Kalamni Kalam ... (21 Poems) books and stories free download online pdf in Gujarati

કલમની કલમે... (૨૧ કવિતાઓ)

૧. કલમની કલમે…. ✍🏻


છે ક્યાં ઈચ્છા કે, રાધા કે શ્યામ બની જાશું!

શક્ય હો તો, તારા શબ્દોનું ધામ બની જાશું.

______________________


ધબકારે તારાં હું ચાલી નીકળીશ ને

તારાં વિચારોનું ગામ થઇ જાશું.


લાગણીઓ તારી મુજમાં ભરી,

ભાવોને શ્યાહીનું નામ દઈ જાશું.


અંતર નીચોવી આ જીવતરની રાહે

તારાં શમણાંને મુકામ દઈ જાશું.


રંગો તો તારાં જ ને તારી જ રંગોળી,

ટપકાંને લીટીનો ઘાટ દઈ જાશું.


તરસજે મનભરી, ને વરસી લેજે,

તારાં વરસાદની છાંટ થઈ જાશું.


અંતરથી અત્તરનો શ્વાસ જે નીકળશે,

એ સુગંધિત શબ્દોનો હાર થઇ જાશું.


મહેંકાવી મૂકશું કણ-કણ એ કાગળનું

જે નિરખે એને મન બહાર થઇ જાશું


તારી ને મારી આ પ્રિત છે નોખી,

એકમેકમાં ગુમનામ થઈ જાશું.


તારી "મૃગતૃષ્ણા"ને પોષી લઈશ,

જ્યારે મળીશું બેનામ થઈ જાશું


- મૃગતૃષ્ણા

🌼🌼🌼


(સમજૂતી: કલમ એટલે કે લેખિનીનો રચયિતાને અપાયેલો વિશ્વાસ કે એ બંનેનો અદ્રશ્ય સંબંધ કોઈને સમજાશે નહીં પણ હંમેશા રહેશે. પ્રેરણા અને રચનાકારનો સંબંધ પણ કંઈક આવો જ હોય છે ને !!!)




૨. શબ્દ


શબ્દ વૈભવ પાછો પડે, તારી વાત જ્યાં આવે

વિસરુ સાન સઘળું, જ્યારે આસપાસ તું આવે


*********************

શું કહું?

કે શબ્દોની રમતમાં સદાય હારી છું

ને મૌન સૌની સમજમાં આવતું નથી.

___________________________


અભિવ્યક્તિ મારી તારાં વિના અધૂરી

જો તું ના હો તો હર લાગણી અધૂરી

હે શબ્દ! તું નિઃશબ્દ કરે છે ક્યારેક

ને ભીતરમાંયે પડઘો પાડે છે ક્યારેક


ક્યારેક તું વિનાશી, ક્યારેક છે તું સર્જન

તુજ વિણ થતાં જોયાં લાગણી વિસર્જન

હે શબ્દ! તું તો બ્રહ્મ, સર્વોપરી અહીં

કર્ણ સમું વિસરુ, કદી કૃષ્ણ તું અહીં


કે કલમ ને લાગણી બેય સુકાય છે તુજ વિણ

હે શબ્દ બ્રહ્મ! તારું હોવું છે જરુરી પણ

અલખના આરાધીને અલખનો શાને ડર?

હોય શબ્દ અલખ તો થઈ જાશે તું નિડર


અલખ જગાવી નીકળે અલખના આરાધી

શું નિસ્બત જગથી ને મોહનાં ઝંઝાવાતથી!

ચિત્ત તો ચોંટેલું રહે બસ એક જ તુજમાં

સાચ! તુજ વિના ક્યાં કોઈ આવે દર્શનમાં


- મૃગતૃષ્ણા

🌻💐🌻




૩. નિશાન


વહી ગયા સર્વે સ્વપ્નો, કિનારા રહી ગયાં

મહેલો ખરી પડ્યાં ને મિનારા રહી ગયાં

પથિક તો અમસ્તાંય ક્યાં આગળ વધ્યાં!

