white cobra - part 14 books and stories free download online pdf in Gujarati

સફેદ કોબ્રા - ભાગ 14

સફેદ કોબ્રા

ભાગ-14

આખરી માંગણી


મેજર ધનરાજ પંડિત રાજવીરે કહેલી એના ઘરમાં છુપાઇને રહેવાની વાત ઉપર વિચાર કરી રહ્યા હતા. મુંબઈની પોલીસ જે રીતે રમ્યા મૂર્તિના ખૂન માટે એમની શોધખોળ કરી રહી હતી એ રીતે એમની પોલીસમાં પકડાઇ જવાની શક્યતા વધી ગઇ હતી. આવા સંજોગોમાં પોતાની અને પોતાની પત્નીની સલામતી માટે હવે શું કરવું એનો રસ્તો એ વિચારી રહ્યા હતાં.

મેજર ધનરાજ પંડિત માટે આવા વિપરીત સંજોગો એ કોઇ નવાઇની વાત ન હતી. કારગીલના યુદ્ધમાં આના કરતા હજાર ગણા વિપરિત સંજોગોમાં પણ દેશને જીતાડવાનો એમને અનુભવ હતો.

“તમે શું વિચાર કરી રહ્યા છો?” રાજવી પંડિતે પતિને પૂછ્યું હતું.

“હું વિચારી રહ્યો છું કે જ્યાં સુધી પોલીસની તપાસ અને રમ્યા મૂર્તિના ખૂનનો મામલો કાયમ માટે શાંત ના કરી દઇએ ત્યાં સુધી આપણે સલામત રીતે જીવી શકીએ નહિ. સફેદ કોબ્રાનું ડ્રગ નેટવર્ક હવે સાવ ખત્મ થઇ ગયું છે. પરંતુ ડ્રગ્સનો ધંધો હજી સંપૂર્ણપણે દેશમાંથી નાબુદ થયો નથી. પરંતુ અત્યારે તો માર્કેટમાં ડ્રગ્સ નહિ મળવાના કારણે કેટલાય યુવાનો ડ્રગ્સનાં નશામાં ફસાતા અટકી જશે અને જેટલા લોકો ડ્રગ્સ લઈ રહ્યા છે એ લોકો ડ્રગ્સ નહિ મળવાના કારણે નાછૂટકે નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ ડ્રગ્સ મુક્ત બની શકશે. આપણે કરેલું કૃત્ય સાચું છે કે ખોટું એ તો કુદરત નક્કી કરશે, પરંતુ એક સૈનિક તરીકે વિચારું તો આપણે દેશસેવા અને સમાજસેવાનું કાર્ય કર્યું છે અને આપણે લીધેલા આ પગલાંથી આપણા દીકરા સોહમનું મૃત્યુ ખાલી ના ગયું.” ધનરાજ પંડિતે આંખમાં આંસુ સાથે પત્નીને કહ્યું હતું.

બીજા દિવસે સવારે ધનરાજ પંડિતે આખા મામલા પર વિચાર કરી રાજવીરને ફોન કર્યો હતો.

“રાજવીર... મારા વિરુદ્ધમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં જે FIR થઇ છે અને પોલીસે મારા વિરુદ્ધમાં જે સબુત ભેગાં કર્યા છે એ બધું જ તું નષ્ટ કરી દે. આ મારી આખરી માંગણી છે અને ત્યારબાદ હું તારી પત્ની અને બાળકોને છોડી દઈશ. હવે આ કામ તું કેવી રીતે અને કેટલું ઝડપી કરે છે એ તારા ઉપર છે.” આટલું બોલી ધનરાજ પંડિત ચુપ થઈ ગયો હતો.

“મેજર ધનરાજ પંડિત, પોલીસ સ્ટેશનમાં તમારા વિરુદ્ધ થયેલી FIR અને તમારા વિરુદ્ધ એકઠા થયેલા સબુતો મીટાવવા એ અશક્ય છે. તમે જે શરત મુકી રહ્યા છો. એ શરત પૂરી કરવી કોઇપણ કાળે શક્ય નથી.” રાજવીરે મગજને માંડ શાંત રાખીને કહ્યું હતું.

