Vagdana Phool - 16 books and stories free download online pdf in Gujarati

વગડાનાં ફૂલો - 16

દરવાજો ખોલાવવા માટે ધમપછાડા કરતો મોહનનો ચેહરો લાલઘુમ થઈ ગયો. દરવાજાના પછડાટનો આવાજ કાળુના કાન સુધી પહોંચ્યો. કાળું કૂવા પાછળથી હડી મેલતો ઘર તરફ આવ્યો.
રવજીનાં ઓરડાની સામે મોહન દરવાજો ખોલવા ધમપછાડા કરી રહ્યો હતો. ભીમો ઓસરીની થાંભલી પકડી મફતની મજા માણી રહ્યો હતો.

" એલા ખોલાવ દરવાજો. વધારે પાછડ, હમણાં સાંકળ ખુલી જાશે." ભીમો મોહનને પોરહ ચડાવતો બોલ્યો.

" મોહન શું કરે છે તું? ને ભીમાકાકા તમે આય?" કાળું ગર્જ્યો.

મોહન અચાનક આવી ચડેલા કાળુને જોઈને સહેજ ખચકાયો. છતાંય સામો રૂઆબ કરતા બોલ્યો." મારું ઘર છે! તું શું કરે છે આયા એ કે?"

" મને ખબર સે, તારા અને ભિમાના કરાચાળાની!"
કાળુંએ મોહનને દરવાજાથી દૂર ધકેલતા કહ્યું.

" એલા જો! પેલા વાત સાંભળ મારી. તારી કોઈ ગેર સમજણ થાય છે." ભીમાએ થોથવાતા કહ્યું.

" મારી ગેરસમજણ નથી થતી! આ તારા જ કારનામા સે. અહીંયાથી ચાલતી પકડ. નહિ તો હમણાં ગામ ભેળું કરું." કાળુંએ ભિમાનો કાઠલો પકડી ખેંચતા કહ્યું. કાળું ભીમાને ઘરની બહાર ખેંચીને લઈ ગયો. ડેલીની બહાર ભિમાંને ધકેલતા કાળું બરાડયો " મોહનથી દૂર રે જે. નહિતો હું પણ કાળું છું . યાદ છે ને!"

કાળુંના " યાદ છે ને " શબ્દો ભીમના મનોમસ્તકમાં બેસી ગયા.

તે દિવસે વાડીએ ભાત દેવા જતી બે સ્ત્રીઓ જઈ રહી હતી. પોતાની વાડીના સેઢે બેસેલો ભીમો સ્ત્રીઓ તરફ જોઈ ભીમો પોતાના લખણ બતાવી રહ્યો હતો. ભીમાંને અભદ્ર ચાળા કરતો જોઇ કાળું દોડ્યો. અને ભિમાને ખેંચીને તુવેરના છોડવાની વચ્ચે લઈ ગયો. ત્યારે રવજી પણ ત્યાં હાજર હતો. બંને ભાઈબંધોએ ભેગા મળી ભીમાના હાથ પગ બાંધી ખુબ માર મારેલો.

" યાદ છે ! જોઈ લઈશ તનેય" ભીમો અપમાન ગળે ઉતારી લંગડાતા પગે ચાલતો થયો.

કાળું હાંફતો ફરી વાર ઘર તરફ ગયો. મોહન હજુ પણ ઓરડાની બહાર ઊભો હતો. " શું કરે સ, તું હજી ત્યાં નીકળ હ્યાથી." કાળું ફરી વાર તાળુક્યો.

" આ મારું ઘર સે. તું હાલતો થા."

" અત્યારે નઇ. કડવી ભાભી કે તારી બા આવી જાય પસી જ અહીંયાથી જઈશ." કાળું ફળિયામાં ઢાળેલા ખાટલે અડિંગો જમાવી બેસી ગયો.

મોહન ઓસરીમાં આમ તેમ આંટા ફેરા કરવા લાગ્યો. એ નાક ફૂલાવતો પગ પછાડી રહ્યો હતો. કાળું સામે જોઈ મોહનને વધુ રીસ ચડી . એટલે મોહને દરવાજાને જોરદાર લત મારી. પગનાં પ્રહારથી કંચન દરવાજા સોતી પડી. આ કડકાનો આવાજ સાંભળી કાળું ઓરડા તરફ ભાગ્યો. જોયું તો મોહન કંચનને મુક્કા લાત મારી રહ્યો હતો.

