Padmarjun - 21 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ - 21)

“આજે જ્યારે આર્યાનાં માતા-પિતા તેની સુરક્ષાને લઈને ચિંતિત હતાં એટલે વિરાટે વિવાહ પ્રસ્તાવ મુક્યો.”

શોર્યસિંહની વાત સાંભળીને દુષ્યંત અને આર્યાએ તેમનાં આશીર્વાદ લીધાં.

“સુખી રહો.”

હવે આગળ :

આ તરફ વૈદ્ય પદ્મિનીની સારવાર કરી રહ્યાં હતાં.ત્યાં અર્જુન આવ્યો.

“હવે કેમ છે પદ્મિનીને?”

“માથાં પર તો બહુ ઉંડો ઘા નથી માટે ચિંતાનો કોઈ વિષય નથી.મને લાગે છે કે પદ્મિની ભયનાં કારણે મૂર્છિત થઈ હશે.આ ઔષધિ તેનાં પેટમાં જશે એટલે તેને સારું થઇ જશે.”વૈદ્યએ કહ્યું અને પદ્મિનનાં ચહેરા પરથી નકાબ હટાવવા ગયાં.

“નહીં વૈદ્યજી.પદ્મિની પોતાનાં ચહેરા પરનું નકાબ કોઈની પણ સમક્ષ ઉતારતી નથી.”અર્જુને વિનમ્રતાથી કહ્યું.

“ઠીક છે પુત્ર, તો તું જ કોઈક ઉપાય શોધીને પદ્મિનીને આ ઔષધિ પીવડાવી દે.”વૈદ્યએ કહ્યું અને કક્ષની બહાર નીકળ્યાં.

અર્જુને પદ્મિનીની સામે જોયું.તેણે પોતાની સામે પડેલ ઔષધિ પોતાનાં હાથમાં લીધી અને પોતાની આંખો બંધ કરી.

અર્જુને બંધ આંખે જ પોતાનો હાથ પદ્મિનીનાં ચહેરા તરફ લઈ ગયો અને ધીરે-ધીરે તેનું નકાબ હટાવ્યું. નકાબ હટાવીને અર્જુન પોતાનો હાથ પદ્મિનીનાં અધરો પાસે લઈ ગયો.ત્યાર બાદ બીજા હાથમાં રહેલી ઔષધી તેને પીવડાવી દીધી.તેનું મોં નકાબ વડે ઢાંકીને પોતાની આંખો ખોલી.

….

દુષ્યંતનાં રાજ્યાભિષેક અને ત્યાર બાદ તેનાં અને આર્યાનાં વિવાહની તૈયારીઓ હર્ષોલ્લાસથી શરૂ કરવામાં આવી. આ દરમિયાન અર્જુન અને પદ્મિનીને પણ સાથે રહેવા માટે સારો સમય મળી જતો.ધીરે-ધીરે બંનેને એકબીજાની ટેવ પડવાં લાગી હતી.

“પદ્મિની, જ્યેષ્ઠ ભ્રાતાનાં યુવરાજ પદ પર રાજ્યાભિષેક માટેનો કોઈ સરસ વિચાર હોઈ તો જણાવ ને?”અર્જુને કહ્યું.

તેની વાત સાંભળીને પદ્મિની ભૂતકાળમાં સરી પડી.

“હું પણ તને સહાયતા કરીશ.”
“તું અદભુત નૃત્યાંગના છો.”
“તે ખુબ સરસ તલવારબાજી કરી.”

“પદ્મિની.”અર્જુને ફરીથી કહ્યું.

“અ…નહીં મારે પાસે તો એ વિશે કોઈ પણ નવો વિચાર નથી.”પદ્મિનીએ વર્તમાનમાં પાછું આવતાં કહ્યું.

“રાજકુમાર, મારે અન્ય કાર્ય છે.હું થોડાં સમય બાદ આવું.”પદ્મિનીએ કહ્યું અને ત્યાંથી ચાલી ગઈ.

તે પોતાનાં કક્ષમાં જઈને વિચારવાં લાગી, “કાશ મેં તૈયારીઓમાં સહાયતા જ ન કરી હોત.કાશ મેં નૃત્ય ન કર્યું હોત.”
...

આજે દુષ્યંતનો રાજ્યાભિષેક હતો અને આવતી કાલે તેનાં અને આર્યાનાં વિવાહ.તેથી આજે સમગ્ર વિરમગઢને નવી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું.આસપાસનાં મિત્ર રાજ્યોનાં રાજા પણ પોતાનાં પરિવાર સાથે હાજરી આપવા આવી ગયાં હતાં. સમગ્ર રાજમહેલને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. અંતે રાજકુમાર દુષ્યંતની યુવરાજ પદ પર રાજ્યાભિષેકની વિધિ પુર્ણ થઈ અને શરૂ થઈ વિવાહની વિવિધ રસમો.

હસ્તમેળાપનો સમય થઈ ગયો હતો તેથી પદ્મિની આર્યાને લઇને મંડપમાં આવી.લાલ રંગના વસ્ત્રોમાં આર્યા અત્યંત સુંદર લાગી રહી હતી.

અર્જુનનું ધ્યાન તેની બાજુમાં ઉભેલ પદ્મિની તરફ ગયું.તેણે આજે પણ સફેદ રંગનાં જ પરંતુ થોડાક ભારે વસ્ત્રો પહેર્યાં હતાં. તેણે કરેલાં થોડાં-ઘણાં શૃંગારને કારણે તે વધુ મનમોહક લાગી રહી હતી.તેને જોઈને અર્જુનનું મન તેનામાં મોહી ગયું.તે દુષ્યંતની જગ્યાએ પોતાને અને આર્યાની જગ્યાએ પદ્મિનીને કલ્પી પોતાનાં વિવાહનાં સ્વપ્ન જોવાં લાગ્યો.