સરત રહી ગઇ ને ક્ષણોનાં ધારા વહી ગયાં


આગ જે બળતી'તી અંતરે એ ખાખમાં ભળી

ચિનગારી રહી ધરબાઈ, હવા એને ક્યાં મળી!

ધૂંધવાઈને જીવનનાં બધાં ધારા બળી ગયાં

ખાકમાં પડી રહી અશ્મિ ને ધૂમાડા સરી ગયાં


કંઈક પંથીઓએ તો એ રાખ માનસે ચોળી

અલખને આરાધવા, દીધું જગત આખું છોડી

પણ આ શું? જિંદગી સામે ઊભી કર જોડી!

એમ ક્યાં સરળ છે જવું સઘળા બંધનો તોડી!


ઘાયલ કરે છે હયાતીનાં ટૂકડાઓ થોડી !

બસ, ફેંકે શોણિતમાં શોભિત રૂપ તરછોડી

મજા માણે છે પ્રતિશબ્દો એનીય થોડી થોડી

છતાં મલમ પણ એજ, જે અસર કરે મોડી મોડી


વખત સાથે એ ભભૂકતા બધાં લાવા ઠરી ગયાં

થયો આખેટ અહંકારનો તો બધાં દાવા રહી ગયાં

ઊંડા ઝખ્મો જે કાળચક્રનાં વારથી હતાં થયાં

એ ઘાવ તો રૂઝાયા પણ એનાં ડાઘા રહી ગયાં


- મૃગતૃષ્ણા

🌻🌻🌻


સરત = સ્મૃતિ, યાદ

શોણિત = રક્ત




૪. અમસ્તી ગઝલ


નથી ખાવી કસમ ખુદા-એ-પાકને સામે રાખીને,

કંઈ થઈ ગયું ખુદાને તો એ ઈલ્ઝામ કોણ લેશે?

___________________________


અરજ છે માત્ર એટલી કે બસ, સહન કરી લેજો,

વિચારો પર હતો જે સબ્રનો એ બાંધ તૂટ્યો છે.


ન અચરજ પામતાં અનરાધાર વરસતી શબ્દહેલીથી,

બંધાયાં જે હતાં એ વાદળોનો શ્વાસ છૂટ્યો છે.



હવે તો રાખો બંધ એકમેકને ઝુલસાવવાનું બાકી,

ખબર છે આગ છો બંને ને હવાનો પ્હાડ તૂટ્યો છે.


વિનવણી છે, કે ભરમ આ એક દૂર થાય તો સારું,

નથી કોઈ ભાવ ને વિચાર તો ક્યાં કોઈનો લૂંટ્યો છે !


- મૃગતૃષ્ણા

🌻🌻🌻🌻🌻



૫. તલાશ


કિનારાને સાથે લઇ વહી ગઇ એ ધારા

દઈ તાલ ઉપવનમાં વહી ગઇ એ વારા

છે કણ કણમાં તારી હયાતી એ માયા

તોય શ્વાસોની સુગંધે શોધું એ છાયા


*************


છું અજાણી કહાણી, ખબર છે એ મુજને;

એ જાણવા જ તારું સરનામું શોધું છું.

મળે ક્યાંક, એ જ આસે, વન-વન હું ભટકી

ને વિવશતા એ તારું જ નામ શોધું છું.


રચી લઉં કવિતાઓ, એમ જ અનાયાસે,

ને પછી એમાં તારું ઉપનામ શોધું છું.

શબ્દોને એકમેકમાં વણી લઈ તાંતણે,

એ ભાતમાં તારી છબીનું ધામ શોધું છું.


એષણા સંઘરી હ્રદમાં, ઊભી છું કિનારે;

નગરમાં તારાં એકલતાનો ભાર ઝંખું છું.

જોઈ લઉં દૂરથી બસ, ન સ્પર્શુ હું તુજને;

મળીને પણ ના મળુ એવો દીદાર ઝંખું છું.