" એ .. શા માટે મારે છે.એને." કાળું મોહનને ખેંચી બહાર ધકેલતા બોલ્યો.

" મારા ઘરની તારે શી પંચાત છે. તને કેમ આનું પેટમાં બળે છે. એવું તો નથીને કે તારું અને કંચનનું." મોહન ખૂંધું હસ્યો.

" બેશરમ!" કાળુંએ મોહનના ગાલ ઉપર જોરદાર લાફો ચોંટાડી દીધો.

કંચન જાતને સમેટતી ઢોલિયાની પાછળ ધકેલાય ગઈ. એવામાં જમકુમા અને કડવિબેન પણ આવી પહોંચ્યા. કાળું મોહનને મારી રહ્યો હતો. આ જોઈ જમકૂમાં ઉશ્કેરાયા.

" એઈ! કાં મારે સે." જમકુમાં એ કાળું ના પંજામાંથી મોહનને છોડાવતા કહ્યું.

કાળું હજી તો પરીસ્થીતી સંભાળે એ પહેલાં તો મોહન બોલ્યો.

" બા હું સુતોતો. ને આ કંચનના ઓરડામાં ઘલાયો! મારી ઊંઘ ઊડી મે જોયુ તો બેય રંગે હાથ પકડાયા. અને હવે આ'ખો આળ મારા પર નાખે સે. "

" મોહનભાઈ ભગવાનનો ડર રાખો." કડવીબેન કંચનને સંભાળતા બોલ્યા.

" એ કેવાનો ડર રાખે." જમકુ માં મોહનનો પક્ષ લેતા બરાડી ઉઠ્યા.

કાળું! ફફડતી કંચન સામે જોઈ બોલ્યો." મોહન કોઈ નિર્દોષોની આંતરડી કકડાવી હારી નઇ ભાઈ. રવજી નું મોઢું આડું આવે સે. બાકી તારા જેવાને તો મે સાંજ મોયર પતાવી નાયખો હોત." કહેતો કાળું ત્યાંથી નીકળી ગયો. જતા જતા જામકુ માં સાંભળે એમ બોલ્યો." ડોસી! આંધળી થા માં. તારું નખ્ખોદ વાળવા વાળો તો બીજો સે. વહેલાસર સંભાળીલે તારા મોહનને."

જમકુમાને મોહનની વાત ન સમજાય જમકૂમાં એ બહાર ડેલીએ નજર કરી ડેલી સુધી માણસોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ટોળાંની વેધક નજર કાળું ઉપર પડી.નિર્દોષ કાળું નીચી નજાર કરતો ત્યાંથી ચાલતો થઈ ગયો. ટોળામાં સૌથી મોખરે ઊભો ભીમો પોતાના પાસા બરાબર ફેંકાયા જાણી હરખાયો. પોતાના હરખને બહાર ન આવવા દેતા એ બોલ્યો. " આવ્યું રાં'ડું ને તો જીવતી સળગાવી દેવાઇ. જો મૂકી દેહુ તો કાલ હવારે ઊઠીને બીજી'યુંએ ઊભી થાશે.

" બેન!" કંચન કળવીબેનને વળગી પડી. એના હાથ પગ ઠંડા પાડવા લાગ્યા. એ ડરથી સખત ધ્રુજી રહી હતી.

" કંઈ નઇ થવા દવ તને." કડવીબેને હિંમત આપતા કહ્યું. અને ત્યાંથી ઊભા થઈ ઓસરીની થાંભલીમાં ખોસેલ ધારદાર ધારિયું લઈ બહાર આવ્યા. " કેની હિંમત સે એ આવે અંદર!" કડવીબેન ઉંબરાની વચ્ચોવચ ઊભા રહ્યા.

" ગામના મોંઢે ગયણા નો બંધાય. આનો ભોપાડો એક દી છતો થયા વગર થોડો રે વાનો હતો. " જમકૂમાં માથું ફૂટતા બોલ્યા.

