Nehdo - 13 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 13

ગેલાએ થોરનાં ઢુંવાની આડે જોયું તો ડાલામથ્થો હાવજ એદણ્યની માથે ચડી ગયો હતો. પાછળથી માથે ચડી ગયેલા હાવજે એદણ્યની કરોડરજ્જુમાં તેના ત્રણ ઇંચનાં ધરોબા ખીલા જેવા દાંત ઘુસાડી દીધા હતા. સિંહણ આગળની તરફ એદણ્યનાં લઢીએ ચોટી ગઈ હતી. સિંહણે પણ તેના ધરોબા જેવાં દાંત ભેંસની શ્વાસ નળીમાં ઘુસાડી દીધા હતાં. ગર્યનું કહવાળું ઘાસ ચરેલીને હિરણ નદીનાં પાણી પીધેલી કુંઢા શીંગડા વાળીને મોટા માથાવાળી હાથીનાં મદનીમીયા જેવી એદણ્યને પાડવી એ રમત વાત નહોતી. ડેબે દોઢ સો કિલોનો સાવજ અને લઢીએ પણ એવી જ સિંહણ ચોટી હતી. તો પણ એદણ્ય પોતાના લડવૈયાની ઢાલ જેવાં માથા વડે સિંહણ પર દબાણ વધારતી જતી હતી.હવે તે ધીમે ધીમે સંતુલન ખોઈ રહી હતી. આ જીવન-મરણનું યુદ્ધ કોને ખબર ક્યારનું ચાલુ હતું?

ગેલાએ આ જોઈને ચીસ પાડી,"જનાવર.... જનાવર..." અને પોતાના ડાબા હાથનો અંગૂઠો અને પહેલી આંગળી ભેગી કરી જીભ નીચે રાખીને જોરથી સીટી વગાડી. આ સીટીનો અર્થ ગીરમાં ભયસૂચક એવો થાય. આ સીટીનો અવાજ પણ ખૂબ દૂર સુધી જાય. આ સાંભળતાની સાથે જ બે ગોવાળિયા અને રાધી ને કનાએ હાલતું થયેલ ભેહુનાં ખાડાને ઘડીક રોકી રાખ્યું. ને બીજા ગોવાળિયા હાકલા પડકારા કરતા ખંભે ડાંગ લઈ ગેલાની સિટીનાં અવાજની દિશામાં દોડવા લાગ્યા. ટેકરીનો ઢાળ ઉતરી થોરનાં ઢૂંવા વિંધતાં ગોવાળિયા જ્યાં એદણ્યની ઉપર હુમલો થયો હતો ત્યાં પહોંચી ગયા.

આ બધો સમય ગયો એટલી વારમાં એદણ્યને હાવજે હેઠી નાખી દીધી હતી. હાવજે પોતાની જગ્યા બદલી આગળ જતો રહ્યો હતો. તેણે એદણ્યનું નાક ને ઉપરનું જડબું પોતાનાં મોઢામાં દાબી દીધું હતું.

ગેલો અને બધા ગોવાળિયા હાકોટા પાડતા ને ડાંગ પછાડતાં એદણ્યને છોડાવવા હાવજની ઘણા નજીક પહોંચી ગયા હતા. એટલામાં રામુ આપા પણ પથ્થરો સાથે ઠેબા લેતા ખંભે ડાંગ લઈને પહોંચી ગયા. તેણે તેમની ખૂબ વહાલી અને દૂધનાં દરિયા જેવી એદણ્ય ભેંસને સાવજનાં પંજામાં સપડાયેલી જોઈ. રામુઆપા સાવજને ઓળખી ગયાં. તે મનમાં બોલ્યા, " આ તો સામત સે." રામુ આપાની નજર એદણ્યનાં પેટ ઉપર ગઈ તો પેટ હાલતુ ચાલતું બંધ થઈ ગયેલું હતું. પાછળ પૂઠમાં જોયું તો પોદળો નીકળી ગયેલો હતો. કાન જોયા તો સ્થિર થઈ ગયેલા હતાં.