દુષ્યંત અને આર્યાનાં વિવાહને હવે એક માસ જેટલો સમય થઈ ગયો હતો. સાંદિપની આશ્રમમાંથી સમાચાર આવ્યા હતા કે આર્યાનાં માતા અનુપમાની તબિયત થોડી ખરાબ હોવાથી આર્યાને પદ્મિની સાથે મોકલે.

દુષ્યંતને થોડું કાર્ય હોવાથી અર્જુન આર્યા અને પદ્મિનીને લઈને આશ્રમ ગયો.આશ્રમ પહોંચ્યા બાદ આર્યા ગુરુ સંદીપ અને અનુપમાને ભેટી પડી.

“માતા, શું થયું તમને?”

“પુત્રી, બે દિવસથી સતત માથામાં હળવો દુખાવો રહે છે.”

“માતા અનુપમા,તમે કુટીરમાં ચાલો હું તમને તપાસી લવ.”પદ્મિનીએ કહ્યું.

અનુપમાને તપાસ્યા બાદ પદ્મિનીએ કહ્યું, “કોઈ ચિંતાની વાત નથી.હું તમને માથાં પર લેપ બનાવીને લગાવી દઇશ એટલે થોડાં સમયમાં સારું થઇ જશે.”

પદ્મિની નજીકની નદી પાસે અમુક ઔષધિ લેવાં ગઈ.થોડો સમય થઈ ગયો છતાં પણ તે પાછી ન આવી એટલે અર્જુન પણ નદી તરફ ગયો.તેણે દૂરથી પદ્મિનીને જોઈ.તે નદી પાસે રહેલ વનસ્પતિમાંથી પાંદડાઓ તોડી રહી હતી. અર્જુન ત્યાં ઉભો રહીને થોડી વાર તેને જોઈ રહ્યો. ત્યાં જ તેની નજર પાણીમાં થતી હિલચાલ પર પડી.તેને જોયું કે એક મગરમચ્છ પદ્મિની તરફ આવી રહ્યો હતો.

“પદ્મિની, દૂર ખસ.”અર્જુન ચિલ્લાયો અને પદ્મિની તરફ ભાગ્યો.

તેનો અવાજ સાંભળીને પદ્મિનીએ અર્જુન તરફ જોયું.

“પદ્મિની, મગરમચ્છ.”

તેની વાત સાંભળીને પદ્મિનીએ નદી તરફ જોયું તો એક મગરમચ્છ તેની તરફ આવી રહ્યો હતો.એ જોઈને પદ્મિની જડ બની ગઈ.તેનાં કાનોમાં અવાજો ગુંજવા લાગ્યાં.

“આઆઆ….”
“બચાવો….”
“અમારો કોઈ દોષ નથી….”

મગરમચ્છ પદ્મિનીની એકદમ નજીક પહોંચી ગયો હતો.તે પોતાનું ભયાનક મોં ફાડી પદ્મિની તરફ આગળ વધ્યો.મગરમચ્છે પદ્મિનીની સાડીનો છેડો પકડી લીધો.ત્યાં જ અર્જુને ત્યાં પહોંચી મગરમચ્છ પર પોતાની તલવાર વડે વાર કર્યો અને જડ બનેલી પદ્મિનીને ઉઠાવી થોડો દૂર લઈ ગયો.

પદ્મિનીને નીચે ઉતારી અર્જુને તેને બે હાથોથી હચમચાવી.

“પદ્મિની…”

“હઅઅ…”પદ્મિનીએ તંદ્રામાંથી બહાર આવતાં કહ્યું.

“તું પાગલ થઇ ગઈ છો?નાની બાળકી છો?ક્યારનો હું ચિલ્લાઈ રહ્યો હતો, મગરમચ્છ, મગરમચ્છ. તને સંભળાતું નહોતું?”

“તે જોયું પણ કે એક મહાકાય મગરમચ્છ તારી તરફ આવી રહ્યો છે છતાં પણ તું જડ બનીને ત્યાં જ ઉભી રહી?કંઇક થઇ જાત તો તને?” અર્જુને ગુસ્સાથી કહ્યું.

અર્જુનનો ગુસ્સો જોઈને પદ્મિનીએ રડમસ આંખે થોડી વાર તેની સામે જોયું અને નદી પાસેથી પોતે એકઠાં કરેલાં પાંદડા લઈને આશ્રમ તરફ ચાલી ગઈ. અર્જુન પણ ગુસ્સામાં જ આશ્રમ તરફ પાછો ફર્યો.

“આર્યા, મેં તારી માતાને લેપ લગાડી દીધો છે. થોડો સમય વિશ્રામ કરશે એટલે ઠીક થઇ જશે.”પદ્મિનીએ કહ્યું.

“આભાર પદ્મિની.”

“પદ્મિની, હું થોડાં દિવસ માતા સાથે રહેવાં માંગુ છું.”આર્યાએ કહ્યું.

“ઠીક છે આર્યા. તો હવે હું અને રાજકુમાર અર્જુન અહીંથી નીકળીએ એટલે સૂર્યાસ્ત પહેલાં રાજમહેલ પહોંચી જઈએ.”પદ્મિનીએ કહ્યું.

અર્જુન અને પદ્મિની ગુરુ સંદીપની આજ્ઞા લઈને પરત જવા માટે નીકળ્યાં. અડધાં કરતાં પણ વધુ માર્ગ કપાઇ ગયો હતો છતાં પણ બંને વચ્ચે એક પ્રકારનું મૌન પથરાયેલું હતું.

...