Prem Kshitij - 24 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૪

વિડિયોકોલ પર ચાલી રહેલી વાતોમાં સૌએ અમરાપરની ખૂબ વાતો વાગોડી, સૂચિતાએ તો કદી ઇન્ડિયા જોયું નહોતું છતાંય એને મજા આવી રહી હતી, શ્રેણીક અને નયનને ઇન્ડિયાનો પહેલી વારનો પ્રવાસ ગમી ગયો હતો, અમદાવાદમાં તો લાઇફસ્ટાઇલમાં બહુ વાંધો નહોતો પરંતુ અમરાપરની વાત તેઓના મનમાં ઘર કરી ગઈ અને શ્રેણિકના મનમાં શ્યામા! બધા વાતોમાં શ્યામા વિશે પૂછવાનું જાણી જોઈને ટાળી રહ્યા હતા કે શ્રેણિક પહેલ કરે છે કે નહિ? એક તો એનો શરમાળ સ્વભાવ અને ઉપરથી છોકરીની વાત એટલે સૌ મજા લઈ રહ્યા હતા, દાદા અને દાદીની સામે બોલવાની એની મર્યાદાથી તે કટિબદ્ધ હતો, છતાંય એ રાહ જોઈને બેઠો હતો કે ક્યારે દાદા કે દાદી શ્યામાની વાત કરે અને એ એના દિલની વાત કહે, બધા ગોળગોળ વાતો હંકાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, નયન પણ જાણે પાટલી બદલીને સામે પક્ષે બેસી ગયો, " સૂચિ...તને ખબર છે શ્રેણિક તો આખો દિવસ લેપટોપમાં જ ઘૂસી જાય છે, અમરાપર આવી ગયું તો પણ એ તો એમાં જ હતો." નયનનો સીધો વાર શ્રેણિકના લેપટોપને વાગ્યો.
"સાચે ભાઈ? તું ત્યાં કામ કરવા ગયો હતો? કે...." સૂચિતાએ એને મીઠો ઠપકો આપ્યો.
"ના યાર... મારે અર્જન્ટ કામ આવી ગયું હતું એટલે..બાકી ત્યાં ગયા પછી લીધું હતું? પૂછી લે નયનને..." શ્રેણિકે બચાવ કરતા કહ્યું.
"પણ તારા લીધે જ તો રસ્તો ભૂલી ગયા હતા ને?"- નયને પાછું નવું કહ્યું.
"જા ને જાડિયા, તે લેફ્ટ અને રાઇટમાં લોચા કરેલા..." શ્રેણિક ગુસ્સે થતાં બોલ્યો.
"એની વે, તમને મળી તો ગયું ને?"- અનિકેત બોલ્યો.
"હા પપ્પા....!"- શ્રેણિક એના પપ્પાને સવિનય જવાબ આપ્યો.
"અને દીકરા, તું જે કામે ગયો એ કેવું રહ્યું?"- ભાનુબાથી રહેવાયું નહિ અને એમને સીધો જવાબ માંગી લીધો એને હેરાન કર્યા વગર.
"સારું!"- શ્રેણિકે ટૂંકાક્ષરીમાં મલકાતાં જવાબ આપ્યો.
"બસ સારું જ? તને ના ગમી શ્યામા?"- સુચીતાએ તીર મારતા કહ્યું, હવે આ જવાબ આપવામાં શ્રેણિક ભેરવાયો, જો એ હા કહી દે તો દાદા સીધો જવાબ કહી દે અને ના પડે તો પણ સીધી ના થઈ જાય, શ્યામાએ જવાબ માટે બે દિવસ માંગ્યા હતા એ માત્ર એ જ જાણતો હતો, માટે એ ઉતાવળે જવાબ આપી દે એ યોગ્ય નહોતું.
"ના...."- ના સાથે જ પ્રતિમાએ એને વચ્ચે ટોક્યો.
"ના? ના ગમી તને?"
"હા...."- શ્રેણીકે ગમી એ કહેવા માટે હા પાડી એ જાણતાં હોવા છતાંય પ્રતિમા ફરી બોલી, "ફાઇનલ નથી ગમતી?"
"મમ્મી! શું તું પણ? મને પહેલા સંભાળ તો ખરી!"- શ્રેણિક અકળાયો.
"તો શું ક્યારનો હા ના હા ના કર્યા કરે છે?"
"તો બોલવા તો દો...કઈ કહું એ પહેલાં જાતે જાતે બધું પ્રીડિક કરી લો છો!"
"પ્રતિમા....હવે એને હેરાન કરવાનું રહેવા દો બધા....શ્રેણિક બેટા, બોલ શું કહે છે!"- દાદાએ બધાને ટોક્યા અને શ્રેણિકને એની વાત રાખવા કહ્યું.
"દાદા...મને શ્યામા ગમી તો છે પરંતુ મારે નિર્ણય લેવા માટે થોડો વખત જોઈએ છે." શ્રેણિક એના આત્મવિશ્વાસ સાથે બોલ્યો.
"કેટલો સમય લઈશ?"- દાદાએ પૂછ્યું.
"ત્રણ દિવસનો..."- કહેતાં એને શ્યામાના સમય કરતાં એક દિવસ વધુ માંગ્યો.
"ભલે....હું તને ગુરુવારે સવારે પૂછીશ...વાંધો નહિ ને?"- દાદાએ ગણતરી કરીને ગુરુવારનો સમય નક્કી કર્યો.
"જી દાદા!.." શ્રેણિક ખુશ થઈ ગયો.એને જોઈતો સમય મળી ગયો જેથી એ શ્યામાને એના ભવિષ્યનું વિચારવા માટે સમય આપી શકે, એના સપનાંઓ સાથે રાખીને નિર્ણય લેવા માટે એને પૂરતી આઝાદી આપી શકે.
બીજી થોડી ઘણી વાતો પતાવીને તેઓએ ફોન રાખ્યો, ને નયન શ્રેણીકને વઢવા માંડ્યો, " હવે હું જાડિયો થઈ ગયો નહિ? અમરાપર માટે તારી હા જ છે એટલે હવે તો મારી જોડે આવું કરે છે!"
"એય જાડિયા, હું તો તને રોજ જ જાડિયો જ કહું છું અને કહેતો રહીશ....અને તને કેવી રીતે ખબર પડી કે મારી હા છે?"- શ્રેણિકે એના જીગરીજાન સામે હસતાં હસતા કહ્યું.
"એ તો તું શ્યામા...સોરી શ્યામાભાભીને જે રીતે જોઈ રહ્યો હતો એ પરથી ખબર પડી ગઈ!"- નયને એને ખભા પર ટપલી મારતાં કહ્યું.
"તું બધું બહુ જજ કરે છે ને આજકાલ? પણ ત્યાંથી પણ હા આવવી જોઇને?
"ત્યાંથી પણ હા જ છે."
"તું કઈ અંતર્યામી છે?"- શ્રેણીક હસી રહ્યો.
"પણ મને ખબર છે..."- નયને ભારપૂર્વક કહ્યું, શ્રેણીક નયનનાં જવાબથી ઇતરવા માંડ્યો, જાણે સાચે હા આવી ગઈ હોય!

ક્રમશઃ....