ગોવાળિયા ચારેબાજુથી ઘેરો ઘાલી હાવજ અને સિંહણ પર દબાણ વધારતા જતા હતાં. ડાંગ પછાડતાં વધુ ને વધુ નજીક જઈ રહ્યા હતાં. મોઢામાં શિકાર પકડી રાખીને સાવજે તેની કરડી નજર ગોવાળિયા સામે કરી. પૂછડું ઊંચું નીચું કરી ચેતવણી આપી. ગોળીયા ચેતવણીને સમજી ગયા. વર્ષોથી ગીરમાં રહેતા હોવાથી ખાલી નજર ઓળખીને ગોવાળિયા સાવજ અને સિંહણનો મૂડ પારખી લેવાની શક્તિ ધરાવે છે.

ગીરનો એક વણલખ્યો નિયમ છે. રસ્તે જતા હોય અને સામે સાવજ કે સિંહણ મળે તો તેનાં તરફ મોં રાખી જ્યાં હો ત્યાં જ ઉભુ રહી જવાનું. રસ્તામાં બેઠેલા સાવજને ક્યારે ઉભો નહીં કરવાનો.સિંહ, સિંહણને ભૂલથી પણ કાંકરીચાળો નહીં કરવાનો. જો તેના પર પથ્થર ફેંકવામાં આવે તો તેને ખૂબ ગુસ્સો આવે છે. આ ગુસ્સો ઉતારવા તેને બીજું કોઈ સામે મળે તો તેનાં પર હુમલો કરી દે છે. તેથી કાંકરીચાળો ક્યારેય નહીં કરવાનો.
આવા બધાં નિયમો જાણતાં હોવા છતાં નજર સામે લાખેણી ભેંસને જ્યારે સાવજે પંજામાં ઝાલી હોય ત્યારે તેને છોડાવવાનો પ્રયત્ન કરે જ ને! બધાએ રામુ આપાનો અવાજ સાંભળ્યો,
" ઉભા રયો કોઇ આગળ ના જાતાં આપડા ભાગ્યમાં એદણ્ય નથી રહી.એનું પરાણ પંખેરુ ઉડી જયું છે.ઈ ને જનાવરને હવાલે કરી દ્યો.મારા દુવારકાનાં ધણીને જે હાસું લાગ્યું ઈ કર્યુ."
ઉગામેલી ડાંગ બધાં ગોવાળીયાએ હેઠે લઈ લીધી.બે ડગલાં પાછા હટ્યાં પણ ગેલો હજી એદણ્ય સામે તાકીને ઊભો છે.હજી તો તેણે એદણ્યને બે વેતર દોય હતી.આ ત્રીજું વેતર હતું.એદણ્ય ઘરની ભેંસનો વેલો હતો. નાની પાડી હતી ત્યારથી ગેલાએ તેને સાચવીને મોટી કરી હતી.ખાવા નોતી શીખી ત્યારે પોતાનાં હાથે કુણા કુણા ઘાસની કોળીયું ખવરાવ્યું હતું.એદણ્ય નાની પાડી હતી ત્યારે ભેંસોની સાથે સાથે ખાણ પણ ખૂબ ખવરાવ્યું હતું.એદણ્ય ત્રણ વરસની થઈ ત્યાં તો ધીણોય ગઈ હતી,ને મોટી ભેંસ બની ગઈ હતી. ડોલ છલકાવી દે એટલું તો તેનું દુધ હતું.ચરવામાં અને ખાણ ખાવામાં તે આળસું હોવાથી તેનું નામ એદણ્ય પાડી દિધું હતું.
બધાં ગોવાળીયા ઢીલા પગે ટેકરી ચડવા લાગ્યાં. ગેલો હજી સુધી એદણ્ય સામે જોઈને ઉભો હતો. સાવજોએ એદણ્યને પોતાની પકડમાંથી છોડી દિધી હતી.એદણ્ય પથ્થરની મોટી પાટ જેમ પડી હતી.સાવજો મથામણ કરી હાફી ગયાં હતાં.બન્ને જીભ બહાર કાઢી હાંફી રહ્યા હતાં.બન્ને સાવજોની નજર હજી ગેલા અને રામુઆપા તરફ જ હતી. રામુઆપા થોડા આગળ વધ્યાં.રામુઆપાને આગળ આવતાં જોઈ સિંહણે ઘુરક્યું કર્યુ, ને પોતાનું પુછડું ઉંચું નિચું કર્યુ.રામુઆપા તેને ગણકાર્યા વગર ગેલા પાસે આવ્યાં ને ગેલાનાં વાહા પર હાથ ફેરવી બોલ્યાં,
" હાલ્ય ભાઈ, આપડા ભાગ્ય આજ ફુટી જ્યાં.ને આ હાવજ્યુંનું તપ પાકી ગ્યું."
ગેલો ઢીલો પડી ગયો.તેણે તેની લાખેણી ભેંસ ગુમાવી દીધી હતી.તેની આંખમાં આસું હતાં. બંને બાપ દિકરો દસ ડગલાં પાછાં પગે ચાલ્યાં. પછી વાહો ફરી કંઈ બોલ્યા વગર ચાલવા લાગ્યાં. જંગલની કેડીએ માલ ચાલ્યો જતો હતો.પાછળ પાછળ ગોવાળીયા આજે બધાં કંઈ બોલ્યા વગર ચાલ્યાં જતા હતાં. હજી કનોને રાધી મામાની રાહે ઉભાં હતાં. ટેકરી ઉપરથી તેમને આવતાં જોઈ બન્ને દોડીને સામે આવ્યાં.