એ વારા! રૂપ તારું ધરવા દે પળભર,

સુવાસ થઇ શમણાનો શ્વાસ ઝંખું છું.

એકવાર ઝાંખી કરી લઉં પછી તો,

સઘળાયે ભાવોનો ઉદ્ધાર ઝંખું છું.


- મૃગતૃષ્ણા

🌻💐🌻


(સમજૂતી: તલાશ જિંદગીની ક્યારે પૂરી થાય એ જાણવું શક્ય નથી છતાં શોધ અવિરત ચાલુ જ રહે છે અને કદાચ આ જ તલાશ ઊર્જા છે, આશ છે કે કદાચ જિંદગી પોતે જ.)

*વારા = લહેરખી



૬. ઈચ્છાઓનું રણ


બની શકે કે મારો આ ભરમ નીકળે!

ઉછ્શ્વાસમાં પંક્તિઓ બે-ત્રણ નીકળે!

આમ જ અમસ્તી ઘસુ હું કલમ ને

કાગળ પર મુક્તકનું વન નીકળે !


બની શકે કે ફાડીને નાંખી દીધેલાં

એ શબ્દોમાંયે કંઈક વજન નીકળે !

જરા દ્રષ્ટિ તો નાંખો એ કટકાઓ પર

તરતાં, હલકાં એ વિખરાયેલાં હવામાં;

જપ્તી લો એક-એક ચબરકીની ને

મારી આખીનેઆખી ગઝલ નીકળે !


કોઈ કરશો ના સપનાં જોવાની મનાઇ,

ભર ઊંઘમાં કદાચ ઘટનાક્રમ નીકળે.

મલકાતા ચહેરે જો અશ્રુ સરે ને

પડખું ફરું તો સહેરાને બદલે ઉપવન નીકળે!

જાગીને પાંપણના દ્વારો જો ખોલું તો,

પલકારે વાર્તાની મજલ નીકળે!


ખોતરુ જમીન હું અશ્મિઓ કાજે

ત્યાં મૃગતૃષ્ણાઓનું શહેર નીકળે!

માની લઉં કે એક ઝરણું છે મુજમાં,

તૃષાનું ક્યાંક તો તરણ નીકળે!

થાકી હારીને ભટકું ભીતરમાં તો

બને કે ઈચ્છાઓનું રણ નીકળે!


એક નજર કરું તારી દિશામાં ને

તુજ લોચને મારુંય પ્રતિબિંબ નીકળે!

આયખાની સૂકી નદીનાં કોરાં પટમાં

આશાનું ખોબોચિયુ પણ નીકળે!

અમસ્તી આમ જ હું બેઠી હોઉં ને

હૈયૈ વિચારોનું આવુંય વૃંદાવન નીકળે !


- મૃગતૃષ્ણા

🌼🌼🌼



૭. હાટ


પરભાતી બ્હોણી... ચાલો વ્હોરી લો જે હોય તે,

તરુવરની શાખે કલમ ફૂટી કે ફૂટ્યાં શબ્દો!


બપોરના બપોરા કરવા બેઠાં, વહેંચીએ જે હોય તે,

પેટમાં બેવડ વળી બેઠાં ઉજાગરા કે ભૂખ્યા દર્દો !


સાંજ સમેટીયે.... ચાલો લઇ લો જે હોય તે,

દિલદારી છે, નથી લાગણી ખૂટી કે ખૂટ્યાં અર્થો !


રાત આવકારીયે... ચાલો માણી લો જે હોય તે,

આજની હાટ પૂર્ણ, નથી નિદ્રા ખૂટી કે ખૂટ્યાં સ્વપ્નો!