“રાજવીર, તારા જેવા ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીના મોઢે આવી વાતો શોભતી નથી. લાખો રૂપિયા લઈને આનાથી અઘરા કામ તે કર્યા છે અને મારી આ આખરી માંગણી પૂરી કરીને હું તને અને સબ-ઈન્સ્પેક્ટર જયને તેમજ તારી પત્ની અને બાળકોને જીવતા છોડી રહ્યો છું. પાંચ જણની જિંદગી સામે એક FIR અને કેટલાક સબુતો મીટાવવા તારા માટે તો અશક્ય નથી જ. આ કામ પતે એટલે મને ફોન કરજે.” આટલું કહી ધનરાજ પંડિતે ફોન મુકી દીધો હતો.

ધનરાજ પંડિત એના હાથમાં રાખેલું છેલ્લું હુકમનું પાનું એ ખૂબ વિચારીને ઉતર્યો હતો.

ધનરાજ પંડિત એની પાસે આવું કરાવશે એવું તો રાજવીરે વિચાર્યું પણ ન હતું. એ તો એવું વિચારતો હતો કે હવે ધનરાજ પંડિત જયને મારવાની વાત કરશે. પરંતુ ધનરાજ પંડિત તો આખા લોહી ભરેલા સમુદ્રમાંથી સાવ કોરા બહાર નીકળી જવા માંગે છે. રાજવીરે થોડું વિચાર્યા બાદ જયને ફોન કર્યો હતો અને એને એના ક્વાર્ટર પર બોલાવ્યો હતો.

જયે પોલીસ સ્ટેશનની બહાર નીકળવાની ના પાડી હતી. એ ખૂબ ડરી ગયો હતો. પરંતુ એને રાજવીરે સમજાવ્યું હતું કે હવે એને કશું જ નહિ થાય. રાજવીરના ખૂબ સમજાવ્યા પછી જય ક્વાર્ટર પર આવી ગયો હતો.

“સર, મારા અને તમારા માથે મોત ભમી રહ્યું છે અને તમે મને પોલીસ સ્ટેશનની સુરક્ષામાંથી એકલો અહીં તમારા ક્વાર્ટરમાં બોલાવો છો. હું ખૂબ ડરી ગયો છું.” જયે રાજવીરને ડરતાં-ડરતાં કહ્યું હતું.

“જય, તારા અને મારા બચવાનો માત્ર એક જ રસ્તો છે. આજે સવારે ધનરાજ પંડિતનો મારા પર ફોન આવ્યો હતો અને એમણે મને કહ્યું હતું કે જો આપણે એમના વિરુદ્ધનો કેસ અને સબુતો દૂર કરી દઈએ તો આપણને બંનેને કશું જ નહિ થાય એની એમણે મને ખાતરી આપી છે. માટે ધનરાજ પંડિતની માંગણી આપણે પૂરી કરી અને મોતમાંથી આબાદ બચી જઈએ. બોલ તું મને સાથ આપીશ?” રાજવીરે જય સામે જોઈ પૂછ્યું હતું.

“આપણી પાસે આપણી જાન બચાવવાનો બીજો કોઈ રસ્તો નથી. પરંતુ તમારા ભાઈ સૂરજ શેખાવતનું શું કરીશું? એ તો હાથ ધોઈને મેજર ધનરાજ પંડિતને શોધવામાં લાગ્યો છે. રાત-દિવસ મેજર ધનરાજ પંડિતનું પગેરું શોધવા પ્રયત્ન કરી રહ્યો છે.” જયે હથિયાર હેઠા મુકતા રાજવીરને કહ્યું હતું.

“તું એની ચિંતા ના કર. હું હમણાં જ નાર્કોટીક ડિપાર્ટમેન્ટમાં ફોન કરી એને ત્યાં પાછો મોકલી આપું છું. નાર્કોટીક ડિપાર્ટમેન્ટનાં હેડ ઇન્સ્પેકટર ચૌધરી મારા ખાસ મિત્ર છે. તું પોલીસ સ્ટેશન જઈ અને ધનરાજ પંડિતનો કેસ બંધ કરવાનું અને સબુતો મીટાવવાનું કામ શરૂ કરી દે. હું થોડી જ વારમાં પોલીસ સ્ટેશન પહોચું છું” રાજવીરે જયને સૂચના આપતા કહ્યું હતું.

