Padmarjun - 14 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ - ૧૪ )

અર્જુને સારંગ પરથી હાલ પુરતું ધ્યાન હટાવી શોર્યસિંહ,ગુરુ સંદીપ અને દુષ્યંતનાં આશીર્વાદ લીધાં.બાકી બધા ભાઈઓને ગળે મળી અર્જુન મેદાનમાં ગયો.
સ્પર્ધાની શરૂઆત થઈ. પ્રથમ ત્રણ ભાગ પુર્ણ થયાં જેમાં અર્જુન, વિદ્યુત અને અન્ય ત્રણ રાજકુમારો વિજયી થયાં. ત્યાર બાદ શરૂ થયો ચોથો ભાગ.ગુરુ તપને તેના વિશે માહિતી આપતાં કહ્યું,

રાજકુમારો,અહીં તમારી સમક્ષ બે લોલક રાખવામાં આવ્યાં છે.તેને હું જુદી-જુદી ગતિ આપી, અલગ-અલગ દિશામાં દોલન કરાવીશ.તમને બધાને ચોક્કસ રંગના બે તિર આપવામાં આવશે. જે બે રાજકુમારો માત્ર બે તિર વડે જ આ બંને લોલકને ભેદવામાં સફળ રહેશે તે આગળનાં ભાગમાં પહોંચશે.”એટલું કહી ગુરુ તપને બંને દોલકોને ગતિ આપી અને હાથ વડે ઇશારો કરી પાંચેય રાજકુમારને તિર ચલાવવાનું કહ્યું.

પાંચેય રાજકુમારોએ તિર ચલાવ્યા. જેમાંથી પ્રથમ દોલક પર ત્રણ તિર લાલ,પીળો અને વાદળી રંગના લાગ્યાં જ્યારે બીજા લોલક પર ત્રણ તિર લાલ, પીળો અને લીલા રંગનું લાગ્યું.

ગુરુ તપને પરિણામ જાહેર કરતાં કહ્યું,

“રાજકુમાર ભાનું એક પણ લોલકને ભેદી શક્યાં નથી જ્યારે રાજકુમાર પ્રભાત અને રાજકુમાર સંજય માત્ર એક-એક લોલક ભેદવામાં જ સફળ રહ્યાં છે. માટે તેઓ આ પ્રતિયોગીતામાંથી બહાર થાય છે. જયારે લાલ રંગના તિરો વડે બંને લોલકનું ભેદન કરી રાજકુમાર અર્જુન અને પીળા રંગના તિરો વડે બંને લોલકનું ભેદન કરનાર રાજકુમાર વિદ્યુત આ ભાગમાં વિજયી બને છે. તેથી તે બંને વચ્ચે છેલ્લા ભાગમાં અંતિમ હરીફાઈ થશે.”

ગુરુ તપન છેલ્લા ભાગનું આયોજન કરી રહ્યાં હતાં એ દરમિયાન ગુરુ સંદીપ અર્જુન પાસે આવ્યાં અને કહ્યું,

“પુત્ર, યાદ રાખજે લક્ષ્ય ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય પરંતુ નિરીક્ષણ, એકાગ્રતા અને ઝડપી નિર્ણયશક્તિ વડે તેને જરૂર ભેદી શકાય છે.”

“જી, ગુરુજી.”અર્જુને ગુરુ સંદીપનાં આશીર્વાદ લેતાં કહ્યું.

“વિજયી ભવ.”

...

શું લાગે છે વાચકમિત્રો, આ સ્પર્ધા કોણ જીતશે?
શું કારણ હશે શાશ્વત અને સારંગ વચ્ચેની દુશ્મનીનું કારણ?


.....

પાંચમા ભાગની તૈયારી થઇ ગયાં બાદ ગુરુ તપને વિદ્યુત અને અર્જુનને બોલાવ્યાં.


“આ ભાગ અંતિમ રહેશે.હું એક પછી એક એમ કુલ અગિયાર પ્રતિગામી (ટેઢા કાષ્ઠખંડ-બૂમરેંગ) ફેંકીશ. એ જ્યારે મારી તરફ પાછા આવે તે પહેલાં તમારે તેને ભેદવાનાં છે.હું અર્જુનને લાલ રંગના અને વિદ્યુતને પીળા રંગના છ-છ તિરો આપીશ.જે સ્પર્ધક છ પ્રતિગામીને ભેદશે તે આ સ્પર્ધાનો વિજેતા ગણાશે.”


ગુરુ તપને જરૂરી સૂચનાઓ આપી બંનેને તિરો આપ્યાં. તેઓએ પોતાની જગ્યા લીધી અને એક પછી એક પ્રતિગામી ફેંકતા ગયાં. પહેલું પ્રતિગામી વિદ્યુતે ભેધ્યું જ્યારે બીજું અર્જુને.ત્રીજું ફરીથી વિદ્યુતે અને ચોથું અર્જુને.આ રીતે ગુરુ તપને કુલ નવ પ્રતિગામી ફેંક્યા, જેમાંથી પાંચનું ભેદન વિદ્યુતે કર્યું અને ચારનું અર્જુને.હવે માત્ર બે જ પ્રતિગામી ફેકવાનાં બાકી હતાં. વિદ્યુત પાસે એક તિર અને એક લક્ષ્ય બચ્યું હતું જ્યારે અર્જુન પાસે બે તિર અને બે લક્ષ્ય.જો હવે વિદ્યુત બેમાંથી એક લક્ષ્યનું ભેદન પણ કરી દે તો તેની જીત સુનિશ્ચિત હતી.