- મૃગતૃષ્ણા

🌼🌼🌼


૮. ઝાંઝવાનાં જળ


નથી કોઈ ખાસથી નિસ્બત, નથી કોઇ વાતથી નિસ્બત

અમે તો ઝાંઝવાનાં જળ, અમને તો બાફથી નિસ્બત


છે ક્યાં બાંધકામથી નિસ્બત કે મકાનથી નિસ્બત

ક્યાં અમને એનાં રંગરોગાનથી નિસ્બત

બસ, માથે એક છત છે એ આધારથી નિસ્બત

અમે તો ઝાંઝવાનાં જળ, અમને તો બાફથી નિસ્બત


ભલે, ભટકો લગાવી મુખોટા હજારો,

નથી તમારાં એક પણ નકાબથી નિસ્બત

બીજાથી ક્યાં ! અમને તો અમારી જાતથી નિસ્બત

અમે તો ઝાંઝવાનાં જળ અમને તો બાફથી નિસ્બત


થઈ જાઓ ગુમ હવાઓં જેમ તોયે શું ફરક પડે!

અમને તો બસ, લહેરખીઓનાં અહેસાસથી નિસ્બત

માન્યું કે છળાવો છીએ તળાવોનો,

મળે કે ન મળે, જળને જીવંત રાખવાથી નિસ્બત

ઉપર નભ ને નીચે મરુ; તોય અમારું શું?

અમને તો અધ્ધરતાલ રહી મહાલવાથી નિસ્બત

અમે તો ઝાંઝવાનાં જળ, અમને તો બાફથી નિસ્બત


- મૃગતૃષ્ણા

🌼🌼🌼



૯. આભાસી સફર


હ્રદય પર પડેલી ભાતોને થોડી સાચવું;

અશ્મિઓ ઉખેડીને એને ક્યાં વિસ્થાપવુ?


આનંદિત યાદોની પુસ્તકને ખોલી,

પીડાની ક્ષણોને અલગ ખાનામાં રાખું.


એક પલડે સુખ અને એક પલડે દુઃખ મૂકી

જિંદગીના હિસ્સાનો હિસાબ માપું.


સુખ-દુ:ખ બંને જીવતરની આંખો,

એકને સાચવું તો બીજીને ક્યાં નાખું?


આયખાના ઉપવને મળ્યા કાંટા ને પુષ્પો;

શીખ અને સુવાસનો સરવાળો માંડું.


સોપાનો સર કરી પહોંચ્યા અહીં સુધી,

વીતી ગયેલા પડાવોની શું રાહ તાકુ?


મંઝિલો માટે રીત સરની દોટ જે મૂકી

મળ્યાં પછી એ મંઝિલોનું મૂલ્ય શું આંકુ?


~ મૃગતૃષ્ણા

🌼🌼🌼


૧૦. સોપાન


આંખોથી આંખોના હિસાબ થઈ ગયા

સવાલો જે હતાં બધાં જવાબ થઈ ગયા

જે શામિલ હતા મારા દુશ્મનોની કતારમાં

એ લોકો આજે મિત્રો લાજવાબ થઈ ગયા

જીરવીને માણી લીધી જિંદગીની સફર અમે

જે રોકતાં હતાં એ બંધનો ભૂતકાળ થઈ ગયા

જેની-જેની ઠોકરોએ ગબડયા હતા અમે

એ જ પથ્થરો સફળતાના સોપાન થઈ ગયા


~ મૃગતૃષ્ણા

🌼🌼🌼



૧૧. માફી


આપું શ્રદ્ધાંજલિ કે માંગુ હું માફી?

મારી અધૂરી રહેલી કવિતાઓ પાસે.

અધૂરી અધૂરી મેં છોડી દીધેલી,

ક્ષમાયાચના એ અસંખ્ય કવિતાઓ પાસે.

શબ્દોએ સાથ કેમ છોડી દીધો'તો?

ના જાણું અપૂર્ણ કવિતાઓ પાસે.

શૂન્યતા છવાઈ'તી શું મનનાં આકાશે?

અપરાધી છું આજે એ કવિતાઓ પાસે.

જન્મી-અજન્મી એ લાગણીઓ મારી

આજેય અકબંધ છે અધૂરી કવિતાઓ પાસે.


~ મૃગતૃષ્ણા

🌼🌼🌼



૧૨. વિશ્વાસ


હારી ન જાઉં ખુદથી ત્યાં સુધી લડું છું.

