએ હાવજયું હાટું થયને ક્યક અંગરેજ અમલદારૂ હાર્યે ધિંગાણા કર્યા સે. ઈ હાવજયું કદાસ અમારું એકાદુ ડોબુ ખાઈ જાય તો હું થયું?".
રામુઆપાનું આવું ઉદાર દિલ જોઈ ફોરેસ્ટ સાહેબને તેનાં માટે માન થઈ આવ્યું. તેણે પોતાના અવાજમાં નરમાઈ લાવી કહ્યું, "દાદા તમારી વાત પણ સાચી છે. પણ આપણું ગીર અભયારણ્ય આખી દુનિયામાં જાણીતું છે. આપણા એશિયાટિક સિંહ ગીર સિવાય દુનિયામાં બીજે ક્યાંય નથી. તેથી ગવર્મેન્ટનો નિયમ છે કે સિંહની વસ્તી વધે અને તે ડીસ્ટર્બ ના થાય. તેથી વહેલા-મોડા તમને વળતર, જમીન, મકાન આપીને ગીરની બહાર તો મોકલી જ દેશે. આજે નહીં તો કાલે તમારે તમારા નેહડા ખાલી કરી ગીરની બહાર તો જવું જ પડશે."
" શાબ, માણહો એકલાં હાવજ્યુ જોવાં નથી આવતાં.જંગલમાં હાવજ્યુ ને માણહો હંગાથે રે સે ઈ જોવાં આવે સે."
" દાદા તમારી ભેંસનું સિંહે મારણ કર્યું એનો અમને ઘણો અફસોસ છે. વન ખાતામાંથી તમને વધારે વળતર મળે તેવા પ્રયત્નો અમે કરીશું. લો અહીંયા આ ફોર્મમાં સહી કરો.".
રામુ આપાએ હાથ લાંબો કરી અંગુઠો બતાવ્યો, "આ અમારી સહી, બોલો ક્યાં લગાવું?"

ફોરેસ્ટર સાહેબે સાથે લાવેલ પેડમાં અંગૂઠો બોળાવી વળતરના ફોર્મમાં અંગુઠો લગાડ્યો. રામુ આપા હસતા હસતા બોલ્યા,
" અમી ર્યા અભણ માણાહ. કાક્ય નેહડો ખાલી કરાવવાના ફોમમાં અંગૂઠો નો મરાવી લેતાં હો શાબ!!".

આખો ડાયરોને ફોરેસ્ટ સાહેબ ખુદ પણ હસી પડ્યા. બધા ઉભા થઈ સાહેબ અને ગાર્ડને વળાવવા દરવાજા સુધી ગયા.
ક્રમશઃ....
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621