white cobra - part 15 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | સફેદ કોબ્રા - ભાગ 15

સફેદ કોબ્રા - ભાગ 15

સફેદ કોબ્રા

ભાગ-૧૫

ભોંયરાનો દરવાજો


રાજવીરે એના મનમાં ઊભા થયેલા પ્રશ્નો મેજર ધનરાજ પંડિતને પૂછવા તત્પર હતો.

“મારા નાગપુરનાં ઘરનું સરનામું તમને કઈ રીતે મળ્યું?” રાજવીરે પહેલો સવાલ પૂછ્યો હતો.

“મારા દીકરા સોહમનાં મુત્યુ બાદ મેં ડ્રગ્સ માફિયા જોડે બદલો લેવાનું નક્કી કર્યું. તપાસ કરતાં મને એ પણ ખબર પડી હતી કે, હોટલ સનરાઈઝ જે બાંદ્રા ખાતે આવેલ છે. એ જ ડ્રગ્સ હોટલમાંથી આખા મુંબઈમાં સપ્લાય થાય છે. હું હોટલ સનરાઈઝમાં ચાલતાં ડ્રગ્સના કારોબારને બંધ કરાવી દેવા ઈચ્છતો હતો કારણકે આ હોત્લ્માંનથી સપ્લાય થતાં ડ્રગ્સના કારણે મારા દીકરા સોહામણો જાન ગયો હતો. પરંતુ એ કામમાટે મારે પોલીસની મદદની જરૂર હતી. પરંતુ પોલીસ તો ડ્રગ માફિયા સાથે મળેલી હતી. મેં બહુ વિચારીને પછી મારા કામ માટે તારા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. કારણકે તું ભ્રષ્ટાચારી પોલીસ અધિકારી છે. બાંદ્રા પોલીસ સ્ટેશનનો તું ઇન્ચાર્જ અધિકારી છું. હું તારી નબળી નસ જાણી તારા હાથે ડ્રગ્સ માફિયાને અને તેના નેટવર્કને ખત્મ કરવા માંગતો હતો. પરંતુ આ કામ તારી પાસે કરવા માટે મારે તારી નબળી નસ મારા હાથમાં આવે એ જરૂરી હતી. અને એટલે મેં તારો પીછો કર્યો હતો. થોડા દિવસ પહેલા જ તું ગાડીમાં નાગપુર ગયો હતો. મુંબઈ અને નાગપુર વચ્ચે ૮૦૦ કિલોમીટરનું અંતર તું ગાડીમાં કાપીને કેમ ગયો? એ મને સમજાતું નહોતું. હું બરાબર તારી પાછળ ને પાછળ તારો પીછો મુંબઈ થી નાગપુર સુધી કરી રહ્યો હતો. નાગપુરમાં તું તારા બંગલે પહોંચ્યો ત્યારે મને અંદાજ આવી ગયો કે તું બે નંબરનાં રૂપિયાની મોટી રકમ લઈને નીકળ્યો હતો. એક દિવસના રોકાણ માટે આટલી મોટી ત્રણ બેગો લઈને તું આવે એ અજુગતું હતું. મારું માનવું છે કે તું આટલે દૂર ગાડી લઈને બે નંબરના રૂપિયા સાથે આવ્યો હતો. એ વખતે જ મને ખબર પડી ગયી હતી કે તારી નબળી નસ તારી પત્ની અને બાળકો જે નાગપુરમાં રહે છે એ છે. આ રીતે મેં તારી નબળી નસ પકડી લીધી. પુનામાં તારી પહેલી પત્ની અને બાળકો રહે છે એ વાતની ખબર મને અહીં આવીને પડી. અને એ પછી જે થયું એ બધું તો તું જાણે જ છે.” મેજર ધનરાજ પંડિતે રાજવીરના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું.

મેજર ધનરાજ પંડિતનો જવાબ સાંભળી રાજવીર પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો. કારણકે જે દિવસની વાત મેજર ધનરાજ પંડિત કરી રહ્યા હતા, એ દિવસે એ નાગપુરથી ૧૦૦ કિલોમિટર પહેલા એક ગામમાં પણ ગયો હતો.

એ વખતે ચોક્કસ ધનરાજ પંડિત મારી પાછળ તો આવ્યા જ હશે. પરંતુ એમણે ગામમાં દાખલ થવાની વાત બહુ ધ્યાનમાં લીધી લાગતી નથી કારણકે ત્યાંથી હું નાગપુર માટે નીકળી ગયો અને નાગપુરમાં મારી પત્ની અને બાળકો એને મળી ગયા એટલે આ વાત એમનાં ધ્યાનમાંથી નીકળી ગઈ લાગે છે. એટલે એને થોડી ધરપત થઇ હતી.