ગુરુ તપને એક પછી એક એમ બંને પ્રતિગામીઓ ફેંકી.વિદ્યુતે પોતાનું લક્ષ્ય સાધવા નિશાનો તાક્યો અને તિર છોડ્યું.અર્જુને વિદ્યુતનાં તિરની દિશા તરફ જોયું.તેને અંદાજો આવી ગયો કે વિદ્યુતે છોડેલું તિર લક્ષ્યની દિશામાં જ છે. તેથી અર્જુને કંઇક વિચાર કર્યો અને એકીસાથે બે તિર છોડયા.


અર્જુને છોડેલું પહેલા તિર વડે વિદ્યુતનાં તિરનાં વચ્ચેથી બે ભાગ થઇ ગયા.તેથી વિદ્યુતનું તિર તૂટવાનાં લીધે નીચે પડી ગયું અને અર્જુનનાં બંને તિરોએ છેલ્લાં બંને લક્ષ્યનું ભેદન કરી દીધું.


અર્જુનની આ ધનુરવિદ્યા જોઈને ગુરુ તપન અને સારંગ સહિત બધા જ અચંબિત થઇ ગયા.વિસ્મય અને યુયૂત્સુ દોડીને મેદાનમાં આવી ગયા અને અર્જુનને ભેટી પડ્યાં.


“અભિનંદન ભ્રાતા અર્જુન.”


“અભિનંદન અર્જુન.”તેઓએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું.શોર્યસિંહ, ગુરુ સંદીપ અને દુષ્યંત પણ મેદાનમાં આવ્યાં.અર્જુને તેઓને પગે લાગીને આશીર્વાદ લીધાં.


“પુત્ર અર્જુન, તે આ સ્પર્ધા જીતીને મારું સર ફક્રથી ઉંચુ કરી દીધું છે.મને ગર્વ છે તારા પર.”શૌર્યસિંહે કહ્યું.


“હા પુત્ર અર્જુન,તે આ સ્પર્ધા જીતીને મારું વર્ષોથી અધૂરું સ્વપ્ન પૂરું કર્યું છે. આ મારા સંપૂર્ણ જીવનની શ્રેષ્ઠ ગુરુ-દક્ષિણા છે.”ગુરુ સંદીપે કહ્યું.


“દાદાજી, ગુરુજી આ તમારી શીખ અને આશીર્વાદનાં કારણે જ શક્ય બન્યું છે.”અર્જુને ગદગદ થઇને કહ્યું.


આ તરફ સ્પર્ધા હારી ગયેલ વિદ્યુત ઉદાસ ઉભો હતો. શાશ્વત તેની પાસે આવ્યો અને તેના ખભા પર હાથ રાખ્યો.


“રાજકુમાર વિદ્યુત, હું જાણું છું કે તમે આ સ્પર્ધા જીતવા માટે બહું મહેનત કરી હતી. પરંતુ તમે ઉદાસ ન થાવ. આ સ્પર્ધામાં અહીં સુધી પહોંચવું પણ એક સિદ્ધિ જ છે.”શાશ્વતે કહ્યું.


ગુરુ તપને પણ શાશ્વતનો સાથ આપતાં કહ્યું, “હા પુત્ર, શાશ્વત સાચું કહી રહ્યો છે. તે અર્જુનને છેલ્લા તિર સુધી સ્પર્ધા આપી.મને તારાથી કોઈ નિરાશા નથી.”


ત્યાં જ ત્યાં સારંગ આવ્યો.સારંગ અને શાશ્વતે એકબીજા સામે જોયું.બંનેની આંખોમાં ફરીથી ક્રોધ ઉભરાઇ ગયો.વિદ્યુતે પોતાની બાજુમાં ઉભેલા શાશ્વતનો હાથ દબાવ્યો.


“મારે થોડુંક કામ છે,હું હમણાં આવું.”શાશ્વતે કહ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો.


વિદ્યુતે સારંગ સામે જોયું અને કહ્યું, “જ્યેષ્ઠ, મને માફ કરી દો.હું તમારું અને પિતાજીનું સ્વપ્ન ન પૂરું કરી શક્યો.”


“વિદ્યુત, મને ખબર છે કે તે આ સ્પર્ધા જીતવા માટે બહુ મહેનત કરી છે અને તે આ સ્પર્ધામાં પણ તારું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. પરંતુ હોઇ શકે કે વિજેતા બનેલાં અર્જુને તારાં કરતાં પણ વધુ મહેનત કરી હોય. માટે તું ચિંતિત ન થા અને ખુશી સાથે પરિણામનો સ્વીકાર કર.”એટલું કહી સારંગે અર્જુન સામે જોયું અને મનમાં બોલ્યો, “આશા રાખું છું કે આપણો રણમેદાનમાં ભેટો થાય.નહીં તો એ તારાં માટે સારું નહીં રહે.”


આ તરફ શાશ્વત આશ્રમનાં બગીચામાં ગયો અને એક ઝાડ પર જોશથી પોતાનો હાથ પછાડ્યો અને ગુસ્સાથી ચિલ્લાયો, “સારંગ.”


...

શું કારણ હશે શાશ્વત અને સારંગની દુશ્મનીનું ?

શું અર્જુન અને સારંગનો ભવિષ્યનાં સમયમાં રણમેદાનમાં ભેટો થશે?

વિરમગઢમાં કોણ અર્જુનની સામે આવશે ?

જાણવા માટે વાંચતા રહો પદમાર્જુન.