ખુલ્લી તલવારો તળે જીવન શરું કરુ છું.

ભડકેલી આગમાં પતંગિયું થઇ બળું છું.

રાખમાં રહી ચિનગારી, તણખો થઈ ખરુ છું.


ઘાયલ થયેલાં હૈયે, એક દર્દ થઇ રહું છું.

તૂટેલાં કાચને પાછો જોડી દઉં છું.

આ જિંદગીનો ખેલ ફરીથી માંડી દઉં છું.

આંખોનાં ખારા જળને મીઠાં કરી દઉં છું.


કરમાયેલા ફૂલોનો પમરાટ થઈ મહેકુ છું.

પાનખરમાં વસંતની વનરાજી થઈ ચહેકુ છું.

થીજી ગયેલી ઠંડીમાં તડકો થઈ હર્ષુ છું.

મે-જૂનની ગરમીનું વાદળ થઈ વરસું છું.


ઝરમરતા મેહમાં મોરનો થનગનાટ છું.

જામી ગયેલાં તિમિરમાં આશનો પ્રકાશ છું.

ન માનો તો નથી ને માનો તો સર્વત્ર છું.

અધૂરાં મનમાં વસતો વિહરતો વિશ્વાસ છું.


~ મૃગતૃષ્ણા

🌼🌼🌼


૧૩. ચહેરાની વ્યથા


તારું મૌન જ અતિશય બોલકું છે,

ભલે કરે તું દુનિયાભરની વાતો.

સાચું કહું! મને તારી આ ભાષા સમજાતી નથી.


તારી ભાવભરેલી આંખો જ સમજું છું,

વાચામાં ભળે મિઠાસ ગમે તેટલી…

સાચું કહું! મને તારી આ ભાષા સમજાતી નથી.


બસ તારા હોઠના સ્મિતને જ ઓળખું છું,

ભલે વિશ્વભરનુ જ્ઞાન તું મારી સામે ધરે…

સાચું કહું! મને તારી આ ભાષા સમજાતી નથી.


તારા નયનોમાં ભરેલાં ખારપાટને ઓળખું છું,

એટલે જ, વાણીની 'ખુશ છું' એ વાત..

સાચું કહું! મને તારી આ ભાષા સમજાતી નથી.


હોવું અને રહેવું, જે હોય તે જ કહેવું,

ચહેરા પર ચહેરાની તારી આ વણકહી વ્યથા

સાચું કહું! મને તારી આ ભાષા સમજાતી નથી.


~ મૃગતૃષ્ણા

🌼🌼🌼


૧૪. કંઈક અલગ લાગે છે.


આજકાલ આ ઘર ખબર નહીં કેમ સુનું સુનું લાગે છે.

કે પછી આ ખાલી ખાલી મનને એવું લાગે છે.

બધું એમનું એમ જ છે, જરા નથી બદલાયું છતાંય,

ખબર નહીં કેમ કંઈક તો બદલાયેલું લાગે છે.

વ્યથિત મનથી, આ જ મુંઝવણમાં ઘરની બારી બહાર જોયું તો,

એજ બારીમાંથી દેખાતું મંદિર કંઈક અલગ જ ભાસે છે.

બહારની દુનિયા કંઈક અજબ લાગે છે કે પછી,

અંદર ક્યાંક કોઈ ખૂણામાં મન અટવાયેલું લાગે છે.

હશે! જે હશે તે, વધું નથી વિચારવું, મનને કહ્યું,

દિવસ શરું થયો ને બધું પહેલાં જેવું લાગે છે.


~ મૃગતૃષ્ણા

🌼🌼🌼


૧૫. સમય


હું આજની ક્ષણ બહું ખાસ છું.

હું આવતીકાલનો ઈતિહાસ છું.

હું એ જ, જેણે ઈતિહાસો રચાતાં જોયાં.

હું એ જ, જેણે ધુરંધરોને રગદોળાતા જોયાં.