“સફેદ કોબ્રાના સાગરીતોને મારવાનું મને કહી તમે કેમ માર્યા હતા?” રાજવીરે ધનરાજ પંડિતને બીજો સવાલ પૂછ્યો હતો.
“હજી તું એનો એ જ સવાલ પૂછે છે? મંત્રી, સિયા, સલીમ સોપારી આ લોકોને મેં માર્યા નથી. મેં તો માત્ર રમ્યા મૂર્તિને જ મારા હાથે માર્યો છે. પરંતુ એમને મારવા પાછળ બીજા ડ્રગ્સ માફિયા ડેવિડનો હાથ હશે. એવું મને લાગે છે.” ધનરાજ પંડિતે કહ્યું હતું.

“બસ, આનાથી વધારે મારે કશું પૂછવું નથી. કાલ સવારે સાત થી આઠની વચ્ચે કાર હું મોકલી આપીશ. હવે તમે ફોન જેનીફરને આપશો પ્લીઝ?” રાજવીરે ધનરાજ પંડિતને કહ્યું હતું.

“રાજવીર મેં ફોન સ્પીકર પર રાખ્યો છે. તારે જે કહેવું હોય એ તું જેનીફરને કહી શકે છે. જેનીફર અહિયાં જ છે. ‘જેનીફર, તું ખાલી તારા અને છોકરાઓનાં કપડાં અને પાસપોર્ટ લઈ ગાડીમાં બેસી જજે. બીજા કોઈ પાર્સલ જોડે લાવતી નહિ. જે જરૂર પડશે એ આપણે ત્યાંથી ખરીદી લઈશું. મેજર સાહેબને ઘરની ચાવી આપી દેજે, એટલે એમને જ્યાં સુધી રહેવું હશે એ રહેશે. અને પછી ઘર લોક કરી ઘરની ચાવી ક્યાં સંતાડવાની એ તું એમને બતાવી દેજે.’ થેન્કયુ મેજર સાહેબ.” આટલું બોલી રાજવીરે ફોન મૂકી દીધો હતો.

રાજવીરનો ફોન મૂક્યા બાદ મેજર ધનરાજ પંડિત ઊંડા વિચારમાં પડી ગયા હતા.

“આ લોકોને છોડીને તમે જાનનો ખતરો લઈ રહ્યા છો. એવું તમને નથી લાગતું?” રાજવી પંડિતે પતિને પૂછ્યું હતું.
“જેનીફરનો પતિ ભ્રષ્ટાચારી છે. એટલે ભૂલથી પણ આપડી પીઠ પાછળ ખંજર મારવાનું કામ નહિ કરે. બીજું જેનીફર અને એના બાળકોને હવે કેદ રાખી આપણને કોઈ ફાયદો નથી. હોટલ સનરાઈઝમાં ચાલતું ડ્રગ્સ નેટવર્ક અને સફેદ કોબ્રાનું સામ્રાજ્ય આપણે હાલ પુરતું ખતમ કરી નાખ્યું છે. કાલે જેનીફર સવારે નીકળે પછી સાંજે આપણે મુંબઈ પાછા જતાં રહીશું. મારા વિરુદ્ધ દાખલ થયેલા FIR અને સબૂતો રાજવીરે નષ્ટ કરી નાખ્યા છે. એટલે મારા માથા પર કોઈ કેસ રહ્યો નથી. એક આમ આદમી બનીને આપણે સમાજ માટે જે કંઈપણ કર્યું એ આપણી ફરજ સમજીને કર્યું. અને હજીએ હું આ કામ છોડવાનો નથી. મને દેશમાંથી સફેદ કોબ્રા જેવા ડ્રગ્સ માફિયાનો કચરો સાફ કરવાનું અને દેશને સાફ અને સ્વચ્છ રાખવાનું મિશન મળી ગયું છે.” ધનરાજ પંડિતે પત્નીને સમજાવતા કહ્યું હતું.

બીજા દિવસે સવારે એમણે રાજવીરે મોકલેલી ગાડીમાં જેનીફર અને બાળકોને મોકલી દીધા હતા. અને ઘરમાં આવી દીવાલો પર લગાવેલા બોમ્બ ડીફ્યુઝ કર્યા હતા અને ઉતારીને પાછા બેગમાં મૂકી દીધા હતા.

“રાજવી, આપણે નાસ્તો કરીને પછી આરામ કરી લઈએ. સાંજના સાડા સાત પછી આપણે મુંબઈ જવા નીકળી જઈશું.” ધનરાજ પંડિતે પત્નીને કહ્યું હતું.

જેનીફર અને બાળકોને લઈને ગાડી નાગપુર એરપોર્ટ પહોંચી હતી. નાગપુર એરપોર્ટથી એમની ટિકિટ અંધેરી એરપોર્ટ સુધી બુક હતી.

અંધેરી એરપોર્ટ પર જયારે તેઓ ઉતર્યા ત્યાં રાજવીર બીઝનેસ લોન્ચની બહાર એમની રાહ જોતો ઉભો હતો. જેનીફર અને બાળકોને જોઈ એ ભેટી પડ્યો હતો.

“આપણે જ્યાં સુધી મોરેશિયસ પહોંચીએ નહિ ત્યાં સુધી તમારી સાથે શું થયું એ બાબતે કશુંજ બોલતા નહિ. આપણે ત્યાં ગયા પછી શાંતિથી વાત કરીશું.” રાજવીરે જેનીફર અને એના બાળકોને સમજાવતા કહ્યું હતું.