કનો, " મામા એદણ્યને હાવજ્યુંએ મારી નાખીને? "
ગેલાએ ઢીલા થઈ હા પાડી.
" હે...મામા..તમે હાવજ્યુંની હામે ઈને ખાવા મુકી દીધી? હું એને નય ખાવા દવ."
એમ બોલી કનો સાવજ્યુ તરફ લાકડી લઈ દોડ્યો.તેની પાછળ રાધી દોડી ને પાછળ પાછળ ગેલો ને રામુઆપા પણ દોડ્યાં.રાધી આગળ જઈ કનાનો રસ્તો રોકી ઉભી રહી ગઈ.
" ક્યાં ધોડ્યો જા સો? આ તારું કાઠીયાવાડ નહી.અમારા ગર્યનો નીમ સે. ભેંહ હાસવી હકાય ત્યાં લગી અમારી ને હાવજ્યું ઝાલી લે એટલે ઈની. આખી જિંદગી અમાર આયા એકબીજાની હારે આ નિમથી રેવાનું. ગર ભેંહુંનું ય સે, ગર માલધારીનું ય સે,ને ગર આ હાવજ્યું નું ય સે. હવનો હરખો ભાગ. આજ હાવજ્યું એ ઈનો ભાગ લઈ લીધો.એટલે તું પાસો વળી જા. ઈ કાય હગલા નહિ થાતાં.એક પંજો મારશે ને તોય તારો રોટલો કરી નાખશે." એમ કહી રાધીએ કનાનો હાથ ઝાલી એને પાછો વાળ્યો.
રાત્રે ગેલાનાં નેહડે ફળિયામાં ખાટલા ઢાળેલા હતાં. બધા નેહડા વાસીઓ દુઃખમાં ભાગ લેવા માટે ભેગા થયા હતા. માલધારીની સ્ત્રીઓ ઓસરીમાં બેઠી હતી. રાજી રડી રહી હતી. આ સ્ત્રીઓ રાજીને સાંત્વના આપી રહી હતી. ખાટલે બેઠેલા ડોહલાઓ ચલમું ફૂકી રહ્યાં હતાં. ચારે બાજું ચલમુનાં ધુવાડાનાં ગોટે ગોટા ઊડતાં હતાં.ચલમની તેજ ગંધ વાતાવરણમાં ફેલાયેલી હતી.રામુઆપા અને ગેલાનાં મોઢાં પર ગમગીની છવાયેલી હતી. ચુપકીદી તોડતાં ઘેલાં આતા બોલ્યા,
" હાભળ્યું સે કે એદણ્યને મારનાર સામતો હાવજ હતો?"
રામુઆપાએ ચલમનો દમ ખેંચી હા માં જવાબ આપ્યો.
" ઈ મારો હારો સામતો ક્યારેય માલનો હિકાર નહિ કરતો!"
ઘેલા આતા બોલ્યા. " મેં મારી નજરે જોયું ઈ જ હતો."
આમ, વાતું ચાલતી હતી, ત્યાં નેહડાનાં ઝાંપે એક ગાડી આવી ઉભી રહી. હેડ લાઇટથી ઘોર અંધકારમાં ઝળોમળો થઈ ગયો.આ જોઈ ગોવાળિયા બધાં ઊભા થઈ ઝાંપા તરફ ગયાં.
ક્રમશઃ....
( ઝાંપે કોની ગાડી આવી ઊભી રહી હશે? જાણવા માટે વાંચો હવે પછીનો ભાગ..)
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621