રાજવીરની વાત સાંભળી જયના મનમાંથી મોતનો ડર જતો રહ્યો અને એણે પોલીસ સ્ટેશન પહોંચી FIR માંથી ધનરાજ પંડિતનું નામ બદલી ધનરાજ પીલ્લે નામના ગુંડાએ રમ્યા મૂર્તિનું ખૂન કર્યું છે એવો સુધારો કર્યો અને CCTV ફૂટેજમાં દેખાતો ધનરાજ પંડિતનો વિડીયો ડીલીટ કરી નાંખ્યો હતો.

રાજવીર એક કલાક પછી પોલીસ સ્ટેશનમાં દાખલ થયો ત્યારે જય અને સૂરજ એકબીજા જોડે ઉગ્ર રીતે ઝઘડી રહ્યા હતાં. FIR સાથે જયે કરેલા ચેડા અને CCTV ફૂટેજમાંથી ધનરાજ પંડિતનો વિડિયો ડીલીટ કર્યો છે એવી માહિતી એને પોલીસ સ્ટેશનમાંથી મળતા, એ દોડીને અહીં આવી ગયો હતો અને જય સાથે ઝઘડવા લાગ્યો હતો. બંન્ને કેબિનમાં ઝઘડી રહ્યા હતા ત્યારે જ રાજવીર કેબિનમાં દાખલ થયો હતો. રાજવીરને આવેલો જોઈ બંને થોડી મિનીટો માટે ચુપ થઇ ગયા હતા.

સૂરજે રાજવીર સામે જોઈ કહ્યું હતું.

“તમારા જેવા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓનાં કારણે જ પોલીસ તંત્ર બદનામ છે. મેજર ધનરાજ પંડિત વિરુદ્ધના પુરાવા દૂર કરી તમે ખૂબ ખોટું કર્યું છે.” સૂરજે ગુસ્સાથી રાજવીરને કહ્યું હતું.

જય જઇને કેબીનનો દરવાજો બંધ કરી આવ્યો હતો. એને લાગ્યું કે બંન્ને ભાઈઓ વચ્ચે ભૂકંપ આવશે. તેને બદલે જે થયું તે જોઈ જય દંગ થઇ ગયો હતો.

રાજવીર ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો. એને રડતો જોઈ સૂરજ નરમ પડી ગયો અને એની સામે ખુરશીમાં બેસી ગયો હતો.

“સૂરજ, મેં મારા જીવનમાં ખૂબ જ ભ્રષ્ટાચાર કર્યો છે. મેં મારા જીવનમાં એટલા બધાં ખોટાં કામ કર્યા છે જેના માટે કુદરત મને જન્મોના જન્મ નરકની સજા આપશે. પરંતુ આજે જીવનમાં પહેલીવાર એક પુણ્યનું કામ કરવાની તક મળી છે. મેજર ધનરાજ પંડિતે સફેદ કોબ્રાની ગેંગને સાફ કરીને સમાજ ઉપર ઉપકાર કર્યો છે. જે કામ આપણે કરવાનું હોય એ કામ એમણે કર્યું છે. એટલું જ નહિ પરંતુ મેજર ધનરાજ પંડિત આપણા પિતા સાથે કારગીલમાં દેશની આનબાન તેમ જ દેશના તિરંગાની રક્ષા માટે એક સાચા સિપાહીની જેમ લડ્યા છે. હવે તું જ વિચાર કર આવા સાચા દેશપ્રેમીના હાથે કેટલાંક ડ્રગ્સનો ધંધો કરતાં લોકો મરે એના માટે એમને જેલ ભેગા કરવા કેટલી હદે યોગ્ય છે? મેજર ધનરાજ પંડિતને બચાવી અમે અમારો કોઈ ફાયદો નથી કરી રહ્યા પંરતુ અમે એક સાચા સિપાહીની સુરક્ષા એટલા માટે કરી રહ્યા છે કે કાલે દેશને જયારે જરૂર પડે ત્યારે એ ફરીવાર દેશની રક્ષા માટે લડી શકે.” રાજવીરે આંસુ લૂછતાં આખી વાત કહી હતી.

