Mom's sister went to Haridwar books and stories free download online pdf in Gujarati

મમ્મીનાં બહેનપણી હરિદ્વાર ગયા

મમ્મીનાં બહેનપણી હરિદ્વાર ગયા...

હું જ્યારે ખૂબ નાનો હતો ત્યારે હું એમને મારા સગા માસી જ સમજતો પણ પછી મોટો થયો એટલે ખબર પડી કે તેઓ તો મમ્મીની નાનપણની બહેનપણી છે. એટલો બધો પ્રેમ અને એટલી બધી આત્મીયતા જે કદાચ મારી સગી માસીઓએ પણ મમ્મીને નહીં આપી હોય એટલી દેવી માસીએ આપી હશે.

એવું કહેવાય છે, ખુબજ સારા મિત્રો એક બીજાના લગ્નમાં હાજર રહી શકતા નથી, એવું એમને પણ બનેલું, એક જ દિવસે લગ્ન, એટલે એક બીજાના લગ્નમાં શામેલ થઈ શક્યા નહીં, એવું મમ્મીએ જણાવેલું.

અઠવાડિએ કે 15 દિવસે અચૂક બેઉ બહેનપણીઓ મળે, ચા નાસ્તા સાથે વાતોમાં 3-4 કલાક ક્યાં કાઢી નાખે ખબર જ ન પડે. સગાઓની વાતો, છોકરાઓની વાતો, ફિલ્મોની વાતો,સુખ દુઃખ અને ઘણું બધું. પણ જાણે બધું મનનું ખાલી કરીને જવું હોય એ રીતે વાતો કરે.

દેવી માસી મારા મમ્મીની બહેનો અને ભાઈઓના લગ્નમાં મોટાબેનની જેમ ઉભા રહ્યા , રસોડું હોય કે કારીયાવારની તૈયારી, બધે જ સલાહ સુચન આપવા, એમનું ઘટતું કરવા તૈયાર રહે. એમના કુટુંમ્બ વતી પણ સહકાર કહ્યા વગર મળતું રહે.

દેવી માસીનું કુટુંબ પૈસે ટકે સુખી, એટલે એમના ઘરે જઈએ તો અમે ન ખાદી હોય એવી બિસ્કિટ અને જાતજાતના નાસ્તાઓ પીરસાય. મને તો ખૂબ લાડ કરે એટલે ખૂબ આગ્રહ કરીને કહેતા કે બેટા આ તારા માટે જ છે, પછી શું, કોઈ રાહ જોવી નહીં, નાસ્તો પતે નહીં ત્યાં સુધી હું ચાલુ રાખું☺️.

દેવી માસી દર વર્ષે ગરમીની રજાઓમાં સહ કુટુંબ હરિદ્વાર જતાં, મમ્મીને પણ કહેતાં કે જોડે જઈએ પણ એ સમયે હજી અમે બે ભાઈઓ ભણતાં હતાં અને એ ખર્ચ સાથે ઘર માંડ માંડ ચાલતું, એટલે મમ્મી ટાળતા કહેતાં કે આવતી વખત જઈએ. એમ એમ કરીને 5-6 વર્ષ વીતી ગયા હશે, અમે બેઉ ભાઈઓએ ભણી લીધું, પરણી પણ ગયા.

મમ્મીને હરિદ્વાર જવાનો રસ્તો લાંબો લાગતો, પણ દેવી માસીએ આ એક સ્વપ્ન એમની આંખોમાં પિરોવ્યું. સહ કુટુંબ હરિદ્વાર જવું, ત્યાં ખાવા પીવાની બહુ મજા, ગંગા કિનારે હરકી પૌડી પર ખૂબ મજા, સાંજની આરતીની ખૂબ મજા, ઋષીકેશમાં ખૂબ મજા. આ બધું જાણે મમ્મીએ સપનાની જેમ મનમાં સાચવી રાખેલું.

મારા લગ્નને હજી 3 મહિના થયા હશે, સેપ્ટમ્બરમાં મેં પ્રસ્તાવ મુક્યો કે ચાલો સહ કુટુંમ્બ હરિદ્વાર જઈએ. મમ્મી જાણે આ વાતની રાહ જોઈને બેઠી હતી. તરત દેવી માસીને ફોન ફેરવ્યો, કઈ ગાડી જાય છે, ત્યાં ક્યાં રહેવું, છું ખાવું, ક્યાં ફરવું અને બીજા ઘણા સવાલો પૂછી લીધા, ઘરે પણ બોલાવી કે આવ વાતો કરતા કરતા હરિદ્વાર માટે કર્યક્રમની ચર્ચા કરીએ. દેવી માસીને મમ્મીએ સાથે આવવા પણ કહ્યું પણ તેઓ દિવાળીની રજાઓમાં કોઈ કૌટુંબિક કારણ સર નીકળી નહીં શકે એવું કહ્યું. પણ એમણે ત્યાં ધર્મશાળામાં રહેવા અમારી વ્યવસ્થા કરી આપી.