હું એ જ, જેણે જોયાં મહાન રાજપાટો.

હું એ જ, જેણે જીરવી પ્રારબ્ધની થપાટો.

હું એ જ, જેણે જોઇ સંતોની જમાતો.

હું એ જ, જેણે કીધી અત્યાચારીઓની વાતો.

હું એ જ, જેણે જોઇ ભક્તોની ભક્તિ.

હું એ જ, જેણે જોઇ લોભ ને આસક્તિ.

હું એ જ, જેણે જોયાં કેટલાંય અવતારો.

હું એ જ, જેણે સહ્યો આડંબરોનો મારો.

હું એ જ, જેણે જોયો હતો વિન્યાસ.

હું એ જ, જેણે દીઠો પ્રકૃતિનો વિનાશ.

હું એ જ, જેણે તમને આ દાસ્તાન કહી.

હું એ જ, જેનાં પ્રવાહમાં ઘણી વાર્તા વહી.

હું એ જ, જે નિરંતર વહેતો રહું છું.

હું એ જ, રાહબર જે સદા કહેતો રહું છું.

આવીશ એકવાર, પાછો ફરીશ નહીં.

સમય છું, રોકવાની કોશિશ કરીશ નહીં.


~ મૃગતૃષ્ણા

🌼🌼🌼


૧૬. બાકી છે.


વાતોમાં ઘણી વાત હજું બાકી છે.

તને કરવાની રજૂઆત હજું બાકી છે.

દુનિયા આખી જોયાં છતાંય અરમાન હજું બાકી છે.

તને જોયાં પછીય જોવાનું ઘણું બાકી છે.

કરમાયેલા સ્વપ્નો તો ક્યારનાય સૂકાઇ ગયાં,

હવે તો, માત્ર તેનાં અહેસાસ બાકી છે.

જિંદગીભર જે સ્વપ્નોની કાળજી લીધી,

હજુય એમનાં આખરી શ્વાસ બાકી છે.

જિંદગી તો બસ ઉપરછલ્લી જીવી ગયાં,

મરજીવા થઈને તરવા મનનાં ઉંડાણ હજું બાકી છે.

પાગલ બનીને ફરવું પોષાય તેમ નથી,

હજું તો આ જગતનાં કેટલાંય કામ હજું બાકી છે.

જીવનનાં કેટલાંય રંગોનો અનુભવ કર્યો છતાં,

એ એક રંગનો લેવો આસ્વાદ હજું બાકી છે.

અંતે તો જાગતિક સંસારથી મન ઊઠી ગયું,

બસ, માત્ર ને માત્ર મનનો સંન્યાસ હજું બાકી છે.


~ મૃગતૃષ્ણા

🌼🌼🌼



૧૭. વળાંકો


જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે.

તારી ને મારી ત્યારે અચૂક વાત થઈ હશે.

જોયો છે આજે કૈફ નજરોમાં એ બધાંની,

આપણી શરારતો દ્રષ્ટાંત થઇ હશે.

ચહેરાઓ જોયાં એમનાં મહેફિલમાં ગમગીન,

જાણ્યું કે વેદના આરપાર થઈ હશે.

આંખોમાં જોયાં એમનાં અશ્રુઓના અણસાર,

થઈ ખાતરી કે વિરહની દાસ્તાન થઈ હશે.

સહેલો નથી કંઈ પૂરવો અવકાશ હ્રદયનો,

જાણ્યું કે લાગણી એમ નિષ્પ્રાણ થઈ હશે.

કિનારે ઊભેલા સૌએ જોયાં પ્રેમનાં વળાંકો,

વહેવા કે ડૂબવાની બહું આશ થઈ હશે.


~ મૃગતૃષ્ણા

🌼🌼🌼



૧૮. અસમંજસ


મુઠ્ઠીમાં ભરું તો રેતની જેમ

સરકી જાય છે પળ

એને બાંધવા શું કરું?


આવરણો ખોલું તો

દેખાય છે હ્રદયતળ

એને ઢાંકવા શું કરું?