બપોરના ત્રણ વાગે ધનરાજ ઉઠ્યો હતો. રાજવી એમનો સામાન પેક કરી રહી હતી.

ધનરાજ કાલનો આખી ઘટનાની કડીઓને વારાફરતી ગોઠવી રહ્યો હતો. એને ફરીવાર વિચારમાં પડેલો જોઈ રાજવી એની પાસે આવીને બેઠી હતી.

“તમે આટલું બધું કાલના શું વિચાર્યા કરો છો? આટલું તો તમે મિશન શરૂ કર્યું હતું ત્યારે કે મિશન ચાલતું હતું ત્યારે પણ વિચારતા ન હતા.” રાજવીએ પતિને ખભે હાથ મુકીને પુછયું હતું.

“રાજવી આપણે ઘરમાંથી બે કામ લઈને નીકળીયે તો પણ એમાં એક કે બે વિધ્નો તો આવે જ. પરંતુ સફેદ કોબ્રા જેવા ડ્રગ્સ માફિયાનું સામ્રાજ્ય આટલું સરળતાથી અને કોઈપણ વિધ્ન વગર પૂરું થઇ ગયું એની મને નવાઈ લાગી રહી છે. હું તો એવું સમજતો હતો કે આ કામ પતાવતાં છ મહિના થશે. ખુબજ ખૂનખરાબો થશે. એના બદલે આપણે જે ઈચ્છતા હતા એ જ પ્રમાણે અને એજ વ્યક્તિઓનાં ખૂન પણ થઇ ગયા, આપણા અને રાજવીરના માથે કોઈ આફત પણ ના આવી. બધું સીધેસીધું પતી ગયું. એની નવાઈ લાગે છે. બીજું રાજવીર બે કરોડ જેવી રકમ અહીંયા ઘરમાં એના કબાટમાં મુકીને ગયો. એણે ધાર્યું હોત તો આ રૂપિયા પણ બહાર કઢાવી શકત. પરંતુ આટલી મોટી રકમ એણે અહીં આપણા ભરોસે છોડી દીધી. તને આમાં અસામાન્ય જેવું કશું લાગતું નથી?” ધનરાજે પત્નીને પૂછ્યું હતું.

“મને તો બધી ઈશ્વરની કૃપા લાગે છે. આપણે આપણા દીકરાને ન્યાય મળે એ માટે જે પ્રયત્નો કરતાં હતા, એમાં કુદરત પણ સાથ આપતી હતી. મને તો એવું જ લાગે છે.” રાજવી એ કહ્યું હતું.

“રાજવી, મારું મન માનતું નથી. તું એક કામ કર. આપણે ફરી આખા ઘરની તલાશી લઈએ. મને લાગે છે કે કોઈક વાત એવી છે કે જે આપણને ખબર પડી નથી. જેમકે પહેલો જ દિવસ યાદ કર. રાજવીર જેનીફરને કહેતો હતો, તું યાદ રાખજે. ‘તું રાજવીર શેખાવતની પત્ની છે.’ પત્નીને તો યાદ જ હોયને કે એ કોની પત્ની છે. પછી આવું કહેવાનો મતલબ શું? અને બીજો સવાલ. કાલે એણે જેનીફરને કહ્યું હતું કે તું છોકરાઓ અને કપડાં સિવાય ‘બીજા કોઈ પાર્સલ લેતી નહિ અને ચિંતા કરતી નહિ.’ આ વાતનો મતલબ પણ કંઇક સામાન્ય નહિ પણ અસામાન્ય છે. એવું મને લાગે છે.” આટલું બોલી ધનરાજ પંડિત ઉભો થયો અને ઘરમાં ફરીવાર તલાશી કરવા લાગ્યો હતો. રાજવી પણ એની રીતે બીજા રૂમમાં જઈ શોધખોળ કરવા લાગી હતી.

કબાટની તલાશી લેતાં-લેતાં ધનરાજ પંડિતને અચાનક ભોંયારાનો બંધ દરવાજો યાદ આવ્યો. એ દોડતો-દોડતો નીચે ભોંયરામાં ગયો. રાજવી પણ એની પાછળ ભોંયરામાં ગઈ હતી.

ધનરાજે હાથમાં રિવોલ્વર લીધી અને જોરથી લાત મારી દરવાજો ખોલી નાખ્યો હતો. દરવાજો ખોલતા જ અંદરનું દ્રશ્ય જોઈ ધનરાજ અને રાજવી સડક થઇ ગયા હતા. અત્યારે બંનેને કાપો તો લોહી ના નીકળે એવું દ્રશ્ય બંને એ જોયું હતું.

ક્રમશ: .....

(વાચકમિત્રો, સફેદ કોબ્રા આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐ ગુરુ )


Rate & Review

Ashok Prajapati
Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 1 month ago

Parash Dhulia

Parash Dhulia 1 month ago

Rimaa

Rimaa 4 months ago

Nishita

Nishita 4 months ago