"બા! તમે ય!" કડવીબેન ગમ ખાઈ ગયા.

" બા! તમારા દીકરાના હમ ખાઈને કવ સુ. કાળું ભાઈ મારો માં જણ્યા બરોબર સે." કંચન હીબકા ભરતી બોલી.

" મર'ને ગોઝારી. મારા દીકરાના મહાણે લાકડા લયજવા તે તો..." જમકૂમાં ઊભા થઈ હાથમાં રહેલ ડાંગને લઈને કંચન તરફ ધસી આવ્યા. પણ ઉંબરે ઊભેલી જગદંબા કળવિબેન કંચનના રખોપાં કરતી હતી.

" બા કંચન પાહે જી ફરક્યું એ જીવથી જાહે સમજજો"

" તું મને મારવાની વાત કરે સે." જમકૂમાં એક પછી એક લાકડીના પ્રહારો કડવીબેન ઉપર કરવા લાગ્યા. છતાંય પહાડની જેમ અડગ ઊભા કડવીબેન ઉંબરેથી ખસ્યા નહિ.

ગામ લોકો હવે વગર પૈસાનું મનોરંજન જોવા ફળિયામાં ભેળાં થઈ ગયા. લોકોના મોઢે કાળું અને કંચનની વાતો ચર્ચાઈ રહી હતી. બળતામાં ઘી હોમતા મોહન બોલ્યો. " કડવી ભાભી જ એને ચડાવે સે. મને તો લાગે સે પરબતભાઈ નથી તે ક્યાંક આનું એ નઇ હોય ને "

" મોહનીયા! તારી જીભ ઉપર કાબૂ રાખીને વાત કરજે. " કડવીબેનના આખા શરીરે જાણે દાહ ઉપડી ગઈ.

" કે'ને કેસો તું કા..રે. તું એ મર્જાદને વેંચી ને આવી કે હુ"

" બા! ગાંધારીએ આંખે પાટા બાંધી એના સો જણ્યા ખોયા હતા.. બા. તમેય હમજી જાવ. જરા વિચારો, તમારી હામે દીવા જેવું સે. આખું ઉપરથી પાટા છોડી નાખો." કડવીબેન કરગર્યા.

ફળિયમાં જાણે મેળાવડો ભર્યો હતો. ભીમો હવનમાં ઘી હોમી રહ્યો હતો. પોતાની આંખો સામે ભિમાને જોઈ જમકૂમાંનો મગજ બહેર મારી ગયો. એ ઊભા થઈ બોલ્યા." તમે તમારે ઘરે જાવ. આય કંઈ અખયાન નથી હાલતું તે ભેળાં થઈ ગયા."

" જમકુ નાતના રિવાજ નો ભૂલાય ધ્યાન રાખજે નહિ તો નાત બારી કાઢીશું." ગામનો મોભી ઉમાંશંકર બોલ્યો.

" ના બાપુ રે 'વા દયો બીજી ફેર નઇ થાય. હું ખાત્રી
આપુ સ." જમકૂમાં હાથ જોડી બોલ્યા. એની આંખોમાં આંસુ ધસી આવ્યા.

" આ તો ભગતનું ઉજળું ખોરડું સે. એમાં આવો કાળો ડામ લાગી ગયો." ભીડમાંથી એક જણ બોલ્યું.

" ભગત! " જમકુમાં કોચવાતા સ્વરે બોલ્યા.

" આનો ફેંસલો પંચાયતમાં થવો જોઈએ. નહિ તો કાલ ઉઠીને બીજું કોઈ આબરૂના ધજાગરા કરશે. આને સજા મળશે તો કાલ કોઈ આવા પગલાં ભરવાનું નામ નઇ લે." ગામ લોકોએ મુખીને અપીલ કરી. અને બધા એ. એમાં સાથ પુરાવ્યો. ભીમો ખૂણે ઊભો જમકૂ સામે જોતો ઠુંઠા હાથને પંપાળી રહ્યો હતો. મોહન પોતાનું કરતૂત છુપાઈ જવાથી મનમાં પોરસ કરતો હતો.

( ક્રમશ..)