ધોધમાર વરસેલી

આંખોમાં પૂરનાં જળ

એને વાળવા શું કરું?


દિન-રાત કરી હતી એ

મહેનતનાં મળ્યાં ફળ

એને ચાખવા શું કરું?


એક નાનકડાં દિવડાએ

લગાડ્યો દાવાનળ

એને ઠારવા શું કરું?


મધદરિયે, મધરાતે

વા છૂટ્યે તૂટ્યાં સઢ

એને સાંધવા શું કરું?


આક્રમણોએ ઘવાયો

મારા અસ્તિત્વનો ગઢ

એને બચાવવા શું કરું?


અસમંજસે કરી દીધાં

સમજના કમાડો બંધ

એને ઉઘાડવા શું કરું?


બસ, શું કરું? શું કરું?ની

દિવાલો વચ્ચે છું અકબંધ

એમાંથી બહાર આવવા શું કરું?


~ મૃગતૃષ્ણા

🌼🌼🌼



૧૯. ક્યાં સુધી?


મહાભારત થયાંને યુગો વીત્યાં

તોયે મારે દ્રોપદી ક્યાં સુધી થાવું?

ધર્મના સ્થાપન કાજે મૂકી હોડમાં મને

હજુયે શાં માટે હોડમાં મુકાવું?

ધૂર્ત સભામાં તું આવ્યો ચીર પૂરવા

હજી કેટલીવાર તુજને બોલાવું?

ધર્મયુદ્ધ કાજે ચઢી ગઇ હતી બલી

રોજેરોજ હજું કેમ બલી બની જાવું?

યુદ્ધે હણાયો બસ એક જ દુ:શાસન

માનવમનમાં રહેતાં દુ:શાસનને હણવા

બોલ હવે, કોને હું બોલાવું?


~ મૃગતૃષ્ણા

🌼🌼🌼



૨૦. પૈગામ


આંખોથી આંખોના પૈગામ મોકલું છું.

સમજો તો મનનાં હાલ મોકલું છું.

ચંદ્ર સમાન તમારા મુખ પર

ઓળઘોળ થતી નજરોના પ્રમાણ મોકલું છું.

ચહેરાનું સ્મિત જોઇ લેજો દર્પણમાં

એમાંય ઘણાં સવાલ મોકલું છું.

સાંભળી શકો તો સાંભળજો મારા મૌનને

પવનની સાથે લાખો પૈગામ મોકલું છું.

વાંચ્યા છે વણકહ્યા પ્રશ્નો તમારા અધરો પર

એટલે જ શબ્દોનાં જવાબ મોકલું છું.

બીજું તો શું મોકલું?

તમારી દરેક વાત પર થંભી જતાં

મારા કેટલાક શ્વાસ મોકલું છું.

વિશ્વાસ છે ક્યારેક તો મળીશું ક્યાંક

ઓળખાણ માટે આંખોનો ચિતાર મોકલું છું.


~ મૃગતૃષ્ણા

🌼🌼🌼


૨૧. સંદેશ


એક કહેણ મોકલ્યું'તુ

એક વહેણ મોકલ્યું'તુ

શબ્દો હતાં નહીં એમાં

મૌન અકબંધ મોકલ્યું'તુ


દક્ષિણથી ઉત્તર તરફ જતાં

પવનની સંગ મોકલ્યું'તુ

મળે તો વાંચી લેજો

પરબિડીયું એક બંધ મોકલ્યું'તુ


ખોલશો તો મહેકશે

ભીની માટીનું અત્તર મોકલ્યું'તુ

સંદેશામાં બીજું કંઈ નથી

એક ફૂલોનું ઉપવન મોકલ્યું'તુ


ચહેરા પર છાપી લેજો

'સ્મિત' એક સરસ મોકલ્યું'તુ

અને શોધવાનું રહેવા દેજો

સરનામાં વગર મોકલ્યું'તુ


~ મૃગતૃષ્ણા

🌼🌼🌼