Padmarjun - 15 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ - ૧૫)

આગળનાં ભાગમાં આપણે જોયું:

વિદ્યુતે સારંગ સામે જોયું અને કહ્યું, “જ્યેષ્ઠ, મને માફ કરી દો.હું તમારું અને પિતાજીનું સ્વપ્ન ન પૂરું કરી શક્યો.”
“વિદ્યુત, મને ખબર છે કે તે આ સ્પર્ધા જીતવા માટે બહુ મહેનત કરી છે અને તે આ સ્પર્ધામાં પણ તારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પરંતુ હોઇ શકે કે વિજેતા બનેલાં અર્જુને તારાં કરતાં પણ વધુ મહેનત કરી હોય. માટે તું ચિંતિત ન થા અને ખુશી સાથે પરિણામનો સ્વીકાર કર.”એટલું કહી સારંગે અર્જુન સામે જોયું અને મનમાં બોલ્યો, “આશા રાખું છું કે આપણો રણમેદાનમાં ભેટો થાય.નહીં તો એ તારાં માટે સારું નહીં રહે.”
આ તરફ શાશ્વત આશ્રમનાં બગીચામાં ગયો અને એક ઝાડ પર જોશથી પોતાનો હાથ પછાડ્યો અને ગુસ્સાથી ચિલ્લાયો, “સારંગ.”

હવે આગળ :

ગુરુ તપને બધાને કહ્યું, રાજાશ્રી સારંગ, પ્રજાજનો તથા અત્રે ઉપસ્થિત બધા મહેમાનો, છેલ્લાં ભાગમાં અગિયારમાંથી છ પ્રતિગામીનું ભેદન કરી સાંદિપની આશ્રમનાં ગુરુ સંદીપનો શિષ્ય,રાજકુમાર અર્જુન આ પ્રતિયોગીતામાં વિજયી બને છે.માટે તેને આવતાં સાત વર્ષ માટે ‘યોદ્ધા’નું બિરુદ અને આ સર્વશ્રેષ્ઠ શિષ્યનાં સર્વશ્રેષ્ઠ ગુરુને આગામી યોદ્ધા સ્પર્ધાનું આયોજન કરવાની તક મળે છે.”

સ્પર્ધા પૂર્ણ થયાં બાદ રાજકુમાર વિદ્યુત સ્થિર મુખમુદ્રા,ન ચહેરા પર ગંભીરતા કે ન હાસ્ય સાથે રાજકુમાર અર્જુન તરફ આવ્યો.

“રાજકુમાર અર્જુન, તમને આ સ્પર્ધા જીતવા માટે ખુબ ખુબ અભિનંદન.”વિદ્યુતે હસીને શુભકામનાઓ આપી.
“આભાર રાજકુમાર વિદ્યુત.તમને પણ આ સ્પર્ધામાં સારું પ્રદર્શન કરવાં માટે અભિનંદન.”

“રાજકુમાર અર્જુન, તમારાં જેવાં શ્રેષ્ઠ યોદ્ધા સાથે મૈત્રી કરવી ગમશે.”વિદ્યુતે કહ્યું.

“મને પણ તમારાં જેવાં બહાદુર અને ઉદાર મનનાં રાજકુમારની મૈત્રીનો પ્રસ્તાવ સ્વીકાર કરવો ગમશે.”

“સારું, તો હવે આ મિત્રતાને આગળ વધાવવા માટે હું ઇચ્છુ છું કે તમે મારાં રાજ્ય મલંગ દેશની મહેમાનગતિ તમારાં દાદાશ્રી, ગુરુજી અને ભાઈઓ સાથે સ્વીકારો.કારણકે એક સપ્તાહ બાદ મારો મલંગ રાજ્યનાં રાજા તરીકે રાજ્યાભિષેક છે.”

“સાત દિવસ માટે તો નહીં રોકાઇ શકીએ પરંતુ તમારાં રાજ્યાભિષેકનાં આગળનાં દિવસે તો જરૂર આવી જઈશું.ત્યાં સુધીમાં અમારાં મિત્ર રાજ્યમાં જઇ આવિયે.”

“ઠીક છે રાજકુમાર અર્જુન, હું તમારાં બધાની રાહ જોઇશ.”

પોતાનાં મિત્ર રાજ્યોની મુલાકાત લઇ અર્જુન તેનાં ગુરુ,દાદાજી અને ભાઈઓ સાથે મલંગ પહોંચ્યો.ત્યાં વિદ્યુતનાં રાજ્યાભિષેકમાં હાજરી આપી વિરમગઢ પાછો પહોંચ્યો.ત્યાં સુધીમાં આર્યા અને અનુપમા પણ ત્યાં આવી ગયાં હતાં.

વિરમગઢનો સભાખંડ

વિરમગઢનાં સિંહાસન પર રાજા વિરાટ બેઠાં હતાં. તેઓથી થોડે દુર શોર્યસિંહ, સુકુમાર અને ગુરુ સંદીપ બેઠાં હતાં અને બધાં રાજકુમારો થોડાંક આગળ બેઠાં હતાં. એક સૈનિક ત્યાં દોડતો-દોડતો ત્યાં આવ્યો.

“શું થયું?કંઇ ચિંતાના સમાચાર છે?”રાજા વિરાટે પૂછ્યું.

“હા રાજન.રાજકુમારો ગુરુ સંદીપ સાથે તપોવન આશ્રમનાં પ્રવાસ પર ગયાં હતાં ત્યારે સાંદિપની આશ્રમ ખાલી થઇ ચુક્યો હતો. માટે કોઇ લૂંટારુઓની ટોળકી આશ્રમને નુકશાન ન પહોંચાડે એ માટે તમારાં કાકાશ્રી શોર્યસિંહે સૈનિકોની એક ટુકડી મોકલી હતી.”

“ગઇ કાલે મોડી રાત્રે એક લૂંટારુઓની ટુકડીએ આશ્રમ પર હુમલો કરી દીધો હતો. સૈનિકોએ લડાઇ કરી આશ્રમને બચાવી લીધો,પાંચ લૂંટારુઓને પણ મારી નાંખ્યા, પરંતુ બાકીનાં લૂંટારુઓ ત્યાંથી ભાગી ગયા અને અમે એક યુવતીને પકડી છે.”

“આ શું કહી રહ્યો છે તું?હુમલો અને એ પણ મારાં આશ્રમમાં?હું એ લૂંટારુઓને જીવિત નહીં છોડું.શું તમે એ લૂંટારુઓ કોણ હતા એ જાણી શક્યાં છો?”ગુરુ સંદીપે ક્રોધથી પૂછ્યું.

“નહીં ગુરુદેવ. એ બધાએ પોતાનો ચહેરો કાળા રંગના નકાબથી ઢાંકયો હતો.”

“ગુરુ સંદીપ, તમે ક્રોધિત ન થાવ.મારાં પુત્રો (રાજા વિરાટ પોતાનાં પુત્રોની સાથે-સાથે પોતાનાં નાના ભાઇ સુકુમારનાં ત્રણેય પુત્રો લક્ષ, નક્ષ અને વિસ્મયને પણ પોતાના પુત્રો કહીને જ સંબોધતાં.) અતિશીગ્ર લૂંટારીઓને શોધી દંડીત કરશે.”રાજા વિરાટે કહ્યું.

“પેલી યુવતી કોણ છે?એને માન સાથે સભાખંડમાં લઇ આવો.”શોર્યસિંહે કહ્યું.

“જી દાદાશ્રી.”તે સૈનિક બહાર ગયો અને અન્ય બે સૈનિક સાથે તે યુવતીને સભાખંડમાં લઇ આવ્યો.