દિવાળીની રજાઓમાં આપણી ગાડી હરિદ્વાર ઉપડી. ધર્મશાળામાં સહકુટુંબ રોકાવવું પણ પહેલો અનુભવ હતો. આમ ધર્મશાળા પણ હોટેલ જેવી જ. દરેક કપલ માટે જુદા રૂમ લીધા. સવાર પડી એટલે ગંગા સ્નાન માટે હરકીપૌડી ગયા, નહાઈને ત્યાંથી પછી ગરમ કચોડી અને પુરી શાકનો નાસ્તો અને પછી રૂમ પર આરામ . બપોર ત્યાંજ જમીને પછી સાંજે ફરી હરકીપૌડીએ ગંગા આરતી જોઈ, દીવો નદીમાં તરતો મુક્યો.

બીજા દિવસે મનસા દેવી દર્શન કર્યા અને ત્રીજા દિવસે ઋષિકેશ. ત્યાં રામ ઝૂલા લક્ષ્મણ ઝૂલા પસાર કરીને ફર્યા અને પછી ઓરીજનલ ચોટીવાલા રેસ્ટોરન્ટમાં જમવાનું લીધું, સાંજે ઘરે પાછા. મમ્મી અને પપ્પા ચાલતા ચાલતા ખૂબ થાકી જતાં, હાંફી જતાં હોય એવું લાગ્યું, પણ કદાચ થાક હશે એમ સમજી આરામ કરવા રૂમ પર આવ્યા. સાંજે હરિદ્વાર માર્કેટમાં ફર્યા, મમ્મી પપપ્પાએ બેઉ વહુઓને સ્વેટર અપાવ્યા અને બીજી થોડી ભેંટ સોગાદ પોતાના ભાઈ બહેનો માટે લીધી. 4થા દિવસે અમે અજમેર અમારા વતન જવા નીકળ્યા.

અજમેર પપ્પાનું વતન છે, ત્યાં અમે દાદા દાદી સાથે પુષ્કર ગયા. અજમેરમાં પુષ્કરરાજ તીર્થ છે, બ્રહ્માજીનું એકમાત્ર મંદિર અહીં છે. પુષ્કરરાજ તળાવમાં ન્હાઓ એટલે તીર્થ યાત્રા પૂર્ણ થાય. પુષ્કરરાજ પર માતા પિતા અને દાદા દાદીને પગે લાગ્યા, ત્યાં દાદાએ જલેબી અને રબડી ખવડાવી.

અમે પાછા અમદાવાદ આવ્યા એટલે મમ્મીનું વર્ષો જૂનું સપનું પૂરું થયું, હરિદ્વાર સહ કુટુંબ જવાનું. જે દેવી માસીએ એમની આંખોમાં રોપેલું.

મમ્મીની હાંફવાની તકલીફ ચાલુ રહી, તપાસ કરાવી તો ખબર પડી કે હૃદય નબળું પડ્યું છે. હજી વધુ તપાસ વગેરે થાય એ પહેલાં જ એક મેજર હાર્ટ એટેકમાં મમ્મી પરલોક પ્રયાણ કરી ગયા. લગભગ હરિદ્વારથી આવ્યાના 2 મહિના પછી ફરી એમની અસ્થિઓ હરિદ્વારમાં વિલીન થઈ. વર્ષ 2006માં. 6જ મહિનામાં પપ્પા પણ મમ્મીને મળવા નીકળી પડ્યા 2007માં અને હરિદ્વાર ગંગામાં વિલીન થયા.

દેવી માસી અવાર નવાર ખબર અંતર કાઢવા આવતા, ભેંટ સોગાદ લાવતા અને મમ્મીને યાદ કરતા, પણ મમ્મીના ગયા પછી આવવાનું ઓછું થયું. અમારું જવાનું પણ એમને ત્યાં ઓછું થયું. વર્ષ 2021માં દેવી માસી પણ પરલોક તરફ પ્રયાણ કરી ગયા અને હરિદ્વારમાં ગંગામાં એમની અસ્થિઓનું વિસર્જન થયું. માં પછી માસી પણ ગયા પણ કોરોના પ્રોટોકોલને લીધે અમારું શોક પણ વ્યક્ત કરી શક્યા નહીં. ઇશવર એમને પોતાના ચરણોમાં સ્થાન આપે.

ઓમ શાંતિ.
- મહેન્દ્ર શર્મા 30.01.2022