રાજવીરને નાટક કરતો જોઈ જય તો અવાક થઇ ગયો હતો અને મનમાં બબડી રહ્યો હતો. ‘રાજવીર જેવો હરામી તો મેં મારી જિંદગીમાં જોયો નથી.’

રાજવીરની વાત સાંભળી સૂરજ ઢીલો પડી ગયો અને એ ચુપચાપ ઉભો થઈ ગયો હતો.

“તમે જીવનમાં કદાચ પહેલું કામ સારું કર્યું છે. ભલે તમે ખોટી રીતે કર્યું હોય પરંતુ તમારો આશય સાચો છે એ હું પણ માનું છું. મારી બદલી પાછી નાર્કોટીક ડિપાર્ટમેન્ટમાં થઇ ગઇ છે. એટલે હું કાલથી ત્યાં ડ્યુટી જોઈન કરીશ.” આટલું કહી સૂરજ કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો.

“સર... તમને તો એક્ટિંગ કરતા સારી આવડે છે.” જયે રાજવીરને હસીને કહ્યું હતું.

“આ એક્ટિંગ નહોતી પરંતુ જાન બચાવવા માટે કરવું પડે એવું નાટક હતું. મારી તબિયત ઠીક નથી માટે હું ક્વાર્ટર પર જઇ આરામ કરું છું. તું પણ આ બધું કામ પતાવી નિશ્ચિંત થઇ ઘરે જતો રહેજે અને હા, પોલીસ સ્ટેશનના બધા સ્ટાફને મારા હિસાબમાંથી 5૦ હજાર આપી દેજે. એટલે એ લોકો ક્યારેય આ બાબતે મોઢું ખોલે નહિ.” આટલું બોલી રાજવીર કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો.

રાજવીરે પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી અને ધનરાજ પંડિતને ફોન કર્યો હતો.

"હલો... મેજર ધનરાજ પંડિત, તમારું કામ થઇ ગયું છે. રમ્યા મૂર્તિના ખૂનના આરોપમાંથી તમે મુક્ત થઇ ગયા છો. મેં તમારું કામ પૂરું કરી નાંખ્યું છે. હવે વારો તમારો છે. મારી પત્ની અને બાળકો માટે કાલે સવારે હું બંગલાની બહાર એક ગાડી મોકલી આપીશ. તમે એમને એમાં બેસાડી દેજો." આટલું બોલી રાજવીર ધનરાજ પંડિતના જવાબની રાહ જોવા લાગ્યો હતો.

ધનરાજ પંડિત થોડી મિનિટો માટે ચૂપ રહ્યા હતાં અન પછી બોલ્યા હતાં.

"FIRમાંથી મારું નામ નીકળી ગયું છે. એની ખાતરી માટે FIRની કોપી મને વોટ્સએપ કરી દેજે. કાલે સવારે હું તારી પત્ની અને બાળકોને તું જે ગાડી મોકલીશ એમાં બેસાડી દઇશ પરંતુ એ લોકોના નીકળ્યા બાદ મને મારવાની ચાલાકી કરતો નહિ." ધનરાજે પંડિતે રાજવીરને કહ્યું હતું.

"હું તમને વિશ્વાસ આપું છું કે હું ક્યારેય દગો નહિ કરું. પરંતુ તમને વાંધો ના હોય તો મારે તમને કેટલાંક સવાલો પૂછવા છે." રાજવીરે ધનરાજ પંડિતને કહ્યું હતું.

ધનરાજ પંડિતે એને સવાલો પૂછવાની હા પાડી હતી.

ક્રમશઃ.....

(વાચકમિત્રો, સફેદ કોબ્રા આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐ ગુરુ)