Padmarjun - 30 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ-૩૦)

આગળનાં ભાગમાં આપણે જોયું :

સારંગ ફરીથી પદમાને જોઈ રહ્યો.થોડાં સમય બાદ સારંગ આભાર માનવનાં બહાને પદમા પાસે ગયો.પરંતુ તેની સાથે શાશ્વત પણ હતો.પદમાને શાશ્વતની સાથે વાતો કરતાં જોઈને સારંગ અત્યંત ક્રોધિત થઇ ગયો.પરંતુ હાલ પૂરતો પોતાનાં પર સંયમ રાખી તેણે કહ્યું,

“શાશ્વત, પદમા તમે બંનેએ મારા રાજ્યાભિષેકનો કાર્યક્રમ ખુબ મનોરંજક બનાવ્યો એ માટે તમારા બંનેનો આભાર.”

રાજકુમાર સારંગ પદમા સામે જે રીતે જોઈને વાત કરી રહ્યો હત એ શાશ્વતને જરાં પણ ન ગમ્યું પણ કદાચ પોતાનાં નિરક્ષણમાં કંઇક ભુલ થઈ ગઈ હશે એમ વિચારીને તે ચુપ રહ્યો.થોડાં સમય બાદ શાશ્વત,પદમા અને રેવતી મહારાજ યુવરાજ સિંહની આજ્ઞા લઈને પોતાના ઘર તરફ ગયાં.

શાશ્વતને પદમા સાથે જોઇને સારંગે પોતાની બાજુમાં ઉભેલ ભાનુને ક્રોધથી કહ્યું,

"મને શાશ્વત વિશે પણ સંપૂર્ણ માહિતી જોઈએ."

"શાશ્વત,આશા રાખું છું કે તું અને પદમા માત્ર મિત્રો જ છો."સારંગ મનમાં જ બોલ્યો.

હવે આગળ :

નજીકનાં એક મિત્રનાં પુત્રનાં વિવાહ હોવાથી પદમા અને શાશ્વતનો પરિવાર તેમનાં પડોશી રાજ્યમાં જઇ રહ્યો હતો. બંને રાજ્ય વચ્ચેનું અંતર થોડું વધારે હતું તેથી તેઓ વચ્ચે બે-ત્રણ રાત્રીનું રોકાણ કરીને જવાનાં હતાં.

આખો દિવસ મુસાફરી કરીને થાકેલાં બંને પરિવાર વિશ્રામ કરવાં બેઠાં. બળદને પણ ગાડાથી છોડી દીધા અને ઘોડા સાથે વૃક્ષની નીચે બાંધી દીધાં.એક સ્ત્રીઓ માટે અને એક પુરુષ માટે એમ કુલ બે તંબુઓ બાંધ્યા.ભોજન કર્યાં બાદ બધા પોત-પોતાનાં તંબૂમાં જઇને સૂઈ ગયાં.

હજું થોડો સમય પણ માંડ વીત્યો હશે ત્યાં પદમાની આંખો ખુલી ગઈ.તેને ઉંઘ નહોતી આવતી તેથી તે તંબુની બહાર નીકળી અને નદીકિનારે એક પથ્થર પર બેસી.તે થોડી વાર બેઠી હશે કે તેને આભાસ થયો કે કોઈ તેની પાછળ ઉભું છે. તેણે હળવેથી પોતાની બાજુમાંથી પથ્થર ઉઠાવ્યો અને પાછળ ફરી.

“શાશ્વત તું?”પાછળ ઊભેલાં શાશ્વતને જોઈને પદમાએ કહ્યું અને ફરીથી પથ્થર પર બેસી ગઈ.શાશ્વત પણ કઇ બોલ્યાં વગર તેની બાજુમાં બેસી ગયો.

“આપણે સાથે છીએ એને કેટલો સમય થઇ ગયો નહીં?બાળપણથી અત્યાર સુધી હસવામાં અને ઝગડવામાં ક્યાં સમય પસાર થઇ ગયો કંઈ ખબર જ ન રહી.ચાલને બાકીનું જીવન પણ આમ જ સુખ-દુઃખમાં સાથે જ વિતાવી દઈએ.”શાશ્વતે કહ્યું.

“સાચી વાત છે તારી.”

“તો, શું વિચાર છે તારો?”

“શું તું નથી જાણતો?”

“જાણું છું ને,રોજ તારી આંખોમાં પણ વાંચું છું. પરંતુ આજે તારાં મુખેથી સાંભળવો છે.”

“આપણાં માતા-પિતાને કોણ જણાવશે?”

“મારા માતા-પિતાને તો મારા ખ્યાલ મુજબ તું પસંદ છો જ અને તારાં માતા-પિતાને પણ મારાં જેવો જમાઇ મેળવીને ખુશી જ મળવાની ને?”

“અચ્છા, તારામાં એવાં તે ક્યાં ગુણ છે?”

શાશ્વતે પદમાની આંખોમાં જોયું અને કહ્યું,

“મારામાં એવાં ઘણાં ગુણ છે જેનાં પર તું મોહી ગઇ છો.”

પદમાએ પોતાની આંખો ઝુકાવી દીધી.

“પદમા તારી આંખોથી તો હું રોજ સાંભળું છું આજે તારાં મુખથી કહી દે."

પદમા કંઇક કહેવા ગઇ પરંતુ ત્યાં જ દૂરનાં જંગલમાંથી સિંહની ગર્જના સંભળાણી.

“શાશ્વત, મને લાગે છે કે મારું અહીં રહેવું સુરક્ષિત નથી.”પદમાએ હસીને કહ્યું અને જવા માટે પાછળ ફરી. પરંતુ શાશ્વતે તેનો હાથ પકડીને રોકી લીધી.

“મને જવાબ તો આપતી જા.”

“હમ્મ…પહેલાં આપણાં બંનેના માતા-પિતાને મનાવ પછી જવાબ મળશે.”પદમાએ પોતાનો હાથ છોડાવ્યો અને પોતાના તંબૂમાં ચાલી ગઈ.

'તારી આંખોના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા,
જાણે મારાં પ્રસ્તાવ પર મને તારાં હસ્તાક્ષર મળી ગયાં.'

શાશ્વત ત્યાં બેઠો-બેઠો મલકયો ત્યાં જ ફરીથી સિંહની ગર્જના સંભડાણી.

“મને લાગે છે કે હવે તો મારું પણ અહીં રહેવું સુરક્ષિત નથી.”શાશ્વતે કહ્યું અને એ પણ પોતાનાં તંબુમાં ચાલ્યો ગયો.

...

શું સારંગને પદમા અને શાશ્વત વિશે ખબર પડશે?

નમસ્તે વાચકમિત્રો,તમારો પ્રતિભાવ અને રેટિંગ જરૂર આપજો.